એકલા રહેતા વડીલોને પોતપોતાના ઘરમાં રહેવાની મોકળાશ મળે છે અને છતાં બેસિક સગવડ સચવાઈ રહે છે
સાથે મળીને જમી રહેલા વડીલો.
મહેસાણા જિલ્લાના બહુચરાજીથી જસ્ટ પાંચ કિલોમીટર દૂર આવેલા ચાંદણકી ગામના તમામ વડીલો રોજ એક જ રસોડે જમે છે. યુવા પેઢી નોકરી-ધંધા માટે મોટાં શહેરો અને વિદેશોમાં સેટલ થઈ ગઈ છે ત્યારે સિનિયર સિટિઝનો નિરાંતે રહી શકે એ માટે સામૂહિક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. એકલા રહેતા વડીલોને પોતપોતાના ઘરમાં રહેવાની મોકળાશ મળે છે અને છતાં બેસિક સગવડ સચવાઈ રહે છે
ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાનું ચાંદણકી ગામ. ત્યાં સવારે સાડાદસનો સમય થયો અને ગામમાં બેલ વાગ્યો. બેલનો અવાજ સાંભળીને ગામમાં આવેલા નાનો વાસ, મોટો વાસ, માધુપુરા વાસ સહિત ગામમાંથી રમણભાઈ, રતિલાલ, ગંગારામદાસ, કરસનભાઈ, પુરીબા, રૂપાલીબા, ગૌરીબહેન, જમનાબહેન, રઈબહેન સહિતના વડીલો પોતાનું ઘર બંધ કરીને ગામમાં આવેલા ચંદ્રેશ્વર મહાદેવ મંદિર-સ્કૂલ તરફ જવા લાગ્યા. તમને થશે કે આ વડીલો મંદિરમાં દર્શન કરવા જાય છે. પણ ના, ઍક્ચ્યુઅલી આ બધા વડીલો મંદિર પાસે આવેલા એસી ડાઇનિંગ હૉલમાં જમવા જઈ રહ્યા છે.
ના, આ કોઈ પ્રસંગ નથી કે પછી દિવાળી કે અન્ય કોઈ તહેવાર નથી. આ વડીલો અહીં રોજ સવાર–સાંજ સાથે મળીને હાઇજીનિક ફૂડ જમે છે. યસ, રોજ સવાર–સાંજ બે ટાઇમ ગામમાં રહેતા ૫૦ જેટલા વડીલો સાથે મળીને એક રસોડે જમે છે અને એટલે જ ડાહ્યાભાઈ હોય કે પછી રામજીભાઈ હોય કે રમેશભાઈ કે ઇન્દુભાઈ હોય કે તેમના જેવા બીજા પિતાજીઓ અને હંસાબહેન, મંજુલાબહેન કે રંજનબહેન જેવી માતાઓ તેમની પાછલી ઉંમરમાં ચિંતામુક્ત બન્યાં છે અને નિશ્ચિંત બનીને આ સરખેસરખા વડીલો ગામના ચોકમાં કે પછી મંદિરના ઓટલે બેસીને એકબીજા સાથે વાતચીત કરતાં-કરતાં આનંદથી ગામમાં રહીને જીવન વિતાવી રહ્યા છે, કેમ કે તેમના દીકરાઓ તેમની દેખભાળ રાખી રહ્યા છે. આજે ફાધર્સ ડે છે ત્યારે ચાંદણકી ગામના પિતાઓને હરખ છે કે તેમના દીકરાઓ ભલે અમેરિકા, ઑસ્ટ્રેલિયા, કૅનેડા, જર્મની જેવા દેશોમાં કે પછી અમદાવાદ, અંકલેશ્વર સહિત ભારતનાં શહેરોમાં રહેતા હોય; પરંતુ દૂર રહીને પણ તેમની દરકાર રાખી રહ્યા છે.
તમને કદાચ જાણીને આશ્ચર્ય થશે કે આ ગામમાં છેલ્લાં સાત–આઠ વર્ષથી કોઈ વડીલ તેમના ઘરે બે ટાઇમની રસોઈ બનાવતા નથી, પરંતુ ગામના વડીલો સાથે મળીને જમે છે. ગામના વડીલો અને નોકરી-ધંધા માટે દેશ–વિદેશમાં રહેતા યુવાનોએ સાથે મળીને એવી સિસ્ટમ બનાવી છે કે જેમના દીકરાઓ ગામની બહાર રહેતા હોય એવા વડીલોને કોઈ અગવડ ન પડે અને સગવડ સચવાઈ રહે એ માટે આ વડીલો એકસાથે, એક રસોડે જમે અને એના માટે વ્યવસ્થા કરી છે.
