Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ગુપ્ત : સુપર્બ સસ્પેન્સનાં પચીસ વર્ષ

ગુપ્ત : સુપર્બ સસ્પેન્સનાં પચીસ વર્ષ

Published : 02 July, 2022 12:07 PM | IST | Mumbai
Raj Goswami

‘ગુપ્ત’ રાજીવ રાયની બાકીની ત્રણ ફિલ્મો કરતાં એકદમ સ્ટાઇલિશ્ડ અને ટાઇટ ફિલ્મ હતી. એમાં અજીબોગરીબ સસ્પેન્સ હતું. ત્યાં સુધી કે અમુક દર્શકોને તો જ્યારે સસ્પેન્સ ખૂલ્યું ત્યારે આઘાત લાગ્યો હતો

`ગુપ્ત`નો સીન

બ્લૉકબસ્ટર

`ગુપ્ત`નો સીન


એક સફળ સસ્પેન્સ ફિલ્મની એ એક ખાસિયત છે. એ દર્શકોને અનેક તર્ક-વિતર્કમાં ગૂંચવી રાખે, એટલું જ નહીં,  ક્યારેક ગેરમાર્ગે પણ દોરે. દર્શક જ્યારે તેની બુદ્ધિશક્તિ પર વિશ્વાસ રાખીને ‘સાચા’ સસ્પેન્સનું અનુમાન કરે ત્યારે ફિલ્મ-નિર્દેશક એવી રીતે રહસ્યનો પર્દાફાશ કરે કે મુસ્તાક દર્શકને મૂરખ બન્યાનો અહેસાસ થાય


બે દિવસ પછી ૪ જુલાઈએ ‘ગુપ્ત’ ફિલ્મની રિલીઝનાં ૨૫ વર્ષ પૂરાં થાય છે. સસ્પેન્સ થ્રિલર હિન્દી ફિલ્મોના નિર્માતાઓની ફેવરિટ શૈલી નથી. એનું મુખ્ય કારણ એ છે કે બૉલીવુડની ફિલ્મો રિપીટ વૅલ્યુ પર ચાલે છે. મતલબ કે દર્શકો એકથી વધુ વાર ફિલ્મ જોવાનું પસંદ કરે છે. ધંધાની દૃષ્ટિએ એવી ફિલ્મો બનાવવી એ બુદ્ધિમાની છે. સસ્પેન્સ થ્રિલરની મુસીબત એ છે કે દર્શક એક વાર એને જોઈ લે પછી એની નૉવેલ્ટી ખતમ થઈ જાય છે. ગમે એટલી ઉમદા કે મનોરંજક ફિલ્મ હોય, તે બીજી વાર જોવા નથી લલચાતો. એટલા માટે પારિવારિક અને રોમૅન્ટિક ફિલ્મો બૉલીવુડનો ગમતો વિષય છે. 



એમ છતાં અમુક ફિલ્મસર્જકોએ સસ્પેન્સ થ્રિલર ફિલ્મો બનાવવાનું સાહસ કર્યું છે. તેમને તેમની કળા અને વિષયમાં એટલો ભરોસો હશે કે ભલે એકનો એક દર્શક ફરી જોવા ન આવે, પણ માઉથ ટુ માઉથ પબ્લિસિટીથી દરરોજ નવા દર્શકો ફિલ્મ જોવા ખેંચાશે. એ કારણથી કાનૂન (૧૯૬૦), બીસ સાલ બાદ (૧૯૬૨), વો કૌન થી (૧૯૬૪), કોહરા (૧૯૬૪), ગુમનામ (૧૯૬૫), મેરા સાયા (૧૯૬૬), તીસરી મંઝિલ (૧૯૬૬), હમરાઝ (૧૯૬૭), જ્વેલથીફ (૧૯૬૭), ઇત્તેફાક (૧૯૬૯), ધૂંધ (૧૯૭૩) જેવી ઉત્તમ સસ્પેન્સ થ્રિલર ફિલ્મો આપણને મળી છે. આ બધી ફિલ્મોની વિશેષતા એ હતી કે એક તો એની પટકથા એકદમ ચુસ્ત, ફોટોગ્રાફી એકદમ બહેતરીન, અભિનય વિશ્વનીય અને સંગીત આલાગ્રૅન્ડ હતું. 


રાજીવ રાયની ‘ગુપ્ત’ ‘એ’ શ્રેણીની ફિલ્મ છે. હિન્દી સિનેમાની અત્યાર સુધીની બહેતરીન ૧૦ સસ્પેન્સ થ્રિલરની યાદી બને તો ‘ગુપ્ત’ એમાં મોખરે આવે. જૉની મેરા નામ, દીવાર, ડ્રીમગર્લ, ત્રિશૂલ અને વિધાતા જેવી બ્લૉકબસ્ટર ફિલ્મોના નિર્માતા અને વિતરક ગુલશન રાયના દીકરા રાજીવ રાયે કુલ ૭ ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું. એમાં ૪ ફિલ્મોએ તહેલકો મચાવ્યો હતો; ત્રિદેવ, વિશ્વાત્મા, મોહરા અને ૧૯૯૭માં ગુપ્ત. 

ચારેચાર ટિપિકલ મસાલા ફિલ્મ હતી, પણ ‘ગુપ્ત’ બાકીની ત્રણ કરતાં એકદમ સ્ટાઇલિશ્ડ અને ટાઇટ ફિલ્મ હતી. બાકી હોય એમ એમાં અજીબોગરીબ સસ્પેન્સ હતું. ત્યાં સુધી કે અમુક દર્શકોને તો સસ્પેન્સ ખૂલ્યું ત્યારે આઘાત લાગ્યો હતો. એક સફળ સસ્પેન્સ ફિલ્મની એ એક ખાસિયત છે. એ દર્શકોને તર્ક-વિતર્કમાં ગૂંચવી રાખે, એટલું જ નહીં, ગેરમાર્ગે પણ દોરે. દર્શક જ્યારે તેની બુદ્ધિશક્તિ પર વિશ્વાસ રાખીને ‘સાચા’ સસ્પેન્સનું અનુમાન કરે ત્યારે ફિલ્મ-નિર્દેશક એવી રીતે રહસ્યનો પર્દાફાશ કરે કે મુસ્તાક દર્શકને મૂરખ બન્યાનો અહેસાસ થાય. 


સસ્પેન્સ થ્રિલર દર્શકોના મગજના અમુક હિસ્સાને ઉત્તેજિત કરે છે, જે સામાન્ય રીતે સુષુપ્ત હોય છે. મનુષ્યનું મગજ એક નિશ્ચિત પૅટર્ન પ્રમાણે ચાલતું હોય છે. એ જરૂરી પણ છે. રૂટીન જીવનમાં મગજ ટ્રેનની જેમ કામ કરતું હોય છે. એના બધા રેલવે-ટ્રૅક નક્કી હોય છે. એનાથી એની કુશળતામાં વૃદ્ધિ થાય છે. એ મગજ જ્યારે કોઈ સસ્પેન્સ થ્રિલર જુએ ત્યારે તેને જે એકવિધતાની ટેવ પડેલી હોય છે એ અસ્તવ્યસ્ત થઈ જાય છે અને એનામાં પડદા પર ચાલતી ગતિવિધિઓ સાથે તાદાત્મ્ય ઊભું થાય છે. એ વધુ એકાગ્ર થઈને એ અસ્તવ્યસ્ત સ્થિતિમાં કોઈ પૅટર્ન શોધવા મહેનત કરે છે. કોણે કર્યું? કેમ કર્યું? સાચે જ તેણે કર્યું? હવે શું થશે? વગેરે પ્રશ્નો એ માટે મહત્ત્વના બની જાય છે. 

