Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > આ સ્ટેશન તો જાણે કોઈ પીસ ઑફ આર્ટ જોઈ લો અને એ પણ માસ્ટરપીસ

આ સ્ટેશન તો જાણે કોઈ પીસ ઑફ આર્ટ જોઈ લો અને એ પણ માસ્ટરપીસ

Published : 12 November, 2023 03:55 PM | IST | Mumbai
Manish Shah | writermanishshah@gmail.com

આપણા સીએસએમટીની યાદ અપાવે એવા ડનેડિન સ્ટેશનની ઇમારત માટે એક જ શબ્દ વાપરી શકાય, ભવ્ય. ઇમારત અંદરથી પણ એટલી જ સુંદર રીતે સજાવેલી છે. લગભગ ૧૦૦ વર્ષ પછી પણ આટલી જ તાજીમાજી લાગી રહેલી ઇમારતને જોવા એક આખો દિવસ ઓછો પડે

જિંજર બ્રેડ હાઉસની વિશાળ પ્રતિકૃતિ સમાન ડનેડિન રેલવે-સ્ટેશન અને પરિસર.

શ્રી કુદરત શરણમ્ મમ:

જિંજર બ્રેડ હાઉસની વિશાળ પ્રતિકૃતિ સમાન ડનેડિન રેલવે-સ્ટેશન અને પરિસર.


ગયા અઠવાડિયે લખ્યા મુજબ કૅસલથી પાછા વળતી વખતે પૅસિફિક મહાસાગરનું તોફાની સ્વરૂપ નિહાળીને અમે બધા રોમાંચિત થઈ ઊઠ્યા હતા. તોફાની પવન તો પોતાની સાથે ઘણું બધું ઉડાડીને લઈ જઈ રહ્યો હતો, પરંતુ એક પરિબળ અફર હતું, સમય. સમયની ગતિ એકધારી ગતિએ ચાલી રહી હતી. ટક, ટક, ટક, ટક ચાલો આગળ વધો. દિવસો લાંબા હતા, પરંતુ ડનેડિન શહેરની મુલાકાત તો જરૂરી જ હતી. 




પોર્સલિનની ટાઇલ્સથી બનાવલું મોઝેઇક આર્ટવર્ક-બુકિંગ હૉલ ડનેડિન રેલવે-સ્ટેશન.


ન્યુ ઝીલૅન્ડના વિકાસનાં શરૂઆતનાં વર્ષોમાં, આગળ લખ્યા મુજબ, આ દરિયાઈ શહેરનો અમૂલ્ય ફાળો રહેલો છે. સાઉથ આઇલૅન્ડનું આ શહેર તવારીખની દૃષ્ટિએ ન્યુ ઝીલૅન્ડનાં જૂનાં શહેરોમાં આવે. ૨૫૫ સ્ક્વેર કિલોમીટરનો શહેરી વિસ્તાર ધરાવતા આ ડનેડિન શહેરનો કુલ વિસ્તાર છે ૩૩૧૪ સ્ક્વેર કિલોમીટર. અધધધ થઈ જાય એટલો વિશાળ વિસ્તાર ધરાવતા આ શહેરની વસ્તી છે ફક્ત ૧,૩૫,૦૦૦. ન્યુ ઝીલૅન્ડના દરેક શહેરની વસ્તી અને વિસ્તાર વિશે જાણીએ ત્યારે દરેક વખતે મુખારવિંદ પર પહોળું સ્મિત પ્રગટી ઊઠે અને એ પણ ખાસ કરીને વસ્તીવિસ્ફોટક એવા આપણા ભારતીયોના. આના નામની પણ એક ખાસિયત છે. જૂની સ્કૉટિશ ભાષા ગી-લેકમાં સ્કૉટલૅન્ડનું પાટનગર ઍડિનબરો, ડનેડિન કહેવાતું. અહીં આવી વસેલા સ્કૉટિશોએ આ શહેરને પણ પોતીકી પ્રચલિત ગી-લેક ભાષામાં નામ આપ્યું, ડનેડિન. માનવજાતિનો સ્વભાવ પણ વિચિત્ર ખરો. પહેલાં યુરોપના ડનેડિનને છોડીને, દૂર આવેલા ન્યુ ઝીલૅન્ડના એક દરિયાઈ શહેરમાં સ્થળાંતર કરે અને પછી એ જ મૂળ વતનની યાદ તાજી રાખવા એ દરિયાઈ શહેરને નામ આપે ડનેડિન. અરે ભાઈ, તો છોડ્યું જ શું કામ? મૂળિયાં સાથે જોડાઈ રહેવાનો એક લાક્ષણિક પ્રયાસ. 

