જે દેશની સૌથી મોટી ખેતપેદાશ ઘઉ ંહોય એ દેશમાં લોટ માટે લોકોએ રસ્તા પર ઊતરવું પડે, મારામારી અને લૂંટફાટ કરવી પડે ત્યારે સંકટ કેટલી હદનું હશે એ વિચારી શકાય એમ છે. જોકે એના માટે પાકિસ્તાનની અવામ જેટલી જવાબદાર છે એના કરતાં વધારે શાસનકર્તાઓની નિષ્ક્રિયતા..
Column
પાકિસ્તાનમાં સંકટ
કહેવાય છે કે ‘જ્યારે તમે સ્વવિકાસની ખેવના સાથે પ્રથમ પગલું માંડો છો ત્યારે આગળનો વિકાસમાર્ગ ખોલી આપવા માટે ખુદ ઈશ્વર તમારી સહાય માટે આવી જતો હોય છે, પરંતુ જ્યારે તમે કોઈના વિનાશની મનસા સાથે પગલું માંડો છો ત્યારે પ્રથમ તમારા ખુદના વિનાશની શરૂઆત થતી હોય છે.’ જોકે આ વિધાન પાકિસ્તાન બાબતે છે એવું અમે ક્યાંય નથી કહી રહ્યા, હં!
પાકિસ્તાનની હમણાં જે હાલત છે એ જોઈને લાગી રહ્યું છે કે એને કોઈ દુશ્મનની જરૂર નથી. દેશના આંતરિક બખેડાઓ જ દેશને લઈ ડૂબશે. આર્થિક કટોકટીની પરિસ્થિતિ એટલી વકરી રહી છે કે કોઈ દેશની અધોગતિ માટે જવાબદાર એવાં બધાં જ કારણો સામે પાકિસ્તાન હાલ લડી રહ્યું છે. કૂદકે ને ભૂસકે વધતું દેવું, ફુગાવો, એનર્જી ઇમ્પોર્ટ અને ઘટતી ફૉરેક્સ રિઝર્વ જેવી બાબતો તો ટેન્શન વધારી જ રહી છે. એમાં વળી વૈશ્વિક ફુગાવો, રાજકીય અસ્થિરતા અને જીડીપી ગ્રોથમાં થઈ રહેલો સતત ઘટાડો જેવાં કારણો પણ પાકિસ્તાન માટે દુકાળમાં અધિક માસ જેવાં સાબિત થઈ રહ્યાં છે. કહી શકીએ કે જાણે સરકાર અને સામાન્ય જનતા બંને હાલ વેન્ટિલેટર પર છે. જોકે અહીં વિચાર માગી લેતી બાબત એ છે કે આ દેશને આટલા મોટા આર્થિક પતન તરફ લઈ જવા માટે જવાબદાર એવાં કારણો કયાં હશે?
અભ્યાસ વિના ઉદ્ધાર નહીં
ઉંમરની દૃષ્ટિએ જોઈએ તો ભારત અને પાકિસ્તાન બંનેની આઝાદીની ઉંમર સરખી છે. બંને દેશો ૭૫ વર્ષના થયા, પરંતુ એજ્યુકેશન અને એજ્યુકેશન સિસ્ટમ પાકિસ્તાનમાં હજીયે દેહાતી જ રહી છે. આંકડાઓ આ વાસ્તવિકતા એટલી સચોટ રીતે દર્શાવે છે કે કેટલીક વિગતો તો સાચે જ આપણું મન માનવા તૈયાર નહીં થાય. જો તમને એમ કહેવામાં આવે કે કોઈ પણ દેશની વસ્તીના આધારે શાળાએ જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં પાકિસ્તાન સૌથી તળિયાનો દેશ છે તો? નિરક્ષરતાનું પ્રમાણ એટલું ઊંચું છે કે આખા પાકિસ્તાનનાં લગભગ ૨૫ મિલ્યન જેટલાં બાળકો શાળાએ જતાં નથી. એટલું જ નહીં, કન્યાઓની વસ્તીના આધારે શાળાએ નહીં જતી કન્યાઓમાં પણ પાકિસ્તાન વિશ્વના બીજા ક્રમાંકનો દેશ છે. પાંચથી ૧૬ વર્ષની વયનાં લગભગ ૨૩ મિલ્યન પાકિસ્તાની બાળકો શાળામાં જતાં જ નથી. વર્ષોથી પાકિસ્તાન એનાં બાળકોના ભણતર પ્રત્યે અને એક સુંદર ભણતરવ્યવસ્થા ઊભી કરવા અંગે આળસુ રહ્યું છે.
