આસામની બિસ્વા સર્માની સરકારે દરેક ધાર્મિક જ્ઞાન આપતી સંસ્થાને શાળા કે કૉલેજમાં પરિવર્તિત કરવાનો નવો કાયદો ઘડીને એક ઉદાહરણીય કામ કર્યું છે ત્યારે જાણીએ છાને ખૂણે કૌભાંડો ચલાવતી મદરેસાઓ આસામમાં કઈ રીતે ફૂલીફાલી હતી
આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સર્મા
નૉર્થ-ઈસ્ટર્ન રાજ્ય આસામમાં દર બાવીસ કિલોમીટરે એક મદરેસા હોય એ ચોંકાવનારી બાબત નથી? આસામની બિસ્વા સર્માની સરકારે દરેક ધાર્મિક જ્ઞાન આપતી સંસ્થાને શાળા કે કૉલેજમાં પરિવર્તિત કરવાનો નવો કાયદો ઘડીને એક ઉદાહરણીય કામ કર્યું છે ત્યારે જાણીએ છાને ખૂણે કૌભાંડો ચલાવતી મદરેસાઓ આસામમાં કઈ રીતે ફૂલીફાલી હતી
કલમ ૨૯ અનુસાર લઘુમતીઓના કોઈ પણ વર્ગને તેની પોતાની ભાષા, લિપિ અથવા સંસ્કૃતિનું સંરક્ષણ કરવાનો અધિકાર છે અને ધર્મ, જાતિના આધારે કોઈ પણ રાજ્ય સંચાલિત અથવા રાજ્યની સહાયથી ચાલતી શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશનો અધિકાર છે
ADVERTISEMENT
આસામમાં આ કાયદા અનુસાર આશરે ૯૮ જેટલી સંસ્કૃત સંસ્થાઓ પણ શાળા-કૉલેજ કે રિસર્ચ સેન્ટરમાં પરિવર્તિત થઈ રહી છે.
થોડાં વર્ષો પહેલાં ઉત્તર-પૂર્વ ભારતનાં રાજ્યો કયાં-કયાં છે એ પણ ઘણાને યાદ નહોતું રહેતું. એવું જ એક રાજ્ય છે આસામ, જ્યાંના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સર્મા થોડા દિવસોથી ચર્ચામાં છે. તેમણે કર્ણાટકમાં એક રૅલીમાં જ્યારે એવી જાહેરાત કરી કે તેમણે પોતાના રાજ્યમાં ૬૦૦ જેટલી મદરેસા બંધ કરાવી ત્યારથી માહોલ ગરમી પકડી રહ્યો છે.
કોઈ ધારણા મૂકી શકો કે ૭૮,૪૩૮ કિલોમીટરમાં ફેલાયેલા આસામમાં અંદાજે કુલ કેટલી મદરેસા હશે? ચાલો, એટલો અંદાજ લગાવી શકો કે ત્યાં હિન્દુ-મુસ્લિમ પ્રજાનો રેશિયો શું હશે?
નહીં? તો જાણી લો કે આસામ રાજ્યમાં સરકારી સહાય સાથે અને પ્રાઇવેટ એવી કુલ મળીને નાની-મોટી અંદાજે ૩,૫૦૦ મદરેસાઓ હતી. મતલબ કે સરેરાશ દર બાવીસ કિલોમીટરે એક મદરેસા. આ રાજ્યમાં છેલ્લી વસ્તીગણતરી અનુસાર ૬૧ ટકા હિન્દુ વસ્તી અને ૩૪.૨૨ ટકા જેટલી મુસ્લિમ વસ્તી છે (છતાં દર બાવીસ કિલોમીટરે એક મદરેસા). વાત નીકળી છે તો એક ઘટસ્ફોટ કરી દઈએ કે ૧૯૦૧ની સાલમાં આસામમાં મુસ્લિમ વસ્તી માત્ર ૧૨.૪ ટકા હતી જે દસ જ વર્ષમાં વધીને ૩૪.૨૨ ટકા થઈ ગઈ અને એ પણ ૨૦૧૧ના આંકડા પ્રમાણે. એટલે હમણાં કેટલી હશે એનો અંદાજ લગાવી શકાય એમ છે. આસામમાં એક સમયે સામાન્ય સ્કૂલોમાં દસમા ધોરણ સુધીના અભ્યાસક્રમમાં કુરાન વિશે આખું એક અલાયદું ચૅપ્ટર રાખવામાં આવ્યું હતું.