ગામમાં કેવી રીતે બધા વડીલો માટે એક રસોડે જમવાની વ્યવસ્થા શરૂ થઈ એ વિશે વાત કરતાં જેમને બાપુના હુલામણા નામથી બોલાવવામાં આવે છે એવા ગામના આગેવાન ઘનશ્યામ પટેલ કહે છે, ‘ગામના યુવા વર્ગમાં એજ્યુકેશન સારું હોવાથી ઘણા યુવાનો અમેરિકા, કૅનેડા, ઑસ્ટ્રેલિયા સહિતના દેશો અને ભારતનાં શહેરોમાં ધંધાર્થે તેમ જ નોકરી માટે સ્થાયી થયા છે. અમારું ગામ નાનું છે. ગામની વસ્તી આશરે ૧૧૦૦ જેટલી છે. એમાંથી યુવાનો નોકરી-ધંધા માટે ફૅમિલી સાથે બહાર સ્થાયી થયા હોવાથી ગામમાં આશરે બસો-અઢીસો લોકો રહે છે. જે માતા-પિતાનાં સંતાનો ગામની બહાર કામધંધે ગયાં છે એવા વડીલો ગામમાં એકલા રહે છે. જાતે રસોઈ-પાણી સહિતનાં કામ કરવાં પડે એટલે સાતેક વર્ષ પહેલાં બધાએ ભેગા મળીને નક્કી કર્યું હતું કે સમૂહ ભોજન કરીએ. જે વડીલો એકલા રહે છે તેમને ઘરે રસોઈ બનાવવી ન પડે, સૌ ભેગા મળે તો એકબીજા સાથે વાતચીત થાય, એકલું ન લાગે, એકબીજા સાથે અવરજવર રહે અને વડીલોને સગવડ મળી રહે. બધા આ બાબતે સંમત થયા અને ગામમાં સામૂહિક રસોડું ચાલુ થયું છે. રોજ સરેરાશ ૫૦ જેટલા વડીલો એકસાથે એક રસોડે જમે છે.’
જેમનો દીકરો અમેરિકા રહે છે એવા ગામના આ રસોડાનું સંચાલન કરતા તેમ જ બે દાયકા અમેરિકામાં રહ્યા બાદ ગામમાં પાછા ફરેલા અને પોતાને ૫૮ વર્ષની ઉંમરે પણ ગામના સૌથી યંગેસ્ટ ગણાતાં પૂનમ પટેલ કહે છે, ‘૨૦ વર્ષ ન્યુ યૉર્કમાં મેં જૉબ કરી. હું હવે ભારત પાછો ફર્યો છું અને મારો દીકરો મહલ ફ્લૉરિડામાં રહે છે. ગામમાં વડીલો એકલા રહે એટલે તેમના દીકરાઓને ટેન્શન થાય કે માતા-પિતા એકલાં છે. ગામથી બહુચરાજી પાંચેક કિલોમીટર દૂર છે. ત્યાં સામાન લેવા જવાનું થાય, રસોઈ બનાવવી પડે. એટલે બધાએ નક્કી કર્યું કે આ બધી ઝંઝટ છોડો અને સૌ સાથે મળીને જમો. અમેરિકાથી અહીં ગામમાં આવ્યા પછી થોડું ઍડ્વાન્સ કરવાની કોશિશ કરી છે. અમારું સામૂહિક રસોડું ફાઇવસ્ટાર હોટેલ જેવું છે. એસી ડાઇનિંગ હૉલ છે જ્યાં એકસાથે ૧૨ જણ બેસીને જમી શકે છે. રસોઇયા રાખ્યા છે જેઓ વડીલો માટે હાઇજીનિક ફૂડ બનાવે છે. પહેલાં બે ટાઇમ જમવાના મહિને ૧૨૦૦ રૂપિયા ચાર્જ લેતા હતા. હવે બે હજાર ચાર્જ કર્યો છે. હું, મારાં મધર અને મારાં મિસિસ બધાં અહીં રસોડે જ જમીએ છીએ. ગામમાં કોઈ દીકરા–દીકરીને આવવાનું થાય કે મહેમાનોને આવવાનું થાય તો ઍડ્વાન્સમાં રસોડે જાણ કરી દે કે અમારી રસોઈ બનાવજો. ખાસ કરીને રવિવારે રસોડે જમનારા માણસો વધી જાય છે. અહીં બધા વડીલોને એવું ફાવી ગયું છે કે દીકરા–દીકરીને મિસ નથી કરતા. અહીં રહેતા એકલા વડીલોને કોઈ મેડિકલ પ્રૉબ્લેમ હોય કે અન્ય કોઈ મુશ્કેલી હોય તો એ ગામવાળા એકઠા થઈને સૉલ્વ કરી દે છે એટલે બહાર રહેતાં દીકરા કે દીકરીને તેમનાં માતા-પિતાની ચિંતા રહેતી નથી. હા, દીકરા–દીકરીઓ ગામમાં આવે પણ છે.’