જ્યારે પડદા પર ઇન્વેસ્ટિગેશન ચાલતું હોય ત્યારે દર્શકોનું મગજ પણ એમાં એક ખોજી એજન્ટ બની જાય અને સત્ય શોધતું રહે છે. વાર્તામાં જ્યારે-જ્યારે કોઈ પૅચ આવે ત્યારે મગજ નવી સંભાવના પ્રત્યે સજાગ થઈ જાય અને એનું કુતૂહલ એક સ્તર ઊંચું જાય. પૂરી ફિલ્મ દરમ્યાન આવી રીતે ટેન્શન બનતું રહે અને રિલીઝ થતું રહે તથા એને કારણે મગજમાં ઉત્તેજના, વ્યાકુળતા, જિજ્ઞાસા, દુઃખ, ખુશી, નર્વસનેસ અને સહાનુભૂતિના ભાવનો એક કેલિડોસ્કોપ બને.  

‘ગુપ્ત’માં આ પૂરા સાઇકોલૉજિકલ પ્રસ્તાવનું ચુસ્ત રીતે ધ્યાન તો રાખવામાં આવ્યું જ હતું, વધારામાં એમાં હીરો સાહિલ (બૉબી દેઓલ)થી લઈને તેની માતા શારદાદેવી (પ્રિયા તેન્ડુલકર) સુધીનાં તમામ લોકોને એવી રીતે પેશ કરવામાં આવ્યાં હતાં કે બધાં જ વિલન લાગે. એનાથી ‘સરળતા’ એ થઈ કે દર્શકોને અસલી વિલન કોણ છે એ સમજવા માટે બહુ મગજ કસવું પડ્યું હતું. જ્યારે તમને બધા જ સંદેહજનક લાગતા હોય ત્યારે તમે એકદમ રિલૅક્સ થઈ જાઓ. એટલા માટે ફિલ્મમાં કાજોલ (ઈશા દીવાન)નું સસ્પેન્સ સાચે જ આશ્ચર્યજનક સાબિત થયું હતું. 
‘ગુપ્ત’ કાજોલની કારકિર્દીની સીમાચિહ્‍‍નરૂપ ભૂમિકા હતી. આ પહેલાં ઘણી હિરોઇનોએ નકારાત્મક ભૂમિકા કરી હતી, પરંતુ એક મેઇનસ્ટ્રીમ હિરોઇન તરીકે કાજોલનું એ સાહસ જ કહેવાય કે તેણે એક હત્યારી છોકરીની ભૂમિકા ભજવી હતી. તેણે એ ભૂમિકા એવી જબરદસ્ત રીતે કરી હતી કે નેગેટિવ રોલમાં બેસ્ટ ઍક્ટરનો ફિલ્મફેર અવૉર્ડ મેળવનારી તે પહેલી હિરોઇન બની હતી. કાજોલે કબૂલ પણ કર્યું હતું કે ‘ગુપ્ત’ની ભૂમિકા મારા માટે પડકારરૂપ હતી. દુષ્ટ પાત્ર ભજવવું અઘરું છે એમ તેણે કહ્યું હતું. 

‘ગુપ્ત’ રિલીઝ થઈ ત્યારે કાજોલ દિલવાલે દુલ્હનિયા લે જાએંગે, બાઝીગર અને કરણ-અર્જુન જેવી ફિલ્મોથી એક મોટી સ્ટાર સ્થાપિત થઈ ચૂકી હતી. એ ત્રણેમાં પાછી તે રોમૅન્ટિક હિરોઇન હતી એટલે ઇશા દીવાનનો નેગેટિવ રોલ કરવો ઓછો જોખમી નહોતો. ‘બેબી-ફેસ’વાળી ચુલબુલી કાજોલ પ્રેમમાં અંધ બનીને તેના પ્રેમીના પિતાનું ખૂન કરી નાખે એવું કોઈ વિચારી જ ન શકે.
ફિલ્મના અંતિમ દૃશ્યમાં જ્યારે શીતલ ચૌધરી (મનીષા કોઇરાલા) અને ઈશાનો આમનો-સામનો થાય છે ત્યારે કાજોલ જે રીતે તગતગતી આંખોથી તેની ઈર્ષ્યા, નફરત, ક્રોધ અને વાસના વ્યક્ત કરે છે એ તેના પાત્રને એક વિશ્વસનીય ગહેરાઈ પૂરી પાડે છે. કાજોલ હત્યારી છે એવું સત્ય દર્શકો છેક છેલ્લી રીલ સુધી કલ્પી ન શક્યા એ ‘ગુપ્ત’ની સફળતાનું રહસ્ય છે. દર્શકોને જ્યારે ખબર પડી ત્યારે તેમણે કપાળ ઠોકી લીધું ઃ ‘અરે યાર! આ તો પહેલેથી જ ખબર પડે એવું હતું, તોય કેમ છૂટી ગયું!’

