સૌથી મોટી તકલીફ એ થઈ કે ખાલિસ્તાનની ચળવળ પ્રજાના ધર્મ અને સંસ્કૃતિનું અસ્તિત્વ જળવાઈ રહે અને સુરક્ષાની ખાતરી મળે એવા હેતુથી થઈ હતી એ પછીથી રાજકારણનો ધંધો બની ગઈ
હમકો મંગતા ખાલિસ્તાન
અમ્રિતપાલ સિંહનાં કારનામાંઓને કારણે ખાલિસ્તાની વિચારધારા ચર્ચામાં છે ત્યારે જાણવું જરૂરી છે કે અમ્રિતપાલ તો એક મોહરું છે. જાતિવાદ અને અલગાવવાદનું ઝેર એટલું ઊંડું છે કે એનાં મૂળિયાં છેક બ્રિટિશ શાસન સુધી અડે છે જે કાશ્મીરની જેમ પંજાબના સિખોને હજી પણ દઝાડી રહ્યું છે
મૂવી થિયેટરોમાં ગ્રેનેડ અને બૉમ્બ ફેંકવામાં આવ્યા હોવાના અનેક અહેવાલો, ભીડવાળા બજારોમાં આતંકવાદીઓ દ્વારા અંધાધૂંધ ગોળીબાર કર્યો હોવાની ખબરો કે હિન્દુઓને બસો અને ટ્રેનોમાંથી ઉતારી લેવાની અને તેમની હત્યા કરી નાખવા જેવી ઘટનાઓ આ ગાળા દરમિયાન સામાન્ય હતી.
ADVERTISEMENT
આપણે ધારણા પણ મૂકી શકીએ એમ છીએ કે આશરે ૧૨૩ વર્ષ પહેલાંની કોઈક વ્યક્તિ કે વ્યક્તિસમૂહમાં વિદ્રોહ તરીકે જન્મેલી કોઈ બાબત આજે સપાટી પર આવીને એની અસર દેખાડી રહી હોય? છેલ્લા લગભગ એક અઠવાડિયાથી અમ્રિતપાલ સિંહ અને ખાલિસ્તાન વગેરેની ચર્ચા જબરદસ્ત આગ પકડી રહી છે. આ બાબતે જ એક ઘટના દ્વારા ગયા બુધવારની સાંજે તો આ નવા યુગના ભારતે વિશ્વઆખાને પરચો પણ દેખાડી દીધો કે દબાવી શકાય, ધમકાવી શકાય એવું ભારત હવે રહ્યું નથી. અમ્રિતપાલ સિંહ વિરુદ્ધ ભારતમાં જે કાર્યવાહી થઈ રહી છે એના વિરોધમાં લંડનમાં ત્રિરંગો નીચે ઉતારવામાં આવ્યો હતો. આ ઘટના સામે આકરી ટિપ્પણી કરતાં ભારતે બ્રિટિશ સરકારને ‘આ નહીં જ ચલાવી લેવાય!’ એવું તો જણાવ્યું જ, સાથે દિલ્હીમાં સ્થિત બ્રિટિશ હાઈ કમિશનની બહારથી બધી જ સિક્યૉરિટી વ્યવસ્થા પણ હટાવી લેવામાં આવી. આટલા હોબાળા પછી હવે એટલું તો આપણે જાણી જ ચૂક્યા છીએ કે અમ્રિતપાલ સિંહ એ જ વ્યક્તિ છે જે ખાલિસ્તાનની સ્થાપનાનો સમર્થક છે અને ભારતથી છૂટા પડીને એક અલગ દેશ બનાવવાની ખેવના રાખી રહેલો બગડેલો ભારતીય છે.