આમ જોઈએ તો ઍડિનબરો અને ડનેડિન વચ્ચે નામ સિવાય કોઈ પણ પ્રકારનું સામ્ય નથી એ જાણશો. મેં તો બન્ને શહેરોની મુલાકાત લીધી છે એટલે આ હું ચોક્કસપણે કહી શકું. ડનેડિન ન્યુ ઝીલૅન્ડના ઇતિહાસમાં ઘણા પ્રથમ સાથે સંકળાયેલું છે. ઈસવી સન ૨૦૧૪માં યુનેસ્કો દ્વારા આ શહેરને સાહિત્યના શહેરનો ઇલકાબ આપવામાં આવ્યો હતો. ન્યુ ઝીલૅન્ડની પ્રથમ યુનિવર્સિટી એટલે યુનિવર્સિટી ઑફ ઓટેગો, આનું મુખ્ય કારણ છે. આ ખ્યાતનામ યુનિવર્સિટીમાં ભણીને ઘણા મહાનુભાવોએ ન્યુ ઝીલૅન્ડના વિકાસમાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. હજી પણ ડનેડિનની જનસંખ્યામાં વિદ્યાર્થીઓની સંખ્યા આ યુનિવર્સિટીને કારણે ઘણો મોટો ભાગ ધરાવે છે. ન્યુ ઝીલૅન્ડની પ્રથમ ચાઇનીઝ વસાહત પણ આ શહેરમાં જ પ્રસ્થાપિત થઈ હતી. ચાઇનીઝ અત્યારના ન્યુ ઝીલૅન્ડનું એક અવિભાજ્ય અંગ છે. આ ચીનાઓ જ્યાં જાય ત્યાં પોતાનું ચાઇના ટાઉન એટલે કે ચાઇનીઝ વસાહત સ્થાપ્યા વગર રહી શકતા નથી અને એટલે જ સૌપ્રથમ અહીં આવી, જેવી તેઓની સંખ્યા વધી કે તરત જ પોતાની વસાહત સ્થાપી દીધી. સૌપ્રથમ યુનિવર્સિટી, સૌપ્રથમ ચાઇનીઝ વસાહત અને સાઉથ આઇલૅન્ડમાં વસેલા પ્રથમ યુરોપપિયન પણ ડનેડિનમાં.
ઇંગ્લૅન્ડનો નામચીન ગુનેગાર વિલિયમ ટકર ઑસ્ટ્રેલિયામાં પણ ગુના આચરીને ઈસવી સન ૧૮૧૫માં અહીં આવી વસી ગયો હતો. આ ઉપરાંત ડનેડિન ન્યુ ઝીલૅન્ડની વાઇલ્ડ લાઇફ કૅપિટલ તરીકે પણ ઓળખાય છે. ઊડતી વખતે સૌથી વધુ ત્રણ મીટર્સ એટલે કે ૧૦ ફુટની પાંખોની લંબાઈ ધરાવતા અલભ્ય નૉર્ધર્ન રૉયલ અલ્બાટ્રોસ પ્રજાતિનાં પક્ષીઓ પણ ડનેડિનમાં જ તમને મળી આવે છે. આમ ડનેડિન એ ન્યુ ઝીલૅન્ડનું એક મહત્ત્વનું શહેર ખરું, પરંતુ અમે અહીં રોકાવાના નહોતા. ખરું કહીએ તો ડનેડિન માટે બેત્રણ દિવસ પણ ઓછા પડે, પરંતુ અમે અહીંનાં મુખ્ય આકર્ષણોની મુલાકાત લઈ પાછા ક્વીન્સટાઉન પહોંચી જવાનાં હતાં. જો વધારે સમયનો અવકાશ હોય તો ડનેડિનને બે રાત ફાળવી શકાય. 


