રાણેએ કહી દીધું, ‘છેલ્લા સાતેક દિવસથી તે ગુમ છે, મોબાઇલ પણ હવે સ્વિચ્ડ-ઑફ છે...’
વાર્તા-સપ્તાહ
ઇલસ્ટ્રેશન
‘આઇ લવ ભૂત.’
‘આવું કોણ લખે?’
ADVERTISEMENT
ઇન્સ્પેક્ટર રાણેનું દિમાગ બરાબરનું ચકરાવે ચડ્યું અને ચકરાવે ચડેલા દિમાગનું દહીં કરવાનું કામ તેમની દીકરીએ કર્યું.
રાણે સોનિયાકુમારીની પ્રોફાઇલ ચેક કરવામાં હજી તો જરાક આગળ વધ્યા ત્યાં તો તેમને ઇન્સ્ટાગ્રામે લૉગઆઉટ કરી નાખ્યા અને મેસેજ આપી દીધો કે તમારો પાસવર્ડ ચેન્જ થઈ ગયો છે.
‘મિશ્રા...’ રાણેનો અવાજ મોટો થઈ ગયો, ‘તાત્કાલિક મને સોનિયાકુમારીનું અકાઉન્ટ જોઈએ છે, ફાસ્ટ...’
કૉન્સ્ટેબલ મિશ્રાએ તરત જ મહારાષ્ટ્ર પોલીસ ડિપાર્ટમેન્ટના ઑફિશ્યલ હૅકરને ફોન કર્યો અને પાંચમી મિનિટે સોનિયાકુમારીના અકાઉન્ટની બધી વિગતો રાણેના મેઇલમાં આવી ગઈ.
રાણેએ એ જોવાનું શરૂ કર્યું ત્યારે સોનિયાના પેરન્ટ્સની ફરિયાદ લખવાની પ્રક્રિયા પણ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ હતી.
lll
‘ખરી છોકરી છે!’
રાતે દોઢ વાગ્યે પણ રાણેના મનમાંથી સોનિયાકુમારી હટતી નહોતી.
સરળતા સાથે, સહજતા સાથે બૅડ વર્ડ્સ પણ બોલી નાખતી છોકરીએ બીજા જે કોઈ સાથે વિડિયો બનાવ્યા હતા એ બધાનાં નામ તેણે હૅશ ટૅગ સાથે લખ્યાં હતાં, પણ કેટલાક ફોટો એવા હતા જેમાં માત્ર હાથ દેખાતો કે પછી છોકરો ઊંધો ઊભો હોય અને ફોટો લેવામાં આવ્યો હોય એ બધા ફોટોમાં જે લાઇન લખવામાં આવી હતી એ લાઇનમાં સ્પષ્ટ દેખાતું હતું કે એ જે છોકરો છે તેને સોનિયાકુમારી ભૂત કહે છે અને ભૂત પોતાનો ચહેરો દેખાડતો નહોતો.
શું કારણ હશે કે એ છોકરો પોતાનો ચહેરો દેખાડવા રાજી નથી? શું તેની દાનત ખરાબ હતી કે પછી બીજું કોઈ કારણ હશે?
એ રાત રાણે માટે બહુ વસમી રહી.
lll
‘સોનિયા સાથે આ છોકરો કોણ હતો એ મારે જાણવું છે...’ સવાર પડતાં જ રાણે રમેશ સોનીના ઘરે પહોંચી ગયા હતા, ‘તમે તેના વિશે જે જાણતા હો એ બધેબધું...’
‘અમે વધારે કંઈ નથી જાણતાં...’ રમેશભાઈએ જવાબ આપ્યો, ‘છોકરી અમને એ છોકરા વિશે કંઈ કહેતી જ નહોતી.’
અરે, કહેતી નહોતી તો તમારે બે થપ્પડ મારીને તેને પૂછવું હતું!
મનમાં જવાબ તો આ જ આવી ગયો હતો, પણ રાણેએ કન્ટ્રોલ રાખ્યો.
‘તમને ક્યારે ખબર પડી કે તમારી દીકરી કોઈના પ્રેમમાં છે?’
‘હંઅઅઅ...’ રમેશભાઈએ ધર્મપત્ની સામે જોયું, ‘પાંચ-છ મહિના પહેલાં... એક દિવસ...’
બોલવામાં થતો સંકોચ રમેશભાઈના ચહેરા પર સ્પષ્ટપણે વર્તાતો હતો.
lll
‘કેમ છે હવે તમારી ડૉટરને?’
‘તેને શું હોવાનું... એયને ઘરમાં જલસા કરે છે.’