ખાલિસ્તાન અને ખાલિસ્તાન સમર્થક જેવા શબ્દો આપણે ૧૯૮૦ના દાયકામાં સાંભળ્યા હતા. ત્યાર બાદ ઘણા લાંબા સમય સુધી બધું શાંત થઈ ગયું હતું અને હવે ફરી એક વાર આ વિચારધારા અને માગણી માથું ઊંચકી રહ્યા છે. જોકે ખાલિસ્તાનની માગણી કે વિચાર ૧૯૮૦ની સાલમાં જન્મ્યો નહોતો. આ વિચાર જૂનો છે. એટલો જૂનો કે હવે તો એના પર ૧૨૩ કરતાં પણ વધુ વર્ષોનાં પડળો જામી ચૂક્યાં છે. આ વિચારધારા પાછળની મૂળ ઘટના વિદ્રોહની હતી. ભારતમાં બ્રિટિશ શાસન સામે લડત શરૂ થઈ ચૂકી હતી. અંગ્રેજોને સમજાઈ ગયું હતું કે હવે ભારત અને ભારતીયોને કોઈ મૂંગા પ્રાણીની જેમ ગુલામ બનાવીને વધુ લાંબો સમય રાખી શકાય એમ નથી. આથી તેમણે વિશ્વની સૌથી જૂની છતાં સૌથી અસરકારક એવી સાઇકોલૉજિકલ રમત રમવી શરૂ કરી. અંગ્રેજ શાસન બાદ જ ભારતમાં જાણીતી બનેલી એ ઉક્તિ ‘ડિવાઇડ ઍન્ડ રૂલ!’ બ્રિટિશરોએ પ્રૅક્ટિસમાં લાવવું શરૂ કર્યું. સિખ પ્રજા પહેલેથી જ બાહોશ અને જુસ્સાવાળી પ્રજાતિ છે. થયું એવું કે જ્યારે અંગ્રેજ શાસન સામે હિન્દુ રાજવીઓએ બળવો કરવા માંડ્યો ત્યારે તેમની સામે લડત લેવા માટે બ્રિટિશ આર્મીમાં અંગ્રેજોએ મોટી સંખ્યામાં સિખોની ભરતી કરવા માંડી. ભારતના જ બાહોશ દીકરા સિખોને તેમના જ દેશના હિન્દુ શાસકો સામે લડાવવા માંડ્યા. ધીરે-ધીરે આ રીતે તેમણે સિખોમાં એવી માનસિકતા ઊભી કરવા માંડી કે તેમના જ દેશના શાસકો તેમની વિરુદ્ધ લડી રહ્યા છે. હિન્દુ શાસકો પોતાના જ ભાઈઓને મારી નાખવા માગે છે, અન્યાય કરવા માગે છે. તેઓ તેમને ભારતીય કે પોતાના જ ભાઈ-ભાંડુ ગણાતા જ નથી. ધીમા ઝેર તરીકે આપવામાં આવતા વિચારો સમય વીતતા સિખોના દિમાગમાં બેસી ગયા. કેટલાક કટ્ટર સિખો એવું જ માનવ માંડ્યા કે ભારત તેમનો દેશ નથી, ભારતીયો તેમના નથી અને તેમને અન્યાય કરી કાઢી મૂકશે અથવા મારી નાખશે.
અન્યાયની લાગણી વિકરાળ સ્વરૂપ
આ કારણથી ૧૯૪૭માં જ્યારે દેશ આઝાદ થયો ત્યારે પંજાબ રાજ્ય અને નવી બનેલી કેન્દ્ર સરકાર વચ્ચેનો તનાવ સપાટી પર આવી ગયો અને તેમણે સિખો ભારતનો હિસ્સો બનીને નહીં રહે અને તેમનો અલગ દેશ હશે ખાલિસ્તાન (શુદ્ધ ભૂમિ) એવી માગણી કરી. અંગ્રેજોએ મેલી મુરાદ સાથે કાન અને દિમાગમાં રેડેલું એ જાતિવાદ, વિસ્તારવાદ અને અલગાવવાદનું ઝેર પોતાની એટલી અસર તો દેખાડી જ ચૂક્યું હતું કે ભારતના બે ભાગલા થઈ રહ્યા હતા - ભારત અને પાકિસ્તાન. એમાં પણ પંજાબને તો મોટું નુકસાન વેઠવું પડ્યું, કારણ કે હવે આ નવા બે દેશોમાં અડધું પંજાબ એક દેશમાં અને અડધું બીજા દેશમાં વિભાજિત થઈ જવાનું હતું. આ જોઈને કટ્ટરપંથી સિખોને વધુ વસમું લાગ્યું. તેમની અવગણના અને અન્યાય થઈ રહ્યો હોવાની લાગણી વધુ બળવત્તર બની અને તેમને ફરી એક વાર સિખો માટે અલગ દેશની માગણી કરી અને છૂટછવાઈ ચળવળ પણ ચલાવી. આ જખમોને હજી સરખી મલમપટ્ટી પણ નહોતી થઈ ત્યાં ૧૯૬૬ની સાલમાં ફરી એક વાર પંજાબ અને પંજાબીઓ ઘવાયા. આ વખતનો ઘા સાચે જ મોટો અને ઝટથી રુઝાય એમ નહોતો. ભાષા અને ધર્મ બહુમતીને આધારે ભારતના પંજાબના ત્રણ ટુકડા થયા. પંજાબી બોલતા અને સિખ ધર્મ અનુસરતા પંજાબીઓને પંજાબ મળ્યું અને હિન્દુ ધર્મમાં માનતા અને હિન્દી ભાષીઓને બે નવાં રાજ્યો મળ્યાં હરિયાણા અને હિમાચલ પ્રદેશ.
આ વખતે દેશમાં આંતરિક ભાગલા પડ્યા અને એ પણ ભાષાકીય રેખા દ્વારા. એટલું જ નહીં, ચંડીગઢને પંજાબ અને હરિયાણાની સંયુક્ત રાજધાની તરીકે સ્વીકારવામાં પણ ઘણા સિખોએ નારાજગી વ્યક્ત કરી. વળી બંને રાજ્યો વચ્ચે નદી અને પાણીની વહેંચણી અંગે જે કરારો થયા એમાં પણ અનેક પંજાબી લીડરોને અને ખેડૂતોને લાગ્યું હતું કે પંજાબના ખેડૂતોને નુકસાન પહોંચાડવા માટે હરિયાણાના ખેડૂતોની તરફેણમાં આ કરારો કરવામાં આવ્યા છે. તો વળી સિખોમાં એવી પણ ભીતિ હતી કે હવે ત્રણ-ત્રણ અલગ રાજ્યો થવાને કારણે સિખ ધર્મગુરુઓ તેમની સત્તા અને સિખ જનસમુદાય તેની ઓળખ અને સંસ્કૃતિ ગુમાવી દેશે. આથી પંજાબ ભારતનો હિસ્સો ન રહેતાં એક અલગ રાષ્ટ્ર તરીકે પ્રતિપાદિત થવું જ જોઈએ.
પંજાબના અને દેશના રાજકારણમાં પણ આ મુદ્દો ઊઠતો અને યેનકેન પ્રકારે શાંત કરી દેવામાં આવતો રહ્યો. ૧૯૦૦ની સાલ બાદ ૧૯૪૭ની અને હવે ૧૯૬૬. આ ત્રીજી વારની એવી ઘટના હતી જ્યારે સિખોને તેમને અન્યાય થઈ રહ્યો હોવાની લાગણી જન્મી અને અલગ દેશ ખાલિસ્તાન બનાવવાની માગણી થઈ. હવે આટલા સમયમાં ઘણા સિખ ધર્મગુરુઓ, રાજકારણીઓ અને દેશના અન્ય પક્ષોને એ સમજાઈ ચૂક્યું હતું કે સાચો ફાયદો પ્રજાને સમયે-સમયે એ સમજાવતા રહેવામાં જ છે કે સિખોને અન્યાય થયો છે, તેમની સાથે ભેદભાવ થયો છે, ધર્મ અને રાજકીય નીતિઓ અને કટ્ટરપંથી નેતાઓ તેમનું શોષણ કરી રહ્યા છે. આવા પ્રચારોની તાવી પર ઘણાની રાજકીય, નાણાકીય, સત્તાકીય રોટલીઓ શેકાઈ રહી હતી. આથી ફરી એક વાર એવી કથા રચવામાં આવી કે સિખોનાં હિતો માત્ર ખાલિસ્તાન નામના સ્વતંત્ર સિખ દેશમાં જ સુરક્ષિત રહેશે. ત્યાર બાદ ધીરે-ધીરે સિદ્ધાંતહીન રાજકારણ અને ધાર્મિક ઓળખને નામે તેને વધુ ને વધુ જટિલ બનાવતા જવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, જેને કારણે પંજાબમાં કટ્ટરપંથી સિખ દળોનો જન્મ થતો ગયો.
ચળવળમાં, ચળવળનું રાજકારણ
આ ચળવળના એક મહત્ત્વના લીડરનો ઘટનાક્રમ ખરેખર સમજવા જેવો છે. ઘણા લોકો તેને ખાલિસ્તાન ચળવળના મૂળ પ્રણેતા તરીકે પણ ગણાવે છે જે ખોટું છે, કારણ કે ખાલિસ્તાન ચળવળ તો તેમના પહેલાંથી જ ચાલતી હતી. જોકે અહીં ખુલાસો વ્યક્તિગત સ્વાર્થનો મળે છે. નામ છે જગજિત સિંહ ચૌહાણ. દાંતના ડૉક્ટર એવા જગજિત સિંહ ૧૯૬૭ની સાલમાં રિપબ્લિકન પાર્ટી તરફથી ચૂંટણી લડે છે. હોશિયારપુરની ટાંડા કૉન્સ્ટિટ્યુઅન્સીમાંથી તેઓ જીતે પણ છે અને રાજ્ય સરકારમાં ડેપ્યુટી સ્પીકર તરીકેનું પદ હાંસલ કરે છે. ત્યાર બાદ અકાલી દળ સાથેની સાઠગાંઠવાળી સરકારમાં જ્યારે લચ્છમન સિંહ ગિલ પંજાબના મુખ્ય પ્રધાન બન્યા ત્યારે જગજિત સિંહને ઉપમુખ્ય પ્રધાન બનવાનો મોકો મળી ગયો અને તેમણે એ સખુશી ઝડપી પણ લીધો.
પરંતુ ત્યાર પછી ૧૯૬૯ની રાજ્યની ચૂંટણીમાં તેમણે જ્યારે ફરી વાર ઉમેદવારી નોંધાવી ત્યારે હારી ગયા. સત્તાનો સ્વાદ ચાખી ગયેલા આ નેતા ત્યાર બાદ લંડન ચાલી ગયા અને ત્યાંથી તેમણે અલગ રાષ્ટ્ર ખાલિસ્તાનની ચળવળ શરૂ કરી અને ફૉરેન લૅન્ડ પરથી ભારત સામે બળવો પોકારતા અલગ રાષ્ટ્ર રચવાની જાહેરાત કરી. એ પછીના એકથી દોઢ જ વર્ષમાં ૧૯૭૧માં આ સોકોલ્ડ નેતા પાકિસ્તાન ગયા. કારણ શું દેખાડવામાં આવ્યું? એ સમયના પાકિસ્તાન આર્મી ડિક્ટેટર યાહ્યા ખાન દ્વારા એક મોટા ગજાના સિખ લીડર તરીકે તેમને પાકિસ્તાન આવવાનું આમંત્રણ અપાયું હતું. અને આશય હતો પાકિસ્તાનમાં રહેતા સિખોને જગજિત સિંહ દ્વારા એક સારો લોકલ નેતા આપવામાં આવે. એટલું જ નહીં, ભલા-ભોળા સંત જેવા પાકિસ્તાને જગજિત સિંહજીને એમ પણ કહ્યું કે તેમણે વારંવાર પાકિસ્તાન આવતા રહેવું જોઈએ અને સિખ સમુદાયના લોકોને ભેગા કરી મજબૂત બનાવવા જોઈએ, દેશમાં તેમના ફૉલોઅર્સ વધારવા જોઈએ. સમજાય છે આખીયે કરમકહાણી અને નિ:સ્વાર્થ સિખ સેવા કરનારા, સિખો માટે અલગ રાષ્ટ્રનું સપનું દેખાડનારા જગજિત સિંહજીની ભેખધારી સેવા? પંજાબના આંતરિક ભાગલા પડ્યા હતા ૧૯૬૬માં. જગજિત સિંહ ચૂંટણી જીત્યા ૧૯૬૭માં. ચૂંટણી હાર્યા ૧૯૬૯માં અને સિખો માટે અલગ રાષ્ટ્ર અને સિખો પરત્વે સહાનુભૂતિ જન્મી ૧૯૭૦માં. મતલબ ભાગલા પડ્યા ત્યાં સુધી વાંધો નહીં, ચૂંટણી જીત્યા એ તો પતાસાં ખાવાલાયક ખુશી હતી; પણ ચૂંટણી હાર્યા કે તરત સિખોને થઈ રહેલો અન્યાય, ધર્મ અને સંસ્કૃતિની જાળવણી અને અલગ રાષ્ટ્ર બધું જ યાદ આવ્યું.
