જો આટલાં જ રિલેશન હોય તો મને એમાં કંઈ ખોટું કે ખરાબ નથી લાગતું. આ તેની પર્સનલ ચૉઇસ છે.
ઑપરેશન રાવણ સાવધાન, તમારો ટર્ન પણ હોઈ શકે છે (પ્રકરણ-3)
‘માનસી, મોટિવ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઍગ્રી કે સિરિયલ કિલર સાયકિક છે અને એટલે જ તે હેતુ વિના બધાં મર્ડર કરે છે, પણ એ બધાં મર્ડરમાં પણ ક્યાંક ને ક્યાંક તેનો હેતુ છુપાયેલો છે. જો આપણને મોટિવની ખબર પડે તો પણ કેસમાં થોડી ક્લૅરિટી આવી જાય...’
આખી રાત કામ કર્યા પછી પહેલી વાર માનસીને થાક નહોતો લાગ્યો કે બગાસાં નહોતાં આવતાં. રાતે સોમચંદ ખુશાલીના ઘરે ગયા હતા તો માનસી જલ્પાના ઘરે ગઈ હતી. આજે દિવસ દરમ્યાન તે બન્નેએ બાકીના બન્ને વિક્ટિમના ઘરે જવા નીકળવાનું હતું, જે માટે બન્ને તૈયાર હતાં.
ADVERTISEMENT
‘વગર કારણે કોઈનો જીવ લેવામાં શું મોટિવ?’
‘એ મોટિવ, જે વગર કારણે જીવ લેવાની પ્રક્રિયા ક્યાંય અટકવા ન દે...’ સોમચંદે પૂછ્યું, ‘જલ્પાના કેસમાં કંઈ ખાસ માહિતી મળી, એવી જે આપણા માટે જરૂરી હોય.’
‘નો મિસ્ટર સોમચંદ, એ લોકોની વાત પરથી તો ક્યાંય એવું ખાસ જાણવા નથી મળ્યું. હા, એ લોકોને ઘરમાંથી અમુક ઑર્નામેન્ટ્સ નથી મળતા પણ એની બહુ મોટી કિંમત નથી.’
‘એક સિમ્પલ સવાલ પૂછું, જે ચોરાયું હોવાની એ લોકોને શંકા છે એ જ ચીજવસ્તુઓની આસપાસ વધારે કિંમતની વસ્તુઓ અકબંધ છે?’
‘હા.’
‘તો ડિસકશનનો અર્થ નથી. તને જે ડાઉટ આવે છે એ કોઈ હિન્ટ આપી શકે એવો નથી લાગતો.’ સોમચંદે ફરી સવાલ કર્યો, ‘છોકરીને કોઈ સાથે ઝઘડો કે એવી કોઈ વાત, જે તેણે ઘરમાં કોઈને કરી હોય?’
જવાબ નકારમાં આવ્યો અને સોમચંદના મનમાં અચાનક ઝબકારો થયો.
‘ધાર કે છોકરીને કોઈ સાથે ઝઘડો નથી થયો કે તેને કોઈની સાથે પ્રૉબ્લેમ નથી થયો પણ કોઈને છોકરી સાથે પ્રૉબ્લેમ થયો હોય.’ સોમચંદના ચહેરા પર ચમક આવી ગઈ હતી, ‘માનસી, આ દિશામાં કામ કરવું જોઈએ.’
‘પણ ખબર કેમ પડશે?’
‘છોકરીની ફૅમિલી પાસેથી જ.’ સોમચંદ ઉત્સાહ સાથે ઊભા થયા, ‘વાત કરવામાં ધ્યાન રાખવું પડશે, પણ ઇન્ફર્મેશન કઢાવવી પડશે. બને કે છોકરીએ કોઈ સાથે પ્રૉબ્લેમ કર્યો હોય અને એને લીધે તે સિરિયલ કિલરના ધ્યાન પર આવી હોય. ચાલ, નીકળીએ. બપોર પહેલાં આપણે આ ચારેચાર છોકરીની નેગેટિવ વાત જાણવાની ટ્રાય કરીએ.’
‘ફોન પર.’
‘પૉસિબલ નથી.’ વાત કાપતાં સોમચંદે કહ્યું, ‘તારે જે જાણવાનું છે એ એવું નથી કે માણસ પટપટ કરતાં બોલી નાખે. તારે મળવું પડશે, બેસવું પડશે અને તેને હળવાશ સાથે પૂછવું પડશે.’
‘ઓકે... ડન.’ માનસીએ કહી દીધું, ‘તમે બે પાસે જશો અને હું બે પાસે. પછી મળીએ છીએ ક્યાં?’
‘હંમ... ભાઈદાસ ઑડિટોરિયમની પાછળ આવેલી રસરાજ રેસ્ટોરાંમાં. બપોરે ત્યાં જમી પછી કામ આગળ વધારીશું...’
‘રાઇટો...’
માનસી સૌથી પહેલાં ફ્લૅટની બહાર નીકળી અને સોમચંદના મનમાં પ્રશ્ન જન્મી ગયો, ‘આ જનરેશનને લૅન્ગ્વેજ બગાડવાની શું મજા આવતી હશે?’
lll
‘મિસ્ટર સોમચંદ, તમારી વાત થોડી સાચી છે...’ રેસ્ટોરાંમાં મગાવેલી ગુજરાતી થાળી આવે એ પહેલાં જ માનસીએ ઉત્સાહ સાથે વાત શરૂ કરી દીધી, ‘જલ્પાને ત્યાં મને એક ખરાબ વાત જાણવા મળી. જલ્પામાં ઈગો બહુ હતો. ખુદ તેના પેરન્ટ્સે આ વાત કરી. અફકોર્સ, અત્યારે તેમની વાત કરવાની સ્ટાઇલ સૉફ્ટ હતી પણ વી કૅન અન્ડરસ્ટૅન્ડ કે જલ્પા હશે ત્યારે તેના સ્વભાવની આ જ વાત પેરન્ટ્સને ગમતી નહીં હોય.’
‘બીજે ક્યાંય ક્રૉસ-વેરિફિકેશન...’
‘હા, જલ્પાની સોસાયટીમાં રહેતી તેની ફ્રેન્ડ્સ પાસેથી. એ લોકોનું પણ કહેવું હતું કે જલ્પાનો ઈગો બહુ સ્ટ્રૉન્ગ હતો.’
‘હંમ... ઓકે.’ પૅડ પર નોટ ટપકાવી સોમચંદે સવાલ કર્યો, ‘રોશનીને ત્યાં શું થયું?’
‘નથિંગ. રોશનીની વાતોમાંથી તો ખાસ ઇન્ટરેસ્ટિંગ કોઈ એવી વાત સાંભળવા નથી મળી પણ હા, એટલી ખબર પડી કે તે પૈસા વાપરવાની બાબતમાં બહુ ધ્યાન રાખતી.’ માનસીએ અનુમાન લગાવ્યું, ‘એમાં કંઈ ખાસ એવી વાત તો નથી.’
‘એક મિનિટ, પૈસા વાપરવામાં ધ્યાન રાખતી એટલે કરકસર કરતી એમ?’
‘રિયલમાં તો હું એને કરકસર ન કહું.’ માનસીએ પોતાનો ઓપિનિયન આપ્યો, ‘નાનામાં નાની વસ્તુને પણ તે ફેંકી દેવા જેવી ન થાય ત્યાં સુધી પકડી રાખતી. શક્ય હોય ત્યાં સુધી પૈસા વાપરે જ નહીં. રોશનીની એક ફ્રેન્ડે તો એવું કહ્યું કે તેણે છેલ્લે પાણીપૂરી ક્યારે ખાધી હશે એ પણ રોશનીને યાદ નહીં હોય.’
‘પૈસાનું તે શું કરતી?’ સોમચંદે ચોખવટ કરી, ‘બચેલા પૈસાનો તેનો કોઈ ગોલ હતો. જેમ કે કહેવાયને કે પોતાને મોબાઇલ લેવો હોય અને પૈસા બચાવતી હોય.’