રસ્તા પર મળી ગયેલા ફૅમિલી ડૉક્ટર સોનિયાની મમ્મીના જવાબથી સહેજ મૂંઝાયા ચોક્કસ અને એટલે જ તેમણે તાકીદ કરી લીધી.
‘આ ટાઇમે તે પોતાનું ધ્યાન રાખે એ જરૂરી છે... ખોટી દોડાદોડી ન કરે.’
‘કેમ એવું કહો છો મૅડમ?’ મમ્મીએ ખુલાસો કર્યો, ‘સોનુ તમારી પાસે...’
‘તમને ખબર નથી?’ સામેથી ના આવતાં ડૉક્ટરે તરત કહ્યું, ‘હવે તમે તેને કહેતાં નહીં પણ... સી ઇઝ પ્રેગ્નન્ટ. થર્ડ મન્થ ચાલે છે.’
મમ્મી માટે આ શબ્દો વજ્રાઘાત સમાન હતા.
lll
‘એ દિવસ પછી અમને ખબર પડી કે તે કોઈના પ્રેમમાં છે...’ વાત ફરીથી રમેશભાઈએ પોતાના હાથમાં લીધી, ‘અમે તેને બહુ પૂછ્યું પણ સાહેબ, અમને જવાબ આપ્યો નહીં અને એક જ વાત કરતી રહી કે અમે મૅરેજ કરવાનાં છીએ એટલે તમે ટેન્શન નહીં લો...’
‘તમને કોઈના પર ડાઉટ...’ ઇન્સ્પેક્ટર રાણેએ સ્પષ્ટતા પણ કરી લીધી, ‘હું સોનિયાનો મોબાઇલ-ડેટા કઢાવીશ એટલે એમાંથી તો નંબર મળશે, પણ એમ છતાં તમને કદાચ કંઈ ખબર હોય...’
‘ના સાહેબ, આમાં ડાઉટની તો વાત જ ક્યાં છે?’
પપ્પા કંઈ કહે એ પહેલાં મમ્મી બોલ્યાં, ‘એકની એક દીકરીને અમે આઝાદી આપી એનો તેણે ગેરલાભ લીધો.’
‘સૉરી, ગેરલાભ તેણે લીધો એના કરતાં તમે માબાપ તરીકે બિલકુલ જવાબદાર પુરવાર નથી થયાં એવું કહેવું જોઈએ...’ ઉગ્ર થતો અવાજ રાણેએ તરત કન્ટ્રોલમાં લીધો, ‘તેઓ બન્ને ફરવા ક્યારે ગયાં, કેવી રીતે નક્કી થયું એના વિશે વાત કરો...’
‘તે અમને પૂછતી નહીં, અમને જાણ કરતી...’ રમેશભાઈએ જવાબ આપ્યો, ‘એમાં બન્યું એવું કે અબૉર્શન કરાવવા માટે તે તૈયાર નહોતી. અમે તેને બહુ સમજાવી પણ તેણે એવું જ કહ્યા કર્યું કે અમે મૅરેજ કરવાનાં છીએ...’
‘ફરવા ક્યારે ગઈ?’
‘ગયા સોમવારે... એટલે કે ૧૧ નવેમ્બરે...’ હવે મમ્મીએ જવાબ આપ્યો, ‘પહેલાં તો અમારે વાત થઈ, પણ ચોથા દિવસની સાંજથી અમારી વાત બંધ થઈ ગઈ.’
‘તે જતી હતી ત્યારે તમે તેને રોકી નહીં, પૂછ્યું નહીં કે તું કોની સાથે જાય છે?’
lll
‘મમ્મી-પપ્પા, અમે ફરવા જઈએ છીએ. ક્યારે પાછાં આવીશું એ નક્કી નથી. મારું ટેન્શન લેતાં નહીં. પાછાં આવીને અમે મૅરેજ કરવાનાં છીએ. મૅરેજ માટે પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી.
બાય
સોનુ...’
lll
‘અમે સવારે સાત વાગ્યે જાગ્યાં ત્યારે તેની રૂમમાં ચિઠ્ઠી હતી. અમે ફોન કરીને પૂછ્યું તો અમને કહ્યું કે તે સવારે પાંચ વાગ્યે નીકળી ગઈ છે. ક્યાં જાય છે એવું અમે પૂછ્યું તો અમને કહ્યું કે કદાચ મનાલી, અત્યારે નક્કી નથી કે ક્યાં જઈએ...’
‘તમે છેલ્લે ફોન કર્યો એનું રેકૉર્ડિંગ તો તમારી પાસે છેને?’
‘કદાચ...’