સરપ્રાઇઝ્ડ?
વાસ્તવમાં આસામમાં મદરેસાનો ખ્યાલ નવો નથી. અનૌપચારિક દૃષ્ટિએ જોઈએ તો ૧૪મી સદીમાં અહીં મદરેસાની શરૂઆત થઈ હતી. વાત કંઈક એવી છે કે દક્ષિણ આસામમાં બરાક નદીના નામ પરથી જેનું નામકરણ થયું છે એ બરાક વૅલીમાં કુલ ત્રણ જિલ્લા છે : કચર, કરીમગંજ અને હૈલાકાંડી. એમાંથી કરીમગંજ અને હૈલાકાંડી મુસ્લિમ બહુમતીવાળો વિસ્તાર છે, જ્યારે કચરમાં ૪૦ ટકા જેટલી મુસ્લિમ વસ્તી છે. હવે આ ખીણનો મોટો હિસ્સો મુખ્યત્વે કરીમગંજ ૧૪મી સદીની શરૂઆતથી બંગાળના તુર્કી શાસકોના શાસન હેઠળ હતો. ત્યાર બાદ તુર્કીઓને હરાવીને અફઘાનો આવ્યા અને મોગલોએ અફઘાનોને હરાવીને આ પ્રદેશને તેમના સામ્રાજ્યમાં જોડી દીધો. સમય વીતતા બંગાળમાં બ્રિટિશ શાસનનું આગમન થયું અને આખરે મુસ્લિમ વર્ચસનો અંત આવ્યો. ૧૯૪૭માં જ્યારે સિલ્હેટમાં લોકમત યોજવામાં આવ્યો ત્યારે કરીમગંજ ભારત સાથે જ રહ્યું. ખીણની સત્તાવાર ભાષા બંગાળી છે, પણ મોટા ભાગના લોકો સિલ્હેટી બોલી બોલે છે જે બંગાળીની એક તળપદી બોલી છે.
આસામમાં સૌથી પહેલી મદરેસાની શરૂઆત બરાક ખીણથી થઈ હતી. આ પ્રદેશની પહેલી અનૌપચારિક (મતલબ કે કાયદેસરની નહીં) મદરેસાની સ્થાપના ૧૪મી સદીની શરૂઆતમાં બંગાળ અને આસામના પ્રખ્યાત સૂફી હઝરત શાહ જલાલના પ્રિય શિષ્ય શાહ ઝિયાઉદ્દીન દ્વારા કરવામાં આવી હતી. આ મદરેસાનો મુખ્ય ઉદ્દેશ હતો નવા ધર્માંતરિત (હિન્દુમાંથી બળજબરીએ મુસ્લિમ બનાવી દેવામાં આવે એ) કરવામાં આવેલા લોકોને ઇસ્લામિક સિદ્ધાંતોની તાલીમ આપવી. અર્થાત્ મદરેસા શરૂ કરવાનો મૂળ આશય જ ધર્મપરિવર્તન હતો.
ત્યાર બાદ આવેલા મોગલોને પણ આ વ્યવસ્થા ખૂબ સરળ અને અસરકારક જણાઈ. આથી તેમણે પણ બળજબરીએ ધર્મપરિવર્તન કરાવવા માંડ્યું અને પ્રદેશમાં બીજી અનેક મદરેસાઓ ખોલી ત્યાં ધર્મના જ્ઞાનના નામે મોટા પાયે ધર્માંતરણ કરવા માંડ્યું. ત્યાર બાદ દારુલ ઉલૂમ દેવબંદની સ્થાપના થઈ જેની સાથે બરાક ખીણની મદરેસા પ્રણાલીનો જબરદસ્ત ઝડપથી વિકાસ થવા માંડ્યો. ૧૮૭૩ની સાલમાં દેવબંદનું અનુકરણ કરીને કરીમગંજમાં પણ મદરેસાની સ્થાપના કરવામાં આવી, જે દારુલ ઉલૂમ બાગબારી તરીકે ઓળખાતી થઈ. આ સમય સુધી ભારત હજી ભારત-પાકિસ્તાન તરીકે વિભાજિત નહોતું. પૂર્વ પાકિસ્તાન વર્તમાન બંગલા દેશનો વિસ્તાર હતો અને સિલ્હેટમાં દારુલ ઉલૂમ બાગબારીની સ્થાપના થઈ હતી. એનાં પચીસ વર્ષ પછી દારુલ ઉલૂમ બશકંદી નામથી ૧૮૯૭ની સાલમાં એક બીજી ઇસ્લામિક સંસ્થા બની.
અંગ્રેજ શાસન હતું અને અંગ્રેજોને ડિવાઇડ ઍન્ડ રૂલ કરવાની મજા તો પડી જ રહી હતી. આથી તેમને પ્રજા હિન્દુ રહે કે મુસ્લિમ, હિન્દુ રાષ્ટ્રમાં હિન્દુ સંસ્કૃતિ જળવાય કે ન જળવાય એ બધી બાબતોમાં કોઈ રસ નહોતો અને ભારતના ઇતિહાસમાં, ખાસ કરીને આસામના ઇતિહાસમાં ૧૯૩૪ની સાલમાં એક જબરદસ્ત ઘટના બની. ૧૯૩૪માં મુસ્લિમ લીગના નેજા હેઠળ સૈયદ સદુલ્લાહને આસામના પહેલા વડા પ્રધાન બનાવવામાં આવ્યા. મુસ્લિમો માટે આ ભાવતું હતું અને વૈદે કહ્યું જેવી ઘટના હતી. સૈયદ સદુલ્લાહે આસામના શિક્ષણ અભ્યાસક્રમમાં આધિકારિક રીતે મદરેસા શિક્ષણ દાખલ કરી દીધું. એટલું જ નહીં, રાજ્ય મદરેસા બોર્ડની પણ રચના કરવામાં આવી. હજી આટલું ઓછું હોય એમ સામાન્ય શૈક્ષણિક અભ્યાસક્રમોમાં મૅટ્રિક સ્તર સુધી મૂળભૂત રીતે કુરાન પર શિક્ષણ માટે એક પ્રકરણ ફાળવાયું હતું.
આજે એ હાલત છે કે આસામમાં ૧,૧૦૦ જેટલી મદરસા તો હમણાં સુધી સરકારના રહેમ-ઓ-કરમ પર ચાલતી હતી અને બાકીની પ્રાઇવેટ મદરેસાને કુઆમી અથવા કવામી મદરેસા તરીકે ઓળખાવાય છે. અહીંથી શરૂ થઈ બિસ્વા સર્મા જેવા ભારાડી નેતાના રાજની. સૌથી પહેલું કામ એ થયું કે બિસ્વા સર્માની સરકારે એક નવો કાયદો બનાવ્યો. આ કાયદો કંઈક એવું કહે છે કે આસામમાં દરેક ધાર્મિક જ્ઞાન આપતી સંસ્થાને શાળા કે કૉલેજમાં પરિવર્તિત કરવામાં આવશે અને એ દરેકનો અભ્યાસક્રમ અને અભ્યાસરીત સુધ્ધાં સરકારના નેજા હેઠળ રહેશે. ટૂંકમાં, કહેવામાં આવ્યું કે હવે દરેક સંસ્થાએ સરકારના ચોપડે નોંધણી કરાવવી પડશે અને સરકારની ગાઇડલાઇન હેઠળ અભ્યાસક્રમ રાખવો પડશે.
આ પણ વાંચો: કાંદાની કરમકહાણી
આ નવા કાયદા અનુસાર બિસ્વા સર્માજીએ એક પછી એક દરેક મદરેસાઓ બંધ કરાવીને એનું શાળા અને કૉલેજોમાં પરિવર્તન કરવા માંડ્યું. હવે આટલું જાણીને અહીં જેટલા પણ સેક્યુલરિયા ઇન્ટેલેક્ચ્યુઅલ્સ આ કાયદો અને એના પરત્વે લેવાઈ રહેલી ઍક્શન્સને એકતરફી, મુસ્લિમવિરોધી કે રાજ્યના ભગવાકરણ તરીકે ગણાવવાના બખાડા શરૂ કરે એ પહેલાં કહી દઈએ કે આસામમાં આ કાયદા અનુસાર આશરે ૯૮ જેટલી સંસ્કૃત સંસ્થાઓને પણ શાળા-કૉલેજ કે રિસર્ચ સેન્ટરમાં પરિવર્તિત થઈ રહી છે.
હવે સરકારનાં આવાં આકરાં પગલાં શરૂ થયાં એટલે અનેક લીડરોને, ઇમામોને અને મદરેસાના ટીચર્સને પેટમાં દુખવા માંડ્યું. તેમની પ્રવૃત્તિ અને કૌભાંડો ઉઘાડાં પડી જવાની બીક લાગવા માંડી. આથી આ કાયદાની વિરુદ્ધ તેમણે કોર્ટમાં અપીલ કરતો કેસ દાખલ કરાવ્યો જેમાં કહેવામાં આવ્યું કે ‘રિપીલિંગ ઍક્ટ’ (આસામનો નવો કાયદો) અને એના પછીના આદેશો બંધારણની કલમ ૨૫, ૨૬, ૨૯ અને ૩૦ હેઠળના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે. શું છે આ કલમો? તો કલમ ૨૯ અને ૩૦ લઘુમતીઓને ચાર અલગ-અલગ અધિકારો આપે છે. કલમ ૨૯ અનુસાર લઘુમતીઓના કોઈ પણ વર્ગને તેની પોતાની ભાષા, લિપિ અથવા સંસ્કૃતિનું સંરક્ષણ કરવાનો અધિકાર છે અને ધર્મ, જાતિના આધારે કોઈ પણ રાજ્ય-સંચાલિત અથવા રાજ્યની સહાયથી ચાલતી શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશનો અધિકાર છે. તો કલમ ૩૦ કંઈક એવું કહે છે કે તમામ ધાર્મિક અને ભાષાકીય લઘુમતીઓને તેમની પસંદગીની શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના અને સંચાલન કરવાનો અધિકાર છે અને આ શૈક્ષણિક સંસ્થાઓ માત્ર ધાર્મિક અથવા ભાષાકીય લઘુમતીના સંચાલન હેઠળ રહેશે. એની સામે દલીલ કરતાં સરકારના વકીલે ચોખવટ કરી હતી કે કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યોને સરકારી શાળાઓમાંથી ધાર્મિક સૂચનાઓ દૂર કરવા ૧૯૯૫-’૯૬ની સાલમાં જ કહી દેવાયું હતું. સાથે જ શાળાઓનું પ્રાંતીકરણ પણ કરવામાં આવ્યું હતું. એને કારણે ત્યારથી જ મદરેસાઓ તેમનો લઘુમતી દરજ્જો ગુમાવી ચૂકી છે. આથી હવે આ સંસ્થાઓ લઘુમતી સંસ્થાઓ ન હોવાથી અને તમામ શિક્ષણ તેમ જ નૉન-ટીચિંગ સ્ટાફ સરકારી નોકરો હોવાથી આ કેસમાં કલમ ૨૯ અને ૩૦ લાગુ પડતી જ નથી.
નામદાર હાઈ કોર્ટની ડિવિઝન બેન્ચના ચીફ જસ્ટિસ સુધાંશુ ધુલિયા અને જસ્ટિસ સૌમિત્ર સૈકિયાએ ચુકાદો આપતાં જણાવ્યું કે ૧૯૯૫નો કાયદો અને ત્યાર પછી શાળાઓના પ્રાંતીકરણના કાયદા અનુસાર મદરેસા કોઈ લઘુમતી શૈક્ષણિક સંસ્થા તરીકે બંધ થઈ જવી જોઈતી હતી. કોર્ટે કહ્યું કે વિવાદાસ્પદ મદરેસાઓ, જે ‘સંપૂર્ણપણે રાજ્યના ભંડોળથી ચાલે છે’ બંધારણની કલમ ૨૮ (૧)ના આદેશ અનુસાર ધાર્મિક સૂચનાઓ આપી શકે નહીં અને એ સામાન્ય શાળા કે કૉલેજમાં પરિવર્તિત થાય એમાં કંઈ જ ખોટું નથી.
હાઈ કોર્ટે રાજ્ય સરકારના કાયદાને અનુમોદન તો આપ્યું, પણ ઇમામો અને બીજા સીધા-આડકતરા લાભકારીઓ હજી ક્યાં માનવાના હતા. આથી આ ચુકાદા સામે તેમણે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે જેનો ચુકાદો હજી આવ્યો નથી, પણ સમજવા અને જાણવા જેવી બાબત એ છે કે શા માટે અનેક લોકોને આ કાયદાને કારણે પેટમાં દુખે છે? એ માટે દૂર જવાની પણ જરૂર નથી. તાજી ઘટનાની વાત કરીશું એટલામાં જ આની પાછળનાં કારણો અને કરમકહાણી સમજાઈ જશે. ગયા વર્ષના ઑગસ્ટ મહિનામાં આસામના બોંગાઈગાંવ, બારપેટા અને મોરીગાંવ જિલ્લાની ત્રણ મદરેસાઓ સરકાર દ્વારા તોડી પાડવામાં આવી. કારણ શું? કારણ કે આ મદરેસાઓ વાસ્તવમાં ઇસ્લામના પાઠ ભણાવતી ધાર્મિક શિક્ષણ સંસ્થા નહોતી, પરંતુ ‘આતંકવાદી હબ’ હતી. આ ત્રણેય મદરેસાઓ ‘અલ કાયદા’ની અનરજિસ્ટર્ડ ઑફિસ તો હતી જ, સાથે જ અહીં તાલીમ શિબિરો પણ ચાલતી હતી. અલ કાયદા (AQIS)ના સહયોગી અને અન્સારુલ્લા બાંગ્લા ટીમ (ABT) સાથે કથિત જોડાણ હોવાને કારણે ઇમામ અને મદરેસાના શિક્ષકો સહિત ૩૭ જેટલા લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી.
આવા તો બીજા અનેક પુરાવાઓ અને ગતિવિધિઓ છે જેની યાદી ગણવા બેસીએ તો કદાચ અખબારનાં પાનાં પણ ઓછાં પડે. જોકે બિસ્વા સર્મા અને ભારતની ઇન્ટેલિજન્ટ એજન્સી NIAને પણ મદરેસાના નામે ચાલતા અનેક બીજા ધંધાઓ વિશેની વિગતો અને સાબિતીઓ મળી હતી. આથી દેશમાં આવો સડો વધે અને વકરે એ પહેલાં જ એને મૂળથી જ કાપી નાખવાના આશય સાથે લેવાયેલાં આ પગલાં બાબતે બિસ્વા સર્મા ચર્ચામાં કે વિવાદમાં રહેતા હોય તો આપણને કોઈ જ વાંધો નથી. આખરે બાળકમાં સંસ્કારનું બીજારોપણ પહેલાં ઘર અને પછી શાળાથી જ તો થતું હોય છે. જો ત્યાં જ કંઈક ખોટું થઈ રહ્યું હોવાની જાણ હોય અને છતાં કંઈ ન કરીએ તો આખરે સમાજ અને દેશ પ્રત્યેની જવાબદારીમાં આપણી ચૂક થઈ ન કહેવાય?