ગામમાં એજ્યુકેશનના ઊંચા પ્રમાણની વાત કરતાં પૂનમ પટેલ કહે છે, ‘પહેલાં ગામના ૧૮ યુવાનો ડૉક્ટર હતા. આજે ૩૦ જેટલા ડૉક્ટર છે તેમ જ ૧૦૦થી વધુ યુવાનો એન્જિનિયર થઈને કામકાજ કરી રહ્યા છે. આ સિવાય અન્ય વ્યવસાયમાં પણ યુવાનો કામ કરી રહ્યા છે. મારો દીકરો મહલ પટેલ મેકૅનિકલ અને સૉફ્ટવેર એન્જિનિયર છે અને તે અમેરિકાના ફ્લૉરિડામાં રહીને કામ કરી રહ્યો છે. ગામના ૨૦૦થી વધુ યુવાનો ગામની બહાર નોકરી-ધંધાર્થે ગયા છે.’
ગામમાં જે વડીલો જમવા આવી નથી શકતા તેમના ઘરે ટિફિન મોકલવાની પણ વ્યવસ્થા કરી હોવાની વાત કરતાં રસોડાનું સંચાલન કરતા ૭૨ વર્ષના રમેશ પટેલ કહે છે, ‘ઉંમરલાયક હોય કે પછી કોઈ સાજું-માદું હોય તો રસોડે ન આવી શકે તેમને અમે ટિફિન મોકલી આપીએ છીએ. ગામની બહાર ગયેલા દીકરાઓ જાણે છે કે મારાં માતા-પિતા અહીં ગામમાં સચવાય છે એ બહુ મોટી વાત છે. ગામનાં દીકરા–દીકરીઓ પણ કંઈ ને કંઈ ચીજવસ્તુઓ આપી જાય છે.’
ગામમાં બધા વડીલો સાથે બેસીને જમતાં ૮૪ વર્ષનાં રૂપાલીબા ખુશી વ્યક્ત કરતાં કહે છે, ‘અહીં ઘર કરતાં સારી રસોઈ બનાવે છે. હમણાં તો આંતરે દિવસે કેરીનો રસ લાવે છે. ઘણીબધી વાનગીઓ જમવા મળે છે. ચોખ્ખાઈ પણ એટલી જ રાખવામાં આવે છે. મને તો અહીં ફાવી ગયું છે. બે ટાઇમ સરખેસરખા બધા સાથે મળીને જમીએ અને ઓટલા પર બેસીને વાતો કરીએ. કોઈ સાજું-માંદું હોય તેના કે પછી એકબીજાના ખબરઅંતર પૂછીએ છીએ. બધા સાથે હોય એટલે એકલતા લાગતી નથી.’
સંતાનો જ્યારે ઊંચી ઊડાન ભરવા માટે મોટા શહેરો કે વિદેશોમાં જાય ત્યારે એકલા પડી જતા વડીલો માટે ચાંદણકી ગામે ઊભી કરેલી આ વ્યવસ્થા આઇડિયલ છે. સંતાનોની સાથે શહેરની જિંદગીમાં વડીલો પરાણે ઍડજસ્ટ કરવાની મથામણ કરે એના બદલે પોતાના ગામના ગમતીલા વાતાવરણમાં હમઉમ્ર ભાઈ-બહેનોની સાથે રહે ત્યારે આપમેળે ખુશમિજાજ જીવન જીવી શકે છે. પેરન્ટ્સને એકલતા ન લાગે કે કોઈ તકલીફ ન પડે એ માટે ઊભી કરેલી આ વ્યવસ્થાથી વડીલો ખુશમિજાજ સાથે જાણે કે મનોમન ગાઈ રહ્યા છે કે ‘મને પાનખરની બીક ના બતાઓ...’
ADVERTISEMENT
બધા સાથે મળીને શું જમે છે?
ગામના રસોડે બનતાં ફરસાણ–સ્વીટ અને મનલુભાવન વ્યંજનો વડીલો અને મહેમાનોની દાઢે વળગે એવાં હોય છે. ગામમાં લંચ માટે સવારે સાડાદસ વાગ્યે બેલ વાગ્યે છે. સાંજે ૬.૩૦ વાગ્યે ડિનર માટે બેલ વાગે છે. બેલ વાગે એટલે ગામના વડીલો ડાઇનિંગ હૉલમાં આવતા જાય છે. લંચમાં રોટલી–શાક, દાળ-ભાત, છાશ ઉપરાંત સ્વીટ હોય તો એ પણ પીરસાય છે. અત્યારે કેરીની સીઝન છે ત્યારે કેરીનો રસ આપવામાં આવે છે. ડિનરમાં ખીચડી, ભાખરી, શાક સહિતની રસોઈ પીરસાય છે. સાંજે અઠવાડિયામાં ત્રણ દિવસ ઇડલી, ઢોકળાં, ગોટા, બટાટાવડાં કે અન્ય કોઈ ફરસાણ વડીલોને પૂછીને બનાવવામાં આવે છે. આ ઉપરાંત ગામની કોઈ ને કોઈ વ્યક્તિ સ્વીટ લઈને આવે છે.

