સુરતને હરિયાળું બનાવવા માટે ૬૭ વર્ષના તુલસી માંગુકિયાએે ૨૦૧૬થી ગ્રીન આર્મી અભિયાન શરૂ કર્યું છે. આ આર્મીના સભ્યોની વાવણી અને માવજતથી સુરતના વિવિધ વિસ્તારોમાં અંદાજે ૭૦,૦૦૦ જેટલાં વૃક્ષો મોટાં થયાં છે
વૃક્ષની સંભાળ લઈ રહેલા તુલસી માંગુકિયા
થોડા દિવસ પહેલાં સુરતમાં એકસાથે ૧૧ વૃક્ષ કોઈકે કાપી નાખ્યાં. કપાઈ ગયેલાં આ વૃક્ષો જોઈને સિનિયર સિટિઝન તુલસી માંગુકિયા નાના બાળકની જેમ રડી પડ્યા હતા અને એ વિડિયો પણ વાઇરલ થયો હતો. તુલસીકાકા રડ્યા એ કદાચ કેટલાકને બનાવટ કે દેખાડો લાગ્યો હશે. જોકે એવું જરાય નથી, કેમ કે આ વૃક્ષો તેમના દીકરા જેવાં હતાં અને સુરતના ઘણાબધા વિસ્તારોમાં ગ્રીન આર્મીના સભ્યોની સાથે મળીને તુલસીકાકા વૃક્ષો વાવી, એમનું એક બાળકની જેમ જતન કરીને એમનો ઉછેર કરી રહ્યા છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ગ્રીન આર્મીના સભ્યોએ કપાયેલાં વૃક્ષોની શોકસભા પણ યોજી હતી જેમાં ઘણા પર્યાવરણપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સુરતના ગ્રીન આર્મી ચૅરિટેબલ ટ્રસ્ટે વૃક્ષો બચાવો, વૃક્ષો વાવો અભિયાનની શરૂઆત ૨૦૧૬થી કરી હતી. તુલસી માંગુકિયા અને તેમની ગ્રીન આર્મીના સભ્યો માત્ર વૃક્ષો વાવતા જ નથી, એમની માવજત પણ કરે છે. રોજ સવાર પડે એટલે સુરતના કોઈ ને કોઈ વિસ્તારમાં ગ્રીન આર્મીના સભ્યો વહેલી સવારે પહોંચી જઈને વૃક્ષો વાવે છે. કેટલાક સભ્યો ટ્રૅક્ટર લઈને કે પછી કેટલાક સભ્યો બાઇક પાછળ પાણીના કેરબા મૂકીને વૃક્ષોને પાણી પીવડાવે છે. કેટલાક સભ્યો ટ્રિમિંગ કરવાનું હોય તો એ કરે છે, ટ્રી ગાર્ડ લગાવવાની જરૂર હોય ત્યાં ટ્રી ગાર્ડ લગાવે છે, વૃક્ષના છોડ વાવ્યા પછી આસપાસ સફાઈ કરે છે, વૃક્ષો ઉગાડવા માટે ખાડા ખોદે છે અને એમાં વૃક્ષનો છોડ મૂકી એની સાચવણી કરીને વૃક્ષો મોટાં કરવા માટેના બનતા તમામ પ્રયાસો કરી રહ્યા છે.
ADVERTISEMENT
ગ્રીન આર્મી કઈ રીતે બની અને એની પાછળનો હેતુ શું છે એની વાત કરતાં સાત ચોપડી ભણેલા ૬૭ વર્ષના તુલસી માંગુકિયા કહે છે, ‘શિહોર તાલુકામાં આવેલા તાણા ગામની પ્રાથમિક શાળામાં હું છઠ્ઠા ધોરણમાં ભણતો હતો ત્યારે મને સ્કૂલમાં પર્યાવરણમંત્રી બનાવ્યો હતો. હું મારા બાપા સાથે વાડીએ જતો ત્યારે નવા કૂવા કરતા એ સમયે વડલા કે પીપળાની ડાળી કાપીને એને રોપતા હતા. આ બધું હું જોતો હતો અને નક્કી કર્યું હતું કે એક દિવસ હું પણ વૃક્ષો વાવીશ અને વૃક્ષ માટે સમર્પિત થઈશ. મારું એક સપનું છે કે મરતે દમ તક વૃક્ષો વાવવા. સુરતમાં ગ્રીન આર્મીની રચના કરીને વૃક્ષો વાવવાની જ્યોત પ્રજ્વલિત કરી છે એ સદાય પ્રજ્વલિત રહે અને સુરત શહેર હરિયાળું બને, સુંદર બને, તંદુરસ્ત બને એ માટે મારા સહિત અમારી ગ્રીન આર્મીના સભ્યો સવારે ઊઠીને વૃક્ષો વાવે છે અને એની માવજત કરી રહ્યા છે. નામ તો નાશવંત છે, પણ વૃક્ષો વાવેલાં હશે તો કાયમ ઊભાં રહેશે.અમારો હેતુ પર્યાવરણ બચાવવાનો છે. આ ધરતી પર રહેવાલાયક વાતાવરણ નહીં હોય તો આપણે ક્યાંથી બચીશું? કોરોનાકાળમાં આપણને ઑક્સિજનની ખબર પડી ગઈને? કોરોનામાં ઑક્સિજનના બાટલાના વધુ પૈસા ચૂકવ્યાને? આખા જીવનમાં આપણે કરોડો રૂપિયાનો શ્વાસ ચૂસી જતા હોઈશું, પણ ક્યારેય બિલ માગ્યું છે? તો પછી આપણે વૃક્ષો શું કામ ન વાવીએ? એમનું જતન શું કામ ન કરીએ? એટલે પર્યાવરણ માટે થઈને અમે વૃક્ષો વાવવાનું ૨૦૧૬થી શરૂ કર્યું છે.’
સુરતમાં કેવા પ્રકારનાં વૃક્ષો વાવવામાં આવે છે અને એનો ખર્ચ કેવી રીતે કાઢવામાં આવે છે એ વિશે વાત કરતાં તુલસીકાકા કહે છે, ‘વડલો, પીપળો, લીમડો અને ઉમરાનાં વૃક્ષો અમે વાવીએ છીએ. વૃક્ષ પક્ષીઓને ખોરાક પૂરો પાડે છે. મેં તો કોઈક કથામાં સાંભળ્યું પણ હતું કે ઉમરાનું વૃક્ષ વાવો તો એક ભાગવત કથા જેટલું પુણ્ય મળે છે. વૃક્ષ વાવીને ઉછેરો તો તમારો કાયાકલ્પ થઈ જાય. સુરતના વરાછા, કતારગામ, પુણા, કડોદરા, મગોબ, વેસુ, પાલ, અમરોલી, સરથાણા, પરવત પાટિયા સહિતના વિસ્તારોમાં અમે અત્યાર સુધીમાં ૯૫,૦૦૦ જેટલાં વૃક્ષો વાવ્યાં છે અને એની દેખરેખ રાખતાં લગભગ ૭૦,૦૦૦ જેટલાં વૃક્ષો ઘટાટોપ બન્યાં છે. અમે પૈસા ભેગા નથી કરતા, પણ દાતાઓ તરફથી દાન મળે એમાંથી વૃક્ષના છોડ લાવીએ, ટ્રી ગાર્ડ લાવીએ અને એ સહિતના ખર્ચ કાઢીએ છીએ. એક ભાઈએ ટ્રૅક્ટર વાપરવા માટે આપ્યું છે તો એમાં પાણીની ટાંકી મૂકીને વૃક્ષોને પાણી પીવડાવીએ છીએ. હીરાકાકા સાકરિયા સહિતના મારા જેવા મોટી ઉંમરના સભ્યો સહિતના અમારી ગ્રીન આર્મીના સભ્યોની કામગીરીને હું સૅલ્યુટ કરું છું. આ વૃક્ષો અમને અમારા બાળક જેવાં જ લાગે છે. દરેક વ્યક્તિએ વૃક્ષને દત્તક લઈને ઉછેરવું જોઈએ અને પર્યાવરણ બચાવવા માટે આગળ આવવું જોઈએ એવી અપીલ કરુ છું.’