‘ડૅડી, પ્લીઝ સ્માઇલ...’ ક્યારેય સ્માઇલ ન કરતા ડૅડીને અદિતિએ કહ્યું પણ ખરું અને સૂચના પણ આપી, ‘તમારે મમ્માનો હાથ તમારા હાથમાં લેવાનો છે... ફાસ્ટ.’
વાર્તા-સપ્તાહ
વો ભૂલી દાસ્તાં... (પ્રકરણ ૧)
મોસમ પણ કંઈક વિચિત્ર રીતે જ વર્તતી હતી. જે માર્ચમાં કાળઝાળ ગરમીનો આરંભ થાય એ માર્ચમાં અચાનક જ મોસમે પલટો માર્યો હતો અને આકાશને વાદળછાયું બનાવી દીધું હતું. મોસમ વિભાગ પણ જાણે કે ઊંઘતો ઝડપાયો હોય એ રીતે ગરમીની આગાહી કરવાને બદલે હવે કમોસમી વરસાદની આગાહી પર લાગી ગયો હતો અને મોસમ... મોસમ પણ હવામાન વિભાગની એ આગાહીને સાર્થક પુરવાર કરવા માગતી હોય એમ કમોસમમાં પણ મુશળધાર વરસવાના મૂડમાં આવી ગઈ હતી.
આઇ ડોન્ટ થિન્ક વરસાદ આવે...
મનમાં જ ચાલતા વિચારો વચ્ચે ડિટેક્ટિવ સોમચંદે ફ્રેન્ચ વિન્ડોની બહાર નજર કરી અને જાણે કે તેના મનના વિચારો વાદળે વાંચી લીધા હોય એમ એણે ગર્જના કરી.
ગર્જના પણ અને વીજળીનું ત્રાટક પણ.
કેમ આજે મન ઉદાસ છે. ઉદાસ પણ અને બેચેન પણ.
કારણ ખબર હતી એ પછી પણ સોમચંદ નહોતા ઇચ્છતા કે મનમાં રહેલી એ દિશા તરફ તે પગ માંડે. પગ એ દિશામાં માંડવાના હોય જ્યાં ઉજાસ હોય, પ્રકાશને આંબવાની આશા હોય; જ્યારે એ દિશા?! એ દિશામાં તો માત્ર ને માત્ર અંધકાર હતો. અંધકાર પણ અને ભયાનયક નીરસતા પણ.
ADVERTISEMENT
ફ્રેન્ચ વિન્ડો પાસેથી હટીને સોમચંદ બેડ તરફ આવ્યા.
ખબર હતી કે ઊંઘ નહીં આવે અને એ પણ ખબર હતી કે ઊંઘ આવશે નહીં તો પણ નહીં ચાલે એટલે તેમણે ઍબ્સૉલ્યુટ વૉડકાની બૉટલનું નૉબ ખોલ્યું.
રાસબરી ફ્લેવર આખી રૂમમાં પ્રસરી ગઈ.
‘સ્પ્રાઇટ યુનિવર્સલ છે... બધા સાથે મૅચ થાય.’
પોતે વૉડકા પીએ છે એ જાણીને બારટેન્ડરના ચહેરા પર આવી ગયેલું સ્માઇલ તેણે મહામુશ્કેલીએ દબાવ્યું હતું અને પછી સજેશન પણ આપ્યું હતું કે રાસબરી સાથે સ્પ્રાઇટનું કૉમ્બિનેશન ચાલશે.
બૉટલ લીધી એ સમયે સોમચંદને ખબર નહોતી કે આજની રાત આ બૉટલ સાથે પસાર થઈ જશે અને એવું જ બન્યું. પોણો કલાકમાં તો સોમચંદે ઑલમોસ્ટ ત્રણસો મિલીલિટર વૉડકા પેટમાં પધરાવી દીધો.
પેટમાં ગયેલા વૉડકાની અસર હજી વર્તાતી નહોતી એટલે સોમચંદે નવો પેગ બનાવતાં પહેલાં ફ્રેન્ચ વિન્ડો ખોલી અને હવાની તીખી લહેર તેજ ગતિએ બેડરૂમમાં દાખલ થઈને પ્રસરી ગઈ.
રૂમમાં પ્રસરેલી ઠંડકે વૉડકાની કિકને ગતિ આપવાનું કામ કર્યું અને એ પછીનો પેગ એમ જ ટેબલ પર રહી ગયો. સોમચંદની ઘેરાયેલી આંખો બંધ થઈ અને તે સોફા પર જ સૂઈ ગયા.
lll
રાતનો છેલ્લો પહોર પૂરો થવામાં હતો અને ફાગણને અષાઢે પોતાની આગોશમાં લીધો હોય એમ આકાશ વરસી પડ્યું હતું. જોકે વરસેલા આકાશની વચ્ચેથી બહાર આવેલા સૂર્યના ચહેરા પર શરમની લાલી અકબંધ હતી તો સાથોસાથ સૂર્યના ચહેરા પર તાજગી પણ અકબંધ હતી.
કર્ટન બંધ કરી ન હોવાથી વિન્ડોના ગ્લાસમાંથી સૂર્યપ્રકાશ સીધો સોમચંદના ચહેરા પર આવતો હતો. ચહેરા પર આવતા એ પ્રકાશને કૃત્રિમ પ્રકાશ ગણીને સોમચંદે એને દૂર કરવાનો એક-બે વાર વ્યર્થ પ્રયાસ કર્યો, પણ પછી કંટાળીને ઝાટકા સાથે તેમની આંખો ખૂલી ગઈ.
ઓહ...
વિન્ડોમાંથી આવતા પ્રકાશને જોઈને સોમચંદ ફરી વાસ્તવિકતામાં દાખલ થયા.
શરીરમાં ફ્રેશનેસ હતી, પણ એ ફ્રેશનેસની સાથોસાથ આછોસરખો મન પર ભાર પણ હતો. ઘરમાં એકલા રહેતા સોમચંદનો સીધો નિયમ હતો. જાતને પૅમ્પર કરો અને એને બેસ્ટ સુવિધાની આદત પાડો. જો એ આદત પાડી શક્યા તો અને તો જ જીવનમાં આગળ વધવાની ભાવના અકબંધ રહેશે.
ત્રણ બેડરૂમનો આલીશાન ફ્લૅટ એક જ માણસ માટે હોય એ જોઈને ઘણાને નવાઈ લાગતી, પણ કોઈ વાર સોમચંદની તોછડાઈ તો કોઈ વાર જવાબ ઉડાવી દેવાના તેમના સ્વભાવને લઈને મિત્રો આ બાબતમાં વધારે પૂછપરછ કરતા નહીં.
lll
સામાન્ય રીતે બેડમાંથી ઊભા થઈને સૌથી પહેલાં નવકાર મંત્ર ગણતા સોમચંદનો એ નિયમ પણ આજે તૂટ્યો હતો. સોફા પરથી ઊભા થઈ તેણે આળસ મરડી. આળસને કારણે બૉડીને મળેલા સ્ટ્રેચિંગે મનમાં રાહત પહોંચાડી એ સોમચંદ સ્પષ્ટ રીતે અનુભવી શક્યા હતા.
સવારે જાગીને નિત્યક્રમ પતાવી તરત જ જૉગિંગમાં જવું એ સોમચંદનો નિયમ હતો, પણ આજે એ નિયમમાં ચેન્જ આવ્યો હતો. આમ તો દર વર્ષે આજના આ દિવસે આ નિયમમાં ચેન્જ આવતો. આજના આ દિવસે જાગીને નવકાર મંત્ર કરી પછી વૉશરૂમમાં જવાને બદલે તે સીધા કૅલેન્ડર તરફ જતા અને આજના આ દિવસની તારીખ આંખ સામે લઈ આવતા.
૩ એપ્રિલ, નિષ્ફળતાનો દિવસ.
ધી અનસક્સેસફુલ ડે.
બેડરૂમમાં ટીંગાતા દેશી કૅલેન્ડરનાં પાનાંઓમાંથી સોમચંદે બીજી એપ્રિલનું પાનું ફાડ્યું અને તેની સામે એ દિવસ આવી ગયો જે દિવસ તેને આજ સુધી શાંતિ આપતો નહોતો. શાંતિ પણ અને સંતોષ પણ.
ક્યાંથી મળે સંતોષ, જ્યારે માણસે બહુ ખરાબ રીતે પછડાટ ખાધી હોય.
હા, આ એ જ દિવસ, જે દિવસને સોમચંદ ભૂલવા માગતા હતા, પણ ભૂલી નહોતા શકતા અને ભૂલવા માટેના તેના સઘન પ્રયાસો પણ નહોતા.
અનાયાસ જ સોમચંદના પગ તેના સ્ટડીરૂમ તરફ આગળ વધ્યા.
મ્યુઝિયમ જેવા બનતા જતા એ સ્ટડીરૂમમાં સોમચંદ પોતાના કેસની હિસ્ટરી સાચવી રાખતા. મનમાં હતું કે જો બાયોગ્રાફી લખવાનો ચાન્સ મળશે તો આ બધા કેસનો ઉપયોગ કરીને તે સોસાયટીને એક એવું તારણ આપશે જેનાથી તેની ગેરહાજરીમાં ક્રાઇમ સૉલ્વ કરવામાં એ બાયોગ્રાફી હેલ્પફુલ બને. પણ... શું એવું બનશે ખરું? ધારો કે એવું બને તો શું પોતે પોતાની હાર પણ એમાં લખી શકશે ખરા?
સોમચંદની સવાર બગડી ચૂકી હતી.
તેની આંખ સામે ફરી એ જ માસૂમ ચહેરો પ્રસરી ગયો હતો જેણે એક દશકા પહેલાં જીવ ગુમાવ્યો હતો. રાતે બધા એકબીજાને હસતા મોઢે મળે છે અને સવારે...
મનમાં પ્રસરેલી ખટાશ સોમચંદના ગળામાં ઊતરી આવી.
lll
‘મિસ્ટર સોમચંદ, યુ આર બૅડલી રિક્વાયર હિયર...’ સીબીઆઇ ચીફ જયસ્વાલનો ફોન આવ્યો એ સમયે સોમચંદ દાદર પોલીસ સ્ટેશનમાં હતા, ‘કેસમાં ઉલઝન વધતી જાય છે. જો તમે હશો તો...’
હાથમાં રહેલી ફાઇલના ડૉક્યુમેન્ટ્સ જોતી વખતે સોમચંદની આંખ સામેથી આખો ઘટનાક્રમ પસાર થતો હતો. સંજોય જયસ્વાલ એ સમયે સીબીઆઇનું એવું મોટું નામ હતું કે ભલભલા ભ્રષ્ટાચારીઓ પણ તેનું નામ પડતાં પૅન્ટમાં પીપીનાં બે-ત્રણ ડ્રૉપ્સ છોડી દેતા. જયસ્વાલને કોઈની જરૂર હોય એવું આજ સુધીની હિસ્ટરીમાં બન્યું નહોતું અને એટલે જ સોમચંદ માટે એ ફોનકૉલ બહુ મહત્ત્વનો હતો.
આ પણ વાંચો: અઘોર નગારાં વાગે (પ્રકરણ ૧)
મે મહિનામાં જયસ્વાલનું રિટાયરમેન્ટ નક્કી હતું અને તેમના રિટાયરમેન્ટ પછી કોણ એ પોઝિશન પર આવશે એ વાત પોલીસ ડિપાર્ટમેન્ટથી માંડીને સીઆઇડી અને સીબીઆઇ સુધ્ધાં માટે ચર્ચાનો મુદ્દો હતો.
‘જો તમે હશો તો ફરક પડશે અને સાથોસાથ આઉટસાઇડ વ્યુ પણ મળશે.’
સોમચંદને ખબર હતી કે કયા કેસ માટે તેને બોલાવવામાં આવે છે.
‘ઇટ્સ માય પ્લેઝર ટુ બી વિથ યુ મિસ્ટર જયસ્વાલ.’
કેસ વિશે કોઈ ચર્ચા નહોતી થઈ અને એની સોમચંદને જરૂર પણ નહોતી. જેના ઘરમાં ન્યુઝચૅનલ સિવાય કોઈ ચૅનલ ચાલતી ન હોય એવા વ્યક્તિને ૩ એપ્રિલ ૨૦૧૩ના રોજ ઘટેલી ઘટના વિશે કંઈ કહેવું પડે તો એ દેશની ન્યુઝચૅનલો માટે સુસાઇડ કરવા જેવી વાત બનતી હતી.
ઘટના હતી અદિતિ મર્ડરકેસ.
lll
અદિતિ તલવાર.
ઉંમર વર્ષ ૧૪. સમર વેકેશનની શરૂઆત જે દિવસથી થઈ એ જ દિવસની પહેલી રાતે અદિતિની હત્યા થઈ. હત્યારા તરીકે સૌથી પહેલાં સૌને એક જ વિચાર આવ્યો કે ઘરમાં જ રહેતો સર્વન્ટ કારણભૂત છે, પણ એ પછી એ આખો કેસ ડબલ મર્ડરમાં કન્વર્ટ થયો અને એ પછી...
lll
સોમચંદની નજર અદિતિના ફોટોગ્રાફ પર હતી, પણ માનસપટ પર એ તમામ ઘટનાઓ પથરાયેલી હતી જે તેણે જાણી અને સાંભળી હતી. સાંભળી પણ હતી અને શબ્દો દ્વારા એ ઘટનાઓ જોઈ પણ હતી.
lll
‘ડૅડી, પ્લીઝ સ્માઇલ...’ ક્યારેય સ્માઇલ ન કરતા ડૅડીને અદિતિએ કહ્યું પણ ખરું અને સૂચના પણ આપી, ‘તમારે મમ્માનો હાથ તમારા હાથમાં લેવાનો છે... ફાસ્ટ.’
‘શું અદિતિ તું પણ...’
‘ઇટ્સ માય બર્થ-ડે ગિફ્ટ, રાઇટ?!’ અદિતિએ લાડ સાથે જોહુકમી કરી, ‘તો પછી હું કહું એમ કરવું પડે. ફાસ્ટ...’
મોબાઇલમાં કૅમેરા આવતો હોવા છતાં દીકરીના ફોટોગ્રાફીના પ્રેમને લીધે ડૅડી અને મમ્માએ અદિતિ માટે પ્રોફેશનલ કૅમેરા મગાવ્યો હતો. એક્સ્પેક્ટેડ ડિલિવરી ટાઇમ કરતાં પણ બે દિવસ પહેલાં ડિલિવરી થઈ ગઈ એટલે મમ્મા એ કૅમેરા સંતાડીને રાખવા માગતી હતી, પણ ડૅડીને લાગ્યું કે દીકરીને ખુશ કરવામાં શું કામ મોડું કરવું અને ડૅડીએ મમ્માને સમજાવી.
‘તે ખુશ થશે... આપી દઈએને.’
‘હા, પણ પછી બર્થ-ડેના દિવસે?!’ મમ્માએ પ્રૅક્ટિકલ આર્ગ્યુમેન્ટ કરી, ‘એ સમયે તેની ગિફ્ટ બાકી જ રહેવાની છે.’
‘સૉ વૉટ?!’ ડૅડીએ આંખો મોટી કરી, ‘દીકરી તો આપણી જ છેને?! એ સમયે બીજી કોઈ ગિફ્ટ લઈ આવીશું...’
પાર્સલ મમ્મા તરફ લંબાવીને ડૅડીએ કહ્યું...
‘જા, હજી સૂતી નહીં હોય. આપી આવ.’
‘સૂઈ ગઈ હશે...’
‘મારી દીકરી છે...’ ડૅડીના ચહેરા પર સ્માઇલ હતું, ‘એક વાગ્યા પહેલાં સૂએ નહીં. જા આપી દે ગિફ્ટ.’
મમ્મીએ કૅમેરા હાથમાં લીધો અને રૂમની બહાર નીકળવા પગ ઉપાડ્યો, પણ બીજા સ્ટેપ સાથે જ તે અટકી ગઈ.
‘વાય ડોન્ટ યુ કમ વિથ મી? તે ખુશ થશે...’
ફરી એ જ સ્માઇલ અને ડૅડી ઊભા થયા.
હસબન્ડ-વાઇફ બન્ને રૂમની બહાર નીકળ્યાં અને અદિતિની રૂમ પર તેમણે નૉક કર્યું કે બીજી જ સેકન્ડે અવાજ આવ્યો...
‘કમ ઇન... આઇ ઍમ અવેક.’
lll
‘યુ બોથ લુકિંગ ગૉર્જિયસ...’ કૅનન કૅમેરાની ડિસ્પ્લેમાં પોતે પાડેલો ફોટો જોઈને ખુશ થતી અદિતિ મમ્મી-ડૅડી પાસે આવી, ‘લવબર્ડ્સ જ લાગો છે. લાઇક, યુ બોથ સ્ટિલ મેડ ફૉર ઈચઅધર...’
‘વૉટ ડૂ યુ મીન...’ અદિતિએ વાપરેલા શબ્દ પર ભાર મૂકતાં મમ્માએ પૂછ્યું, ‘સ્ટિલ?! વી આર ઑલવેઝ ફૉર ઈચઅધર...’
‘તો પછી મારું પણ નક્કીને... હું પણ તમારી સાથે...’
અદિતિ દોડીને મમ્મી-ડૅડીને ભેટી અને પછી જાણે કે સેલ્ફી લેતી હોય એમ પોતાના નવા કૅનન કૅમેરાથી ત્રણેયનો ફોટો લીધો.
ક્લિક...
એ ક્લિક અદિતિની લાઇફનું છેલ્લું ક્લિક હતું.
હાજર રહેલા ત્રણમાંથી કોઈને ખબર નહોતી કે સવાર તેમના નસીબમાં કેવી વિટંબણા આંકીને આવી રહી છે.
વધુ આવતી કાલે