કાંદાનો સારો પાક અત્યારે ખેડૂતોને રોવડાવી રહ્યો છે ત્યારે એક્સપોર્ટને લઈને શરૂ થયેલી પૉલિટિકલ ચર્ચાઓ હકીકતનાં આંસુ છે કે પછી મગરનાં? ડુંગળીના રાજકીય મુદ્દાની સાથે-સાથે જાણીએ ભલભલાની આંખમાં આંસુ લાવી દેતા અન્યન્સ વિશ્વમાં કેવા-કેવા સ્વરૂપે ઉપલબ્ધ છે એ
કાંદાની કરમકહાણી
છેલ્લા એક અઠવાડિયાથી કાંદા કોઈ સૌતનની જેમ ફરી આપણી પાછળ પડી ગયા છે - ભાણા સમયે થાળીમાં અને બાકીના સમયે સમાચારોમાં. થોડા મહિના પહેલાં કાંદાએ છપ્પરફાડ ભાવને કારણે સતાવ્યા હતા તો આજે હવે છપ્પરફાડ પ્રોડક્શનને કારણે ગગડી રહેલા ભાવ સતાવી રહ્યા છે.
કેટલાક પ્રશ્નો ખેડૂતો પૂછે છે તો કેટલાક વેપારીઓ, કેટલાક પ્રશ્નો એક્સપોર્ટર્સ પૂછી રહ્યા છે તો કેટલાક સામાન્ય જનતા. વાત એવી છે કે ભારતમાં કાંદાની ખેતીમાં બમ્પર પરિણામો મળ્યાં છે અને પ્રોડક્શન એટલું જબરદસ્ત થયું છે કે હાલ દેશમાં કાંદાની એટલી માગ નથી જેટલી સપ્લાય છે. પરિણામ એ આવી રહ્યું છે કે કાંદાની ખેતી કરતા ખેડૂતે નહીંવત્ એક રૂપિયા પ્રતિ કિલોના ભાવે પોતાના કાંદા વેપારીઓને વેચી દેવા પડી રહ્યા છે. કેટલાક કિસ્સામાં તો પરિસ્થિતિ એવી સર્જાય છે કે ખેડૂતને પ્રતિ કિલો એક રૂપિયો પણ નથી મળી રહ્યો.
ADVERTISEMENT
આ આખી ચર્ચા એનસીપીનાં લીડર સુપ્રિયા સુળેની એક ટ્વીટથી શરૂ થઈ. તેમની ટ્વીટનો ભાવાર્થ કંઈક એવો હતો કે મહારાષ્ટ્રનો ખેડૂત પોતાની ખેતપેદાશ કાંદા માટે પ્રતિ કિલો એક રૂપિયાનું વળતર પણ નથી મેળવી રહ્યો અને એ મફતના ભાવે, નહીંવત્ રકમના બદલામાં કાંદાની તેની પૂરેપૂરી પેદાશ આપી દેવા માટે મજબૂર છે, કારણ કે કાંદાની એક્સપોર્ટ પર કેન્દ્ર સરકાર દ્વારા બૅન મૂકવામાં આવ્યો છે.
