Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > આવી રહેલા વિનાશક પ્રલયની ચેતવણી છે જોશીમઠની ઘટના?

આવી રહેલા વિનાશક પ્રલયની ચેતવણી છે જોશીમઠની ઘટના?

Published : 15 January, 2023 12:42 PM | Modified : 18 January, 2023 04:54 PM | IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

જે ગિરિમાળાએ ભારતને રણપ્રદેશ થતો અટકાવ્યો છે એ હિમાલય જાણે જીવતો ટાઇમબૉમ્બ છે અને ક્યારે ફાટશે અને ક્યારે આખા એશિયા ખંડને અડફેટમાં લઈ લેશે એ કહેવું મુશ્કેલ છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


જે ગિરિમાળાએ ભારતને રણપ્રદેશ થતો અટકાવ્યો છે એ હિમાલય જાણે જીવતો ટાઇમબૉમ્બ છે અને ક્યારે ફાટશે અને ક્યારે આખા એશિયા ખંડને અડફેટમાં લઈ લેશે એ કહેવું મુશ્કેલ છે. ભૌગોલિક દૃષ્ટિએ હિમાલયની આસપાસના વિસ્તારો કયા સ્તરના જોખમ હેઠળ છે, જોશીમઠમાં શું બન્યું  છે અને વિકાસ દ્વારા વિનાશની કઈ દિશામાં આપણે ઝંપલાવ્યું છે એ જાણીને રૂંવાડાં ઊભાં થઈ જશે


હા, જો હિમાલય ન હોત તો કદાચ આપણો ભારત દેશ અત્યારે રણપ્રદેશ હોત. નૈઋત્ય-પૅસિફિક અને ચીનથી આવતા પવનોને રોકવા માટે લગભગ ૩૦૦૦ કિલોમીટરની રેન્જમાં પ્રસરેલો હિમાલયનો પટ્ટો એક દીવાલની જેમ ભારતની રક્ષા કરી રહ્યો છે, પરંતુ આ રક્ષાકવચ પોતે જ અકલ્પનીય જોખમ તળે છે. ધરતીકંપની બાબતમાં વિશ્વમાં સૌથી વધુ સંવેદનશીલ પ્રદેશ હિમાલય છે. થોડાં વર્ષો પહેલાં કેદારનાથમાં જે થયું, ગયા વર્ષે ગ્લૅસિયર ફાટવાથી જોશીમઠમાં પૂર અને હવે ફરી ત્યાં જ જમીન ફાટવાની જે ઘટનાઓ સામે આવી છે એ હિમાલયની ધરતીમાં ચાલી રહેલા તોફાનનું જ પ્રતિબિંબ છે. ૨૫,૦૦૦ની વસ્તી ધરાવતું આખેઆખું જોશીમઠ ખાલી કરીને તમામ લોકોને બીજે વિસ્થાપિત કરવાની વાત ચાલી રહી છે. દેખીતી રીતે ત્યાંના લોકલ લોકો આ બાબતને લઈને ભયંકર સ્ટ્રેસમાં છે. હિમાલયનો મુદ્દો માત્ર જોશીમઠ માટે નહીં, પણ આખા દેશ માટે મહત્ત્વનો છે ત્યારે આ આખા વિષયના મૂળને સમજવાની કોશિશ કરીએ. આ સંદર્ભે જોશીમઠના કેટલાક લોકોની તકલીફનો પ્રત્યક્ષ અહેવાલ લીધો તો સાથે જ હિમાલયના પેટાળમાં ચાલી રહેલી હિલચાલની જાણકારી મેળવવા માટે અગ્રણી વૈજ્ઞાનિકો સાથે પણ અમે ચર્ચા કરી. જેની વિગતો અહીં પ્રસ્તુત છે...



Joshi Math


વર્તમાન સ્થિતિ

જોશીમઠ જમીનમાં ધસી રહ્યું છે એ વિશે તમે છેલ્લા થોડા દિવસથી જાણકારી મેળવી હશે. ૭૦૦થી વધુ ઘરો ખાલી કરાવવામાં આવ્યાં છે અને અત્યાર સુધી લગભગ ૨૫૦ જેટલા પરિવારોને વિસ્થાપિત કરવામાં આવ્યા છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશનના રિપોર્ટ પ્રમાણે જોશીમઠ છેલ્લા ૧૨ દિવસમાં ૫.૪ સેન્ટિમીટર જેટલું જમીનમાં ધસી ગયું છે અને એપ્રિલથી નવેમ્બર ૨૦૨૨ સુધીના ૭ મહિનામાં ૮.૯ સેન્ટિમીટર જમીનમાં ધસ્યું હતું. હજી પણ જોશીમઠમાં ઘટેલી આ ભૌગોલિક પરિસ્થિતિનું એક્ઝૅક્ટ કારણ તો બહાર નથી આવ્યું, પરંતુ નિષ્ણાતોના મતે અનપ્લાન્ડ કન્સ્ટ્રક્શન, ઓવર પૉપ્યુલેશન, પાણીના નૅચરલ ફ્લોમાં ઊભો થયેલો વિક્ષેપ અને ડેવલપમેન્ટ પ્લાનના નામે થયેલી કુદરતની હાનિ એ કારણો હોઈ શકે છે. આ વાત સાથે જોશીમઠના સ્થાનિક લોકો પણ હવે સહમત થઈ રહ્યા છે. મૂળ ઉત્તરાખંડના જ અને સામાજિક કાર્યકર તરીકે સક્રિય પ્રકાશ રાવત કહે છે, ‘આ એક જુદા જ પ્રકારનું ડિઝૅસ્ટર છે જેની ક્યારે કોઈએ કલ્પના નહોતી કરી. અહીંના લોકો ચિંતિત છે. જીવન બચાવવા માટે તેમણે જીવનજરૂરિયાતની તમામ વ્યવસ્થાઓને છોડવી પડી છે. અત્યારે લોકોના માનસમાં એમ જ છે કે થોડા મહિનામાં બધું સારું થઈ જશે અને પાછા પોતાના સ્થાન પર આવી જઈશું. અત્યારે જે પરિસ્થિતિ છે એમાં લગભગ ત્રીસેક હજાર લોકોની વસ્તી ધરાવતા આખા જોશીમઠને કોઈ નવા સ્થળે પુનઃ સ્થાપિત કરવું શક્ય જ નથી. તમને જાણીને નવાઈ લાગશે કે અહીંના ડેન્જર કહી શકાય એવા લગભગ ૧૭ ગામનું પાંચ વર્ષ પહેલાં લિસ્ટ બહાર પાડ્યું હતું, જેમાંથી પાંચ ગામ તો અતિ ડેન્જર ઝોનમાં હોવા છતા પાંચ વર્ષમાં એને વિસ્થાપિત નથી કરી શકાયાં તો આટલા મોટા જનસમુદાયને સરકાર કેવી રીતે થાળે પાડશે એ ખરેખર વિકટ પ્રશ્ન છે.’


Joshi Math

પોતાનું બે માળનું આલીશાન ઘર છોડીને સરકાર દ્વારા અપાયેલી એક નાનકડી રૂમમાં શિફ્ટ થયેલા આશુ રાવત માટે પોતાની મમ્મી અને પત્નીને આ ઘટનામાં સંભાળવાનું વધુ અઘરું બન્યું છે. આશુ રાવત કહે છે, ‘અમારા મહોલ્લાનાં લગભગ બધાં જ મકાન ખાલી કરાવી દીધાં છે. બહુ મહેનત અને અરમાનથી કરોડો રૂપિયા ખર્ચીને મેં મારું મકાન ઊભું કરેલું. આના પહેલાં પણ નાનીએવી દરારો અમારે ત્યાં પડી હતી, પણ આટલા સ્તરે પરિસ્થિતિ ગંભીર થઈ જશે એની ખબર નહોતી. મારી કરિયાણાની દુકાન છે અને અત્યારે તો એના પર જ જીવનનો બધો આધાર રહેલો છે. જો ધંધો હશે તો ઘર ફરી બની જશે, પણ જોશીમઠ છોડવાની સાથે ખાલી કરવી પડી તો બધું જ જાણે લૂંટાઈ જશે. મારાં મમ્મી અને પત્ની તો આખી ઘટનાથી હેબતાઈ ગયાં છે. આટલું મોટું ઘર છોડીને અમે એક નાનકડી ઓરડીમાં અત્યારે રહી રહીએ છીએ. ઘણો બધો સામાન સંબંધીઓને ત્યાં ટેમ્પરરી શિફ્ટ કર્યો છે. મારા દીકરાને તેના મામાના ઘરે મોકલી દીધો છે. અમારા ઘરની જમીન મોટા પ્રમાણમાં ફાટી હતી. માઉન્ટ વ્યુ હોટેલ અમારા ઘરની બિલકુલ પાછળ જ છે એટલે મકાન ખાલી કર્યા સિવાય છૂટકો નહોતો. પણ હવે ભવિષ્ય અધ્ધર છે. અત્યારે તો જાન હૈ તો જહાન હૈ એ જ વાતને લઈને ચાલી રહ્યા છીએ.’