‘ના, નથિંગ. બસ, પૈસા બચાવ્યા કરે એનાથી આગળ કંઈ નહીં.’ માનસીને યાદ આવ્યું, ‘મિસ્ટર સોમચંદ, જ્યારે મૉનિટાઇઝેશન આવ્યું ત્યારે આ રોશન પાસેથી સાડાચાર લાખ રૂપિયાની જૂની કરન્સી મળી અને ઇન્ટરેસ્ટિંગ વાત જુઓ, અત્યાર સુધી તેની પાસેથી જૂની થાઉઝન્ડ મળતી હતી.’
‘યુ મીન, તેણે ક્યાં-ક્યાં એ નોટ છુપાવી હશે...’
‘એક્ઝૅક્ટ્લી... મર્ડરના ચાર દિવસ પહેલાં જ તેને પાંચ હજારની જૂની હજારવાળી નોટ મળી, એનું હવે શું કરવું એના ટેન્શનમાં તેણે એક દિવસ પસાર કર્યો.’
‘ઇન્ટરેસ્ટિંગ...’ સોમચંદે ફરી નોટ લખી અને પૂછ્યું, ‘નેક્સ્ટ...’
‘એ હેલો, નેક્સ્ટ તમારે કહેવાનું છે. હું બે જ જગ્યાએ ગઈ હતી.’
‘રાઇટ.’ ટેબલ પર આવી ગયેલી થાળી માનસી તરફ ધકેલતાં સોમચંદે કહ્યું, ‘સૌથી પહેલાં વાત ખુશાલીની. ખુશાલીનો એક જ માઇનસ પૉઇન્ટ હતો, તેનો ઍન્ગર. તે ગુસ્સામાં કંઈ પણ બોલતી, કંઈ પણ કરતી. ખુશાલીનો આ માઇનસ પૉઇન્ટ મને તેના બૉયફ્રેન્ડ પાસેથી ખબર પડી.’
‘બધા બૉયફ્રેન્ડને એવું જ લાગતું હોય છે.’
‘લિસન મી ફર્સ્ટ.’ સોમચંદે સહેજ કડક શબ્દોમાં કહ્યું, ‘બૉયફ્રેન્ડ સાથે બ્રેકઅપ થયા પછી જ ખુશાલીની એન્ગેજમેન્ટ થઈ અને હવે તેનાં મૅરેજ હતાં. ખુશાલીના ફિયાન્સનું પણ આ જ કહેવું છે અને ક્રૉસ-વેરિફેકશનમાં તેના પેરન્ટ્સે પણ આ વાત સ્વીકારી છે તો ખુશાલીનાં મોટા ભાઈ અને ભાભીએ પણ કબૂલ કર્યું છે, ખુશાલીનો ગુસ્સો બહુ ખરાબ હતો. ગુસ્સામાં તે બોલવામાં તોછડી થઈ જતી.’
‘તો બરાબર છે. ખુશાલીનો આ માઇનસ પૉઇન્ટ કહેવાય.’ જમવાનું શરૂ કરતાં માનસીએ કહ્યું, ‘નોટ કરી લો તમારા પૅડમાં...’
‘માનસી, પૅડ મારી સાથે જ હતું. જ્યાં જરૂર પડી ત્યાં મેં બધું નોટ કરી લીધું છે.’
‘ધૅટ્સ ગુડ.’ માનસીએ સોમચંદની સ્ટાઇલથી જ કહ્યું, ‘નેકસ્ટ.’
‘ખુશાલી પછી હું મળ્યો કાજલને.’ સોમચંદે વાત આગળ વધારી, ‘કાજલની વાત કહેવામાં સહેજ સંકોચ થાય છે.’
‘અરે નો વરીઝ મિસ્ટર સોમચંદ, ટેક મી ઍઝ યૉર બૉયફ્રેન્ડ...’ માનસીની જમવાની ઝડપ પણ તેના નેચર જેવી ફાસ્ટ હતી, ‘કહી દો, આપણે આમ પણ કેસની વાત કરીએ છીએ.’
‘કાજલનાં બહુ બધાં રિલેશન હતાં, જેમાંથી બેને હું રૂબરૂ મળ્યો અને એક સાથે ફોન પર વાત થઈ. બધાનું કહેવું એવું હતું કે કાજલનાં તેની સાથે ફિઝિકલ રિલેશન હતાં.’
‘એ સાચું બોલે છે એની ખાતરી...’
