Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > વસમી યાદનાં ૪૨ વર્ષ : મચ્છુ નદી પરનો એ ડૅમ તૂટ્યો અને આખું મોરબી હિબકે ચડ્યું

વસમી યાદનાં ૪૨ વર્ષ : મચ્છુ નદી પરનો એ ડૅમ તૂટ્યો અને આખું મોરબી હિબકે ચડ્યું

Published : 11 August, 2023 01:22 PM | IST | Mumbai
Manoj Joshi | manoj.joshi@mid-day.com

મોરબીની એક ખૂબી છે. એને પડતા રહેવાનો શ્રાપ સહન કરતા રહેવો પડે છે, પણ એ શ્રાપ સહન કરતાં-કરતાં એ સહેજ પણ વિચલિત થયા વિના નવેસરથી ઊભા થઈ ફરીથી દોટ મૂકી દુનિયાને હંફાવવામાં રત થઈ જાય છે

પ્રતીકાત્મક તસવીર

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

પ્રતીકાત્મક તસવીર


હા, મોરબી હોનારત તરીકે કુખ્યાત થયેલી એ ઘટનાને આજે ૪૨ વર્ષ પૂરાં થયાં. ૪૨ વર્ષ પહેલાં આજના દિવસે સાંબેલાધાર વરસાદે મચ્છુ નદી પર બનાવવામાં આવેલા ડૅમના તમામ દરવાજા તોડી પાણીને શહેરમાં લઈ જવાનું કૃત્ય કર્યું અને એ ઘટનામાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા. કહેવું સહેજ પણ અતિશયોક્તિભર્યું નહીં લેખાય કે એ સમયે મોરબીમાં રહેતા લોકોમાંથી કોઈ પરિવાર એવો બાકી નહીં બચ્યો હોય જેણે પોતાનું સગું કે વહાલું આ ઘટનામાં ગુમાવ્યું ન હોય. મચ્છુનાં પાણી ઘરવખરીની સાથોસાથ આત્મીયજનોને પણ તાણી ગયું અને પાછળ મૂકી ગયું માત્ર અને માત્ર વસમી યાદો.


મોરબીની એક ખૂબી છે. એને પડતા રહેવાનો શ્રાપ સહન કરતા રહેવો પડે છે, પણ એ શ્રાપ સહન કરતાં-કરતાં એ સહેજ પણ વિચલિત થયા વિના નવેસરથી ઊભા થઈ ફરીથી દોટ મૂકી દુનિયાને હંફાવવામાં રત થઈ જાય છે. મોરબીથી મોટું કોઈ મોટિવેશન દુનિયા માટે હોઈ ન શકે. તમે જુઓ તો ખરા, સમયાંતરે એણે કુદરતના અનેક એવા ફટકા જોયા છે અને એ પછી પણ એ સામી છાતીએ કુદરત સાથે બાથ ભીડવાની ક્ષમતા પણ દેખાડી ચૂક્યું છે. જે ઘટનાને આજે ૪૨ વર્ષ થયાં એ ઘટના પછી મોરબીએ ૨૦૦૧માં ધરતીકંપની કારમી થપાટ જોઈ, તો ગયા વર્ષે આ જ મોરબીના ઝૂલતા પૂલની દુર્ઘટના પણ હજી સુધી વીસરાઈ નથી અને એ પછી પણ મોરબી એ યાદોને હૈયામાં સમેટી રોજબરોજની હરીફાઈ વચ્ચે દોટ મૂકતું થઈ ગયું. ખરેખર કહું છું કે મોરબીથી મોટું મોટિવેશન જગતમાં કોઈ હોઈ ન શકે.



બેતાલીસ વર્ષ પહેલાં જ્યારે સમગ્ર મોરબી પર પાણી ફરી વળ્યું હતું ત્યારે સૌકોઈનું માનવું હતું કે હવે પોણી સદી સુધી મોરબી ઊભું નહીં થાય, પણ મોરબીએ ઊભા થઈને, દોટ મૂકીને, નંબર-વન બનીને દુનિયાભરને દેખાડી દીધું. તમે જુઓ તો ખરા સાહેબ, મોરબીએ જે-જે ક્ષેત્રમાં હાથ મૂક્યો એ ક્ષેત્રમાં એણે દુનિયાઆખીને હચમચાવી નાખી. નળિયાથી માંડીને ઘડિયાળના ઉત્પાદનમાં, તો સિરૅમિક ઇન્ડસ્ટ્રીથી લઈને ટાઇલ્સની બાબતમાં મોરબીએ દુનિયાને હંફાવી દીધું. એક સમયે ઘડિયાળની બાબતમાં એવું કહેવાતું કે દુનિયાના દરેક ત્રીજા ઘરમાં જે ઘડિયાળ હતી એનું મૅન્યુફૅક્ચરિંગ મોરબીમાં થયું હોય. આજે એ જ વાત ટાઇલ્સની બાબતમાં કરવામાં આવે છે કે દુનિયાનું દરેક બીજું ઘર મોરબીનું તળિયું પહેરીને બેઠું છે. આ જે ક્ષમતા છે, આ જે સિદ્ધિ છે એ સહેજ પણ ઓછી ઊતરતી નથી. આ વાત અગાઉ જ્યારે મોરબી પર એક નાનકડી સિરીઝ કરી હતી ત્યારે પણ કરી હતી અને આજે પણ કહું છું. મોરબીએ ક્યારેય આંતરિક હરીફાઈને મહત્ત્વ આપ્યું નથી અને બહારની હરીફાઈને એણે ક્યારેય ઓછી ઊતરતી ગણી નથી. આ જ કારણ છે કે મોરબીમાં આંતરિક કૉમ્પિટિશન જોવા મળતી નથી. એક ઇન્ડસ્ટ્રિયલિસ્ટ પોતાના દરવાજા પાડોશી માટે હંમેશાં ખુલ્લા રાખે છે. કદાચ, ૪૨ વર્ષ પહેલાં શહેરે ખાધેલી પાણીદાર થપાટની પણ આ અસર હોઈ શકે અને કદાચ, ગુમાવેલા સ્વજનો પછી મહામૂલા સંબંધોને અકબંધ રાખવાની આ માનસિકતા પણ હોઈ શકે.


કદાચ. બની શકે અને અત્યારે તો આ જ વાત નરી વાસ્તવિકતા લાગે છે.


Whatsapp-channel Whatsapp-channel

11 August, 2023 01:22 PM IST | Mumbai | Manoj Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK