‘સ્ટેજ પર જો મને ઉધરસ આવશે તો હું લોકોને કહીશ કે આજે અલગ-અલગ રાગમાં કેવી રીતે ઉધરસ ખવાય એનો ‘Live Demo’ આપું છું.’
વો જબ યાદ આએ
૧૧ ડિસેમ્બરે કલ્યાણજી-આણંદજીની જીવનકથની ‘જિંદગી કા સફર’ના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો.
‘સ્ટેજ પર જો મને ઉધરસ આવશે તો હું લોકોને કહીશ કે આજે અલગ-અલગ રાગમાં કેવી રીતે ઉધરસ ખવાય એનો ‘Live Demo’ આપું છું.’
મારી સાથે વાત કરતાં-કરતાં આણંદજીભાઈને સખત શરદી-ઉધરસ હોવાને કારણે વારંવાર ખાંસી આવતી હતી. ૧૧ ડિસેમ્બરે કલ્યાણજી-આણંદજીની જીવનકથની ‘જિંદગી કા સફર’નું વિમોચન હતું. એ નિમિત્તે ૮ ડિસેમ્બરે તેમના ઘરે ગયો ત્યારે તેમની તબિયત થોડી ઢીલી હતી. કાર્યક્રમમાં એક ઑડિયો વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન હતું જેમાં તેમની સાથે મારે ગુફ્તગો કરવાની હતી. અમે એ બાબતે ચર્ચા કરતા હતા ત્યારે તેમણે આવું કહ્યું અને અમે સૌ હસી પડ્યા.
ADVERTISEMENT
મારી સાથે બાળપણનો મિત્ર સુરેશ પણ હતો. વાતવાતમાં આણંદજીભાઈએ પૂછ્યું કે કાર્યક્રમ સમયસર શરૂ થશેને? મેં કહ્યું, ‘અમારે ત્યાં નિર્ધારિત સમયની ૧૦ મિનિટ પછી કાર્યક્રમ શરૂ કરવાની પ્રથા છે. ઑડિયન્સ હજી પૂરતું આવ્યું નથી એમ કહીને કાર્યક્રમ મોડો શરૂ કરીએ તો સમયસર આવનારને અન્યાય થાય.’ ફરી એક વાર આણંદજીભાઈની ધારદાર ‘સેન્સ ઑફ હ્યુમર’નો ઝબકારો થયો. સુરેશના માથા પર આંગળીના વેઢે ગણી શકાય એટલા વાળ બચ્યા છે. તેને કહે, ‘તમે મોડા પડો તો કહેજો કે વાળ કાપવામાં બહુ વાર લાગી.’
પૂરા ઑડિયો વિઝ્યુઅલ કાર્યક્રમમાં તેમને ભાગ્યે જ એકાદ-બે વાર ખાંસી આવી. આને ઈશ્વરકૃપા જ કહેવાય. અમુક વસ્તુ આપણા હાથમાં નથી હોતી. એ રાતે સુગમ સંગીતના શહેનશાહ સૂરોત્તમ પુરુષોત્તમ ઉપાધ્યાયનું નિધન થયું એની જાણ થઈ, પરંતુ ‘Show must go on’ મુજબ કાર્યક્રમને આગળ વધાર્યો. મહેમાનોને આવકાર આપીને મેં ‘સંકેત’ની ૨૩ વર્ષની કામગીરીનો ટૂંકમાં વૃત્તાંત રજૂ કર્યો અને ત્યાર બાદ પ્રખર વક્તા જય વસાવડાએ પોતાની અસ્ખલિત વાણીમાં ફિલ્મ, સંગીત અને જીવનલક્ષી ઘટનાઓના ઉલ્લેખથી સમા બાંધ્યો.
કાર્યક્રમમાં વિખ્યાત ગાયિકા પદ્મવિભૂષણ આશા ભોસલે વિશેષ ઉપસ્થિત રહેવાનાં હતાં, પરંતુ એ દિવસે તેમની તબિયત અસ્વસ્થ હતી છતાં તેમણે કહ્યું હતું કે ‘કોઈ પણ હિસાબે હું કાર્યક્રમમાં પહોંચું છું.’ સાંજે ડૉક્ટરે મનાઈ કરી કે આવી નાજુક હાલતમાં તમે ઘરની બહાર નીકળો એ યોગ્ય નથી. તેમણે કહ્યું કે ‘મારી ખૂબ ઇચ્છા છે, હું આમ ગઈ અને આમ આવી.’ પરંતુ હાલમાં મુંબઈમાં જે હિસાબે પ્રદૂષણ વધ્યું છે અને વાઇરલ ફીવરના અનેક કિસ્સા, ખાસ કરીને સિનિયર સિટિઝનમાં ફેલાયા છે એ જોઈને ડૉક્ટરે મંજૂરી ન આપી.
મોરારીબાપુનું વાક્ય યાદ આવે છે, ‘આપણું ધારેલું થાય એ હરિકૃપા અને જો ન થાય તો હરિઇચ્છા.’ છેલ્લી ઘડીએ આ સમાચાર આવ્યા ત્યારે મૂંઝવણ થઈ કે વિમોચન કોના હસ્તે કરાવીએ? એ સમયે કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રિય મિત્ર રૂપકુમાર રાઠોડે સૂચન કર્યું, ‘વિમોચન માટે શાંતાબહેનથી વધુ યોગ્ય કોણ છે? તેમના જ હસ્તે વિમોચન થાય એ બહેતર છે.’ અને આમ પુસ્તકનું વિમોચન શાંતાબહેનના હસ્તે થયું.
ઑડિયો વિઝ્યુઅલ કાર્યક્રમમાં કલ્યાણજી–આણંદજીનાં ગીતો ઉપરાંત તેમના જીવનની અલભ્ય તસવીરો અને ઇન્ટરવ્યુની ‘રૅર ક્લિપિંગ્સ’ પ્રેક્ષકોએ માણી. એટલું જ નહીં, આણંદજીભાઈ, શાંતાબહેન અને વિજુ શાહે પડદા પાછળની અનેક રસપ્રદ ઘટના શૅર કરી. આજે શાંતાબહેનની આવી જ થોડી વાતો તમારી સાથે શૅર કરું છું.
‘અમિતાભ બચ્ચન સાથેની અમારી પરદેશની ટૂરમાં મોટા ભાગે જયા બચ્ચન સાથે હોય. સ્કૂલમાં વેકેશન હોય તો અભિષેક અને શ્વેતા પણ આવે. અમિતાભ એક પ્રેમાળ પિતા અને કમ્પ્લીટ ‘ફૅમિલી મૅન’ હતા. એક દિવસ સવારે હોટેલમાં મારી રૂમમાં તેમનો ફોન આવ્યો. ‘આપકે પાસ ઘર કા ખાના હૈ? આજ જયા કા કરવાચૌથ કા વ્રત હૈ. ઇસલિએ બાહર કા ખાના નહીં ચલેગા.’ તેમને ખબર હતી કે અમે ક્યાંય પણ જઈએ ત્યારે અમારી સાથે ઘરનો નાસ્તો હોય જ. એ ઉપરાંત દેશ-વિદેશના ચાહકો અમને મળવા આવે ત્યારે પોતાના ઘરની વાનગીઓ લઈને આવે. મોટા ભાગે અમારે હોટેલનું ખાવાનો સમય જ ન આવે. અમારી પાસે એક ઇલેક્ટ્રિક સગડી હોય એના પર ખીચડી બનાવી લઈએ. દહીં તો દરેક જગ્યાએ મળે. એ ઉપરાંત ખાખરા, સેવ-મમરા, ચણા, અથાણું પૂરતા પ્રમાણમાં હોય એટલે કોઈ ચિંતા ન હોય.
બૉસ્ટનમાં એક શો હતો. એ સમયે પૂરો બચ્ચન-પરિવાર અમારી સાથે હતો. એક દિવસ અમિતાભ બચ્ચન કહે, ‘બચ્ચે રોજ-રોજ હોટેલ કા ખાના ખાકે બોર હો ગયે હૈં. ઘરકા ખાના મિલેગા?’ તેમની અને જયાની સાથે એવો ઘરોબો થઈ ગયો હતો કે નાની-મોટી કોઈ પણ તકલીફ હોય તો અમારી પાસે આવે. અભિષેક આજે પણ એ વાત ભૂલ્યો નથી. થોડા સમય પહેલાં એક શોમાં મળી ગયો. એક આર્ટિસ્ટ બીજાને પૂછતો હતો, ‘યાર, યહાં ખાને-પીને કા કોઈ ઇન્તજામ નહીં હૈ.’ તરત અભિષેક બોલ્યો, ‘યે કોઈ કલ્યાણજી-આણંદજી કા શો નહીં હૈ.’
એક ટૂરમાં એવું થયું કે સખત ઠંડીને કારણે અમિતાભ બચ્ચનને ગળામાં તકલીફ ઊભી થઈ. ત્યારે તેમને તજ-લવિંગ અને ગરમ મસાલો નાખીને દૂધ વિનાનો દેસી ઉકાળો પિવડાવ્યો હતો. એનાથી શરદી-ખાંસી અને કફ મટી ગયાં. ત્યાર બાદ જ્યારે શો હોય ત્યારે આ ઉકાળો થરમૉસમાં સાથે જ રાખું. અવાજની જરા પણ તકલીફ હોય તો તરત પૂછે, ‘ભાભી, કાઢા મિલેગા?’ માથાની, પેટની કોઈ પણ જાતની બીજી તકલીફ હોય તો હું સૂંઠનો લેપ બનાવી આપું. આમ તો આ બધી નાની વાત છે, પણ અમારી સાથે બન્નેની આત્મીયતા આજે પણ બરકરાર છે.’
શાંતાબહેન પાસેથી અમિતાભ બચ્ચન ઉપરાંત મુકેશ, દિલીપકુમાર, શશી કપૂર અને બીજા અનેક કલાકારોના પ્રસંગો જાણવા મળ્યા. તેમનું અને આણંદજીભાઈનું લગ્નજીવન ૭૦ વર્ષ બાદ પણ કેટલા રોમૅન્સ અને રોમાંચથી ભરેલું છે એનો પ્રત્યક્ષ પુરાવો પ્રેક્ષકોને આ કાર્યક્રમમાં થયો જ્યારે બન્નેની મીઠી નોંકઝોંક માણવા મળી. દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો મોટો ફાળો હોય છે એનું જીવતુંજાગતું ઉદાહરણ એટલે શાંતાબહેન અને આણંદજીભાઈની જુગલ જોડી.
કિશોરકુમારના ‘ઝિંદગી કા સફર, હૈ યે કૈસા સફર’ ગીત સાથે કાર્યક્રમ સંપન્ન થયો ત્યારે દીપક આણંદજીએ ઘોષિત કર્યું કે થોડા સમયમાં જ આપણે કલ્યાણજી-આણંદજીનાં ગીતોના ‘લાઇવ પ્રોગ્રામ’નું આયોજન કરીશું. આ હતી આ કાર્યક્રમની ફળશ્રુતિ.