બુકિંગ હૉલ, સાડાસાત લાખ પોર્સેલિન ટાઇલ્સની કમાલ.

અમને અહીંનાં બે મુખ્ય આકર્ષણો હતાં, એક તો છેક ૧૯૦૬માં બંધાયેલું અદ્ભુત રેલવે-સ્ટેશન અને સમગ્ર વિશ્વમાં, ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સ પ્રમાણે સૌથી વધારે ઢોળાવ અથવા કહો કે ચડાણ ધરાવતી ડનેડિનના રહેણાક વિસ્તારની પ્રખ્યાત ગલીઓ અને ખરેખર એવું જ હતું. અમે લગભગ સંધ્યા ટાણે આ તીવ્ર ચડાણ ધરાવતી ગલીઓવાળા વિસ્તારમાં પહોંચ્યા અને જોઈને દંગ રહી ગયા. તાજ્જુબ પામી ગયા. મુખ્ય રસ્તાની જમણે આવેલી દરેકેદરેક ગલી જાણે નાની ટેકરી સમાન લાગી રહી હતી. જમણે નજર પડે અને તમારી નજર સીધી ઊંચાઈ જ આંબવા માંડે. વિશિષ્ટ રચના ધરાવતાં મકાનો અને ગલીમાં પાર્ક કરેલાં વાહનો હમણાં જાણે દદડીને તમારા પર આવી પડશે એમ જ લાગ્યા કરે. મજા પડી રહી હતી, પરંતુ અમારે તો આ જાળામાં આવેલી અનેક ગલીઓમાંથી ખાસ એક ગલીની મુલાકાત લેવાની હતી, જે સમગ્ર વિશ્વની મહત્તમ ચડાણ ધરાવતી ગલી છે. આ ગલીનું નામ છે બોલ્ડવિન સ્ટ્રીટ. આજુબાજુની બધી ગલીઓ પણ ચડાણ ધરાવે છે, પરંતુ બોલ્ડવિન સ્ટ્રીટનું ચડાણ સૌથી વધારે તીવ્ર છે. દરેક મુલાકાતીઓ આ ગલીને જોવા આવે છે અને સાહજિક રીતે વાહન ચડાવવાની પણ ગણતરી હોય જ. અમે પણ આમાં અપવાદ નહોતા. અમે પહોંચ્યા અને ગાડી પાર્ક કરીને નીચે ઉતાર્યા. ખરેખર તીવ્ર ચડાણ હતું, પરંતુ ગાડી તો આરામથી ચડી જશે એમ લાગ્યું. પાછા ગાડીમાં ગોઠવાયાં કે ત્યાંના બે સ્થાનિક રહેવાસીઓ આવ્યા અને ગાડી લઈ જવાની વિનમ્રતાપૂર્વક મનાઈ ફરમાવી. એનાં બે-ત્રણ કારણો હતાં, પરંતુ મુખ્ય કારણ આખો દિવસ સતત ગાડીઓ ચડાવવાને કારણે રહેવાસીઓને થતી ખલેલનો હતો. માન આપવું જ રહ્યું. અમે ફરીથી ગાડી પાર્ક કરી અને પગપાળા ચડવાનું નક્કી કર્યું. જેવા ઊતર્યા કે તરત જ અમારી નજર ગલીના જમણે ખૂણે આવેલી નાનકડી દુકાન પર પડી. સોનેરી પીળો પ્રકાશ દુકાનની બહાર રેલાઈ રહ્યો હતો. દુકાનનું બોર્ડ વાંચીને કુતૂહલ થયું અને અંદર ડોકિયું કર્યું તો એક મહાશય કંઈક ચીતરવામાં-લખવામાં મશગૂલ હતા. દુકાનની વસ્તુઓ જોતાં અંદાજ આવી ગયો કે સાહેબ કોઈ પેઇન્ટર હતા કે કમર્શિયલ આર્ટિસ્ટ, જેમને આ સુંદરમજાની દુકાન, અહીં આવતા મુલાકાતીઓ, કંઈક યાદગીરીરૂપે સુંદર