સુપ્રિયા સુળેની આ ટ્વીટના જવાબમાં દેશની કૉમર્સ મિનિસ્ટ્રીએ એવું નિવેદન બહાર પાડવું પડ્યું હતું કે આ સાવ ખોટો પ્રોપેગેન્ડા છે અને કાંદાની એક્સપોર્ટ પર કોઈ બૅન મૂક્યો નથી. હા, કાંદાનાં બીજની એક્સપોર્ટ પર જરૂર બૅન મૂકવામાં આવ્યો છે અને એ ચાલુ રહેશે, પરંતુ કાંદા પર કોઈ એક્સપોર્ટ બૅન લગાવવામાં નથી આવ્યો. એની સામે ઊલટાનું મિનિસ્ટ્રીએ એક્સપોર્ટના કેટલાક આંકડાઓ રજૂ કર્યા જે ખરેખર ચોંકાવનારા તો હતા જ, ઉપરથી પ્રેરણાદાયી પણ હતા. ભારતમાં ડિસેમ્બર મહિના દરમિયાન કાંદાની એક્સપોર્ટ ૫૦ ટકા જેટલી વધી હતી, જે ૫૨.૧ મિલ્યન અમેરિકન ડૉલર જેટલી હતી. એપ્રિલથી ડિસેમ્બર મહિના સુધીની અન્યન એક્સપોર્ટમાં તો ૧૬.૩ ટકાનો ગ્રોથ થયો છે. ૫૨૩.૮ મિલ્યન ડૉલરની એક્સપોર્ટ સાથે ભારત કાંદાની નિકાસમાં સતત પ્રગતિ કરી રહ્યું છે. ખેર, આપણે કોઈ લાંબીલચક પૉલિટિકલ ચર્ચામાં નથી પડવું, પણ આજે આ કારણે મોકો મળ્યો છે તો કાંદાની થોડી જન્મપત્રી અને જાત-પાત ચકાસી લઈએ.
કોઈને કહીએ તો માનવામાં પણ નહીં આવે પણ આ ડુંગળી વાસ્તવમાં વિશ્વમાં ૨૧ કરતાંય વધુ પ્રકારની છે. જાણી-જાણીને આપણે કેટલા પ્રકારના કાંદા જાણીએ છીએ? લાલ કાંદા, સફેદ કાંદા, લીલા કાંદા અને થોડું વધુ જ્ઞાન હોય તો મીઠા કાંદા. બસ? પણ સાચે જ વિશ્વમાં ૨૧થીયે વધુ પ્રકારના કાંદા છે. ? ભલા માણસ, શું તમે એ જાણો છો કે લસણ પણ કાંદાના એક પરિવારનું જન છે. જી હા, લસણ પણ એક કાંદો છે. ચાલોને થોડી વિગતે જ વાતો કરી લઈએ. બીજું કંઈ નહીં તો આપણી જાણકારી થોડી તો વધશે, ખરું કે નહીં?
પીળા કાંદા : થોડી કથ્થાઈ અને પાતળી ચામડીવાળા આ કાંદા મુખ્યત્વે અમેરિકામાં મળે છે. મુખ્યત્વે ભારતીય, ઇટાલિયન કે સ્પૅનિશ વાનગી બનાવવા માટે આ કાંદા વપરાય છે. બીજા કાંદા જેટલા ઝડપથી એ ચડી જતા નથી, થોડી વાર લાગે છે, પરંતુ ટેસ્ટમાં અફલાતૂન આ કાંદા અમેરિકન્સના ફેવરિટ છે.
રેડ અથવા પર્પલ અન્યન : ભારતમાં મુખ્યત્વે જોવા મળતા આ કાંદા વિશ્વમાં સૅલડ અને સૅન્ડવિચ બનાવવા માટે સૌથી વધુ વપરાય છે, કારણ કે એનો ટેસ્ટ થોડો વાનગીમાં વપરાયેલાં બીજાં ઇન્ગ્રિડિયન્ટ્સ કરતાં બહાર આવતો હોય છે. ભારતમાં ખૂબ મોટા પ્રમાણમાં જેની ખેતી થાય છે એવા આ કાંદાનો ઉપયોગ ઘણા લોકો અથાણું બનાવવા માટે પણ કરતા હોય છે.
સફેદ કાંદા : ભારતીયોમાં આ સૌથી પ્રિય કાંદા છે. ગુજરાતીઓ અને રાજસ્થાનીઓ આ કાંદા જમવાની સાથે ખાવા માટે ખૂબ પસંદ કરે છે. મુખ્યત્વે એ વર્ષો પહેલાં લૅટિન અમેરિકા અને સ્પૅનિશ ડિશોમાં વપરાતું એક ઇન્ગ્રિડિયન્ટ્સ હતું. જે ભારતનું જ થઈ ગયું છે એમ કહીએ તો ખોટું નથી.
સ્વીટ અન્યન (મીઠા કાંદા) : આ કાંદામાં સલ્ફરનું પ્રમાણ ઓછું હોવાને કારણે એમાં શુગરનું પ્રમાણ જળવાઈ રહે છે અને તેથી એ ટેસ્ટમાં થોડા મીઠા હોય છે. એક સમયે એ અમેરિકાના ટેક્સસમાં સૌથી વધુ વપરાતા હતા, પરંતુ આજે તો હવે આખા વિશ્વમાં એની મીઠી સોડમ ફેલાઈ ચૂકી છે.
સ્કાલિયન્સ અથવા લીલા કાંદા : પૂર્વ એશિયાઈ દેશોમાં ખૂબ જાણીતા બનેલા આ કાંદા ઘણા લોકો કાચા જ ખાવાનું પસંદ કરે છે તો ઘણા એનું શાક કે સૅલડ પણ બનાવે છે. કોરિયામાં તો આ કાંદાની એક પૅનકેક પણ બનાવવામાં આવે છે.
કેટલાક એને સ્પ્રિંગ અન્યન પણ કહે છે તો કેટલાક કહે છે કે ના, સ્પ્રિંગ અન્યન કાંદાની એક અલગ પ્રજાતિ છે. એક ધારણા એવી છે કે આ કાંદા મૂળ એશિયાના ફળદ્રુપ દેશોમાં સૌથી પહેલાં મળી આવ્યા હતા અને છેક ચોથી સદીથી એનો ખાવામાં ઉપયોગ થઈ રહ્યો છે.
શૅલોટ્સ અથવા ગ્રે કાંદા : તાંબાના રંગની છાલવાળા આ કાંદાના બે-ત્રણ પેટ પ્રકારો પણ છે. એમાં સ્મૉલ રેડ અન્યન, સ્કિન અન્યન અને કૉપર અન્યનને ગણાવવામાં આવે છે. દક્ષિણ એશિયાઈ દેશોમાં ખાસ મશહૂર એવા આ કાંદા ફ્રેન્ચ અને ઇન્ડોનેશિયન ફૂડ ડિશિસ બનાવવા માટે વપરાય છે.
પર્લ અન્યન : એને ઘણા લોકો વાઇટ કૉકટેલ અન્યન તરીકે પણ ઓળખાવે છે. સફેદ, પીળા અને લાલ રંગમાં મળતા આ કાંદા કદમાં નાના હોય છે. મિડલ ઈસ્ટના દેશોમાં વધુ વપરાતા આ કાંદા ક્યારેક મુખ્ય મેનુની સાથે થાળીમાં કંપની આપતા જોવા મળે છે તો ક્યારેક ક્રીમમાં અથાયેલા, શેકેલા કે ક્યારેક અથાણામાં અથાયેલા પણ જોવા મળે છે.
લિક્સ અથવા સ્કૅલિયન્સ : એક એવા કાંદા જેના શરીરનો ઉપરનો ભાગ ગહેરા લીલાં પત્તાંઓથી સજ્જ હોય છે અને નીચેના ભાગમાં કાંદાભાઈ બેઠા હોય છે. મુખ્યત્વે આ કાંદા એના સાવ અલગ ટેસ્ટને કારણે જાણીતા છે. રેતાળ પ્રદેશમાં ઊગતા આ કાંદા મુખ્યત્વે સ્ટફ્ડ ડિશિસ બનાવવા માટે રેસિપીમાં ઉપયોગમાં લેવાય છે અને એ સિવાય એને સરકા (વિનેગર)માં બોળી રાખીને ખાવાના ઉપયોગમાં લેવાય છે.
રેમ્પસ - તાનિશી ટ્રફ્લ : આ ઉત્તર અમેરિકન સ્પ્રિંગ અન્યન મુખ્યત્વે એ અને એનાં પાંદડાં પીત્ઝા કે બર્ગર કે બીજી ઇટાલિયન, સ્પૅનિશ કે અમેરિકન વાનગીઓમાં ટૉપિંગ્સ તરીકે વપરાય છે. આ કાંદાની ફ્લાવરિંગ સીઝન ખૂબ ટૂંકી હોય છે અને સ્ટોરેજના મામલામાં પણ આ કાંદા થોડા નવયૌવના જેવા હોય છે. એ લાંબા સમય માટે સ્ટોર કરી શકાય એવા નથી હોતા.
સિપોલીન અથવા ઇટાલિયન સ્પ્રિંગ અન્યન : દેખાવમાં જરાય કાંદા જેવા લાગે નહીં એવા આ મૂળ ઇટલીવાસી કાંદાનો ઉપરી હિસ્સો સપાટ હોય છે અને એના શરીરનો હિસ્સો એટલે જાણે કોઈ મોટા કદનું લસણ જોઈ લો. પાછા એ સ્વીટ અન્યન અને રેડ અન્યન જેવા બે વેરિઅન્ટમાં પણ મળે છે. મતલબ કે માસી-માસીના દીકરા એવું સમજોને. સામાન્ય રીતે ક્રીમ અન્યન અથવા રસાવાળા કાંદા તરીકે કોઈ વાનગીમાં ખપી જતા આ કાંદા લોકો આખેઆખા શેકીને અને ગ્રિલ કરીને ખાવાનું પણ પસંદ કરે છે.
ગાર્લિક - લસણ : લો બોલો, આ આપણું લસણ નહીં? એ પણ કાંદાના પરિવારનું જ સદસ્ય છે બોલો. આપણાં મા-બાપ અને દાદા-દાદીઓને કારણે આપણે બધા લસણના ફાયદા અને ઉપયોગ તો જાણીએ જ છીએ. એટલે એ વિશે વધુ કંઈ કહેવાની જરૂર નથી. હા, એટલું જરૂર કહીશ કે જો કોઈ એમ કહે કે લસણ મૂળ ફલાણા કે ઢીકણા દેશનું છે તો તેમને શાંત પાડીને ગાંધીવાદી અહિંસાપૂર્વક કહેજો કે ભલા માણસ, જ્યારે વિશ્વના બીજા દેશો જન્મ્યા પણ નહોતા ત્યારથી ભારત લસણનું માહાત્મ્ય ગાતું અને ઉપયોગમાં લેતું આવ્યું છે. આયુર્વેદમાં પણ કાંદા અને લસણના મહત્ત્વ અને ફાયદા વિશે વાતો કહેવામાં આવી છે.
આ મુખ્ય વરાઇટીઓ સિવાય કાંદાની બીજી પણ કેટલીક જાતો છે જેમાં ઇજિપ્શિયન અન્યન, મૌઈ અન્યન, રેડ વિન્ગ્સ અન્યન, સ્પૅનિશ અન્યન, ટેક્સસ સુપરસ્વીટ, વિડાલીઆ અન્યન્સ, વલ્લા વલ્લા સ્વીટ અન્યન્સ, વેલ્શ અન્યન જેવાં આજે સાઇડમાં કંઈક જોઈએવાળી રસમમાં કાંદા મળે કે ન મળે પણ વાંચવામાં કાંદા જરૂર મળ્યા છે અને હવે તો બજારમાં પણ સસ્તા થઈ ગયા છે તો સામે મળતા લોકોને કહો કે દેશમાં અન્યન એક્સપોર્ટ બૅન જેવું કશુંય નથી. સસ્તા થયા છે તો ખાવને તમતમારે... ફરી મોંઘા થશે ત્યારે રડવાનું તો છે જ...