આવું એક બાવાજીએ તેને જે મળે એ સાધુ મહારાજને કહી દીધું પણ મેં એવું તે શું કર્યું હતું એ જાણશો તો તમેય કહેશો, એમાં મારો કોઈ વાંક નહોતો
પ્રતીકાત્મક તસવીર
મારું વતન જેતપુર તાલુકાનું સાવ નાનકડું ગામડું અમરનગર, જ્યાં વર્ષોથી અમારે ઘેર સાધુસંતોની પધરામણી થ્યા કરે. કોઈ સાધુને જમાડીને જમવાની મારા દાદાની પરંપરા પિતાશ્રીએ પણ જાળવી રાખેલી. ગિરનારમાંથી શિવરાતનો મેળો છૂટે એટલે રોજ કોઈ ને કોઈ સંપ્રદાયના સાધુ-મહાત્મા અમરનગરમાં વિષ્ણુપ્રસાદ દવે (મારા પિતાશ્રી)નું ઘર ગોતતાં-ગોતતાં આવી જાય. હવે જે પ્રસંગ લખવા જઈ રહ્યો છું એ ‘મિડ-ડે’ના વાચકોએ કોઈ એટલે કોઈને કહેવો નહીં પ્લીઝ, આ વાત તમારા માંહ્યલામાં સંઘરીને રાખજો. અમુક ‘સ્થિતિ’થી સંત બને છે અને અમુક ‘પરિસ્થિતિ’થી બાવા બને છે. જેમ બધા સાધુઓ ખોટા નથી હોતા એમ બધા સાચા પણ નથી જ હતા.
હું છઠ્ઠા ધોરણમાં ભણતો હતો. પપ્પા ભજનમાં બહાર ગયેલા. ઢળતી સાંજે એક મહાત્મા બાવા હિન્દી બોલતા પધાર્યા. મેં તેમનું ઘરમાં સ્વાગત કર્યું. મેલાંઘેલાં લૂગડાં ને ખાટી વાસ મારે એવું શરીર..!
ADVERTISEMENT
બાળસહજ મેં કહ્યું કે બાપજી, સ્નાન કરેંગે?
બાવો નહાવાનો ભયંકર આળસુ હતો. સારા શબ્દોમાં તેણે મને કહી દીધું,
‘ના બેટા, હમ તો મન કી ગંગા મેં સ્નાન કરકે આએ હૈં!’
જવાબ પરથી જ મને બાવાજીની આળસ સમજાઈ ગઈ. મમ્મીએ ગરમાગરમ ભજિયાં બનાવ્યાં. આ બાવાજી ચાર થાળી ભરીને આખા ઘરનાં ભજિયાં ખાઈ ગ્યા! અમે પીરસી-પીરસીને થાકી ગ્યા! ઉપરના માળે સાધુ-સંતોની અલગ રોકાવાની વ્યવસ્થા પપ્પાએ કરી જ હતી એટલે રાતે ‘અલખ નિરંજન’ કરતાં બાવાજીને હું ઉપરના રૂમમાં મૂકી આવ્યો. એ બાવાજી નહાયા નહીં અને અમારા ભાગનાં ભિજયાં પણ આરોગી ગયા એટલે મને બાળસહજ દાઝ ભરાણી અને મેં તોફાન કરવાનું મનોમન નક્કી કરી લીધું.
રૂમમાંથી પાણીનો ગોળો નીચે લેતો ગયો અને બાવાજીની રૂમની સાંકળ બહારથી બંધ કરી દીધી. ગામડાનાં ઘરોમાં અટૅચ્ડ બાથરૂમ-ટૉઇલેટ આજે પણ નથી તો ત્યારે તો એવી વ્યવસ્થાની આશા કેમ રાખી શકાય?
નવ વાગ્યે બાવાજી રૂમમાં સૂતા, પણ ચાર-ચાર થાળીનાં ભજિયાં સખે સુવા દ્યે તો એનું નામ ભજિયાં કેમ પડે?