‘મને સંભળાવો...’
lll
‘સુનિયે, સોનુ આપશે બાત કરના નહીં ચાહતી... પ્લીઝ ઉસે કૉન્ટૅક્ટ મત કરો...’
એક જ વાક્ય અને એ પછી ફોન સીધો કટ.
રાણેએ રેકૉર્ડિંગ પોતાના મોબાઇલમાં લઈ લીધું અને પોલીસ-સ્ટેશન આવતાં સુધીમાં એ રેકૉર્ડિંગ તેણે પચાસેક વખત સાંભળ્યું પણ કશું પકડાતું નહોતું. બંધ રૂમમાંથી વાત થતી હોય એવું લાગતું હતું. ન તો કોઈ વાહનનો અવાજ, ન હવાનો અવાજ કે ન તો આજુબાજુનો બીજો કોઈ અવાજ.
lll
આ જે ભૂત છે તેનો કૉન્ટૅક્ટ કરવો બહુ જરૂરી હતો, પણ એ કૉન્ટૅક્ટ કેમ કરવો એની મૂંઝવણ મોટી હતી.
સોનિયાના મોબાઇલનો બધો ડેટા કઢાવવામાં આવ્યો, પણ સોનિયાના બધા આઉટ-ગોઇંગ સરળતાથી ઉકેલી શકાય એવા હતા તો જે ઇન્સ્ટાગ્રામ હતા એ કૉલમાં પણ કોઈ શંકાસ્પદ વ્યક્તિ સાથે વાત નહોતી થઈ.
જો ભૂતને તે નિયમિત કૉલ નહોતી કરતી તો પછી આ ભૂત નામના પ્રેમીને સોનિયા મળતી ક્યારે?
ઇન્સ્પેક્ટર રાણેએ સોનિયાકુમારીની જે ટેક્નિકલ ટીમ હતી એ ટીમનો પણ કૉન્ટૅક્ટ કર્યો. તેઓ બધા ભૂતના નામથી પરિચિત હતા અને ભૂત નામની એ વ્યક્તિ માટે સોનિયાને પ્રેમ હતો એની પણ તેમને ખબર હતી, પણ એનાથી વધારે કોઈ વિગત તેમની પાસે નહોતી. હવે ભૂત સુધી પહોંચવું કઈ રીતે?
રાણે માટે જબરદસ્ત ટ્રિકી કેસ હતો. જેના પર શક હતો એ વ્યક્તિની ઓળખ વિશે કંઈ ખબર નહોતી. એ વ્યક્તિ સોશ્યલ મીડિયા પર પણ મળતી નહોતી કે એ વ્યક્તિએ ક્યાંય એવી હરકત પણ નહોતી કરી જેને કારણે કોઈ રસ્તો મળે. રેલવે-સ્ટેશન પર તપાસ કરી લીધી. સોનિયાકુમારી કે સોનુ સોનીના નામે કોઈ ટિકિટ બુક નહોતી. ઍરપોર્ટ પર પણ આ નામની કોઈ એન્ટ્રી નથી. ઑનલાઇન બસ-બુકિંગમાં પણ સોનિયાની કોઈ નામથી એન્ટ્રી નથી. હવે શક્યતા એક જ રહે કે તે પોતાના ભૂત સાથે બાય-રોડ ફરવા માટે નીકળી ગઈ હોય અને જો એવું હોય તો તે કઈ તરફ ગઈ એ જાણવું લગભગ અસંભવ હતું. રાણેએ મનોમન નક્કી કર્યું કે જો સોનિયાકુમારી સામેથી પાછી આવી જાય તો ૧૦૦ ટકા તેનાં માબાપની હાજરીમાં તેને એક ફડાકો તો મારવો જ.
આ કોઈ રીત છે!
lll
લાંબીલચક ચૅટ વાંચીને થાકી ગયેલા રાણેએ ટેબલ પર માથું ઢાળી દીધું. જોકે પાવર-નૅપ લેતાં પહેલાં રાણેએ મિશ્રાને કામ આગળ વધારવાની સૂચના આપી દીધી હતી.
lll
‘સર, આ બધી ચૅટમાં આમ તો મોટા ભાગના તેના ફૅન છે અને કાં તો કંપનીવાળા લોકો છે, પણ એક ચૅટ મજા આવે એવી છે...’
‘કેવી છે?’
‘મજા આવે એવી...’ રાણેના ચહેરાનાં એક્સપ્રેશન જોઈને મિશ્રાએ શબ્દો સુધાર્યા, ‘એટલે એમ કે કદાચ તમને એમાં કંઈક મળે...’
