શ્વાનપ્રેમ સામે મારો કોઈ વિરોધ નથી પણ એ જો માણસની લાગણીના ભોગે હોય તો પછી મને જરાક હડકવા ઊપડે અને એવું કરનારાના ઢેકે બટકું તોડવાનુંયે મન થાય
લાફ લાઇન
પ્રતીકાત્મક તસવીર
એક સમય હતો જ્યારે લોકો ઘરથી બહાર લખતા ‘સુસ્વાગતમ’. નેવુંના દશક પછી લખાવા માંડ્યું ‘ભલે પધાર્યા’ અને છેલ્લાં વીસ વરસથી આપણે લખતા થયા છીએ ‘કૂતરાથી સાવધાન!’ ધિસ ઇઝ અવર સ્ટેટસ. આવું સ્ટેટસ ધરાવતા ઘરમાં તમે જુઓ તો તમને ‘કૂતરાથી સાવધાન’ના બોર્ડની નીચે જ ચટાપટાવાળો બર્મુડો પહેરીને શેઠ કૂતરાને નવડાવતો દેખાય!
સાલ્લું આપણને શંકા જાય કે આમાં શેઠ કોણ છે અને કૂતરો કોણ છે? ઍનીવે, આજે આંગણે કૂતરો પાળવો એ ગૌરવ ગણાય છે અને ફળિયામાં ગાય બાંધવામાં શરમ આવે છે. આપણો આખો સમાજ જે કાંઈ સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે એનાં કા૨ણો નજ૨ સામે જ છે કે કૂતરા ક્વૉલીસમાં રખડે છે અને કામધેનુ ઉકરડે ભટકે છે.
ADVERTISEMENT
રાજકોટમાંથી તો મારા એક મિત્રે મને ફોન કરીને નિમંત્રણ આપ્યું કે સાંઈ, ઘરે તો આવ યાર, દોઢ લાખની લીધી છે ઈ જોવા તો આવ! મને થયું કે દોઢ લાખમાં અટાણે એક બાઇક જ આવે છે. લાવને જઈ આવું, ભાઈબંધ રાજી થાશે. ઘરે જઈને જોઉં તો ઈ ભાઈબંધ દોઢ લાખની રુંછડાંવાળી પૉમેરેનિયન કૂતરી લઈ આવ્યો. આય હાય! ઈ કૂતરી સોફા ઉપર બેઠી’તી અને તેનાં બા-બાપુજી વૃદ્ધાશ્રમમાં હતાં. મને થ્યું કે નક્કી આ ‘શ્વાનસુંદરી’ તેની ચોથી પેઢીએ કાંઈક સગી થતી હશે એટલે જ આ ભવે બિલ વસૂલવા આવી છે.
કૂતરાને પ્રેમ કરવો ઈ સહેજેય ગુનો નથી, પરંતુ જ્યારે ઈ માણસના ભોગે થાય ત્યારે મન ફીકું ને નીરસ થઈ જાય.
મહેસાણામાં એક મિત્રને ત્યાં હું જમવા બેઠો. એનો કૂતરો મારી સામે જ જીભડો કાઢતો બેઠો. હવે મેં નાનપણમાં એક વાર ડૂંટી ઉપર ૧૪ ઇન્જેક્શન લીધેલાં હોવાથી હુંય કૂતરાથી રોડ કાપું. મેં યજમાનને વિનંતી કરી કે આ કૂતરાને આઘો બાંધી દોને યાર, તો જ હું જમી શકીશ. યજમાન ક્યે, ‘સાંઈરામ, તમે હૈયે ધરપત રાખો, ઈ કરડશે નહીં. ઈ તો એની થાળી ઓળખી ગ્યો એટલે સામું જોયા કરે છે...’
મારા વિદ્યાગુરુ ડૉ. કનુભાઈ કરકર ઋગ્વેદની એક સરસ વાર્તા અમને ભણાવતા. એક વાર ઇન્દ્રની ગાયો ખોવાઈ ગઈ. ‘પણી’ એટલે હોશિયાર લોકોનો પ્રદેશ કહેવાતો, ઈ ‘પણીલોકો’ ગાયો લઈ ગ્યા`તા. ઇન્દ્રને પણી ઉપર શંકા એટલે તેણે ગરુડને ગાયોની ભાળ મેળવવા પણીના દેશમાં મોકલ્યું, પરંતુ પણી લોકોએ ખૂબ ચાલાકી વાપરી, ગરુડને ખૂબ માન-પાન આપી ભેટસોગાદો આપી અને પોતાના પક્ષમાં કરી લીધું.
ગરુડે ઇન્દ્રને ખોટી માહિતી આપી કે પણીના દેશમાં ગાયો નથી. પછી ઇન્દ્રે પોતાની ‘સર્મા’ નામની કૂતરીને ફરી જાસૂસી માટે મોકલી. સર્મા બિચાડી પડતી-આખડતી માંડ-માંડ પણીના દેશમાં પહોંચી. પણી લોકોએ ફરી ચાલાકી વાપરી, પણ ‘સર્મા’ નામની કૂતરી પણીથી લલચાણી નહીં. સર્માએ ઇન્દ્રને સાચી બાતમી આપી દીધી કે તમારી ગાયો પણી દેશમાં જ છે. મૉરલ ઑફ ધ સ્ટોરી હવે આવે છે કે ઇન્દ્રે ગરુડને શ્રાપ આપ્યો કે તારા વંશજો ગીધ થાશે અને માંસાહાર કરતાં-કરતાં મરશે અને સર્મા નામની કૂતરીને ઇન્દ્રે આશીર્વાદ આપ્યો કે ‘તારા ગુણ મનુષ્યો જાણશે!’
બસ, આ એક લીટીના આશીર્વાદે શ્વાનના આખા ગોત્રનું કલ્યાણ કરી નાખ્યું. છોકરાં ને બાયડી વાંહેની સીટમાં બેઠાં હોય ને મર્સિડીઝની આગલી સીટ ઉપર રાભડા જેવો ‘શ્વાનશ્રેષ્ઠ’, ‘શ્વાનસુન્ન’ કે ‘શ્વાનોત્તમ’ કે ‘શ્વાન-કુંવર’ જીભડો કાઢીને લાળું પાડતો હોય...!
વાહ ભૈ વાહ!
મુદ્દો ઈ છે કે ‘કાળુડી કૂતરીને આવ્યાં ગલૂડિયાં’ કવિતાથી શરૂ થયેલી આપણી શિક્ષણયાત્રા આજે ક્યાં પહોંચી છે?
સરસ શ્વાનની કવિતા ભણીને આપણે મોટા થયા અને આપણી નવી પેઢી ભૂંડમાંથી બનેલા કાર્ટૂન પેપાપિગમાં ફસાઈ ગઈ છે. બાળપણમાં શેરીની વિયાયેલી કૂતરી માટે ઘરે-ઘરે શીરો માગવા જતા, યાદ છે કોઈને? તો દિવાળીએ કૂતરાની પૂંછડીએ રૉકેટ બાંધવાનાં જોખમી તોફાન આજકાલની પેઢીને સપનામાં પણ ન આવે, ખરુંને?
લેખની શરૂઆત કૂતરાથી કરી`તી એટલે જો અંતે કૂતરાને યાદ ન કરું તો કૂતરું કરડે! મુંબઈમાં પાર્લાની અંદર એક શેઠે મને પૂરું પેમેન્ટ દઈને પ્રોગ્રામ માટે બોલાવ્યો. પછી ઘરે જમાડીને અગાસી ઉપર ખુરશી ઢાળીને બેસાડ્યો. શેઠ કહે બસ, હવે જોર-જોરથી દૂહા, છંદ ને જોક્સ થવા દ્યો. વગર માઇક, ઑડિયન્સ અને સ્ટેજ! હું તો ગોટે ચડ્યો. મેં શેઠને પૂછ્યું, શેઠ આવી રીતે અગાસી ઉપર મારો કાર્યક્રમ કરવાનું કારણ શું? શેઠે ઠાવકાઈથી જવાબ આપ્યો કે છેલ્લા એક માસથી સામાવાળાનો કૂતરો મને સૂવા નથી દેતો. આજ તો મારે મહિનાનો બદલો લેવો છે! ઘડીક તો મને અગાસી પરથી ઠેકડો મારવાનું મન થ્યું, પછી તમારા બધાનો વિચાર આવ્યો કે ગુજરાતીઓ એક સારો કલાકાર સાલ્લા કૂતરા માટે ખોઈ બેસે ઈ તો વાજબી કારણ નહીં જ ગણાય. બસ, એટલે હું જીવી ગ્યો છું.