કૃતિ લઈ જવા માગતા લોકો માટે બનાવી હતી. વિવિધ વસ્તુઓ જેવા કે કૉફી મગ્સ, ટી-શર્ટ, ચમચીઓ વગેરે ધ્યાન ખેંચતાં હતાં. દુકાનમાં થોડા ઘણા માણસો હતા, એટલે અમે પહેલાં આ ગલીની ટોચ સુધી જઈને પાછું આવવાનું નક્કી કર્યું. ૩૦થી ૩૫ ડિગ્રી સુધીનું ચડાણ ધરાવતી ગલીની લંબાઈ લગભગ ૧૧૫૦ ફુટ છે. ટોચ સુધી ગયા. પાછા આવ્યા. મકાનો જાણે ઢળતાં હોય એવાં જ લાગે. અહીં બિલાડીઓ ઘણી હતી. 
નીચે ઊતર્યા અને દુકાનમાં પ્રવેશ્યા ત્યાં જ મારું ધ્યાન હસ્તલિખિત પોસ્ટકાર્ડ પર ગયું. સુંદર કેલિગ્રાફીમાં બોલ્ડ્વિન સ્ટ્રીટ વિશે લખ્યું હતું, સાથે-સાથે આ સ્ટ્રીટનું સુંદર સ્કેચ પણ બનાવ્યું હતું અને જો તમને આ પોસ્ટકાર્ડ જોઈતું હોય તો તમારું નામ પણ લખી આપે. ખૂબ જ સુંદર અને કંઈક હટકે લાગતા આ પોસ્ટકાર્ડ પર જ પસંદગી ઉતારી. પરિવારના બેત્રણ જણનું નામ લખાવીને ફટાફટ પોસ્ટકાર્ડ લીધાં અને નીકળ્યાં રેલવે-સ્ટેશન જવા. નીકળતી વખતે મારી અંદરનો ડ્રાઇવર આત્મા થોડો દુખી હતો. પ્યાલો હોઠ સુધી આવીને ઢોળાઈ જાય અને તમે તરસ્યા રહી જાઓ એવું લાગી રહ્યું હતું. ગાડીમાં ગોઠવાયાં અને જીપીએસ પર જોયું. ઉપરથી પણ એક ગલી આગળ જઈને સ્ટેશન તરફ જતા રસ્તે જોડાઈ રહી હતી. પછી શું? ગાડી ચાલુ કરી અને યુટર્ન લઈને થોડા અંતરે ગયાં. નજીકથી જ જો રસ્તો ચડત તો સોએસો ટકા એન્જિન અવાજ કરત અને ખરેખર રહેવાસીઓને ખલેલ પહોંચી હોત. થોડા અંતરે ગયા પછી ફરી યુટર્ન લીધો. ચડાણ લગભગ ૫૦૦ મીટર પછી શરૂ થઈ રહ્યું હતું. શાંતિથી ગાડી આગળ ધપાવી. સ્ટ્રીટ આવી ને ચડાણ આવ્યું. હવે અહીં જ મર્સિડીઝની ગાડીઓ કેમ સૌથી ઉપરના શિખરે બિરાજે છે એની ખબર પડી. ચડાણ આવતાં જ એક હળવો આંચકો અને ગાડી માખણની જેમ ઉપર સરકવા માંડી. ન ઘરઘરાટ, ન કિચૂડાટ, ન કોઈ આંચકા કે ન કોઈ ઝટકા. ગાડી શાંતિથી સરકી અને આરામથી ઉપર ચડી ગઈ. જીવ થોડો ઉચક હતો, પરંતુ કાંઈ જ ન લાગ્યું. રહેવાસીઓને ખલેલ પહોંચાડ્યા વગર જ અમે બોલ્ડવિન સ્ટ્રીટ સર કરી લીધી. હાશ, મનને ટાઢક વળી. દુનિયાની તીવ્રતમ ચડાણ ધરાવતી સ્ટ્રીટ પર ગાડી ચડાવવાનું સૌભાગ્ય સાંપડ્યું. સફળ આરોહણ. ટોચે ગયા, નીચે નજર નાખી. ખરેખર સારો એવો ઢોળાવ દેખાઈ રહ્યો હતો. ડાબે વળ્યા અને સ્ટેશન તરફ ગાડી હંકારી મૂકી. 