‘કરી લીધી.’ સોમચંદે કહ્યું, ‘એ લોકો પાસેથી કાજલની પર્સનલ ફિઝિકલ ડીટેલ્સ લીધી, જે પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં ચેક કરાવી. એવું જ નીકળ્યું છે.’
‘જેમ કે...’
‘કાજલના લેફ્ટ બ્રેસ્ટ પર તલ છે એવી તેના એક બૉયફ્રેન્ડ પાસેથી ખબર પડી. બીજા બૉયફ્રેન્ડે કહ્યું કે કાજલને બૅકમાં પિમ્પલ્સ બહુ થાય છે. એ વાત પણ પોસ્ટમૉર્ટમમાં મેન્શન થયેલી છે અને ત્રીજાએ કહ્યું કે કાજલે અન્ડર-આર્મ્સમાં લેસર ટ્રીટમેન્ટ કરાવી છે, એ પણ પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં આવ્યું છે.’
‘બે-ત્રણ સાથે ફિઝિકલ રિલેશન હોય એટલે વ્યક્તિ ખરાબ કહેવાય?’ સવાલથી સોમચંદની આંખોમાં આવેલા અચરજને જોઈને માનસીએ ચોખવટ કરી, ‘જસ્ટ કહું છું. જો આટલાં જ રિલેશન હોય તો મને એમાં કંઈ ખોટું કે ખરાબ નથી લાગતું. આ તેની પર્સનલ ચૉઇસ છે.’
‘ફિગર આનાથી વધારે હોય તો...’
‘કેટલો?’
‘જો સાચું માનીએ તો આઠથી દસ...’ સોમચંદે વાત આગળ વધારી, ‘તને ખબર છે એમ, જલ્પાનાં બે મહિના પછી મૅરેજ હતાં. જલ્પાના ફિયાન્સને આ બધી વાત ખબર હતી. એ પછી તે મૅરેજ માટે એટલે તૈયાર થયો કે તેના પર ભૂતકાળમાં મર્ડરનો આરોપ લાગી ગયો છે. નૅચરલી, હવે તેને બીજા વધારે સારા ઘરની છોકરી મળે એવા ચાન્સિસ નહોતા એટલે તેણે કાજલ માટે હા પાડી દીધી.’
‘આ નિમ્ફોમેનિયાક કેસ છે મિસ્ટર સોમચંદ.’ માનસીએ બિન્દાસ બનીને કહ્યું, ‘જો આ છોકરી પ્રૉપર સાઇકિયાટ્રિસ્ટની ટ્રીટમેન્ટ ન લે તો લસ્ટ તેને ખતમ કરી નાખે.’
‘અત્યારે તો તેને સિચુએશને ખતમ કરી નાખી.’ સોમચંદે ટૉપિક પૂરો કર્યો, ‘ઍનીવેઝ, મરનારી દરેક છોકરીમાં કોઈ ને કોઈ કમી હતી એટલું ક્લિયર થાય છે.’
‘આવી કમી તો કદાચ બધામાં હોતી હશે. છોકરામાં પણ કોઈ ને કોઈ કમી તો હોય જને, એટલે મને નથી લાગતું કે આ ઇન્ફર્મેશન ક્યાંય કેસમાં હેલ્પફુલ બને.’
‘હંમ... લેટ્સ સી.’ સોમચંદે ડિપાર્ટમેન્ટની ઇન્ફર્મેશન આપતાં કહ્યું, ‘મુંબઈ પોલીસની સૌથી મોટી લાચારી અત્યારે જો કોઈ હોય તો એ કે તેમને ડાઉટ છે કે નેક્સ્ટ મન્ડેના લાશ મળશે. મર્ડર રોકવા માટે તે કામ પણ કરે છે, પણ સિચુએશન એવી છે કે ક્યાં ફોકસ કરવું એ તેમને આ પચાસ કિલોમીટરના મુંબઈમાં સમજાતું નથી.’
‘ઍક્ચ્યુઅલી, જુઓ તમે, પહેલું મર્ડર બોરીવલી, પછી કાંદિવલી, પછી ગોરેગામ અને પછી અંધેરી...’
‘જો આ જ પૅટર્ન હોય તો માનસી, નેક્સ્ટ મર્ડર પાર્લામાં, આપણે બેઠા છીએ એ જ એરિયામાં હોઈ શકે છે.’
‘એવું તમે કેવી રીતે કહી શકો?’
‘માત્ર અનુમાન. અને આપણે અત્યારે એ જ લગાડી શકીએ એમ છીએ. અનુમાન સિવાય આપણા હાથમાં કંઈ નથી.’ સોમચંદના અવાજમાં ઉત્સાહ ઉમેરાયો હતો, ‘પહેલાં ત્રણ સ્ટેશન કિલરે હારબંધ લીધાં અને પછી તેણે ત્રણ સ્ટેશન છોડી દીધાં છે. ગોરેગામ, જોગેશ્વરી અને રામમંદિર. મર્ડર માટે તેણે અંધેરી લીધું. જો આ જ પૅટર્ન ચાલતી રહી તો અંધેરીમાં કામ કર્યા પછી હવે પાર્લા અને સાંતાક્રુઝ લે એવી શક્યતા છે.’
‘તમે કહો છો એ ચાન્સિસ છે, પણ એનો અર્થ એવો નહીં કરવાનો કે તમે બીજાં સ્ટેશનની પોલીસને ફ્રી કરી દો.’
‘આપણે પાસે અત્યારે જે ક્લુ છે એના આધારે આપણને એટલી ખબર છે કે જેનાં મૅરેજ થવાનાં છે તેના પર કિલર અટૅક કરે છે. ત્રણ મહિનામાં જેનાં મૅરેજ થવાનાં હોય એ ફૅમિલીનો કૉન્ટૅક્ટ કરવો સહેલો નથી.’
‘છે.’ માનસીએ કહ્યું, ‘આપણે બૅન્ક્વેટ અને મૅરેજ થતાં હોય એ પાર્ટી પ્લૉટ, હોટેલ અને બીજી એવી બધી જગ્યાએ કૉન્ટૅક્ટ કરીને મૅરેજ બુક કરાવનારાનો કૉન્ટૅક્ટ કરી શકીએ છીએ.’
‘રાઇટ. સુપર્બ આઇડિયા.’ સોમચંદે તરત જ કહ્યું, ‘આપણે એ બધું કરવામાં ટાઇમ નથી બગાડવો. આ કામ આપણે ડિપાર્ટમેન્ટને આપી દઈએ અને તેં જે ઑબ્ઝર્વેશન પકડ્યું હતું એ રીતે બાકીની કમ્યુનિટીના લોકો પર આપણે ફોકસ રાખીએ. બને કે કિલર દર વખતે જુદી-જુદી કમ્યુનિટી પકડતો હોય.’
‘હંમ...’ માનસીનું ધ્યાન મોબાઇલમાં હતું, ‘રાઇટ...’
‘શિકાર શોધવાની પૅટર્નને વધારે ધ્યાનથી જોવાની જરૂર...’
‘મિસ્ટર સોમચંદ, કૉન્ગ્રેચ્યુલેશન્સ. પકડી લીધી પૅટર્ન... મોસ્ટ્લી.’
માનસી ઊછળી પડી હતી, ‘તમે કહ્યું એ જ પૅર્ટનને આપણે સાચી માનીએ તો હવેનાં બે મર્ડર પાર્લા અને સાંતાક્રુઝમાં થશે.’
‘પછી ત્રણ સ્ટેશન ફરી છોડી દેશે.’
‘કિલર ત્યાર પછી માટુંગા, દાદર અને પ્રભાદેવીમાં કિલર શોધશે.’ સોમચંદે કહ્યું, ‘એ પછી તે લોઅર પરેલ, મહાલક્ષ્મી અને સેન્ટ્રલ છોડી દેશે...’
‘એ પછી તે ગ્રાન્ટ રોડથી આગળ વધશે.’
‘અને ગ્રાન્ટ રોડમાં છેલ્લું મર્ડર કરશે.’ સોમચંદના હાર્ટબીટ્સ વધી ગયા હતા. ‘માનસી, યુ આર રાઇટ. કિલર મોસ્ટ્લી આ જ પૅટર્ન પર કામ કરે છે. આપણે સાચા રસ્તે છીએ.’
વધુ આવતી કાલે