ત્યાર બાદ એપ્રિલ ૧૯૭૮માં જરનૈલ સિંહ ભિંડરાવાલેની આગેવાની હેઠળ કટ્ટરપંથી સિખ જૂથો અને નિરંકારી સંપ્રદાય વચ્ચે હિંસક અથડામણો દ્વારા ખાલિસ્તાન માટેની ચળવળની પંજાબમાં જ નહીં પણ આખા દેશમાં મોટા પાયે શરૂઆત થઈ. ૧૯૮૦માં ભિંડરાવાલે અને તેના સમર્થકોએ હિન્દુઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું અને ‘પંજાબ કેસરી’ના પ્રકાશક અને ભિંડરાવાલેના ટીકાકાર એવા લાલા જગત નારાયણની હત્યા કરી નાખવામાં આવી. આ ઘટના બાદ તો પંજાબમાં સામાન્ય નાગરિકો પણ સામસામે આવી ગયા અને ખૂબ મોટા પાયે હિંસાઓ શરૂ થઈ ગઈ. ૮૦ના દાયકાનો અંત ભાગ આવતા સુધીમાં એક લાગણીહીન અને લોહિયાળ ઝુંબેશમાં પરિવર્તિત થઈ ગઈ.
આ પણ વાંચો: સજાતીય લગ્નને મંજૂરી આપવાથી સમાજવ્યવસ્થા બગડી જશે?
૧૯૮૦-’૯૦ના દાયકામાં તો ખાલિસ્તાન ચળવળ એની ચરમસીમાએ પહોંચી ચૂકી હતી. આ હિંસક ઝુંબેશ હવે બૉમ્બધડાકા, હત્યા અને અપહરણ જેવાં કૃત્યો સુધીનું વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી હતી જેમાં સૌથી વધુ નુકસાન સામાન્ય નાગરિકોનું થઈ રહ્યું હતું. લગભગ ૧૨,૦૦૦ સિખો અને આશરે ૨૨,૦૦૦ હિન્દુઓ ખાલિસ્તાનની માગણીની ચળવળના નામે હમણાં સુધીમાં મોતને ઘાટ ઊતરી ચૂક્યા હતા. ૧૯૮૫માં કૅનેડામાં સ્થિત ખાલિસ્તાની અલગતાવાદીઓએ ટૉરોન્ટોથી નવી દિલ્હી જતી ઍર ઇન્ડિયાની એક ફ્લાઇટમાં બૉમ્બવિસ્ફોટ કર્યો અને એક રાજ્યમાં ચાલતી ચળવળ જે દેશમાં પ્રસરી ચૂકી હતી એ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી ગઈ. ૧૩ વર્ષથીયે ઓછી ઉંમરનાં ૮૨ બાળકો સહિત તમામ ૩૨૯ લોકો આ ઘટનામાં માર્યા ગયા.
ખાલિસ્તાનના નામે ત્રાસવાદ અને આતંકવાદની એવી શરૂઆત થઈ ચૂકી હતી કે પોતાને ખાલિસ્તાનની ચળવળ ચલાવનાર ગણાવીને અનેક યુવાનો હવે વેપારીઓ અને જમીનમાલિકો પર દબાણ ઊભું કરીને પ્રોટેક્શન મનીની માગણી કરવા માંડ્યા હતા. પૉલિટિકલ સાયન્સના કૅનેડિયન પ્રોફેસર હેમિશ ટેલફોર્ડે તેમની નોંધમાં લખે છે કે ‘ખાલિસ્તાન ચળવળ ગુંડાગીરીમાં પરિવર્તિત થઈ ગઈ. આતંકવાદીઓ વધુ ને વધુ લૂંટ, છેડતી, બળાત્કાર, અંધાધૂંધ હત્યાઓ અને નિર્દોષ નાગરિકો પર સતત દબાણ વધારવા માંડ્યા હતા. ૧૯૯૧ની સાલ આવતા સુધીમાં તો ખાલિસ્તાનની ચળવળ ચલાવનારા યુવાનો ખાલિસ્તાન ભૂલીને સિખ આતંકવાદી ગૅન્ગ બનાવવા માંડ્યા.’