શૉટ ઓવર જેટની પ્રથમ ઝાંકી.

અંધારું લગભગ ઘેરાઈ ચૂક્યું હતું. અમે સ્ટેશન પહોંચ્યા, આહાહા! આ સ્ટેશન તો જાણે કોઈ પીસ ઑફ આર્ટ જોઈ લો અને એ પણ માસ્ટરપીસ. આપણું સીએસએમટી સ્ટેશન જ નજર સામે ઊપસ્યું અને ઓઝલ થયું. નજરો ભરાઈ જાય. આંખોના ડાબે ખૂણેથી જમણે ખૂણે સુધી પથરાયેલી આ વિશાળ ઇમારત ગજબની લાગી રહી હતી. શું રચના, શું ગૂંથણી હતી? કમાલની કારીગરી! છેક ઈસવી સન ૧૯૦૬માં બંધાયેલી આ ઇમારત ધાર્યા કરતાં વધારે સુંદર હતી. ગોથિક શૈલીથી ઘણું બધું સામ્ય ધરાવતી બાંધણી આખી ઇમારતને કંઈક અલગ જ ભવ્યતા બક્ષી રહી હતી. આ ઇમારત પશ્ચિમના દેશોમાં નાતાલ દરમ્યાન બાળકો માટે બાંધવામાં આવતા ‘જિંજર બ્રેડ હાઉસ’ની વિશાળ પ્રતિકૃતિ સમાન લાગી રહી હતી. એટલી બધી સામ્યતા છે કે આ ઇમારત જિંજર બ્રેડ હાઉસ તરીકે જ ઓળખાવા લાગી. હદ તો ત્યારે થઈ કે આ ઇમારતના આર્કિટેક્ટ શ્રી જ્યૉર્જ ટ્રુપ પણ ‘જિંજર બ્રેડ’ જ્યૉર્જ તરીકે ઓળખાવા લાગ્યા. ઇમારત માટે એક જ શબ્દ વાપરી શકાય, ભવ્ય. ઇમારત અંદરથી પણ એટલી જ સુંદર રીતે સજાવેલી છે. લગભગ ૧૧૦ વર્ષ પછી પણ આટલી જ તાજીમાજી લાગી રહેલી ઇમારતને જોવા એક આખો દિવસ ઓછો પડે એમ છે, જ્યારે અમારી પાસે તો એકાદ કલાક માંડ હતો. થોડો અફસોસ થયો પણ શું થાય? ફટાફટ ઇમારત જોઈ નાખી. અંદરનું મુખ્ય આકર્ષણ સમગ્ર આરક્ષણ માટેના પરિસરમાં પથરાયેલા પોર્સલિનની ટાઇલ્સ છે. લગભગ સાડાસાત લાખ ટાઇલ્સથી શોભાયમાન આ બુકિંગ હૉલ કાંઈક અલગ જ લાગે છે. જોતા જ રહો, જોતા જ રહો. મેં તો બેસીને ફર્શ પર હાથ પણ પસવારી દીધો. 

ડનેડિનનાં વળતાં પાણી અને સમગ્ર દેશમાં રસ્તાઓના બાંધકામને કારણે આ સ્ટેશન પહેલાં જેટલું વ્યસ્ત રહેતું નથી, પરંતુ આ સ્થિતિ તો આપણા જેવા મુલાકાતીઓ માટે વધુ ફાયદાકારક છે. ફરો તમતમારે, આરામથી ધમરોળો, આખાય પરિસરને. અમે તો ફટાફટ જેટલું પણ ફરાય એટલું ફરીને બહાર નીકળ્યાં. ઇમારત આટલી ભવ્ય છે એ ખબર હોત તો એકાદ રાત ડનેડિનને ફાળવી હોત, પરંતુ છેક પૂર્વીય દક્ષિણમાં આવેલા ડનેડિન એક ખૂણામાં પડે અને એ માટે પ્રવાસને થોડો વિસ્તારવો જ પડે, જે દરેક માટે શક્ય ન પણ હોય. 

અમે ડનેડિન છોડ્યું ત્યારે લગભગ આઠ વાગી ગયા હતા. રાતનું જમવાનું રસ્તામાં પતાવવાનું નક્કી કરી અમે નીકળ્યાં. લગભગ બારેક વાગ્યે પહોંચીશું એવું જીપીએસ દર્શાવી રહ્યું હતું, પરંતુ અહીં કોને ઉતાવળ હતી? પાછા વળતી વખતે અમે બીજો જ રૂટ લીધો હતો. રસ્તામાં ડિનર પતાવી અમે જ્યારે હિલ્ટન, ક્વીન્સ ટાઉન પહોંચ્યા ત્યારે ઘડિયાળનો કાંટો રાતના અઢી દેખાડી રહ્યો હતો. રસ્તામાં કોઈ પણ પ્રકારની તકલીફ નહીં, કોઈ ડર નહીં અને ખરું કહું તો કોઈ થાક પણ નહીં. થાકનું તો કોઈ નામોનિશાન જ નહોતું. એકદમ જ તાજામજા, અહીંના વાતાવરણ જેવા. કદાચ આ ઓછા ટ્રાફિક અને એકદમ જ શુદ્ધ હવાને આભારી હતું. ૭૫૦થી ૮૦૦ કિલોમીટર વૅન ચલાવ્યા છતાં કોઈ પણ પ્રકારનો થાક લાગ્યો નહોતો. આવતી કાલે એટલે કે આજની સવારે વારો હતો ઍડ્વેન્ચરનો. 

