ઘાટકોપરની મિષ્ટી સાંગાણી મલખંભ ચૅમ્પિયન છે. હાલમાં મલખંભમાં મહારાષ્ટ્ર અને મુંબઈનું નામ રોશન કરી ૩ ગોલ્ડ મેડલ જીતનારી મિષ્ટી જોકે આ સ્પોર્ટ પૂરતી જ સીમિત નથી; તે પૅરાગ્લાઇડિંગ, સર્ફિંગ અને ટ્રેકિંગ જેવાં ઍડ્વેન્ચર કરી ચૂકી છે.
મિષ્ટી સાંગાણી
૧૧ વર્ષની નાની ઉંમરે તમે શું કરી શકો? ૧૧ વર્ષની નાની ઉંમરે એક બાળકી દિવસની પાંચ કલાકની કડક મહેનત કરીને રાષ્ટ્રીય કક્ષાની મલખંભ ચૅમ્પિયન બની શકે છે, પૅરાગ્લાઇડિંગ જેવી ઍક્ટિવિટી જે એકલા કરતાં વયસ્કો પણ ગભરાઈ જાય એ ખુદ પોતાના દમ પર પરમિશન મેળવી હવામાં ઊડવાનો અનુભવ લઈ શકે છે, સર્ફ બોર્ડ પર ચડીને વગર કોઈ ડરે પાણી પર લહેરની જેમ વહી શકે છે, લદ્દાખમાં ATV જેવું ભારેખમ વાહન ચલાવતાં પણ તેના હાથ ન ધ્રૂજે, વાર્તાઓ એવી લખે છે જાણે એક ટ્રેઇન થયેલી વાર્તાકાર હોય, વાર્તાઓ સિવાય ટ્રાવેલૉગ પણ લખે છે, જ્યાં પણ ફરીને આવે એ અનુભવ જાતે ડૉક્યુમેન્ટ કરે છે, પોતાની લખેલી વાતો અને વાર્તાઓ ઑડિયો-રેકૉર્ડ કરીને પોતાનું પૉડકાસ્ટ ચલાવે છે, ફોટો પાડવાનો, શૂટ કરવાનો અને એ વિડિયોને એડિટ કરવાનો પણ શોખ એટલો છે કે એ બધું જ જાતે કરીને પોતાની યુટ્યુબ ચૅનલ ચલાવે છે. આ સિવાય ઓડિસી, બૅલે, કીબોર્ડ, ગિટાર, ડ્રૉઇંગ, ઍક્ટિંગ, માઇમ જેવી જુદી-જુદી કલાઓ શીખવા માટે તૈયાર જ રહે છે. વળી મન પડે ત્યારે કુકિંગ કરવા લાગે અને પીત્ઝા અને કેક બેક કરતાં શીખી જાય તો મન પડે ત્યારે રંગોળીઓ બનાવીને ઘર સજાવવા લાગે. પોતાનાં ગીતો જાતે લખે છે, જાતે જ ગાય છે. આ ૧૧ વર્ષની બાળકી એટલે ઘાટકોપરમાં રહેતી મિષ્ટી સાંગાણી, જે કોઈ પણ પ્રકારની પૂર્વધારણાઓથી મુક્ત થઈને, પોતાને જે પણ કરવું છે એ બધું જ શક્ય બનાવી રહી છે.