હિન્દુ અને સિખ સામે હિંસા
૧૯૦૦ની સાલથી લઈને ૧૯૯૧-’૯૨ સુધીની અનેક ઘટનાઓમાં સરવાળે સૌથી મોટા નુકસાનનો ભોગ નિર્દોષો બન્યા છે. એવા સિખ જેમને ખાલિસ્તાન ચળવળનો વિરોધ કરવા બદલ અલગતાવાદીઓ દ્વારા મારી નાખવામાં આવ્યા. જેમ કે ૧૯૯૦-’૯૧માં આતંકવાદી હુમલાનો ભોગ બનેલા ૭૦ ટકાથી વધુ સિખ નાગરિકો હતા. એમાં પણ મજહબી સિખો (પંજાબમાં નીચલી જાતિના સિખો) વારંવાર આતંકવાદી હુમલાઓનો ભોગ બન્યા હતા.
સાંપ્રદાયિક તનાવને એ રીતે ભડકાવવામાં આવ્યો કે ડરના માર્યા અનેક હિન્દુઓએ પંજાબ છોડીને ભાગી જવું પડ્યું અથવા એક દબાણ ઊભું કરવાની વ્યૂહરચનાના ભાગરૂપે હિન્દુઓને મોટી સંખ્યામાં નિશાન બનાવવામાં આવવા માંડ્યા. વ્યવસ્થિત વ્યૂહરચના દ્વારા પંજાબના ગામડે-ગામડે એવાં પોસ્ટરો દેખાતાં હતાં જેમાં હિન્દુઓને રાજ્ય છોડી જવાની ધમકીઓ આપવામાં આવતી. જે સિખો હિન્દુઓને મદદ કરવા માગતા તેમને પણ આતંકવાદીઓ દ્વારા ધમકી આપવામાં આવતી. પરિણામે હજારો હિન્દુઓ પંજાબમાં તેમનાં ઘર છોડીને પાડોશી રાજ્યો અને નવી દિલ્હીમાં શરણાર્થીઓ તરીકે રહેવા આવી ગયા.
૧૯૮૬ના ડિસેમ્બર મહિનાની ઠંડીમાં અગનજ્વાળા જેવી ઘટના ઘટી હતી. હોશિયારપુર જિલ્લાના ખુદા ગામ પાસે આતંકવાદીઓ દ્વારા બસમાંથી ઉતારી દેવાયા બાદ ૨૪ હિન્દુ મુસાફરોની હત્યા કરી નાખવામાં આવી હતી. આવી જ એક ઘટના એના ચાર જ મહિના પહેલાં મુક્તસરમાં પણ ઘટી હતી. એક બસમાં જેટલા સિખ મુસાફરો હતા તેમને ચાલ્યા જવાનું કહીને બાકીના ૧૫ હિન્દુ મુસાફરોની કતલ કરવામાં આવી હતી.
માર્ચ મહિનો અને ૧૯૮૮ની એ સાલ જ્યારે ખાલીસ્તાની આતંકવાદીઓએ હોશિયારપુર જિલ્લામાં હોળીના તહેવારની ઉજવણી કરતા ગ્રામજનો પર અંધાધૂંધ ગોળીબાર કરીને ૩૨ લોકોને મારી નાખ્યા અને ૨૫થીયે વધુ લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાની આગલી રાત્રે જ દેશના બીજા હિસ્સામાં અલગ-અલગ ઘટનાઓમાં ૧૨ હિન્દુઓની હત્યા કરવામાં આવી હતી. ૧૯૮૯ની સાલનો એ જૂન મહિનો જ્યારે હિન્દુ મુસાફરોના જીવ બચાવવા માટે દરમિયાનગીરી કરવા બદલ આતંકવાદીઓ એ બે સિખ બસ મુસાફરોને ગોળી મારી દીધી હતી. તો એ જ વર્ષના નવેમ્બર મહિનામાં પટિયાલા શહેરમાં થાપર એન્જિનિયરિંગ કૉલેજની હૉસ્ટેલમાં સૂતેલા ૧૯ વિદ્યાર્થીઓને વગર વાંકે આતંકવાદીઓએ ગોળી મારી દીધી.