અને આ માટેનાં કારણો શું? તો એક શિક્ષકોની અછત. આખી-આખી પેઢીઓ જ જ્યાં ભણતી ન હોય ત્યાં સ્વાભાવિક છે શિક્ષક ક્યાંથી મળશે? બીજું, ઘરથી શાળાનું અંતર અને ત્રીજું, સલામતી અર્થાત્ બીજા દેશોમાં ઉપદ્રવ ફેલાવતા દેશની પ્રજા પોતે પોતાના જ દેશમાં સુરક્ષિતતા મહેસૂસ નથી કરતી. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણ માટે આ કારણો સૌથી મોટા અવરોધો છે. બીજી સમસ્યા છે પ્રાથમિક અભ્યાસથી ઉચ્ચતર અભ્યાસ સુધીની સફરની. પાકિસ્તાનમાં દર ચાર બાળકમાંથી માત્ર એક જ બાળક દસમા ધોરણમાં પ્રવેશ મેળવે છે.
તમે નહીં માનો પણ પાકિસ્તાનના લગભગ ૨૯ ટકા જેટલા વાલીઓ પોતાના બાળકને નહીં ભણાવવા પાછળ એવું કારણ આપે છે કે ઘરથી શાળા ખૂબ દૂર છે! મતલબ કે ૭૫ વર્ષથી આ દેશમાં જેટલી પણ સરકારો આવી એમાંથી એકેયને શહેરે-શહેરે અને ગામેગામ શાળાઓ સ્થાપીને શિક્ષણવ્યવસ્થા સુધારવાનો અને મજબૂત બનાવવાનો વિચાર જ ન આવ્યો. એને કારણે પાકિસ્તાનનું શિક્ષણનું સ્તર ઉત્તરોત્તર ઘટતું જ રહ્યું. અને અભ્યાસ વિના ઉદ્ધાર નહીં એ બાબત તો સર્વવિદિત છે. તો નહીં ભણેલો છોકરો આતંકવાદ તરફ અને નહીં ભણેલી છોકરી અણસમજપૂર્વક બાળકો પેદા કરવાની ફૅક્ટરી બનવા તરફ વળે એમાં કોઈ નવાઈ નથી.
ADVERTISEMENT
લિંગભેદ
જ્યારે તમે પાકિસ્તાનની સામાજિક વ્યવસ્થા વિશે વાત કરતા હો ત્યારે લિંગ ભેદભાવનો મુદ્દો અતિ મહત્ત્વપૂર્ણ થઈ પડે છે. ૨૦૧૫ની સાલમાં એક ગ્લોબલ જેન્ડર ગૅપ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવ્યો હતો. એ ઇન્ડેક્સના આંકડાઓ અનુસાર પાકિસ્તાન વિશ્વના ૧૪૫ દેશોમાંથી સૌથી નીચેના ૧૪૪મા સ્થાને આવે છે. મતલબ કે પુરુષોની સંખ્યાની સરખામણીએ સ્ત્રીઓની સંખ્યાનો તફાવત પાકિસ્તાનમાં ઉચ્ચતમ સ્તરે છે.
લિંગ ભેદભાવનું આ સ્તર ભણતરની સાથે વર્કફોર્સમાં પણ જોવા મળે છે. મહદંશે પુરુષો જ ઘરની બહાર જઈને કામ કરી શકે એવી માનસિકતા હજીયે પાકિસ્તાનની કાયમ રહી છે અને સ્ત્રીઓએ તો ઘરમાં રહીને ઘરકામ જ કરવાનું એવો આગ્રહ અર્બન ફૅમિલીઝમાં પણ જોવા મળે છે. અને ધારો કે મૉડર્ન વુમન તરીકે કેટલીક સ્ત્રીઓ સારું ભણતર મેળવી શકી અને ઘરની બહાર કામ કરવાની તેમણે હિંમત કરી તો પાકિસ્તાનમાં જેન્ડર સૅલેરી ડિફરન્સ જબરદસ્ત મોટો છે. જેન્ડર સૅલેરી ડિફરન્સ બાબતે પાકિસ્તાને એટલા ઊંચા દરજ્જાની મહાનતા કેળવી છે કે એક પુરુષને જે કામ કરવાનો પગાર મળશે એ જ કામ કરવા માટે એક સ્ત્રીને પુરુષ કરતાં ૨૩ ટકા જેટલો ઓછો પગાર મળે છે. મતલબ કે કામ એકસરખું પણ વેતન ૨૩ ટકા જેટલું ઓછું. એટલું જ શું કામ, દેશની જીડીપીમાં જો પુરુષોની ભાગીદારી ૬૭.૮ ટકા જેટલી છે તો એની સામે સ્ત્રી શ્રમદળની ભાગીદારીનો રેશિયો માત્ર ૨૨ ટકા છે.
સામાજિક ભેદભાવ
ભારતને જાતિવાદ અને ઊંચ-નીચ રાખવા બાબતે વખોળતું આખું વિશ્વ પાકિસ્તાનમાં વર્ષોવર્ષથી જે સામાજિક ભેદભાવ ચાલે છે એ વિશે ક્યારેય બોલતું જણાયું નથી. કોઈ કૅન્સરની જેમ દેશને કોરી ખાતો મહત્ત્વપૂર્ણ સામાજિક મુદ્દો પાકિસ્તાનમાં શિયા અને સુન્ની મુસ્લિમ વસ્તી બાબતનો છે. આ બંને સમાજ વચ્ચે વર્ષોથી સાંપ્રદાયિક સંઘર્ષ થતો રહ્યો છે અને હજી આજેય થતો રહે છે. ૨૦૧૩માં અર્થાત્ આજથી ૧૦ વર્ષ પહેલાં ખુદ પાકિસ્તાનના માનવઅધિકાર પંચ દ્વારા એક વાર્ષિક અહેવાલ બહાર પાડવામાં આવ્યો હતો. એમાં પંચે એક અંદાજ રજૂ કર્યો હતો કે ૨૦૦થી વધુ સાંપ્રદાયિક આતંકવાદી હુમલાઓમાં લગભગ ૭૦૦ જેટલા શિયા મુસ્લિમ માર્યા ગયા હતા અને ૧,૦૦૦થી વધુ ઘાયલ થયા હતા. બીજો એક અંદાજ એવો પણ છે કે વર્ષ ૨૦૦૦થી થતી રહેલી અલગ-અલગ સાંપ્રદાયિક અથડામણોની ગણતરી કરીએ તો ૨૦૧૦ સુધીમાં જ એટલે કે માત્ર દસ વર્ષમાં લગભગ ૪,૦૦૦ લોકો માર્યા ગયા છે. એક દેશ જ્યારે જાતિવાદ અને સામાજિક ભેદભાવના કીચડમાં ખદબદતો રહ્યો હોય ત્યારે સ્વાભાવિક છે એનું સ્વવિકાસના વિચારને પ્રાધાન્ય આપવા જેવી બાબત પર ધ્યાન નહીં જ રહ્યું હોય.
ઉદાસીનતા અને ભ્રષ્ટાચાર
એવું નથી કે પાકિસ્તાનમાં સુધારાવાદીઓ નથી. એવું પણ નથી કે એવા દેશભક્તો નથી જેમને દેશ બચાવો અને વિકાસ કરો જેવા વિચારો નહીં આવતા હોય. કમનસીબે આઝાદી પછી પાકિસ્તાનમાં જેટલી પણ સરકારો આવી એમાંની એકેય સરકાર પાકિસ્તાનવાસીઓની ફરિયાદ સાંભળવા, પરિસ્થિતિ સુધારવા કે આંતરિક ઉદ્દીપક તરીકે કામ કરવા માટે તૈયાર જ નહોતી. લોકોની ફરિયાદો, માગણીઓ કે જીવનવ્યવસ્થાના સ્તર બાબતે દરેક સરકાર નબળા પ્રતિભાવો જ આપતી રહી.
ભ્રષ્ટાચાર પાકિસ્તાને એટલો વહાલો કર્યો છે કે મૂળભૂત જરૂરિયાત જેવી કે પોતાના ઘરમાં પાણીની લાઇન કે સિવેજ લાઇન લેવા માટે પણ સામાન્ય નાગરિક લાંચ ન આપે ત્યાં સુધી કામ નહીં થાય એની ખાતરી છે. એટલું જ નહીં, જે-તે શહેરની નગરપાલિકાથી લઈને સરકારમાં બેઠેલા ધારાસભ્યો સુધીના તમામ લોકોની સાથે દેશના ગણતરીના લોકો જ વ્યવસ્થા ચલાવે છે.
એક સમય એવો પણ આવ્યો હતો જ્યારે એ દેશની સરકારના મનમાં બેઠેલા અલ્લા જાગૃત થયા અને તેમણે પોતાની અને પોતાની ખુરશીની ચિંતા છોડીને દેશની ચિંતા કરવાનું નક્કી કર્યું. પાકિસ્તાની સરકારે નક્કી કર્યું કે આપણી સરકાર દેશના મુખ્ય મુદ્દાઓ વિશે વિચાર કરશે અને એના પર ચર્ચા કરીને યોગ્ય નિર્ણયો લેશે. વાહ, દેશના નાગરિકો ખુશ થઈ ઊઠ્યા કે આપણે કાબેલ સરકાર ચૂંટીને મોકલી છે. સરકારે જોયું કે આપણને દેશનો સાચો ચિતાર એટલા માટે નથી મળી રહ્યો, કારણ કે આપણે હમણાં સુધી ગરીબીરેખાની ગણતરીનું જે મૉડલ વાપરતા આવ્યા છીએ એ સાચું મૉડલ છે જ નહીં. આથી એ સમયની જાગૃત સરકારે ૨૦૦૧ના નમૂના સૂચકાંક તરીકે લઈને ગરીબીરેખાનું એક નવું મૉડલ તૈયાર કર્યું. તો પરિણામ એ આવ્યું કે સરકારને જાણવા મળ્યું કે આખા પાકિસ્તાનની કુલ વસ્તીમાં લગભગ ૬૦ મિલ્યન જેટલા લોકો તો ગરીબીરેખાની નીચે જીવી રહ્યા છે! અને આ સર્વે જ્યારે કરાયો હતો ત્યારે આ આંકડો દેશની વસ્તીના ૪૪ ટકા જેટલો હતો.
પાકિસ્તાનની લગભગ ૪૬ ટકા જેટલી વસ્તી કુપોષિત છે.
ખોરાક અને આરોગ્યના સંદર્ભમાં પાકિસ્તાનમાં ખરેખર જ સમસ્યા ખૂબ મોટી છે. અચ્છા, પાછું એવું પણ નથી કે આ કુપોષણની સમસ્યા ખોરાકની અછતને કારણે હોય. અરે ભાઈ ના, કુપોષણની સમસ્યા ખોરાકની વધતી જતી કિંમતોને કારણે સર્જાતી રહી છે. ઉત્તરોત્તર આ દેશમાં ખાધાખોરાકીની કિંમતો એટલી વધતી રહી છે કે એને કારણે ખાદ્ય સામગ્રી ખરીદવી પોસાય નહીં એવા લોકોની સંખ્યા વધતી જઈ રહી છે.
એને કારણે પાકિસ્તાનની અર્થવ્યવસ્થામાં અસમાનતાની ખાઈ દર વર્ષે મોટી જ થતી ગઈ. સતત વકરી રહેલા ભ્રષ્ટાચાર, ભણતર અને રોજગારની સતત ઘટતી જતી તકો અને સરકારની ઉદાસીનતાને કારણે પરિણામ એ આવ્યું કે ગરીબો વધુ ને ગરીબ અને અમીરો વધુ ને વધુ અમીર થતા રહ્યા, પણ સરકારને આ બદલાઈ રહેલા સામાજિક માળખા બાબતે ન તો દરકાર હતી કે ન તો ચિંતા. સંપત્તિમાં આ સતત વધતા જતા અંતરને કારણે દેશની વસ્તીના શિક્ષણસ્તરથી લઈને આરોગ્ય, રોજગાર વગેરે અનેક બાબતો એક પછી એક મોટી-મોટી સમસ્યાઓમાં પરિણમતી ગઈ.
ખેતીપ્રધાન છતાં આયાતકર્તા
જે દેશની સૌથી મોટી ખેતપેદાશ ઘઉં હોય એ દેશમાં લોટ માટે લોકોએ રસ્તા પર ઊતરવું પડે, મારામારી અને લૂંટફાટ કરવી પડે ત્યારે સંકટ કેટલી હદનું હશે એ વિચારી શકાય એમ છે. ૨૦૧૮ની સાલ સુધીમાં પાકિસ્તાનમાં ઘઉંનું ઉત્પાદન ૨૬.૩ મિલ્યન ટન સુધી પહોંચ્યું હતું, પરંતુ આ આંકડો જાણે અહીં જ સ્થગિત થઈ ગયો. જે દેશમાં ૨૦૧૨ની સાલમાં ૨૫થી ૨૩ મિલ્યન ટન ઘઉંની લણણી થઈ હોય એ દેશમાં છ વર્ષ પછી પણ આંકડો એનો એ જ રહે અને એ પણ ત્યારે કે જ્યારે ખેતીપ્રધાન દેશ હોય ત્યાં જ સમજાઈ જવું જોઈએ કે ખેતપેદાશો બાબતે દેશમાં કોઈ મોટી મુશ્કેલી છે જે નિવારવી જોઈએ.
જોકે ઘઉં, શેરડી, કપાસ અને ચોખા જેવી ખેતપેદાશો કુલ પાકના ઉત્પાદનમાં ૭૫ ટકા જેટલી હિસ્સેદારી ધરાવતી હોવા છતાં સરકારને સ્થગિત થઈ ગયેલા આંકડાઓ વિશે કંઈ જ પડી નહોતી. ચોખા, કપાસ, માછલી, ફળો (ખાસ કરીને નારંગી અને કેરી) અને શાકભાજીની નિકાસ કરતો દેશ પાકિસ્તાન વનસ્પતિ તેલ, કઠોળ જેવા ખાદ્ય પદાર્થોની તો આયાત કરે જ છે. જોકે સૌથી મોટી વાત આ દેશ માટે એ છે કે મુખ્ય ખેતપેદાશ તરીકે ઘઉંની ખેતી કરતો હોવા છતાં આ દેશે ઘઉંની પણ આયાત કરાવી પડે છે. આજ સુધી એક પણ સરકારને એવો વિચાર સુધ્ધાં નથી આવ્યો કે ઘઉંનું ઉત્પાદન દેશમાં જ વધારી શકાય એ માટે શું કરવું જોઈએ.
એક ખેતીપ્રધાન દેશ હોવા છતાં પાકિસ્તાનમાં આઝાદી પછી જીડીપીમાં ખેતીની હિસ્સેદારી સતત ઘટતી રહી. એક સમય હતો જ્યારે પાકિસ્તાનની જીડીપીમાં ૫૩ ટકા જેટલી હિસ્સેદારી ખેતી અને ખેતપેદાશોની હતી, જે આજે માત્ર ૨૨ ટકા રહી ગઈ છે. ઉપલબ્ધ આંકડાઓ અનુસાર ૧૯૯૩થી ૧૯૯૭ સુધી પાકિસ્તાનમાં કૃષિક્ષેત્રનો વૃદ્ધિદર જે સરેરાશ ૫.૭ ટકા હતો એ ઘટીને ૪ ટકા થઈ ગયો અને ત્યાર બાદ તો આ વૃદ્ધિદર સતત ઘટતો જ રહ્યો.
ખેતીપ્રધાન દેશ હોવા છતાં પાકિસ્તાનીઓનું ખેતીમાં આધુનિક પદ્ધતિઓ શીખવા કે સ્વીકારવા બાબતે સતત ઉદાસીન વલણ જ રહ્યું. જૂની સિંચાઈપદ્ધતિઓને જ વળગ્યા રહેવાને કારણે કુદરતી ઊર્જાનો બગાડ હજીયે સતત થઈ રહ્યો છે.
એવામાં વળી પડતાને પાટુ જેવી પરિસ્થિતિ પૂરને કારણે સર્જાઈ. જૂનથી ઑક્ટોબર ૨૦૨૨ દરમિયાન પાકિસ્તાનમાં વિનાશક પૂર આવ્યું હતું. લગભગ ૩૩ મિલ્યન લોકોને માઠી અસર પહોંચાડનાર આ પૂરને કારણે લગભગ ૩૦ અબજ ડૉલરનું નુકસાન પાકિસ્તાને વેઠવું પડ્યું.
વિશ્વના માંધાતા અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે જો પાકિસ્તાનને તાત્કાલિક બેલઆઉટ પૅકેજ આપવામાં નહીં આવે તો આર્થિક સ્થિતિ ખૂબ વણસી શકે છે. રૉઇટર્સના એક અહેવાલ અનુસાર હાલની પરિસ્થિતિ સામે લડવા માટે પાકિસ્તાનને જૂન ૨૦૨૩ સુધીમાં કમસે કમ ૩૦ બિલ્યન ડૉલરના બાહ્ય ધિરાણની જરૂર પડશે. હાલ પાકિસ્તાન એકમાત્ર આશાનાં કિરણોની આંગળી પકડીને શ્વાસ લઈ રહ્યું છે કે ૧.૧ બિલ્યન ડૉલરનો આઇએમએફ બેલઆઉટ ટ્રાંચ જલદીથી રિલીઝ થાય જે હાલ સમીક્ષા હેઠળ હોવાને કારણે અટકી પડ્યો છે.