રાણેએ ચહેરા પર બેતાળાં ચડાવ્યાં અને કમ્પ્યુટર-સ્ક્રીન પર નજર માંડી.
lll
‘હાય સર...’
‘હાય...’
‘તમે ક્યાં ગુમ છો? મારે તમને વાત કરવી છે... બહુ ઇમ્પોર્ટન્ટ છે...’
આ જે ‘સર’ હતો તે ફરી ગુમ થઈ ગયો અને સોનિયાએ ચાર-પાંચ મેસેજ મોકલ્યા પછી તેણે પણ ચૅટ બંધ કરી દીધી હતી.
એ ચૅટમાં મોટા ભાગે આ જ પ્રકારનું કમ્યુનિકેશન હતું. હાય-હેલો થાય અને પછી સર ફરી ગુમ થઈ જાય.
મિશ્રાની વાત સાચી હતી. જે પ્રકારે ચૅટ ચાલતી હતી એ ઇન્ટરેસ્ટિંગ તો હતી જ. તમામ ચૅટની શરૂઆત હંમેશાં સામેવાળા કરતા, એકમાત્ર આ સર એવા હતા જેની સાથે ચૅટની શરૂઆત સોનુ કરતી.
કોણ છે આ સર?
ઇન્સ્પેક્ટર રાણેએ પ્રોફાઇલ જોવાનું શરૂ કર્યું.
પહેલો એવો પ્રોફાઇલ જોવા મળ્યો હતો જેમાં કાંઈ છુપાવવામાં નહોતું આવ્યું.
સોનુ જેની સાથે વાત કરતી હતી એ સરનું નામ હતું કૃષ્ણકાન્ત મહેતા. તેમની ઉંમર ૪૨ વર્ષની હતી. બૅન્ગલોરમાં રહેતા સરે પોતાના મોબાઇલ-નંબર પણ ઇન્સ્ટાગ્રામ પર આપી દીધા હતા. કૃષ્ણકાન્ત મહેતા પ્રોફેસર હતા. તેમનો નંબર નોટ કરીને ઇન્સ્પેક્ટર રાણેએ ફરી એ આખી ચૅટ પર નજર કરી.
સોળ દિવસથી એ ચૅટ ચાલતી હતી, શરૂઆતમાં બન્નેનું ઇન્ટ્રોડક્શન હતું, જેમાં કૃષ્ણકાન્ત મહેતાએ સોનિયા વિશે વધારે પૃચ્છા નહોતી કરી અને સોનિયાએ જે સવાલ પૂછ્યા હતા એ બધાના તેમણે જવાબ આપ્યા હતા.
સ્ક્રૉલ થતી એ ચૅટની એક લાઇન પર રાણેની આંખો ચોંટી ગઈ.
‘સર, વાત કરશો? ફોન કરું?’
જવાબમાં સરે લખ્યું હતું, ‘ઓકે, આઇ ઍમ અવેલેબલ...’
lll
‘મિસ્ટર કૃષ્ણકાન્ત મહેતા?’
‘યસ...’
‘હું ઇન્સ્પેક્ટર રાણે, મુંબઈથી વાત કરું છું...’
આછાસરખા પૉઝ પછી મહેતાએ જવાબ આપ્યો.
‘બોલો, શું કામ હતું?’
‘સોનિયાકુમારી વિશે વાત કરવી છે...’ રાણેએ કહી દીધું, ‘છેલ્લા સાતેક દિવસથી તે ગુમ છે, મોબાઇલ પણ હવે સ્વિચ્ડ-ઑફ છે...’
‘ઓકે...’ કૃષ્ણકાન્ત મહેતાએ જવાબ આપ્યો, ‘એક્સપેક્ટેડ હતું... જે દીકરીના પેરન્ટ્સ પાસે દીકરી માટે ટાઇમ નથી એ બધાંએ આની તૈયારી રાખવી જોઈએ.’
‘ફિલોસૉફી નહીં... વાત, નક્કર વાત કરો.’
‘શ્યૉર... તમે આવી જાઓ...’ કૃષ્ણકાન્ત મહેતાએ ફેવર પણ કરી, ‘ફ્લાઇટની રિટર્ન ટિકિટ મોકલતા હો તો હું આવવા તૈયાર છું...’
જવાબથી બે વાત સ્પષ્ટ થતી હતી.
એક, કૃષ્ણકાન્ત મહેતા કેસમાં ક્યાંય ઇન્વૉલ્વ નથી અને બીજું, કૃષ્ણકાન્ત મહેતા કંઈક એવું જાણે છે જે સોનિયાકુમારીના કેસ પર પ્રકાશ પાડી શકે છે.
(વધુ આવતી કાલે)