Joshi Math

છેલ્લાં ૨૦ વર્ષથી માઉન્ટેનિયરિંગ ફીલ્ડમાં ઍક્ટિવ અને જુદા-જુદા ગ્રુપને ટ્રેકિંગ માટે લઈ જતા પ્રસાદ શેટ્ટીએ તાજેતરમાં એક ટ્રૅક કરેલો જેમાં એક રાત તેમણે જોશીમઠમાં જ રહેવાનું હતું. પોતાનો અનુભવ શૅર કરતાં પ્રસાદ કહે છે, ‘લોકોમાં ભયનું અને નિરાશાનું વાતાવરણ છે. છેલ્લા થોડાક સમયથી આ વિસ્તારમાં ડેવલપમેન્ટ થયું છે. ટ્રેકર્સ પણ ખૂબ આવે છે અને હું પણ મારા ટ્રેકિંગ ગ્રુપને લઈને મંગળ-બુધવારે ત્યાં જ હતો. હવે શું કરીશું એની સમજણ લોકોને નથી પડી રહી. ત્યાંના કેટલાક લોકો આજેય ટૂરિસ્ટોને આમંત્રણ આપીને ટ્રેકિંગ ચાલુ છે એમ કહીને બોલાવી રહ્યા છે, પરંતુ અત્યારે જે સ્થિતિ છે એ જોતાં ટૂરિસ્ટ ત્યાં ન જાય અને બધું સેટલડાઉન થઈ જાય એની રાહ જુએ તો વધુ બહેતર છે. ઑલરેડી ત્યાં અતિશય કેઓસ છે અત્યારે. અમે પણ અત્યારે આ એરિયામાં ટ્રેક પર જઈશું તો પણ હાલ પૂરતું મારી કંપનીના ઓનર્સે નક્કી કર્યું છે કે આપણા ટ્રેકનો બેઝ કૅમ્પ જુદો રાખીશું, જે જોશીમઠથી બારેક કિલોમીટર આગળ છે અને નાનકડું ગામડું છે.’

Joshi Math

વિકાસથી વિનાશ?

જોશીમઠના મોટા ભાગના લોકો અત્યારે આવેલી વિપદા માટે જોશીમઠની નીચે ચાલી રહેલા હાઇડ્રો પ્રોજેક્ટમાં ટનલના કામને જવાબદાર ગણે છે. પ્રકાશ રાવત જ પોતે અગાઉ કહેલી વાતના અનુસંધાનમાં આગળ કહે છે, ‘અત્યાર સુધી એવા અઢળક રિપોર્ટ જુદી-જુદી એન્વાયર્નમેન્ટ કમિટીએ અહીં અમુક પ્રકારનાં વિકાસકાર્યો તાત્કાલિક રોકી દેવાની સલાહ આપી ચૂક્યા છે, પરંતુ કામ અટક્યું નથી. ખાસ કરીને સેલંગથી તપોવન સુધીની ૧૨ કિલોમીટરની એક ટનલ બની રહી છે જે જોશીમઠની નીચેથી જાય છે. ટનલ માટે જમીનમાં બાકોરું પાડવા જતાં કેટલીયે વાર મશીન અંદર ફસાઈ જતું હતું. ૨૦૦૯માં આવું થયું હતું અને કંપનીએ કામ બંધ કરવું પડ્યું હતું. બીજી-ત્રીજી વાર તો એ સ્તરે મશીન અટકી ગયું કે પાછળથી બાયપાસ રૂટ માટે બ્લાસ્ટ કરવામાં આવ્યા. આ પ્રોજેક્ટે ક્યાંક ને ક્યાંક અમારી જમીનને ખોખલી કરવાનું કામ કર્યું છે. હજી આઠ કિલોમીટરની ટનલ બની છે અને જ્યારે આ પ્રોજેક્ટ બની રહ્યો હતો ત્યારે પણ ભૌગોલિક સ્થિતિનેા આધારે પ્રોજેક્ટની ફિઝિબિલિટીનો રિપોર્ટ આપતી સંસ્થાએ એને મંજૂરી નહોતી આપી, તો સરકારની નિગરાણીમાં કામ કરતી પ્રાઇવેટ કંપનીએ બીજી એજન્સી પાસેથી સર્વે રિપોર્ટ દ્વારા મંજૂરી લઈને કામ શરૂ કર્યું હતું. હજીયે તિરાડો મોટી જ થતી જાય છે એટલે ભવિષ્યનું આકલન કરવું અઘરું છે.’

Prakash Rawat
પ્રકાશ રાવત

Joshi Math

જોશીમઠમાં જ ઍપલ ટ્રી નામની નાનકડી રેસ્ટોરાં ચલાવતા અંકિત ઉનિયાલ પણ અત્યારે પોતાના ભવિષ્યને લઈને ચિંતિત છે. તેમની રેસ્ટોરાંમાં પણ તિરાડો પડી છે અને કદાચ એ વધે તો તેમણે પણ જગ્યા ખાલી કરવી પડશે. અંકિત કહે છે, ‘અત્યારે તપાસ મારા હોટેલ સુધી પહોંચી નથી, પરંતુ મને ચિંતા જરૂર છે. હું અહીં જ જન્મ્યો અને ભણ્યો છું. વચ્ચે થોડો સમય કામ શીખવા માટે રાજસ્થાન ગયેલો, પણ પછી અહીં જ આવીને વીસેક લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરીને ધંધો શરૂ કર્યો છે. અત્યારે સરકારી યોજનાએ અમને ઘરબાર વિનાના કરી દીધા છે. આ માનવસર્જિત ક્રાઇસિસ છે. મારા જેવા તો કેટલા છે અહીં. બધા માટે સરકાર કરી કરીને કેટલું કરશે. એ વાત સાચી છે કે છેલ્લાં પાંચ-સાત વર્ષમાં નાનકડા જોશીમઠમાં લગભગ ૭૦૦થી વધુ નાની-મોટી હોટેલ, હોમ સ્ટે, રેસ્ટોરાં વગેરે બન્યા છે. મોટાં બિલ્ડિંગો પણ બન્યાં છે અને હાઇડ્રો પ્રોજેક્ટ પણ બહુ મોટા પ્રમાણમાં ધરતીને ખોખલી કરવામાં જવાબદાર બન્યો છે. આ આપદા માટે સ્થાનિક લોકો પણ જવાબદાર છે. અમે પહાડી લોકો છીએ. અગવડ અને કુદરતની એક્સ્ટ્રીમિટીને અમે સહી લીધી છે. ગમે એટલી હાડકાં થિજાવી દેતી ઠંડીમાં પણ અમે જાતને સંભાળી લીધી છે. મહિનાઓ સુધી મુખ્ય પ્રવાહથી ડિસકનેક્ટ થઈને પણ અમે જીવી ગયા છીએ, પરંતુ હવે તો જીવવા માટે અમારું પ્રેરકબળ હતું એ જ છીનવાઈ રહ્યું છે ત્યારે શું કરીશું એ જ સમજાતું નથી. અમારા વડીલો આગાહી કરતા હતા છતાં લોકોને ત્યારે કોઈ સમજ્યું નહીં.’

Ankit Uniyal
અંકિત ઉનિયાલ

Joshi Math

જોશીમઠમાં અત્યારે સુનીલ નામનું એક ગામ છે. આમ આ ગામ મજબૂત છે, પરંતુ રોપવેના ટાવર આ ગામમાં જે જગ્યાએ લાગ્યા છે એની નજીકનાં ઘરોમાં મેજર તિરાડો પડી છે. જે દર્શાવે છે કે ક્યાંક ને ક્યાંક વિકાસના નામે અહીં થયેલા ખોદકામે અહીંની સ્થિતિને બદથી બદતર કરવામાં બહુ મોટી ભૂમિકા ભજવી છે.

Joshi Math

યે તો હોના હી થા

જોશીમઠમાં જે થયું એ કંઈ નવી વાત નથી એવું મોટા ભાગના દરેક ભૂગોળ વિજ્ઞાનના નિષ્ણાતો માને છે. વૈશ્વિક સ્તરે જાણીતા ભૂકંપશાસ્ત્રી અને ફીલ્ડ ઑફ સિસ્મોલૉજી રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટનું કામ કરતા ડૉ. સનત અરોરા આ વાતને સહમતી આપે છે. તેઓ કહે છે, ‘હકીકતમાં આ આશ્ચર્ય પામવા જેવી બાબત જ નથી. હિમાલય બેલ્ટ એ ખરેખર ખૂબ સેન્સિટિવ એરિયા છે. કાશ્મીરથી લઈને બર્મા, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશનો આખો એરિયા, નેપાલ સહિતનો લગભગ ૩૦૦૦ કિલોમીટરનો બેલ્ટ અર્થ ક્વેક પ્રોન છે. ૧૯૯૯માં ચમોલીમાં આઠથી વધુ મૅગ્નિટ્યુડનો ભૂકંપ આવેલો, જેણે એ સમયે ખૂબ મોટું નુકસાન કરેલું. આખો હિમાલય સ્ટ્રક્ચરલી જ અનસ્ટેબલ છે. અવારનવાર ત્યાં લૅન્ડસ્લાઇડિંગ થાય છે. એમાં આપણે મકાનો અને બિલ્ડિંગો બનાવવા પહાડ કાપીને અસ્થિર વિસ્તારને વધુ અસ્થિર બનાવ્યો છે. ભૂકંપની હાઈ સંભાવનાને કારણે હિમાલય ઝોન ફાઇવમાં આવે છે. એટલે કે એવું સ્થળ જ્યાં આઠ કરતાં વધુ મૅગ્નિટ્યુડનો ભૂકંપ આવી શકે છે. અહીં નિયમિત રીતે ભૂકંપના આંચકા આવતા રહે છે અને અસ્થિર જમીન પર તમે મકાનો ચણો તો એ સ્થિર રહે? બહુ કૉમનસેન્સવાળી વાત છે. કન્સ્ટ્રક્શન વખતે જે ભાગ નબળો રહી ગયો હોય એવી દીવાલ, થાંભલા કે બીમ પર વહેલી તિરાડ પડે, પરંતુ આવનારા સમયમાં આખો વિસ્તાર જમીનમાં પેસી જાય તો નવાઈ પામવા જેવું કંઈ જ નહીં હોય. આ તિરાડો વધુ મોટી થશે અને જે અત્યારે થઈ પણ રહ્યું છે. ઉત્તરાખંડમાં છેલ્લાં ૧૦૦-૧૫૦ વર્ષમાં ૪ મેજર અર્થક્વેક થયા છે.’

Joshi Math

હિમાલયને સમજો

આ ધરતી પર સૌથી યુવાન પર્વત કોઈ હોય તો એ છે હિમાલય. આ પર્વત નહીં, પણ ગિરિમાળા છે. ખગોળ-ભૂગોળના ઊંડા અભ્યાસુ અને રિસર્ચર ભટનાગરસાહેબ કહે છે, ‘એશિયા અને યુરોપની ધરતીના પેટાળમાં રહેલી પ્લેટની અંદરુની હિલચાલને કારણે છેક ૧૯૮૧થી હિમાલય દર વર્ષે બે સેન્ટિમેટર જેટલો ઊંચકાઈ રહ્યો છે. આ હિમાલયની ગિરિમાળા એ માત્ર ૫૦ કરોડ વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવી છે. ૫૦ કરોડ વર્ષ પહેલાં ભારત અને તિબેટ વચ્ચે દરિયો હતો અને એ ગાળામાં ત્યાં એટલો જોરદાર ધરતીકંપ થયો હશે કે સમુદ્રની અંદરની જમીન ઉપર ધસી આવી અને સમુદ્ર પેટાળમાં જતો રહ્યો. હિમાલયના ખડકો કાચા છે અને વધુ લોડ સહી શકે એવા નથી એટલે ભૂગોળશાસ્ત્રી અને ભૂકંપશાસ્ત્રીઓને સતત એ ભય હોય છે કે કોઈ પણ સમયે અહીં ઊંચી તીવ્રતાનો ભૂકંપ આવ્યો તો અડધોઅડધ એશિયા ખંડ નષ્ટ થઈ જશે. કોઈ પણ ક્ષણ એવી હોઈ શકે જ્યારે ભૂકંપનો મોટો આંચકો આપણાં ચારેય ધામને પૃથ્વીના પેટાળમાં લઈ જાય.

હિમાલયનો વિસ્તાર ભૂકંપની બાબતમાં આખા વિશ્વમાં મોસ્ટ વલ્નરેબલ એટલે કે સૌથી વધુ ભૂકંપ થવાની સંભાવનાવાળો વિસ્તાર છે. હિમાલયમાં જે સ્તરે કન્સ્ટ્રક્શન થયું છે એણે એને વધુ અનસ્ટેબલ કર્યો છે. જેમ કે માણસના મોઢામાં દાંતનું માળખું હોય એમાંથી જો એકાદ દાંત પડે એટલે અંદરનું કુદરતી જોડાણ નબળું પડે અને ધીમે-ધીમે બધા જ દાંતનાં મૂળિયાં ઢીલાં પડતાં હોય. તમે એક જગ્યાએ હિમાલયની જમીનમાં કોઈ પ્રોજેક્ટ માટે બાકોરું પાડો તો એ એની આજુબાજુની જમીનને પણ વીક કરી દે છે. અત્યારે જોશીમઠની ઘટના આવી રહેલા પ્રલયની આગાહી પણ હોઈ શકે છે. દુનિયાનો કોઈ ભૂશાસ્ત્રી આ વાત નહીં નકારે. હિમાલય અંદરખાને ધણધણી રહ્યો છે.’

Joshi Math

ધારો કે હિમાલયમાં મોટો ધરતીકંપ આવવાનો હોય તો એની આપણને ઍડ્વાન્સ ખબર ન પડે? જવાબમાં ભટનાગરજી કહે છે, ‘ના, ધરતીકંપ એકમાત્ર કુદરતનું એવું પાસું છે જેને આજ સુધી સાયન્સ નથી સમજી શક્યું. વાવાઝોડાની, ગરમીની, ઠંડીની, સ્નોફૉલની એમ બધી આગાહી કરી શકાય; પણ ધરતીકંપની આગાહી માટે વિજ્ઞાનની કોઈ યંત્રણા કે સિસ્ટમ ડેવલપ નથી થઈ શકી, કારણ કે પૃથ્વી એ કેટલો વિરાટ ગોળો કે એમાં કયા ભાગમાં, પેટાળની પ્લેટ હલતી હોય એની કોઈને ખબર ન પડે, પરંતુ હિમાલયમાં વર્લ્ડ લેવલ પર જે સંશોધન થયું છે એની અંદર એ સાબિત થયું છે કે હિમાલયમાં ભવિષ્યમાં મોટો ભૂકંપ આવી શકે. ધરતીકંપમાંથી જ બહાર આવેલો આ પર્વત ધરતીકંપમાં પાછો અંદર ધસી શકે છે.’

Ashu Rawat with Family

અંતની શરૂઆત

અત્યારે દેશની અગ્રણી એજન્સીઓ હિમાલયમાં થઈ રહેલા માઇક્રો અર્થક્વેકનું મેઝરિંગ કરી શકે એ પ્રકારના ડિવાઇસ ઇન્સ્ટૉલ કરશે એમ જણાવીને ડૉ. અરોરા કહે છે, ‘આ એવાં ઇન્સ્ટ્રુમેન્ટ હોય જે જમીનના વીકેસ્ટ અને સ્મૉલેસ્ટ મોશનને પણ રેકૉર્ડ કરે એ ફ્યુચર પ્રોજેક્ટ છે. એ પછી માઇક્રોઝોનેશનનું કામ થશે, જેમાં આખા વિસ્તારનો સર્વે થશે અને જાણવામાં આવશે કે કયા વિસ્તારના પેટાળમાં વધુ હિલચાલ થઈ રહી છે અને એના આધારે આગળનો રિપોર્ટ તૈયાર થશે. હિમાલયના પથ્થર બહુ વીક છે અને એની બેરિંગ કૅપેસિટી ખૂબ ઓછી છે અને ભૌગોલિક દૃષ્ટિએ બહુ મોટું કારણ છે અત્યારે જે થઈ રહ્યું છે એ પાછળનું અને આવનારા સમયમાં જે થશે એનું પણ. આ એવી જગ્યા છે જ્યાં ગમે ત્યારે ગમે ત્યાં ભૂકંપ આવી શકે અને એ પણ ઊંચા મૅગ્નિટ્યુડનો એટલે કે ભયંકર તબાહી મચાવનારો ભૂકંપ. બીજી વાત, નાના-નાના ધરતીકંપ તો અહીં નિયમિત ધોરણે આવતા રહે છે અને એ પણ ઓછા મહત્ત્વના છે એવું નથી. નાના ધરતીકંપ ધરતીના પેટાળને સ્ટ્રક્ચરલી વધુ વીક કરવાનું અને અનસ્ટેબલ કરવાનુ કામ કરી શકે છે. હવે તમે વિચાર કરો કે ભૌગોલિક દૃષ્ટિએ નબળી જમીન પર તમે વગર વિચાર્યે ડેવલપમેન્ટ કરો તો એનું શું પરિણામ આવવાનું? હું તો એક જ વાત કહીશ કે જોશીમઠની ઘટના એ અંત નથી, શરૂઆત છે.’

Prasad Pachu Shetty

વિશ્વમાં આ બાબતે શું સિનારિયો છે એના જવાબમાં ડૉ. અરોરા કહે છે, ‘દુનિયામાં દરેક જગ્યાએ જ્યાં જમીનના પેટાળમાં બે પ્લેટ ભેગી થતી હોય ત્યાં ઘર્ષણને કારણે ભૂકંપના આંચકા આવતા રહે છે, પરંતુ એ પછીયે એની બહુ મેજર અસર નથી થતી અથવા તો નુકસાનને કન્ટ્રોલ કરી શકાય છે. એનું કારણ છે તેમનું ડેવલપમેન્ટ સમજીવિચારીને થયેલું હોય છે. પ્લસ અર્થક્વેકને ધ્યાનમાં રાખીને ટેક્નૉલૉજીનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને આખું સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવે છે. જે બાબતનું આપણે ત્યાં જરાય ધ્યાન નથી રાખવામાં આવતું. જેમ કે જપાન અને કૅલિફૉર્નિયા વગેરે ઘણી જગ્યાએ અર્થક્વેક આવે છે, પરંતુ તેમનાં ઘર એ રીતે બનેલાં છે કે ઘર પડી જશે તો પણ અંદર રહેતી વ્યક્તિના જીવને નુકસાન નહીં થાય.’

 

Dr. Sanat Arora
ડૉ. સનત અરોરા

હિમાલયના પથ્થરની બેરિંગ કૅપેસિટી ખૂબ જ ઓછી છે. ભૌગોલિક દ્રષ્ટિએ નબળી જમીન પર વગર વિચાર્યે ડેવલપમેન્ટ કરો તો શું પરિણામ આવવાનું? અહીં ગમે ત્યારે ભૂકંપ આવી શકે અને એ પણ બહુ ઊંચા મૅગ્નિટ્યુડનો, ભયંકર તબાહી મચાવનારો ભૂકંપ. - ડૉ. સનત અરોરા, ભૂકંપશાસ્ત્રી

Whatsapp-channel Whatsapp-channel

18 January, 2023 04:54 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK