ચંદ્રવદન ભટ્ટ, અદી મર્ઝબાન, તારક મહેતા, પ્રવીણ જોષી, કાન્તિ મડિયા જેવા દિગ્ગજો સાથે કામ કર્યા પછી હું આ વાત દાવા સાથે કહી શકું
એક માત્ર સરિતા
સારા દિગ્દર્શક હંમેશાં ઍક્ટરને બેટર બનાવી જાય
તારક સાથે કામ કર્યું અને એ પછી તો તે મારો મિત્ર બની ગયો, લાડકો મિત્ર. હું લાડકો મિત્ર એટલે કહું છું, કારણ કે તેની સાથે મારા અને પ્રવીણના જે સંબંધ હતા એ સંબંધોને કોઈ કાળે નામ ન આપી શકાય. તારકનું નામ આવે કે તરત પ્રવીણના ચહેરા પર પણ સ્માઇલ આવી જાય.
‘આ એક મૉડર્ન કન્સેપ્શનનું નાટક છે એટલે એ વાંચશો તો એનાથી વધારે સારી રીતે વાત સમજાશે, પણ તમે કહો છો એટલે હું કહીશ કે વાત એમાં પ્રોફેસરની છે, પણ નાટક એ પ્રોફેસર સાથે જોડાયેલી જે લેડી છે તેનું છે!’
ADVERTISEMENT
પ્રવીણ જોષીએ મને ‘ચંદરવો’ની વાત કરવાની શરૂ કરી અને એ વાત સાંભળતાં-સાંભળતાં મારી આંખ સામે આખું નાટક ઊભું થવા માંડ્યું. તમને ગયા મંગળવારે કહ્યું હતું એમ, નાટક દિગ્દર્શકનું માધ્યમ છે. કાગળ પર સાવ સપાટ લાગતો સીન દિગ્દર્શક કેવી રીતે તમારી સામે લઈ આવે છે એ બહુ મહત્ત્વનું છે. ફિલ્મ અને નાટકના દિગ્દર્શનમાં બહુ મોટો ફરક છે. આજે નાટકના ઘણા ડિરેક્ટર ફિલ્મો કરતા થઈ ગયા છે, પણ તમે એ ફિલ્મ જુઓ તો એવું જ લાગે જાણે તમે નાટક જુઓ છો. એ સ્ટેજની ત્રણ વૉલમાંથી બહાર જ નથી નીકળી શકતા, પણ પ્રવીણ પાસે પોતાના ક્રાફ્ટ માટે ચોક્કસ આવડત હતી અને એ આવડતને કારણે જ પ્રવીણે જેકોઈ નાટકો કર્યાં એ તમામ નાટકો ગુજરાતી રંગભૂમિ માટે લૅન્ડમાર્ક બની ગયાં.
‘તમારે માટે આ રોલ કાયમી યાદગારી બની જશે.’
‘ચંદરવો’ની વનલાઇન પૂરી કરીને પ્રવીણે મારી સામે જોયું. એ વનલાઇન સાંભળતી વખતે મારી આંખો પ્રવીણ પર ચોંટી ગઈ હતી, પણ મારા માનસપટ પર નાટક ચાલતું હતું. હું ખરેખર પ્રભાવિત થઈ ગઈ હતી. જો મેં એ જ સમયે કરીઅરની શરૂઆત કરી હોત તો કદાચ હું એ પ્રવાહમાં ખેંચાઈ ગઈ હોત, તણાઈ ગઈ હોત, પણ મેં તો નાનપણથી કામ કર્યું હતું એટલે મને ખબર હતી કે ક્યારેય કોઈથી ઇમ્પ્રેસ થવું નહીં અને થયા હો તો પ્રોફેશનલી ફીલ્ડમાં ક્યારેય એ દેખાડવું નહીં.
પ્રવીણના શબ્દોમાંથી બહાર નીકળવામાં મને જરા વાર લાગી, પણ વાંધો આવ્યો નહીં. હું ઝડપભેર બહાર આવી ગઈ અને મેં તરત જ ગિરેશ દેસાઈ સામે જોયું. ગિરેશ પણ મારી સામે જ જોતા હતા.
‘સરિતા, આ નાટક કરી લે. ખરેખર તને બહુ ફાયદો થશે.’
નાટકમાં ગિરેશ મારો હીરો હતો તો એ દિવસોમાં હું અદી મર્ઝબાન, કાન્તિ મડિયા જેવા દિગ્ગજો સાથે કામ કરતી થઈ ગઈ હતી અને મને સમજાઈ ગયું હતું કે આ દિગ્ગજોની ખાસિયત હોય છે, એ હંમેશાં અવ્વલ દરજ્જાની ટૅલન્ટ સાથે કામ કરે. પ્રવીણ સાથે કામ કરવા માટે ગિરેશ આતુર હતા, તો કાન્તિ મડિયા પણ તેની સાથે કામ કરવા રાજી હતા અને હવે, અત્યારે ગિરેશ મને કહેતા હતા કે તું આ નાટક કરી લે.
હા, હું કરી લઉં નાટક...
મારી જાતને મનોમન કહ્યા પછી તરત જ હું પ્રોફેશનલ રસ્તા પર આવી. સાહેબ, ક્યારેય ભૂલવું નહીં. કામ ત્યાં જ કરવું જ્યાં તમારાં માન-સન્માન અને આર્થિક વ્યવહાર વાજબી રીતે સચવાતાં હોય.
‘નાટક માટે તો હું પૉઝિટિવ છું, પણ નાઇટનું કેવી રીતે છે?’
‘હંઅઅઅ...’ ગિરેશે પ્રવીણ સામે જોયું અને પછી જવાબ આપ્યો, ‘૫૦ રૂપિયા આપીએ છીએ અમે...’
‘હોતા હશે?!’ મેં તરત જ કહ્યું, ‘અમારી જૂની રંગભૂમિના બૅકસ્ટેજ આર્ટિસ્ટ આ નાઇટ લે છે...’
અને આ સાચું જ હતું.
નાટક ‘મંગળફેરા’માં મને ૧૦૦ રૂપિયાનું કવર મળતું હતું. એ સાચું કે આજના સમયમાં આ રકમ બહુ નાની લાગે, પણ આ વાત છે સાઠના દસકાની. એક્ઝૅક્ટ કહું તો ૧૯૬૧ની. એ સમયે આ રકમ બહુ મોટી કહેવાતી. મેં જ્યારે પણ કામ કર્યું છે ત્યારે કામ ખુમારી સાથે અને ખુદ્દારી સાથે જ કર્યું છે. મને જોઈતા પૈસા મળતા હોય તો જ હું આગળ વધું અને મારી દૃષ્ટિએ નીતિ પણ એ જ રાખવી જોઈએ.
‘મને નથી લાગતું કે આપણું બજેટમાં...’
‘બજેટ આપણે નક્કી કરીએ...’ હું વાત પૂરી કરું એ પહેલાં તરત જ પ્રવીણ બોલ્યા, ‘ચાલો, તમે જ મને કહો કે તમે કેટલામાં આ નાટક કરશો?’
મને થયું કે પૈસા માટે આમની સાથે શું રકઝક કરવી, પણ એવું તેને સ્પષ્ટ તો કહી શકાય નહીં એટલે મેં કહ્યું કે એ બધી મને નથી ખબર, પણ હું આ નાઇટમાં તો કામ નહીં કરી શકું.
‘આપણે કામ કરવાનું છે એ નક્કી છે, હવે તમે કહો કે તમારે કેટલામાં આ નાટક કરવું છે...’ પ્રવીણે સ્પષ્ટતા સાથે કહ્યું, ‘અમે બધાને ૫૦ આપીએ છીએ. તમે હરિને ઓળખો જ છો...’
હરિ એટલે હરિ જરીવાલા, સંજીવકુમાર.
‘હરિને અમે પહેલાં ૨૦ આપતા હતા, હવે ૫૦ આપીએ છીએ...’ પ્રવીણે સૌજન્યશીલતા સાથે કહ્યું, ‘તમે પૂછી જુઓ તેને.’
પ્રવીણનું મને ‘તમે’ કહેવું જરા વિચિત્ર લાગતું હતું. વિચિત્ર પણ અને અંતર રાખનારું પણ, પરંતુ તેના ચહેરા પર જે ભાવ હતા એ ભાવ અત્યંત પારિવારિક ભાવ હતા અને શબ્દોમાં લાગણીની મીઠાશ હતી. તેની વાત કરવાની રીત, અમુક ચોક્કસ શબ્દો પર વજન આપવાની રીત અને ક્યાંય આછકલાઈ ન લાગે એ બાબતની સજાગતા. આજે પણ મને એ બધું યાદ છે. એવું નહોતું કે તે મારી સાથે જ આમ વર્તતા. ના, જ્યારે પણ અને જે કોઈને પણ મળે ત્યારે એ આ જ રીતભાત સાથે વાત કરે, આટલું જ માન આપે અને મીઠાશ રાખે.
મને થયું કે મારે આ દિગ્દર્શક સાથે કામ કરવું જ રહ્યું અને એમ છતાં મેં તેની વાતો અટકાવી નહીં અને તેને સતત બોલવા દીધો.
મેં અદી મર્ઝબાન સાથે કામ કર્યું હતું તો દિગ્દર્શક તરીકે ચંદ્રવદન ભટ્ટ સાથે ‘ગુનેગાર’ નાટકમાં પણ કામ કર્યું હતું. સત્યદેવ દુબે સાથે મારું ‘ઇન્કલાબ’ ચાલતું હતું. સારા દિગ્દર્શક સાથે કામ કરવાનો અર્થ મારી નજરમાં શૉર્ટ ટર્મ કોર્સ જેવું છે. તમે જ્યાં સુધી તેમની સાથે કામ કરતા હો ત્યાં સુધી તમને સતત શીખવા મળ્યા કરે. સારા દિગ્દર્શક તમને બેટર બનાવીને છૂટા પડે.
અરે હા, આ બધાં નામ ગણાવવામાં હું એક નામ તો ભૂલી જ ગઈ.
તારક મહેતા.
તારક સાથે કામ કર્યું અને એ પછી તો તે મારો મિત્ર બની ગયો, લાડકો મિત્ર. હું લાડકો મિત્ર એટલે કહું છું કારણ કે તેની સાથે મારા અને પ્રવીણના જે સંબંધો હતા એ સંબંધોને કોઈ કાળે નામ ન આપી શકાય. તારકનું નામ આવે કે તરત પ્રવીણના ચહેરા પર પણ સ્માઇલ આવી જાય અને મારા ચહેરા પર પણ, પરંતુ સાહેબ અત્યારે તમે મને જોઈ નથી શકતા. બાકી તારકના ઉલ્લેખ માત્રથી મારા ચહેરા પર આવી ગયેલું સ્માઇલ તમે પણ જોઈ શક્યા હોત. તારક સાથે કામ કરવું એ રીતસર લહાવો હતો. તેના નાગરી ભાષાનાં નાટકો મેં વર્ષો પછી, અમારી દોસ્તી થઈ એ પછી મેં કર્યાં, પણ એ વાત જ્યારે સમય આવશે ત્યારે કરીશ. અત્યારે તો બસ એટલું જ કહીશ, જરા ધ્યાન રાખજો.
પેપરમાં બહુ આવે છે કે કોરોનાએ પાછો ઉપાડો લીધો છે. એ સાચું કે વૅક્સિન અને આપણી રોગપ્રતિકારક શક્તિને કારણે હવે કોરોના કંઈ આપણું બગાડી નથી લેવાનું, પણ એમ છતાં, ધ્યાન રાખવું એ આપણી ફરજ છે અને એટલે જ કહેવાનું કે નિયમો આવે અને એ પાળવા પડે એને બદલે અત્યારથી જ નિયમોનું જાતે જ પાલન શરૂ કરી દેજો.
મળીએ ત્યારે, આવતા મંગળવારે...
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)