ક્વીન્સ ટાઉનમાં ત્રણેક સાહસિક પ્રવૃત્તિઓ કરવાનું નક્કી કર્યું હતું. ઝિપ લાઇનિંગ, પૅરાગ્લાઇડિંગ, જે શહેરની ઉપર જ કરાવે છે એ અને શૉટ ઓવર જેટ, જે ખૂબ જ રોમાંચક અને ઝડપી બોટ-રાઇડ છે. બધી જ પ્રવૃત્તિઓ ક્વીન્સ ટાઉનમાં અથવા એની નજીકમાં જ મળતી હતી, એટલે આજના દિવસે ખાસ કોઈ ડ્રાઇવિંગ હતું નહીં. થાક ઉતારવા માટે આ સુગમ વિકલ્પ છે. એક દિવસ દૂર જાઓ અને બીજા દિવસે તમારા ઉતારાની આજુબાજુ સ્થાનિક પ્રવૃત્તિઓ કરી લો તો ભલે થાક લાગ્યો હોય, પણ બીજા દિવસે આરામ થઈ શકે. ચાલો આગળ વધીએ. અમે દિવસને ત્રણ ભાગમાં વહેંચી નાખ્યો. શૉટ ઓવર જેટ વિશે એટલું બધું સાંભળેલું અને વાંચેલું હતું કે અમે વહેલી સવારના પ્રથમ બૅચમાં જ આ સ્પીડબોટ રાઇડ કરવાનું નક્કી કર્યું. બોટ-રાઇડ પછી વારો હતો ઝિપ લાઇનનો અથવા બીજી કોઈ પ્રવૃત્તિનો અને પછી નમતી બપોરે પૅરાગ્લાઇડિંગ કરવાનો વિચાર હતો. આવતાવેંત જ પ્રથમ દિવસે શૉટ ઓવર જેટનું બુકિંગ કરી લીધું હતું અને એટલે જ સવારે ૮ વાગ્યાનો જે પ્રથમ બૅચ હતો એમાં અમને બુકિંગ મળી ગયું હતું. પ્રથમ બૅચ લેવાનું કારણ એ હતું કે તમે પહોંચો ત્યારે બીજા પ્રવાસીઓની ગિરદી ન નડે તથા તમે અને બોટનો ડ્રાઇવર બધા એકદમ તાજા હોય. પ્રથમ અનુભવ જેવું જ લાગે. ઘણી વખત લાઇનમાં ઊભા રહીને જોયેલી આવી તોફાની રાઇડ્સ તમારો વિચાર બદલાવી નાખે છે અને તમે ડરને હિસાબે આવું સાહસ ચૂકી જાઓ છો. ન કરવાનો અફસોસ એને બદલે સામી છાતીએ આવાં સાહસ કરી લેવાં જેથી અફસોસને બદલે સાહસકથા માંડી શકાય. આ બધું આપણા જીવનમાં પણ લાગુ પડે છે. અનિશ્ચિતતાઓ વચ્ચે ઝંપલાવીને મેળવેલી સફળતાનો આનંદ જ કંઈક અલગ હોય છે. તે સફળતાનો નશો જ કંઈક અલગ છે. થોડું પોટલું પરમને સોંપી દેવું, એ પાર પાડશે જ પાડશે. પાછો ફંટાઈ ગયો, પાછા વળીએ, આગળ વધીએ. 

શૉટ ઓવર આ એક નદીનું નામ છે અને આ નદીમાં સ્પીડ બોટ રાઇડ એટલે કે શૉટ ઓવર જેટ. આ સ્પીડ બોટ રાઇડ છેક ઈસવી સન ૧૯૬૫થી શરૂ થઈ છે અને ઉત્તરોત્તર પ્રગતિ અથવા કહો કે અવનવા તકનિકી સુધારાઓના હિસાબે, આ રાઇડ ક્વીન્સ ટાઉનના મુખ્ય આકર્ષણમાં ટોચ પર બિરાજે છે. સંપૂર્ણપણે ન્યુ ઝીલૅન્ડમાં વિકસાવાયેલી આ બોટ્સ પણ તક્નિકી સર્વોપરિતાનો જયજયકાર છે. એક અનોખી અજાયબી છે. ચાલો થોડી જાણકારી આપું, ઉત્તેજનામાં થોડો વધારો કરો. અતિશય ઝડપથી ઊડતી, સૉરી, ચાલતી આ સ્પીડબોટને, સામાન્ય સમજથી વિપરીત, ઊંડા પાણીની જરૂર જ નથી. લગભગ ચાર ઇંચ ઊંડું પાણી મળી જાય તો પણ ચાલી જાય. સ્પીડબોટની પાછળ લાગેલા યામાહા કંપનીનાં ટ્વિન વી૮ એન્જિનની તો વાત જ ન્યારી છે. બન્ને એન્જિન ચાલતાં હોય ત્યારે ૭૦૦ હા જી, ૭૦૦ હૉર્સપાવરનું ચાલકબળ પેદા કરે છે અને પાણીમાં લગભગ ૯૦ કિલોમીટરની ગતિ તો જોતજોતામાં પકડી લે છે. ૭૦૦ હૉર્સપાવરના જોરથી પાણીને પાછળ ધકેલીને ૯૦ કિલોમીટરની ગતિ પકડવા માટે પાવર એટલે કે જોર તો મળી ગયું સમજો, પરંતુ ૯૦ કિલોમીટરની ગતિથી બોટને આગળ ધપાવવા માટે કેટલું પાણી જોશભેર પાછળ ધકેલવું પડે એનો અંદાજ છે? ચાલો કોઈ પણ એક આંકડો ધારી લો. પાણી છે એટલે લિટર્સમાં જ ગણવાનું સુગમ રહે. હું જણાવી દઉં છું. એક સેકન્ડમાં લગભગ ૮૦૦ લિટર પાણી પાછળ ધકેલો ત્યારે જેટ સ્પીડ બોટ જાણે કે ઉડાન ભરે છે. ૮૦૦ લિટર પાણી દર સેકન્ડે! જરા વિચાર કરો? એન્જિનની શું ગતિ હશે? શું પાવર હશે? શું ટેક્નિક હશે અને આટલી જ સ્પીડમાં વળી વળાંકો અને એવું બધું. આ નદી કાંઈ સીધેસીધી નથી. ખૂબ બધા ફાંટા અને વળાંક ધરાવતી આ નદીનું માળખું અતિશય તાણાવાણા ધરાવે છે એ વળી નફામાં. 
સવાર સવારમાં આ બધું જોઈને જ અમે તો એક્સાઇટ થઈ ગયા હતા. અધીરાઈ વધી રહી હતી. થોડી આનાકાની પછી પરિવારના દરેક સભ્યો બોટમાં બેસવા તૈયાર થઈ ગયા. વહેલી સવારને હિસાબે વાતાવરણમાં ઠંડી આગલી રાતથી બરાબર જામેલી હતી. અડિંગો જમાવીને ચપટ બેસી ગઈ હતી. અમે બધાં હાથ ભીડીને અદબ વાળીને ઊભાં હતાં. જે મળે, જ્યાંથી મળે, જેવી રીતે મળે. ગરમાટો જોઈએ એટલે જોઈએ. આ રાઇડ દરમ્યાન કોઈ જ વસ્તુ સાથે રાખવાની પરવાનગી નહોતી. સલામતીને અગ્રીમતા ખરી, પરંતુ અહીં તો સાહસ જ શિરમોર. અમારાં નામ બોલાયાં. અમે પ્લૅટફૉર્મ પર પહોંચ્યાં અને નીચે વહી રહેલી નદી પર નજર દોડાવી. આઠેક ઇંચ પાણી હશે. સપાટીની નીચેના પથ્થર પણ દેખાઈ રહ્યા હતા. આ ઉપરાંત સાંકડા પટની બન્ને તરફ તોળાઈ રહેલી મોટી શિલાઓ પણ ખરી અતિશય ઠંડી હોવાને કારણે નદીની જળસપાટી પરથી વરાળ પણ ઊર્ધ્વગમન કરી રહી હોય એ દેખાઈ રહ્યું હતું અને એક જબરજસ્ત ઘરઘરાટ સાથે અમારી બોટ દેખાઈ. વાહ શું બોટ હતી! ફાઇબરની બનેલી આ બોટનો દેખાવ ખૂબ સોહામણો હતો અને વળી ચાલક તેને ડાબે-જમણે, ડાબે-જમણે નચાવતાં-નચાવતાં લાવી રહ્યો હતો. એક જોશ એક ઝનૂન છવાઈ ગયું. કદાચ આને જ ‘એડ્રેનલિન રશ’ કહેતા હશે. યાહોમ કરીને પડો, ફતેહ છે આગે.... બોટ-રાઇડ અને બીજી સાહસિક પ્રવૃત્તિની વાતો લઈને મળીએ આવતા અઠવાડિયે.

Whatsapp-channel Whatsapp-channel

12 November, 2023 03:55 PM IST | Mumbai | Manish Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK