સ્નેહી પરમારની પંક્તિઓ દામ્પત્યજીવનની વાર્તા રજૂ કરે છે. એને વડીલો સાથેના સંબંધ સંદર્ભે પણ લઈ શકાય. દરેક સંબંધમાં નિરાંતની મિરાત નસીબ નથી થતી
અર્ઝ કિયા હૈ
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
એકનાં બે ન થાય એવાં છે
તોય મોહી પડાય એવાં છે
એની સાથેના અણબનાવો પણ
એક તોરણ ગૂંથાય એવા છે
ADVERTISEMENT
સ્નેહી પરમારની પંક્તિઓ દામ્પત્યજીવનની વાર્તા રજૂ કરે છે. એને વડીલો સાથેના સંબંધ સંદર્ભે પણ લઈ શકાય. દરેક સંબંધમાં નિરાંતની મિરાત નસીબ નથી થતી. અનબન, અસ્વીકાર, અસંતોષ જેવાં વિઘ્નો ખળખળ વહેવા ઇચ્છતા સંબંધના ઝરણને અવરોધે કે દિશાફેર કરી મૂકે. નદીમાં બહુ કાંપ ભરાઈ જાય તો વહેણ પર અસર પડવાની. શબનમ ઓઝા સમાધાન પણ આપે છે અને વાસ્તવિકતાનો આયનો પણ ધરે છે...
વાત સુધરી શકે, વાત જો થાય તો
આટલી વાત બન્નેને સમજાય તો
એ જ ડરથી અરીસો એ જોતા નથી
સામે છેડેથી આરોપી ઝડપાય તો
દુનિયાની નજરોથી ભલે આપણે બચી જઈએ, પણ અરીસો પકડી પાડે છે. છુપાવેલી વાતોને એ છતી કરી મૂકે છે. બિંબનું પ્રતિબિંબ દર્શાવી એ જાણે આપણી ઝેરોક્સ કાઢે છે. ઝેરોક્સમાં એ જ આવે જે મૂળમાં હોય. માણસ મુખવટો પહેરીને જાતને જોવા અરીસા સામે બેસતો નથી. શૈલેશ ગઢવી વાતને આગળ વધારે છે...
પ્રથમ નજરથી તમે જેને ખાસ માનો છો
એ ખાસ થાય પછી સત્ય બ્હાર આવે છે
પહેલાં વાત કરે છે એ સાત જન્મોની
સમાસ થાય પછી સત્ય બ્હાર આવે છે
સત્ય દુણાયેલું ને દુભાયેલું હોય ત્યારે દયા ઊપજે. સત્ય ધરબાયેલું રહે ત્યારે કોઈને અન્યાય થાય. સત્ય છાપરે ચડીને પોકારે એ જરૂરી છે. આપણે ત્યાં ખોટાં કામોની જોરશોરથી જાહેરાત થાય છે. એની ચકાચોંધમાં સારાં કામો ઢંકાઈ જાય છે. સત્ય માત્ર વ્યક્તિગત ન્યાય માટે જ નહીં, સામાજિક અભિગમ બદલવા પણ આવશ્યક છે. સત્ય ઊઘડે પછી પણ એનો ડૂચો બનાવીને ફેંકી દેવાનું ન હોય. કિરણસિંહ ચૌહાણ અણિયાળી વાત કરે છે...
રસ્તા જ્યારે સીધા થાય
ત્યારે લોકો વાંકા થાય
ખૂલે ભેદ પછી પણ શું?
થોડા દિવસ હોહા થાય
ભ્રષ્ટાચારના, દુષ્કર્મના, રાષ્ટ્રદ્રોહના અનેક કિસ્સાઓ વિશે આપણે છાપામાં વાંચીએ છીએ. હાડોહાડ લાગી આવ્યું હોય એવો ગમખ્વાર કિસ્સો પણ છ મહિનામાં ભુલાઈ જાય છે અને એમાંથી લેવાની શીખ પણ કોરાણે મુકાઈ જાય છે. ભૂલો કરવી આપણા સ્વભાવમાં છે. મહેશ દાવડકર ટકોર કરે છે...
હા, બને કે જીવવામાં ભૂલ થાય
શું કોઈને ચાહવામાં ભૂલ થાય?
આંખ હો કમજોર તો પણ શું થયું
જાતને કંઈ વાંચવામાં ભૂલ થાય
પ્રજ્ઞાચક્ષુ પાસે આંખો ન હોય છતાં તે સિક્સ્થ સેન્સથી ભાળ મેળવી લે છે. સતેજ આંતરચક્ષુ એને માર્ગદર્શન પૂરું પાડે છે. આપણાં આંતરચક્ષુઓને મોતિયો લાગી ગયો છે. એને ઉતરાવવાની વાત તો ત્યારે આવે જ્યારે મોતિયો થયો છે એની ખબર પડે. લૅબોરેટરીની તપાસમાં તો એ પકડાવાનો નથી. જાતતપાસ કરવાનો આપણી પાસે સમય નથી. કિશોર જિકાદરા આ માનસિકતા તપાસે છે...
રોગ લાગે છે મને ગંભીર મારો,
રોજ પીંછાં કાં ખરે છે પાંખમાંથી?
આંખ સામે એક પંખી ભસ્મ થાતું
એક પંખી થાય બેઠું રાખમાંથી
ફીનિક્સ પંખી વિશે એવું કહેવાય છે કે એ રાખમાંથી પણ બેઠું થાય છે. આપણી જિંદગીમાં પણ કેટલોક તબક્કો એવો આવે કે આપણે તૂટી જઈએ, ફૂટી જઈએ, ખૂટી જઈએ, છિન્નભિન્ન થઈ જઈએ. આવા સમયને પસાર થવા દેવો પડે. પાનખર પછી વસંતનો ઇન્તઝાર દરેક જિંદગી કરતી હોય છે. ખરાબ સમય વીતી જાય પછી હરદ્વાર ગોસ્વામી કહે એવો અહેસાસ થઈ શકે...
ક્યાંક કોઈ વૃક્ષ હોવું જોઈએ
શ્હેરમાં લ્યો, આજ કલરવ થાય છે
દ્વાર દિલનાં ખોલવાં પડશે હવે
પાંપણે કોઈના પગરવ થાય છે
લાસ્ટ લાઇન
નાના-મોટા રોજ ઝઘડા થાય છે
એ ઘરે પણ સાંજે દીવા થાય છે
અણગમા તો હોય, એમાં શું થયું
વાળુ કરવા સૌએ ભેગા થાય છે
વૃક્ષને શું અમને પણ ગમતું નથી
ડાળ પરથી પાન છૂટાં થાય છે
રસ્તે-રસ્તે સૌને પૂછે, કેમ છો
એથી વારંવાર મોડા થાય છે
કોઈ સમજે આપણી નબળાઈને
કોઈ આવીને હથોડા થાય છે
તીર જેવું બોલતા’તા, ને હવે
સ્મિત દઈને કેવા ભોળા થાય છે
હું ખૂલીને વાત કરવા જાઉં ત્યાં
માણસો સીધા જ પડદા થાય છે
કોઈ ખોબે-ખોબે ઢોળે છે બધું
કોઈ માટે ફન્ડફાળા થાય છે
- દિનેશ કાનાણી (ગઝલસંગ્રહ : ઋણાનુબંધ)