૧૯૯૧નો જૂન મહિનો તો એવી બર્બરતા લઈને આવ્યો હતો કે બે ટ્રેનોમાં ખાલિસ્તાન કમાન્ડો ફોર્સના આતંકવાદીઓ દ્વારા ૧૨૫ સ્ત્રી-પુરુષો અને બાળકોની હત્યા કરવામાં આવી હતી. ટ્રેનને બદ્દોવાલ શહેર નજીક તેમણે રોકી અને અંધાધૂંધ ગોળીબાર કરવા માંડ્યો. જ્યારે સ્ટેશન નજીક જ ઊભેલી બીજી એક ટ્રેનમાં આતંકવાદીઓએ સિખ અને હિન્દુ મુસાફરોને અલગ કર્યા, હિન્દુઓને ટ્રેનમાંથી ઊતરી જવા કહ્યું અને ત્યાર બાદ તે બધાને ફાંસીએ લટકાવી દેવામાં આવ્યા હતા. ૧૯૯૨ના મે મહિનાની ઘટના જ્યારે પટિયાલાના ઑલ ઇન્ડિયા રેડિયો સ્ટેશનના ડિરેક્ટર એમ. એલ. બબ્બરને ખાલસાના આતંકવાદીઓએ માત્ર પંજાબીમાં કાર્યક્રમ પ્રસારિત કરવાનો આદેશ આપ્યો હતો અને એમ નહીં કરતાં તેમનું અપહરણ કરીને માથું વાઢી નાખવામાં આવ્યું. એમ. એલ. બબ્બરના મૃત શરીરનું ધડ પટિયાલામાં છોડી દેવામાં આવ્યું હતું અને તેમનું માથું અંબાલામાં નાખવામાં આવ્યું હતું.
આ આખા ઘટનાક્રમમાં સૌથી મોટી તકલીફ એ ઊભી થઈ કે ખાલિસ્તાનની માગણી અને એ માટેની ચળવળ જે પહેલી વાર અવગણના અને અન્યાયનો સામનો કરી રહેલી પ્રજાના ધર્મ અને સંસ્કૃતિનું અસ્તિત્વ જળવાઈ રહે અને તેમની સુરક્ષાની ખાતરી મળે એવા હેતુ થઈ હતી. એને પાછળથી તે જ જ્ઞાતિના રાજકારણીઓ અને લીડરો દ્વારા સ્વાર્થ અને રાજકારણનો ધંધો બનાવી દેવામાં આવી. ડ્રગની સ્મગલરીથી લઈને પાકિસ્તાનનો ટેકો લેવા સુધી અને આંતરરાષ્ટ્રીય સ્તરે ફંડ જમા કરવાથી લઈને રાજ્ય અને કેન્દ્ર સરકારમાં સત્તા મેળવવા સુધીના દરેક પગલે ખાલિસ્તાનનું નામ અને એની ચળવળનો ઉપયોગ કરવામાં આવ્યો.
ઇન્દિરા ગાંધીના અસેસિનેશનથી લઈને ઑપરેશન બ્લુસ્ટાર સુધીની ઘટનાઓ આપણાથી અજાણી નથી. ભિંડરાવાલે દેખીતી રીતે ખાલિસ્તાન ચળવળનો લીડર હતો, પરંતુ તે લીડર ચળવળના નેજા હેઠળ આતંકવાદી અભિયાનનું એવું કેન્દ્ર બની ગયો કે અમૃતસરના હરિમંદિર સાહિબને હેડક્વૉર્ટર બનાવીને ખુદ સિખ ધર્મના મૂળભૂત સિદ્ધાંતોનું ઉલ્લંઘન કર્યું. તેણે સિખ મંદિરોમાં શસ્ત્રો અને દારૂગોળાનો સંગ્રહ કરવા માંડ્યો. રાજ્ય કે કેન્દ્ર સરકાર સાથે પછી તો ખાલિસ્તાન વિષયક કોઈ ચર્ચા કરવાની પણ તેણે ના કહી દીધી. આખરે ઑપરેશન બ્લુસ્ટારનું પરિણામ એ આવ્યું કે વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા થઈ. એ હત્યાના જવાબમાં ઑક્ટોબર ૧૯૮૪માં નવી દિલ્હીમાં લગભગ દરેક સ્થળે સિખવિરોધી કાર્યક્રમો થયા અને અંદાજે ૩,૦૦૦થીયે વધુ નિર્દોષ સિખોનો એમાં જીવ ગયો.
જમ્મુ-કાશ્મીર જેવી જ મોડ્સ ઑપરેન્ડી જણાતી આ ઘટનામાં દેશમાં અને દેશ બહારની ઘણી એવી શક્તિઓ અને વ્યક્તિઓ હતી અને આજે પણ છે કે જેમને આ તનાવ અને હિંસા ચાલતી રહે એમાં રસ છે. જેમ કે એ વખતે અને આજના સમયમાં પણ ખાલિસ્તાન ચળવળને યુનાઇટેડ સ્ટેટ્સ, કૅનેડા અને યુનાઇટેડ કિંગડમસ્થિત પ્રો-ખાલિસ્તાન અલગતાવાદીઓ તેમ જ પાકિસ્તાનની ઇન્ટર-સર્વિસ ઇન્ટેલિજન્સ (ISI) એજન્સી તરફથી નાણાકીય અને લૉજિસ્ટિકલ ટેકો મળ્યો હતો અને મળતો રહે છે. આંતરરાષ્ટ્રીય બાબતોના વિશ્લેષક ક્રિસ્ટિન ફેરે તો ત્યાં સુધી કહ્યું કે વિદેશમાં વસતા સિખોએ આ ચળવળમાં સમયે-સમયે ખૂબ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. તેઓ માત્ર રાજકારણની દૃષ્ટિએ જ નહીં, પરંતુ નાણાકીય સહાયનો સ્રોત પૂરો પાડવામાં પણ હંમેશાં અગ્રેસર રહ્યા છે. સિખ અલગતાવાદી નેતાઓને પાકિસ્તાન સાથે મળાવવાથી લઈને સિખ નેતાઓને પાકિસ્તાન જવાની વ્યવસ્થા કરવા સુધ્ધાંમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવતા રહ્યા છે.
મોટામાં મોટી મુશ્કેલી એ છે કે ભારતની મૂળમાં રહેલી કાબેલિયત વિશ્વ આખાને ખબર છે. આથી વિશ્વને દરકાર એ વાતની છે કે જો ભારતમાં શાંતિ હશે તો એને વિશ્વ લીડર બનતાં કોઈ રોકી નહીં શકે. આથી પહેલાં મુગલો, ત્યાર બાદ ફિરંગીઓ પછી અંગ્રેજોએ દેશ અને પ્રજાને ગુલામ બનાવવાના પ્રયત્નો કર્યા. જ્યારે આ દેશ છોડીને જવું પડ્યું ત્યારે અંગ્રેજોને ખબર હતી કે જો આ દેશને વિના મુશ્કેલી આઝાદ છોડી દેવામાં આવશે તો ગણતરીનાં વર્ષોમાં એ આપણા પર રાજ કરશે. આથી પાકિસ્તાન અને ખાલિસ્તાન, ડિવાઇડ ઍન્ડ રૂલની હોશિયાર માનસિકતા વાપરીને એક અલગ રાષ્ટ્ર જતાં પહેલાં બનાવી નાખ્યું અને બીજા રાષ્ટ્ર (ખાલિસ્તાન) માટે આભાસી અસંતોષ, અન્યાય, અસુરક્ષા વગેરે દેખાડી આભાસી ભૂખ છોડતા ગયા જેથી સમયાંતરે આવી આગ ભડકતી રહે અને ભારત એમાં અટવાતું રહે. બાકી સિખ પ્રજા એક બાહોશ પ્રજા છે. નાગી તલવાર સામે સામી ગરદન ધરી દેતા અચકાય નહીં એવી પ્રજાને સ્વાર્થ માટે ગેરમાર્ગે દોરનારા લીડર્સ ગુરુ નાનકજી સામે, ગુરુ ગોવિંદજી સામે, ગુરુ ગ્રંથસાહેબ સામે કઈ રીતે મોઢું દેખાડશે એ તો તેમને જ ખબર.
જો બોલે સો નિહાલ... સત શ્રી અકાલ!