લિસ્ટમાં લતા મંગેશકર, મોહમ્મદ રફી સહિત ટોચના આઠ સિંગર્સનાં એક-એક ગીત પસંદ કરું. પરંતુ એક કલાકાર એવા છે જેમનાં બે ગીતો મને અત્યંત લાડકાં છે અને એ કલાકારનું નામ છે કે. એલ. સૈગલ.
મહાન ગાયક અને અભિનેતા કે. એલ. સૈગલ
જીવનમાં તમને કોઈ પ્રશ્ન કરે કે તમને સૌથી વધુ ગમતાં ૧૦ ફિલ્મી ગીતો કયાં? તો મારો જવાબ છે કે એ માટે તો ૧૦૦ ગીતોનું લિસ્ટ બનાવવું પડે અને છતાં બીજાં અનેક ગીતો રહી ગયાં છે એવું લાગે. જો મને કોઈ એમ પૂછે કે તમારાં લાડકાં ૧૦ ગીતો કયાં? તો એ લિસ્ટમાં લતા મંગેશકર, મોહમ્મદ રફી સહિત ટોચના આઠ સિંગર્સનાં એક-એક ગીત પસંદ કરું. પરંતુ એક કલાકાર એવા છે જેમનાં બે ગીતો મને અત્યંત લાડકાં છે અને એ કલાકારનું નામ છે કે. એલ. સૈગલ.
કુંદન લાલ સૈગલના કંઠમાં રેકૉર્ડ થયેલાં આ બે ગીતો છે ‘બાબુલ મોરા, નૈહર છૂટો હી જાય (સ્ટ્રીટ સિંગર - આર. સી. બોરાલ - વાજીદ અલી શાહ) અને ‘જબ દિલ હી ટૂટ ગયા, હમ જી કે ક્યા કરેંગે (શાહજહાં – નૌશાદ – મજરૂહ સુલતાનપુરી). એક ગીતમાં ઘર છોડીને સાસરે જતી નવોઢાની પીડાનો વ્યાકુળ પોકાર છે તો બીજામાં નિષ્ફળ પ્રણયની લોહીલુહાણ વેદનાનું આક્રંદ. શબ્દ અને સૂરના સથવારે કે. એલ. સૈગલના સ્વરે વ્યથા અને લાચારીનું જે ભાવવિશ્વ ઊભું કર્યું છે એ વ્યક્ત કરવા માટે શબ્દો નથી મળતા. કેવળ એટલું કહેવું જ પર્યાપ્ત છે કે તેમનો સ્વર આપણા માટે ઈશ્વરની દેન હતો.
ADVERTISEMENT
આ અવાજનું વળગણ મને ગળથૂથીમાં મળ્યું હતું, કારણ કે ભાઈ (પિતા) તેમના મોટા ચાહક. નાનપણથી ઘરના રેડિયો દ્વારા તેમનાં ગીતોની ખનક મારા સબકૉન્શિયસ માઇન્ડ પર પડતી હતી. પહેલી કમાઈમાંથી જ્યારે મેં મ્યુઝિક-સિસ્ટમ વસાવી ત્યારે સૌપ્રથમ રેકૉર્ડ કે. એલ. સૈગલની ખરીદી હતી. અમે બન્ને રોજ રાતે એ સાંભળતા. આજની તારીખમાં પણ રેડિયો સિલોન (હવે શ્રીલંકા બ્રૉડકાસ્ટિંગ કૉર્પોરેશન) દરરોજ ‘પુરાની ફિલ્મોં કે ગીત’ કાર્યક્રમમાં અંતિમ ગીત કે. એલ. સૈગલનું જ પ્રસારિત કરે છે.
તમને થશે આજે અચાનક કે. એલ. સૈગલ કેમ યાદ આવ્યા? એનું કારણ છે. થોડા દિવસ પહેલાં એક સ્ટેજ-કાર્યક્રમમાં કે. એલ. સૈગલના ‘જબ દિલ હી ટૂટ ગયા’ની રજૂઆત થઈ. મેં વર્ષો બાદ કોઈ કલાકારને આ ગીતની રજૂઆત કરતા સાંભળ્યા. બન્યું એવું કે આ ગીતને સૌથી વધુ તાળી મળી. એ ક્ષણે અનુભવ્યું કે આજે પણ કે. એલ. સૈગલનાં ગીતોનો જાદુ બરકરાર છે.
કુંદન લાલ સૈગલનો જન્મ ૧૯૦૪ની ૪ એપ્રિલે જમ્મુમાં થયો હતો. પિતા અમીરચંદ રાજ્યના તહસીલદાર હતા. બાળક કુંદન નાનપણથી જ ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે નાટકોમાં અભિનય કરતો અને ગીતો ગાતો. સંગીતની શિક્ષા માટે તેમની માતા ખૂબ પ્રોત્સાહન આપતાં. કુંદન લાલ યુવાન થયા અને રેલવેમાં ટાઇમકીપર તરીકે નોકરીની શરૂઆત કરી. ત્યાં ફાવ્યું નહીં એટલે હોટેલ મૅનેજર, ટાઇપરાઇટર મેકૅનિક અને પછી એ જ કંપનીના સેલ્સમૅન તરીકે ટાઇપરાઇટર વેચવાનું શરૂ કર્યું. જોકે તેમનો જીવ સંગીતનો એટલે નાછૂટકે આવાં કામ કરવાં પડતાં. સેલ્સમૅન તરીકે વેપારીને મળવા જાય ત્યારે વાતવાતમાં ગીતો સંભળાવે. બન્યું એવું કે તેમના સ્વરથી પ્રભાવિત થઈને લોકો ફરમાઈશ કરે, ‘ધંધાની વાત પછી કરીશું, પહેલાં ગીત સંભળાવો.’
કુંદન લાલ મન મારીને નોકરી કરતા. એક વખત તેમના પર ચોરીનો આરોપ પણ મુકાયો. તેઓ ખૂબ વ્યથિત હતા, પરંતુ કોઈ રસ્તો નહોતો. તેમને એક વાતનો અફસોસ હતો કે કિશોરાવસ્થામાં સંગીતની પદ્ધતિસરની તાલીમ લીધી હોત તો ગુરુ–શિષ્ય પરંપરાના ઘરાનાની ગાયકી કામમાં આવી હોત. આવી મનઃસ્થિતિમાં એક વાર ઉસ્તાદ ફૈયાઝ ખાન પાસે કંઠી બંધાવવા ગયા. તેમણે કાંઈ ગાવાનું કહ્યું. કુંદન લાલે રાગ દરબારીમાં ખયાલ ગાયો. સાંભળીને ઉસ્તાદ બોલ્યા, ‘બેટા, તને વધુ મોટો ગાયક બનાવવા માટે શીખવવા જેવું મારી પાસે કાંઈ નથી. બસ, ગાતો રહેજે.’
એક પાસા પાડ્યા વગરનો હીરો સ્વયંભૂ પોતાની મેળે ચમકે એમ કુંદન લાલની ગાયકીની ચર્ચા ચારેકોર ફેલાઈ રહી હતી. આપણે ભલે એમ માનીએ કે તેમનો અવાજ ઈશ્વરની દેન હતો, પણ એક ફિલોસૉફરનું વાક્ય યાદ આવે છે, ‘ઈશ્વરની દેન જેવા શબ્દોથી છેતરાવું નહીં. જેના પર મહેરબાની કરવી હોય તેની પાસે એ પહેલાં લોહીનું પાણી કરાવે એવી તનતોડ મહેનત કરાવે છે અને પછી સફળતા મળે ત્યારે એનું શ્રેય પોતે લે છે.’ એક દિવસ સેલ્સમૅન કુંદન લાલનું નસીબ ખૂલે છે. હિન્દુસ્તાન રેકૉર્ડ કંપની તેમના અવાજના હીરને પારખીને બે ગીતો રેકૉર્ડ કરે છે. એ જમાનો હતો 78 RPMની થાળી - રેકૉર્ડનો. એક સાઇડ પર ગીત હતું, ‘ઝુલા ના ઝુલો રી’ અને બીજી સાઇડ પર હતું ‘હોરી રે બ્રિજ રાજ દુલારે…’ આ રેકૉર્ડ અત્યંત લોકપ્રિય થઈ. એની ૫૦,૦૦૦ કૉપી વેચાઈ અને કુંદન લાલ સૈગલે નોકરી છોડીને ફુલ ટાઇમ સિંગર બનવાનો નિર્ણય લઈ લીધો.
એક મિત્રે તેમની ઓળખાણ કલકત્તામાં ન્યુ થિયેટરના સંસ્થાપક બી. એન. સરકાર સાથે કરાવી. અહીં સંગીતકાર આર. સી. બોરાલ કામ કરતા. કે. એલ. સૈગલના સ્વરમાં ગીત, ભજન, ગઝલ અને ખયાલ સાંભળીને તેઓ ખૂબ જ પ્રભાવિત થયા. એ સમયે સ્ટુડિયોમાં મેકઅપ કરતા પ્રજ્ઞાચક્ષુ ગાયક કે. સી. ડેના (મન્ના ડેના કાકા) કાનમાં સૈગલનો અવાજ પડ્યો. અથડાતા-કુટાતા તેઓ ‘ઑડિશન રૂમ’માં આવ્યા અને સૈગલને અઢળક આશીર્વાદ આપ્યા.
એ જમાનો હતો જ્યારે પ્લેબૅક સિન્ગિંગની પ્રથા શરૂ નહોતી થઈ (એ કેવી રીતે શરૂ થઈ એ કિસ્સો પણ એટલો જ રોમાંચક છે જે વિશે ફરી કોઈ વાર). એટલા માટે હીરો અને હિરોઇન જ પોતાનાં ગીતો ગાતાં. પરિણામે થોડું ઠીકઠાક ગાતા અને ઠીકઠાક અભિનય કરતા કલાકારોને જ કામ મળતું. ન્યુ થિયેટર્સના ધુરંધરોને એ વાત બરાબર સમજાઈ ગઈ કે સુંદર ગાયકીના માલિક સૈગલ દેખાવમાં પણ વ્યવસ્થિત હતા. એ ઉપરાંત તેમને બાળપણમાં અભિનય કરવાનો મહાવરો હતો એ તેમનું જમા પાસું હતું. આને કારણે ૧૯૩૨માં સૈગલની ગાયક–અભિનેતા તરીકેની કારકિર્દી શરૂ થઈ. કંપનીએ ‘મોહબ્બત કે આંસુ’, ‘ઝિંદા લાશ’ અને ‘સુબહ કા તારા’ નામની ત્રણ ફિલ્મો સૈગલ સાથે બનાવી. જોકે આ ફિલ્મો નિષ્ફળ રહી.
૧૯૩૪માં તેમની ફિલ્મ ‘પૂરન ભગત’ લોકપ્રિય થઈ. ત્યાર બાદ આવેલી ‘ચંડીદાસ’ અને ‘દેવદાસ’ પણ લોકોને ખૂબ ગમી. કે. એલ. સૈગલ નૅશનલ હીરો બની ગયા. એ ઉપરાંત ન્યુ થિયેટર્સ સાથે ‘કરોડપતિ’, ‘ઝિંદગી’, ‘પ્રેસિડન્ટ’, ‘સ્ટ્રીટ સિંગર’, ‘દુશ્મન’ અને ‘કારવાં-એ-હયાત’ અને બીજી ફિલ્મો કરીને ૧૦ વર્ષ બાદ તેઓ ૧૯૪૨માં મુંબઈ આવ્યા. અહીં ‘ભક્ત સુરદાસ’, ‘તાનસેન’, ‘ભંવરા’, ‘તદબીર’, ‘ઉમર ખય્યામ’, ‘પરવાના’, શાહજહાં’ અને અન્ય ફિલ્મોમાં ગાયક-અભિનેતા તરીકે કામ કરી ખૂબ નામના મેળવી.
સૈગલમાં રહેલા ગાયકે તેમનામાં રહેલા અભિનેતાને હંમેશાં પાછળ ધકેલ્યો હતો. તેમની લોકપ્રિય થયેલી ફિલ્મોમાં તેમનો ચહેરો હીરોનો નહોતો. ‘સ્ટ્રીટ સિંગર’ સમયે તેમને લગભગ ટાલ પડી ગઈ હતી. ત્યાર બાદની ફિલ્મોમાં તેમણે વિગ પહેરીને અભિનય કર્યો હતો. એક વાત નક્કી હતી. અભિનેતા તરીકે કે. એલ. સૈગલ ટકી ગયા એનાં બે કારણો હતાં. તેમની સંવાદ બોલવાની કળા અને ગાયકી અદ્ભુત હતી. ‘તાનસેન’માં તેમણે ચહેરા પર મૂછ ચીપકાવી નહોતી, એ પેન્સિલથી ચીતરી હતી. જોકે એમ છતાં તેઓ એ ભૂમિકામાં નભી ગયા, કારણ એટલું જ કે તેઓ અભિનેતા કરતાં ગાયક તરીકે મહાન હતા.
કે. એલ. સૈગલ બહેતરીન ગાયક તો હતા, પણ સાથે એક ઉમદા દિલદાર મનુષ્ય હતા. અભિનેતા જયરાજ એક ઇન્ટરવ્યુમાં કહે છે, ‘એક દિવસ અમે બન્ને ગાડીમાં જતા હતા ત્યારે રસ્તામાં એક માણસને ઠંડીમાં ઠૂંઠવાતો જોયો. તેમણે તરત ગાડી ઊભી રખાવી અને પોતે પહેરેલું જૅકેટ પેલા માણસને આપી દીધું. તેમનાથી કોઈનું દર્દ જોવાતું નહોતું. અનેક વાર મેં તેમને કોઈને મદદ કરવા પોતાનાં ખિસ્સાં ખાલી કરતા જોયા છે.’
આવો જ માનવામાં ન આવે એવો એક કિસ્સો છે. ૧૯૪૨માં ઉદ્યોગપતિ પદ્મપત સિંઘાણિયાના ઘરે લગ્નપ્રસંગે તેમને ગીતો ગાવા જવાનું હતું. એ માટે માનધન તરીકે ૨૫,૦૦૦ રૂપિયા મળવાના હતા. એક દિવસ કારદાર સ્ટુડિયોનો એક કામદાર ગણપત પોતાની દીકરીનાં લગ્નની કંકોતરી લઈને આવ્યો અને હાથ જોડીને કહે, ‘સૈગલસાબ, આપ તો મોટા માણસ છો. અમારા ઘેર ક્યાંથી આવો? પણ આવશો તો જીવનભર આપનો ઉપકાર નહીં ભૂલું.’
સિંઘાણિયા પરિવાર અને ગણપતના ઘરમાં લગ્ન એક જ દિવસે હતાં. ૨૫,૦૦૦ રૂપિયા છોડીને સૈગલ ગણપતના ઘરે ગયા એટલું જ નહીં, ઘરમાં જમીન પર બેસી, બેઠક જમાવીને ‘બાબુલ મોરા, નૈહર છૂટો હી જાય’ ગાયું.
મોહમ્મદ રફી માટે એમ કહેવાય છે કે વર્ષો મુંબઈમાં કાઢવા છતાં તેમને મોટા ભાગના રસ્તાની ખબર નહોતી. ડ્રાઇવર સાથે જવાનું અને આવવાનું. તેઓ માનતા કે આપણું મૂળ કામ ગાવાનું છે એટલે બીજી કોઈ માથાકૂટમાં ન પડવું. આવું જ કંઈક કે. એલ. સૈગલનું હતું. એક વાર તેઓ શૂટિંગ માટે સ્ટુડિયો પહોંચ્યા નહીં એટલે તેમને જાણતા લોકો શોધવા નીકળ્યા. જોયું તો દાદરના ખોદાદાદ સર્કલ પાસે એક થાંભલાને અઢેલીને રડમસ ચહેરે ઊભા હતા, ‘શું થયું સૈગલસાબ?’ એ પ્રશ્નનો જવાબ મળ્યો, ‘મને રસ્તો જ નહોતો મળતો.’
કે. એલ. સૈગલને ચાહકોનો અઢળક પ્યાર અને બેસુમાર સફળતા મળી છતાં તેઓ જીવનની રાહમાં અવારનવાર રસ્તો ભૂલી જતા. સફળતાની સાથે ‘પૅકેજ ડીલ’માં અનેક દૂષણ આવે છે. એમાંનું એક છે શરાબ, જે ધીમે-ધીમે આ મહાન ગાયકને પોતાના ભરડામાં લઈ રહ્યું હતું. એ વાત આવતા રવિવારે.