રાતે સાડાઅગિયાર વાગ્યે બાવાજીએ દરવાજો ખોલવાની ટ્રાય કરી, પણ દરવાજો ખૂલ્યો નહીં એટલે તેમણે દરવાજો ખખડાવ્યો. આ પરાક્રમનો પ્રણેતા હું હતો એટલે દોડીને દરવાજે ઊભા રહીને દરવાજો ખોલ્યા વિના જ મેં સામો સાદ આપ્યો.
‘જી બાપજી?’
બાવાજીએ અંદરથી સામો સાદ દીધો.
‘અરે બેટા, દરવાજા ખોલો, પાની દો.’
‘કેમ બાપજી?’
‘અરે બેટા, ઝોર સે પ્યાસ લગી હૈ! પાની પીના હૈ ઔર...’ બાવાજીનો અવાજ તરડાવા માંડ્યો હતો, ‘જંગલ ભી જાના હૈ...’
મને લાગ મળી ગયો. મેં હળવેકથી બાપજીને કહ્યું,‘બાપજી, મન કી ગંગા મેં સે દો ખોબા ભર લીજિએ, પાની તો નહીં દૂંગા!’
જેમ-જેમ પ્રેશર વધતું ગયું એમ-એમ બાપજીનો અવાજ ધીમો થાતો ગયો અને સવાર પડતાં સુધીમાં તો તે પાછલી બારીએથી ધોતિયાની નિસરણી કરી જંગલમાં બધું કામ પતાવીને પાછા સીધા ગિરનાર પહોંચી ગયા હતા.
જૂનાગઢના ગિરનાર પર્વતની તળેટીથી બાવાજીએ ચાલુ કરી દીધું અને બધા સાધુ-બાવાઓને કહી દીધું હશે કે અમરનગર જાના, મગર બિશ્નુપ્રસાદ કે ઘર નહીં જાના! ઔ૨ બિશ્નુપ્રસાદ કે ઘર જાઓ તો ઉસકે લડકે કે મુંહ મત લગના! લડકે કે મુંહ લગના હૈ તો કભી વહાં પે ભજિયાં મત ખાના...
તે દી ને આજની ઘડી, સાધુસંતો આજે પણ અમારા ઘરે ખૂબ આવે પણ તમે માનશો નહીં, સંધાય ભજિયાં ખાવાની ના પાડી દ્યે એટલે હવે ભજિયાં ખાવામાં કંપની મને મળતી નથી. તમે મુંબઈવાળાઓ કો’ક દી આવો તો હારે ભજિયાં ખાશું.
પ્રૉમિસ હોં ને હા, પાણીનો ગોળો રૂમમાંથી લઈને નહીં જાઉં!
ભજિયાંની વાત નીકળી છે તો મારા સ્વાદપ્રેમી મિત્રોને કહી દઉં, ગુજરાતમાં જ્યારે ચક્કર મારવા આવો ત્યારે અમરેલીમાં ‘જયહિન્દ’નાં, સુરેન્દ્રનગરમાં ‘ભાભી’નાં, ગોધરામાં ‘પેટ્રોલપમ્પ’નાં, જેતપુરમાં ‘વજુગિરિ’નાં, જામનગ૨માં ‘ઉમિયા’નાં, મણિનગરમાં ચાંગોદરમાં ‘ભઠ્ઠી’નાં, રાજકોટમાં ‘મયૂર’ અને ‘મનોહ૨’નાં, વડોદરામાં ‘લાલાકાકા’નાં, સુરતમાં ‘કુંભણિયા’નાં, ગાંધીનગરમાં ‘બટુક’નાં અને ગોંડલમાં ‘દરબાર’ ને ‘દયાળજી’નાં ભજિયાં ખાધાં નથી તો પછી તમારા માટે એ ધરમ ધક્કાથી ઓછું કાંય નથી.
બોલો, ક્યારે ખાબકો છો ખાવા?
ખવડાવીશ પ્રેમથી, જો મારા ભાગનાં ઝાપટી નહીં જાવ તો...

