માણસનું લખવાનું-વાંચવાનું ઓછું થઈ ગયું એમ વિચારવાનું પણ ઓછું થઈ ગયું
સીધી વાત
પ્રતીકાત્મક તસવીર
શું આપણે આપણી વિવિધ ઇન્દ્રિયો વિશે ક્યારેય ગંભીરતાથી વિચાર કરીએ છીએ? મન ભટકતું સાંભળ્યું છે, ઇન્દ્રિયો પણ ક્યાંક ભટકવા લાગી છે. આપણે જ આપણા હાથની બહાર થઈ જઈએ એ પહેલાં જાગી જઈએ. પ્રકાશના નવા વરસનો ઉદય નજીક છે, ચાલો જાતને થોડી તો ઢંઢોળીએ.
આપણી આંખો શું જોયા કરે છે? કાન શું સાંભળ્યા કરે છે? મુખ શું બોલ્યા કરે છે? પગ કેટલું ચાલે છે? હાથનો કેટલો ઉપયોગ થાય છે? માણસનું લખવાનું-વાંચવાનું ઓછું થઈ ગયું એમ વિચારવાનું પણ ઓછું થઈ ગયું. પરિણામે તેની એકેએક ઇન્દ્રિય આડેધડ વપરાવા લાગી છે. તેનો ખોરાક બેજવાબદાર રીતે વિચિત્ર થઈ ગયો છે, તેની જીભને સ્વાદનો બેફામ ચટકો લાગી ગયો છે, તેને મળતી કૅલરી ડાઉનગ્રેડ થતી જાય છે. માણસ રિમોટ અને રોબો થવા લાગ્યો છે. આમાં મન રોગી થતું જાય છે, પરંતુ એના સિમ્પ્ટમ્સ સમજાતા નથી. વર્ક-સ્ટ્રેસ, પિયર પ્રેશર, સ્પર્ધા, તુલના, દોટ, અસલામતીની ભાવના, ગર્ભિત ભય, નેગેટિવ માહોલ, અર્થહીન વાતો, ટીકાઓ, દિશાહીન વિચારધારામાંથી ઍન્ગ્ઝાયટી, સ્ટ્રેસ, ડિપ્રેશન સર્જાય છે. મોટા ભાગના લોકો સતત ફિલ્મો, ટીવી, ઓટીટી જેવાં મનોરંજનનાં માધ્યમોમાં, રાજકારણ અને ક્રિકેટમાં પોતાને ડુબાડી રાખે છે. મનોરંજન વિના જીવવું કઠિન થઈ રહ્યું છે. મનોમંથન તેને ગભરાવી નાખે છે. માણસો એટલા અશાંત થઈ ગયા છે કે થઈ રહ્યા છે જેને કારણે સતત મેડિકેશનની અને મેડિટેશનની ડિમાન્ડ રહે છે. યોગની ડિમાન્ડ વધી રહી છે. શ્વાસ લેવાનું શીખવવાના સંખ્યાબંધ ક્લાસ ચાલે છે.
ADVERTISEMENT
આપણે આપણી જાત સાથે બેસતા નથી, બીજા બધા સાથે બેસીએ છીએ. આપણને આપણો જ કંટાળો આવે છે. આપણને આપણી કંપની બહુ ગમતી નથી; કારણ કે આપણી જાત સતત મૂંઝવણ ઊભી કરે છે, ડરાવે છે, ચિંતા કરાવે છે. હા, કાલ્પનિક ચિંતાઓ વધુ અને વાસ્તવિક ઓછી.
માણસ વિચારોના આક્રમણથી પીડાઈ રહ્યો છે, ઘેરાઈ રહ્યો છે. પરિવારો તૂટી-છૂટી ગયા છે. એકાંત એકલતામાં પલટાઈ રહ્યું છે. માણસ અંદરથી ખાલી થતો જાય છે એટલે જે મળે એ ભરતો જાય છે. એમાં તેની અંદર દુનિયાભરનો બેફામ અને આડેધડ કચરો જ વધુ જમા થાય છે.
૧૨ વરસના વનવાસ બાદ પાંડવોએ એક વરસ ગુપ્તવાસ કરવાનો હતો; પરંતુ આપણી અંદર તો અહંકાર, ઈર્ષ્યા, વાસના, લાલસા, ઇચ્છાઓ જેવા અનેક કૌરવો ગુપ્તવાસ કરી રહ્યા છે જે આપણને સમજાતું નથી, કેમ કે એ પણ ગુપ્ત છે અથવા આપણે સમજવા તૈયાર નથી. કેવી-કેવી બાબતોમાં માણસો ઝઘડે છે, વિવાદ-વિરોધ કરે છે, ગાંડા-ઘેલા બને છે એ જોઈને પૃથ્વી પરના અબોલ જીવો બોલી શકતા હોત તો શું કહેત એ વિશે વિજ્ઞાન ભવિષ્યમાં કોઈ શોધ કરે તો નવું સત્ય પ્રકાશમાં આવે.
ભગવદ્ગીતામાં માનવીના સવાલોના તમામ જવાબો છે, જેમાં ઇન્દ્રિયોના સંયમની સાથે મનની વાતો પણ આવી જાય છે. જોકે આપણે અર્જુનનો અંશ બનવા પણ તૈયાર નથી. આપણી પાસે ન સાચા સવાલો છે, ન સાચી સંવેદના. આપણે ‘કહેવાતા’ માણસ બની રહ્યા છીએ.