રાજીવ રાયને ‘ગુપ્ત’નો વિચાર લુઇસ થૉમસ નામના ઇંગ્લિશ લેખકની નવલકથા ‘ચિલ્ડ્રન ડોન્ટ કિલ’ પરથી આવ્યો હતો. એમાં ત્રણ ફ્રેન્ચ છોકરાઓ મજાક-મસ્તીમાં એક અપરાધી સાથે સંડોવાય છે અને એમાં એક જણની હત્યા થઈ જાય છે. આ નવલકથા પરથી ૧૯૭૫માં રવીના ટંડનના પિતા રવિ ટંડને રિશી કપૂર-નીતુ કપૂરને લઈને ‘ખેલ ખેલ મેં’ બનાવી હતી. 
રાજીવ રાયને એના પરથી એક એવી ફિલ્મ બનાવવાનો વિચાર આવ્યો હતો જેમાં હત્યા કરનાર વ્યક્તિ ઘરમાં જ હોય. બૉબી દેઓલ એક ઇન્ટરવ્યુમાં કહે છે, ‘ફિલ્મ કરતી વખતે તો કશો ખ્યાલ નહોતો આવ્યો કે એનું પરિણામ શું આવશે. મને એટલી ખબર હતી કે રાજીવ રાય કામ પ્રત્યે સમર્પિત છે. મને હજી યાદ છે કે અમે લિબર્ટી સિનેમામાં ફિલ્મ જોવા ગયા હતા અને દર્શક બહાર નીકળીને ‘કાજોલ હત્યારી છે’ એવી જે બૂમ પાડતા હતા એ માન્યામાં જ ન આવે. સારું છે કે એ વખતે મોબાઇલ ફોન નહોતા, નહીં તો ફિલ્મનું રહસ્ય થિયેટરમાં ગયા વગર જ છતું થઈ ગયું હોત.’

કાજોલને વિલન બનાવીને રાજીવ રાયે જુગાર તો ખેલ્યો જ હતો, સાથે નવી પેઢીના દર્શકોને ધ્યાનમાં રાખીને ફિલ્મમાં બીજા પણ પ્રયોગ કર્યા હતા, જેમ કે ફિલ્મની ક્રેડિટ રીલ તેમણે જેમ્સ બૉન્ડની ફિલ્મોની જેમ ડિઝાઇન કરી હતી. પડદા પર નાચતી સ્ત્રીઓના પડછાયાની ઉપર ફિલ્મના કલાકાર-કસબીઓનાં નામ ખૂલતાં હોય એ જોઈને દર્શકોને નવીનતા લાગી હતી. ૧૯૮૦માં ‘શોલે’ ફેમ રમેશ સિપ્પીએ ‘શાન’ ફિલ્મમાં બૉન્ડ ફિલ્મની જેમ ક્રેડિટ રીલ બનાવી હતી. 

‘શાન’માં તો બૉન્ડ ફિલ્મોની જેમ અત્યાધુનિક ગૅજેટ્સ અને ટેક્નૉલૉજી પણ બતાવવામાં આવી હતી. ‘ગુપ્ત’માં રાજીવ રાયે સિનેમૅટોગ્રાફર અશોક મહેતાની પ્રતિભાનો સુંદર ઉપયોગ કર્યો હતો. ફિલ્મ લોકોને પસંદ પડી એનું એક કારણ એનાં લોકેશન્સ અને એનાં દરેક દૃશ્યો જે રીતે શૂટ કરવામાં આવ્યાં હતાં એ હતું. 

શ્યામ બેનેગલ, અપર્ણા સેન, ગિરીશ કર્નાડ, શેખર કપૂર, એમએફ હુસેન, મણિ રત્નમ અને સુભાષ ઘઈ જેવા દિગ્ગજો માટે કામ કરનાર અશોક મહેતાની સિનેમૅટોગ્રાફીની જેટલી વાત થવી જોઈએ એટલી થઈ નથી. ૧૩ વર્ષની વયે દિલ્હીથી ભાગી મુંબઈ આવી ઈંડાં વેચીને ગુજરાન ચલાવનાર અશોક મહેતા કેવી રીતે ટોચના સિનેમૅટોગ્રાફર બન્યા એ એક અલગ લેખનો વિષય છે.
‘ગુપ્ત’ ફિલ્મમાં અશોક મહેતાએ જે રીતે કૅમેરા ગોઠવ્યા હતા એનાથી ફિલ્મના સસ્પેન્સમાં ઑર નિખાર આવ્યો હતો. આ ફિલ્મ કેમ દિલધડક બની હતી એ સમજવું હોય તો બીજી વાર માત્ર સિનેમૅટોગ્રાફી માટે જોજો. એવું લાગે જાણે કૅમેરા પણ જાસૂસ બનીને સત્ય શોધી રહ્યો છે. ‘ગુપ્ત’ની એક-એક કૅમેરા-ફ્રેમ જાણે એક સ્વતંત્ર કહાની હોય એવું લાગે. આ આખા લેખને જો જુદી રીતે લખવો હોય તો ફિલ્મને ૩૦ ફ્રેમમાં વહેંચી નાખવાની અને દરેક ફ્રેમની એક ટૂંકી કહાની કહેવાની! 

અશોક મહેતાના કૅમેરા સાથે વિજુ શાહના સંગીતે જુગલબંધી કરી એ ‘ગુપ્ત’ ફિલ્મની સફળતાનું ત્રીજું રહસ્ય છે. વિજુ શાહની થીરકતા પર અશોક મહેતાએ બૉબી, કાજોલ અને મનીષાને જે રીતે આલાગ્રૅન્ડ લોકેશન્સ પર કૅમેરામાં કેદ કર્યાં હતાં એ અવિસ્મરણીય છે, જેમ કે ‘મુશ્કિલ બડા યે પ્યાર હૈ’ને કેરલાના પેરિયર સરોવરમાં શૂટ કરવામાં આવ્યું હતું અને અશોક મહેતાએ એ પ્રાકૃતિક સુંદરતાને જે રીતે કૅમેરામાં કમ્પોઝ કરી હતી એ સ્વર્ગથી કમ નહોતી. એ પહેલાં અશોક મહેતાએ નસીરુદ્દીન શાહ અને રેખાને ગુલઝારની ‘ઇજાઝત’ના ‘કતરા કતરા’ ગીત માટે એ જ સરોવરમાં શૂટ કર્યાં હતાં. 

‘ગુપ્ત’ની કમાલ એનાં ગીતોમાં પણ હતી. કલ્યાણજી-આણંદજીવાળા કલ્યાણજીભાઈના દીકરા વિજુ શાહ રાજીવ રાયના કાયમી સંગીતકાર છે. ત્રિદેવ, વિશ્વાત્મા અને મોહરા એ ત્રણે ફિલ્મોનું સંગીત વિજુ શાહે આપ્યું હતું અને એ બ્લૉકબસ્ટર હૅટટ્રિક હતી. ‘ગુપ્ત’નું સંગીત પણ એટલું જ જાદુઈ હતું. મૂળ તો તેઓ કલ્યાણજી-આણંદજીના સમયથી બૅકગ્રાઉન્ડ સંગીત આપતા હતા અને એમાં તેમણે ઇન્સ્ટ્રુમેન્ટલ ઇલેક્ટ્રૉનિક સાઉન્ડ-ટ્રૅકનો પ્રયોગ કર્યો હતો. 

વિશાલ દાદલાણી વિજુ શાહને ‘સિન્થ સાઉન્ડના કિંગ’ (સિન્થેટિક અવાજના બાદશાહ) કહે છે. આર. ડી. બર્મને આ પ્રકારે બહુ સંગીત બનાવ્યું હતું. એક જગ્યાએ ઇન્ટરવ્યુમાં તેઓ કહે છે, ‘મેં હાર્મોનિયમ પર સંગીત શીખવાનું શરૂ કર્યું હતું, પરંતુ જ્યારે સિન્થેસાઇઝરનું આગમન થયું ત્યારે મને થયું કે આમાં તો હું ઘણું બધું નવું કરી શકું એમ છું. લક્ષ્મીકાંત-પ્યારેલાલે અકોસ્ટિક જે કર્યું હતું મારે એવું જ ઇલેક્ટ્રૉનિક સાથે કરવું હતું.’

‘ત્રિદેવ’માં નામ તો કલ્યાણજી-આણંદજીનું હતું, પરંતુ વિજુ શાહ અને રાજીવ રાયે ‘તીરછી ટોપીવાલે’ નામનું એક ધમાકેદાર ગીત બનાવ્યું હતું એટલે ગુલશન રાયે ‘વિશ્વાત્મા’માં વિજુ શાહને છૂટો દોર આપ્યો હતો. એની પાછળ ‘મોહરા’ અને ‘ગુપ્ત’માં વિજુએ સાબિત કરી દીધું કે બાપ કરતાં બેટા સાચે જ સવાયા હોય છે.

જાણ્યું-અજાણ્યું...

  • ફિલ્મના પ્રમોશન-પોસ્ટરમાં બૉબી દેઓલ સાથે રવીના ટંડનને બતાવવામાં આવી હતી, કારણ કે એક તબક્કે ફિલ્મમાં મનીષાની ભૂમિકા માટે રવીનાનું નામ નક્કી થયું હતું.
  • આ ફિલ્મના નિર્માણ સમયે મનીષા અને કાજોલ વચ્ચે અબોલા હતા. બૉબીએ સતત બન્ને વચ્ચે પડવું પડતું હતું. એકબીજા પ્રત્યેની નારાજગી ફિલ્મમાં તેમનાં પાત્રોમાં પણ દેખાતી હતી. 
  • બૉબી દેઓલની ભૂમિકા માટે રાજીવ રાયના મનમાં અક્ષયકુમાર અને સની દેઓલનું નામ હતું. અક્ષયનું નામ આવ્યું ત્યારે સનીએ કહ્યું કે સાહિલની ભૂમિકા માટે તો બૉબી વધુ યોગ્ય છે.
  • રાજીવ રાયે વિજુ શાહને કહ્યું હતું કે ફિલ્મમાં મને ગૅરેજ જેવો અને તંદ્રાવસ્થા જેવો સાઉન્ડ જોઈએ છે.
  • ફિલ્મના ઊઘડતા દૃશ્યમાં, કૅબિનેટની મીટિંગમાં (પી. વી. નરસિમ્હા રાવ) સરકારની આર્થિક નીતિઓની ચર્ચા થતી બતાવી હતી.
  • ફિલ્મનાં ગીતોની મોટા ભાગની ધૂનો વિદેશી આલબમમાંથી લેવામાં આવી હતી. 
Whatsapp-channel Whatsapp-channel

02 July, 2022 12:07 PM IST | Mumbai | Raj Goswami

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK