‘આગ’થી આર. કે. ફિલ્મ્સની શરૂઆત થઈ અને રાજ કપૂર નામના સુવર્ણકાળની પણ. રાજ કપૂરના આ સુવર્ણકાળમાં જામનગરના ભાટિયા ગામના રતનસિંહ પ્રાગજીએ શરૂ કરેલી કંપની જયસિંહ પિક્ચર્સ કેવી રીતે જોડાઈ અને આ સંબંધો કેવી રીતે આજ સુધી અકબંધ રહ્યા એ જાણવા જેવું છે
બૉબીની સિલ્વર જ્યુબિલી પ્રસંગે પંકજ જયસિંહના દાદા રતનજી પ્રાગજી સાથે રાજ કપૂર.
‘આર. કે. ફિલ્મ્સના બૅનરમાં પહેલી ફિલ્મ બની ‘આગ’ અને છેલ્લી ફિલ્મ આવી ‘હિના’. આ કંપનીમાં કુલ ૧૯ ફિલ્મ બની, જે બધેબધી ફિલ્મોના પૅન ઇન્ડિયા રાઇટ્સ અમારી કંપની જયસિંહ પિક્ચર્સ અસોસિએટ્સ પાસે છે. મને આજે પણ યાદ છે, ‘આગ’ ફિલ્મના રાઇટ્સ મારા દાદા રતનસિંહ પ્રાગજીએ એક રૂપિયો ટોકન આપીને લીધા હતા અને રાજ કપૂરને એવું કહ્યું હતું, અગર પિક્ચર ચલી તો તેરી હર ફિલ્મ મૈં ખરીદૂંગા... દાદા અને રાજ કપૂર બન્નેએ આ વાત આખી લાઇફ પાળી રાખી.’
જયસિંહ પિક્ચર્સ અસોસિએટ્સના માલિક અને યુએફઓ મૂવીઝ ઇન્ડિયા લિમિટેડના CEO પંકજ જયસિંહ ‘મિડ-ડે’ સાથે રાજ કપૂરની મેમરીઝ શૅર કરતાં એક્સાઇટ થઈ જાય છે અને થાય પણ શું કામ નહીં? હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના ગ્રેટ શોમૅન એવા રાજ કપૂર સાથે તેમણે પોતે પણ અઢળક સમય ગાળ્યો છે. ૬પ વર્ષના ભાટિયા જ્ઞાતિના અને એક સમયે દાણચોરી માટે કુખ્યાત થયેલા જામનગર જિલ્લાના સલાયા ગામના વતની એવા પંકજભાઈ કહે છે, ‘શરૂઆતની ફિલ્મો વખતે તો મારો જન્મ પણ નહોતો, પણ મેં મારા દાદા અને પપ્પા જયસિંહ રતનસિંહ પાસે રાજ કપૂરની એ સમયની વાતો સાંભળી છે તો ‘મેરા નામ જોકર’ અને ‘બૉબી’ના તો હું પ્રીમિયરમાં પણ ગયો છું. રાજ કપૂર જેટલા ગ્રેટ ફિલ્મમેકર હતા એનાથી પણ વધારે ગ્રેટ હોસ્ટ હતા. મેં અઢળક ફિલ્મી પાર્ટી જોઈ છે, પણ રાજ કપૂર કરતા એવી ગ્રૅન્ડ પાર્ટી આજ સુધી મેં જોઈ નથી.’
ADVERTISEMENT
હોય ત્યાં બધું જ...
‘મેરા નામ જોકર’નો પ્રિવ્યુ શો આર. કે. સ્ટુડિયોઝમાં જ થયો હતો. પંકજભાઈને એ સાંજ આજે પણ યાદ છે. પંકજભાઈ કહે છે, ‘કપૂર ફૅમિલીમાં મોટા ભાગના બધા હેવીવેઇટ. મને યાદ છે, પ્રિવ્યુ થિયેટરની પહેલી લાઇનના સોફામાં રાજ કપૂર અને ફૅમિલી-મેમ્બર્સ બેઠા હતા. ફિલ્મ પછી થિયેટરની જ પાછળ આવેલા કૉટેજ-ગાર્ડનમાં પાર્ટી હતી અને એ પાર્ટીમાં હું મીઠાઈ ગણતો હતો. ત્યારે હું સ્કૂલમાં ભણતો અને ચાલીસ મીઠાઈ મેં ગણી હોવાનું મને યાદ છે. આલ્કોહોલવાળા એરિયામાં જવાની મનાઈ હોય, પણ હું માનું છું કે ઇન્ડિયામાં મળતી બધી જ બ્રૅન્ડનો અને સાથોસાથ ફૉરેનનો પણ એટલો જ શરાબ ત્યાં રાખવામાં આવ્યો હતો. પાર્ટીમાં જે આવે એ બધાને નીકળતી વખતે રાજ કપૂર પોતે પોતાના હાથે ગિફ્ટ આપતા. ફિલ્મમાં જે પેલો જોકર હતો એ ઢીંગલી તેમણે મને આપી હતી અને પછી મારા માથે હાથ ફેરવીને તેમણે ફિલ્મમાં જે ટોપી પહેરે છે એવી ટોપી પહેરાવી હતી.’
‘મિલો, રતનસિંહ સેઠ... મેરી રીડ કી હડ્ડી...’
પંકજભાઈના દાદાની ઓળખાણ રાજ કપૂર આ રીતે આપતા, જે પંકજભાઈએ પોતે અનેક વખત પાર્ટીમાં સાંભળ્યું છે. પંકજભાઈ કહે છે, ‘એ સમયે ગુજરાતીઓને પંજાબીઓ મોટા ભાગે સેઠ કહીને જ બોલાવતા એટલે દાદાને રાજ કપૂર પણ સેઠનું જ સંબોધન કરતા. ‘બૉબી’ વખતની તમને એક વાત કહું, અમે ‘બૉબી’ નહોતા લેવાના...’
પંકજ જયસિંહ
દારૂ ઔર આપ સાથ મેં છૂટેંગે...
‘મેરા નામ જોકર’ સુપર ફ્લૉપ થઈ અને રાજ કપૂર મનથી તૂટી ગયા. તેમને ઊભા થવામાં વાર લાગી. પંકજભાઈ કહે છે, ‘એ ફિલ્મના સદમામાંથી બહાર આવ્યા પછી તેમણે નક્કી કર્યું કે હવે તો પોતે ફિલ્મમાં ઍક્ટિંગ નહીં કરે અને તેમણે રિશી અને ડિમ્પલને લૉન્ચ કર્યાં. ફિલ્મ તૈયાર થઈ ગઈ, એનો પ્રિવ્યુ શો જોવા માટે મારા દાદા ગયા નહીં. એ સમયે હું કૉલેજમાં હતો અને સાથે-સાથે ઑફિસનું કામ પણ સંભાળું. ફિલ્મ-ડિસ્ટ્રિબ્યુશન અમારો સાઇડ બિઝનેસ, મેઇન બિઝનેસ તો બીજા ઘણા. મને યાદ છે કે હું દાદા સાથે હતો ત્યારે રાજ કપૂર અમારી ટાઉનની ઑફિસે આવ્યા અને તેમણે ‘બૉબી’ ફિલ્મની મુંબઈ ટેરિટરી માટે વાત કરી. દાદાએ ના પાડતાં કહ્યું કે આમ પણ મારે હવે એ લાઇન પૅકઅપ કરવી છે અને ‘બૉબી’માં ન્યુકમર્સ છે તો આ ફિલ્મ બીજાને આપી દો. રાજસાહેબના શબ્દો હતા : ‘સેઠ, યે તો નહીં હોગા, દારૂ ઔર આપ સાથ મેં છૂટેંગે... આપ નહીં રિલીઝ કરોગે તો ફિલ્મ જબ આપ કા મૂડ હોગા તબ રિલીઝ કરેંગે. તમે તેમની લૉયલ્ટી જુઓ.’
રાજ કપૂરની પહેલી ફિલ્મ ‘આગ’ પછી તો રાજ કપૂર થ્રૂઆઉટ હિટ પર હિટ ફિલ્મો આપવા માંડ્યા હતા. ‘શ્રી 420’, ‘આવારા’ જેવી ફિલ્મો માટે રાજ કપૂર પાસે જઈને માગ્યા પૈસા આપવા લોકો રાજી હતા પણ રાજ કપૂરની એક જ વાત હતી, રિશ્તા ખટ્ટા ન હો તબ તક રિશ્તેદારી તોડની નહીં ચાહિએ... મૈં જયસિંહ પિક્ચર્સ કે સાથ હી કામ કરુંગા...
લૉન્ગ ટર્મ રિલેશનશિપ કપૂર ખાનદાનના લોહીમાં છે. રાજ કપૂરની ગેરહાજરીમાં કોઈ પણ ફંક્શન હોય કે પાર્ટી હોય, જયસિંહ પિક્ચર્સને ઇન્વિટેશન મળે જ મળે. ગઈ કાલે રાજ કપૂરના જન્મશતાબ્દીની જે પાર્ટી હતી એ માટે પણ પંકજભાઈને આમંત્રણ મળ્યું હતું.
બાય ધ વે, ફિલ્મ ‘બૉબી’ પર પાછા આવીએ. ‘બૉબી’નું પ્રિમિયર મેટ્રો થિયેટરમાં થયું હતું, જેમાં પંકજ જયસિંહ પણ ગયા હતા. પંકજભાઈ કહે છે, ‘અમારી કંપની અને રાજ કપૂર વચ્ચે લાઇફટાઇમ રિલેશન રહ્યાં. રાજ કપૂરની ગેરહાજરીમાં છેલ્લે ‘હિના’ બની, એના પણ રણધીર કપૂરે મુંબઈ સર્કિટના રાઇટ્સ અમને જ આપ્યા અને ફિલ્મ અમે જ રિલીઝ કરી.’
કામ સારું થયું, કરો પાર્ટી...
એક રાજ કપૂરમાં બે રાજ કપૂર જીવતા. એક પાર્ટીનો માણસ અને બીજી સંપૂર્ણ એકાકી વ્યક્તિ. તે કાં તો બિલકુલ એકલા રહી શકે અને કાં તો પાર્ટી કરીને લોકોનાં ટોળાં વચ્ચે રહે. પંકજભાઈ કહે છે, ‘મને યાદ છે કે ‘સત્યમ શિવમ સુંદરમ’ રિલીઝ થયા પછી તેમણે ઑલમોસ્ટ આખો મહિનો પાર્ટી કરી હતી. આજે મંગળવાર છે અને બધા શો હાઉસફુલ થઈ ગયા તો કરો પાર્ટી, આજે લોકોએ સૉન્ગ પર બહુ પૈસા ઉડાડ્યા તો કરો પાર્ટી. તેમને પાર્ટી કરવાનું બહાનું જોઈએ. અરે, એક વાર તો અમારી કમ્યુનિટીના કોઈ ફંક્શનમાં દાદાએ તેમને બોલાવ્યા. તે આવી ગયા અને પછી નીકળતી વખતે દાદાને કહે, તમે મને ફંક્શનમાં બોલાવ્યો એ વાત પર આજે પાર્ટી કરીએ! આવી જજો...’
‘જિસ દેશ મેં ગંગા બહતી હૈ’ સમયનો એક કિસ્સો પણ પંકજભાઈને આજ સુધી યાદ છે. પંકજભાઈ કહે છે, ‘શંકર-જયકિશનને આખી ફિલ્મ સંભળાવી દીધા પછી રાજ કપૂરે તેમને કહ્યું હતું કે સ્ક્રિપ્ટમાં સૉન્ગની જે સિચુએશન મેં બનાવી છે એ સિવાય પણ તમને એમ થતું હોય કે મારે આવું એક સૉન્ગ બનાવવું છે તો તમને છૂટ છે, સ્ક્રિપ્ટમાં સિચુએશન હું બનાવી લઈશ...’
કોઈને નહીં ખબર હોય!
રાજ કપૂર પોતાની સાથે હંમેશાં એક રૂપિયાની નવી નોટનું બંડલ રાખતા અને જે કોઈ ગરીબ મળે તેને તે આપતા રહેતા. રાજ કપૂર કહેતા કે જો તમે કોઈને વિના કારણ પૈસા આપી શકો તો જ પૈસો તમારી પાસે આવે. રાજ કપૂર કોઈ બીજાની ઑફિસે પણ ગયા હોય અને ત્યાં તેમને ચા આપવા માટે છોકરો આવે તો એ છોકરાને પણ રાજ કપૂર પોતાના ખિસ્સામાંથી રૂપિયાની કડકડતી નવી નોટ આપે અને રૂપિયો આપ્યા પછી રાજ કપૂર તેની સામે સ્માઇલ પણ કરે.

