અંજલિ વૈદ્ય, તમે ધાર્યું હોત તો ડિવૉર્સ લઈ શકતાં હતાં પણ એને બદલે તમે મર્ડર સુધી કેમ ગયાં?
વાર્તા-સપ્તાહ
ઇલસ્ટ્રેશન
‘શું કહું હું ભાઈ તમને...’ પપ્પાના હાથ જોડાયેલા હતા, ‘મનમાં એટએટલી ભાવના છે કે ખબર નથી પડતી કેવી રીતે વ્યક્ત કરું... મને તો એ પણ નથી સમજાતું કે હું તમને કયા નામે બોલાવું.’
‘કંઈ નથી સમજવું સર... બસ, તમે સનીને લઈને આરામથી ઘરે રહો.’ સોમચંદે પપ્પાના બન્ને હાથ પર હાથ મૂક્યા, ‘તમારે માટે આજે પણ હું મહંત જ છું, સંજયનો ફ્રેન્ડ. તમે મને એમ જ યાદ રાખો.’
ADVERTISEMENT
સોમચંદ મમ્મી પાસે આવ્યા.
‘દીકરો ગયો છે આન્ટી, પણ તે વ્યાજ મૂકતો ગયો છે. હવે તમે તેને મોટો કરો અને સનીને મોટો કરવા માટે ફરી પહેલાંની જેમ મસ્તી સાથે રહેવા માંડો.’ સોમચંદે મમ્મીના માથા પર હાથ મૂક્યો, ‘આ બધામાંથી ફ્રી થઈને હું નિરાંતે તમારી પાસે રોકાવા આવીશ, પણ આ વખતે આવું ત્યારે મને અડદિયાં ખવડાવવાનાં છે.’
આંખમાં આંસુ વચ્ચે પણ મમ્મીના હોઠ પર સહેજ સ્માઇલ આવી ગયું.
સોમચંદે ઝૂકીને મમ્મીના
આશીર્વાદ લીધા અને એ જ સમયે પોલીસ-કમિશનરના પર્સનલ અસિસ્ટન્ટે આવીને કહ્યું.
‘સર, તમને સર બોલાવે છે...’
lll
‘હું હજી પણ આખી ઘટના સમજી નથી શક્યો... બેટર છે કે પહેલાં મને ક્લિયર કર, એ પછી હું
પ્રેસ-કૉન્ફરન્સ લઉં.’
‘સર, ઘટના બહુ સિમ્પલ છે.’ સોમચંદે કહેવાનું શરૂ કર્યું, ‘એક્સ્ટ્રામૅરિટલ અફેર્સ. સંજય અને અંજલિનાં લવ-મૅરેજ હતાં અને બન્ને વચ્ચે પ્રેમ લાંબા સમયથી હતો, પણ મૅરેજ પહેલાં કેશવ અંજલિને મળ્યો. બન્યું એવું કે માસ્ટર્સ કરવા માટે સંજય લંડન ગયો, એ બે વર્ષના પિરિયડમાં અંજલિની લાઇફમાં કેશવ આવ્યો. અંજલિ પણ કેશવની સાથે આગળ વધી ગઈ. સંજય સુધી વાત પહોંચાડનારું કોઈ નહોતું એટલે અંજલિએ એ જ સમયથી ડબલ ક્રૉસ કરવાનું શરૂ કરી દીધું અને સંજય પાછો આવ્યો એ પછી તે ફરીથી સંજય સાથે રિલેશનમાં આગળ વધી. કેશવને છોડવાનું એ સમયનું કારણ માત્ર એટલું કે તેને લાગતું હતું કે સંજય હવે ભવિષ્યમાં કંઈ ઉકાળશે, પણ બે વર્ષ અબ્રૉડ રહ્યા પછી સંજયને હવે કરીઅરમાં કોઈ ઇન્ટરેસ્ટ નહોતો રહ્યો. તે ફૅમિલી-લાઇફનું મહત્ત્વ સમજી ગયો એટલે તેણે પાછો આવ્યા બાદ પહેલું કામ અંજલિ સાથે મૅરેજ કરવાનું અને એ પછી અહીં જ સેટલ થવાનું નક્કી કરી લીધું. અંજલિ ઇચ્છતી હતી કે સંજય ભાગે, પણ સંજયે એવી કોઈ વાતમાં રસ લીધો નહીં.’
‘કેશવ આખી સ્ટોરીમાં આવ્યો ક્યાંથી...’
‘અચાનક... સોશ્યલ મીડિયામાંથી.’ સોમચંદે કહ્યું, ‘અંજલિને કેશવે જ રિક્વેસ્ટ મોકલી અને પછી બન્ને ચૅટ પર આવ્યાં, ચૅટ પછી રૂબરૂ મળવાની વાત થઈ અને રૂબરૂ મળ્યા પછી અંજલિ કેશવ તરફ વધારે ખેંચાઈ, જેનું કારણ હતું મિનિસ્ટ્રી... અંજલિને ખબર પડી કે કેશવ મિનિસ્ટ્રીમાં છે એ વાત અંજલિને બહુ ઍટ્રૅક્ટ કરી ગઈ. સંબંધો વધતા ગયા અને એમાં ફિઝિકલ ઍટ્રૅક્શન પણ ઉમેરાયું. બન્ને નિયમિત મળવા લાગ્યાં, પણ એ બધામાં અમુક બંધન નડતાં હતાં, ખાસ કરીને સની. આ જ કારણ હતું કે સનીને વહેલો પ્લેહાઉસમાં મૂકી દેવામાં આવ્યો.’
‘સંજયને મારવાનું કારણ?’
‘બન્ને એક થવા માગતાં હતાં...’ સોમચંદે વાત આગળ વધારી, ‘એકાદ વાર અંજલિ-કેશવની ચૅટ કદાચ સંજયે પકડી પાડી હશે એવું મારું માનવું છે. એ પછી જ અંજલિ અને કેશવ મેસેન્જરનું પ્લૅટફૉર્મ બદલીને લિન્ક ચૅટ પર ચાલ્યાં ગયાં. આ લિન્ક ચૅટ પરથી જ એ બધો ડેટા મળ્યો જે ડેટાએ પ્રૂવ કર્યું કે સંજયનું નૅચરલ ડેથ નથી, તેનું મર્ડર થયું છે અને મર્ડરમાં અંજલિ-કેશવનો હાથ છે.’
કમિશનર પોતાની ચૅર પર સહેજ આગળ આવ્યા.
‘પહેલાં તમને એ કહેવાનું કે સંજય પર અગાઉ એક વખત હુમલો થયો હતો. એ હુમલો પણ બીજા કોઈએ નહીં, કેશવે મોકલેલા ગુંડાએ કર્યો હતો. એ ગુંડાનું ઍક્સિડન્ટમાં ડેથ થઈ ગયું, જેને માટે પણ ચાન્સિસ એવા છે કે કદાચ એ ઍક્સિડન્ટ પણ કેશવે જ કરાવ્યું હશે.’ સોમચંદે વાત આગળ વધારી, ‘સંજય બચી ગયો, પણ તેને સમજાઈ ગયું હતું કે આ જે અટૅક થયો છે એ અટૅક અચાનક નથી થયો, કોઈનો પ્લાન હતો. સંજયની હાલત એવી હતી કે તે ન તો કોઈને કશું કહી શકતો કે ન તો સહન કરી શકતો હતો. સંજયને અચાનક પૅનિક અટૅક આવવાનું શરૂ થયું અને અંજલિ તેને સાઇકિયાટ્રિસ્ટ પાસે લઈ ગઈ. અહીંથી મર્ડરનો પ્લાન પણ શરૂ થયો હશે એવું ધારી શકાય. સંજયની મેડિસિનનો જ ઉપયોગ મર્ડરમાં થયો છે. સંજયને જે મેડિસિન આપવામાં આવતી હતી એ મેડિસિનનો ઓવરડોઝ પેશન્ટને
હાર્ટ-અટૅક આપે છે અને એ માટે ઑલરેડી અંજલિને ડૉક્ટરે સૂચના પણ આપી દીધી હતી કે જો ભૂલથી પણ દવા લેવાનું ચૂકી જવાય તો બીજી વાર લેવાને બદલે એક દિવસ દવા લેવાનું ટાળવું.’
lll
‘હું કહું છું એ તું સમજ,
આપણે આ મેડિસિનનો જ ઉપયોગ કરવાનો છે.’
‘પણ સંજય એવી રીતે બીજી વખત દવા નહીં લે અને એ જે મેડિસિન છે એ રેગ્યુલર કલરની છે પણ નહીં. ડાર્ક બ્લુ કલરની છે, જોતાં જ તરત ખબર પડી જાય.’
‘હંઅઅઅ...’ કેશવે મનોમન પ્લાન બનાવ્યો, ‘એક કામ કર, હું રાતે ઘરે આવું છું. રાતે તારે સંજયને માત્ર ઊંઘની ગોળી આપવાની. બાકી બધું હું સંભાળી લઈશ. સંજય સૂઈ જાય એટલે તું મને મેસેજ કર...’
lll
‘સંજય જે રાતે મર્યો એ રાતે કેશવ મહાજન અંજલિ સાથે ઘરમાં હતો.’ સોમચંદે વાત આગળ વધારી, ‘કેશવના કહેવા મુજબ અંજલિએ રાતે સંજયને ઊંઘની ગોળી આપી દીધી અને સંજય સૂઈ ગયો એટલે પહેલેથી ઘરમાં સંતાયેલા કેશવે ઑરેન્જ જૂસ સાથે પેલી ટૅબ્લેટ, એક નહીં,
ત્રણ-ત્રણ જૂસમાં નાખી સંજયને પીવડાવી દીધી.’
‘ઓહ...’
‘તમે પોસ્ટમૉર્ટમ-રિપોર્ટ ચેક કરો. રિપોર્ટમાં ક્લિયરલી લખેલું છે કે સંજયમાંથી ડાયજેસ્ટ થયા વિનાનો ઑરેન્જ જૂસ મળ્યો છે. ડાયજેસ્ટ ન થવાનું એક કારણ મેડિસિન...’ સોમચંદે વાત આગળ વધારી, ‘જૂસની સાથે રહેલી મેડિસિને હાર્ટ પર પ્રેશર વધારવાનું અને આર્ટરી બ્લૉક કરવાનું કામ શરૂ કરી દીધું, જેને લીધે બન્યું એવું કે જૂસ ડાયજેસ્ટ થઈ કિડનીમાં પહોંચે એ પહેલાં જ સંજયનું હૃદય કામ કરતું બંધ થઈ ગયું અને સંજયનું મોત થયું. પોસ્ટમૉર્ટમ-રિપોર્ટમાં લખ્યું છે કે સંજયને હાર્ટ-અટૅક સવારે ચારથી પાંચ વાગ્યા વચ્ચે આવ્યો છે. સિમ્પલ હિસાબ છે કે જૂસ હ્યુમન બૉડીમાંથી કલાકથી દોઢ કલાકમાં ડાયજેસ્ટ થાય. જો સંજય રાતે ૧૨ વાગ્યે સૂતો હોય તો પણ જૂસ ડાયજેસ્ટ થઈ ગયો હોય, પણ આ જૂસ સંજયના મોતની ૧૦ મિનિટ પહેલાં પિવડાવવામાં આવ્યો હતો.’
‘જૂસ પીવડાવ્યો કઈ રીતે?’ કમિશનરે અનુમાન બાંધ્યું, ‘સ્ટ્રૉ...’
‘યસ... એકેક-બબ્બે ટીપાં સાથે જૂસ ઓરવામાં આવ્યું. સંજય બેહોશ હતો એટલે તેને ખબર નહોતી કે તેની સાથે શું થઈ રહ્યું છે.’
‘ઓકે, હવે મને કહે કે સર્કિટ હાઉસમાં તેં શું કર્યું?’
lll
બત્રીસ રૂમ અને બત્રીસ ગેસ્ટ.
સોમચંદ સામે ટાસ્ક ક્લિયર હતો એટલે રાતે બે વાગ્યે CBI ઑફિસર બનીને સર્કિટ હાઉસમાં ઊતરેલા સોમચંદ બહાર નીકળ્યા અને લિફ્ટમાં સીધા ટૉપ ફ્લોર પર ગયા. મોટા ભાગની રૂમના ગેસ્ટ આવી ગયા હતા, માત્ર ત્રણ રૂમ એવી હતી જેનાં લૉક હજી પણ અકબંધ હતાં. જોકે સોમચંદને જે શંકા હતી એ વાત તેને દેખાઈ સેવન્થ ફ્લોર પર આવેલી ૭૦૧ નંબરની રૂમમાં.
અસિસ્ટન્ટ મૅનેજરે આપેલા લિસ્ટ મુજબ આ રૂમ ખાલી હતી, પણ અત્યારે એ રૂમના દરવાજે કોઈ લૉક નહોતું. સોમચંદ મનોમન ગવર્નમેન્ટ પર ખુશ પણ થયા કે આટઆટલી નવી ટેક્નૉલૉજી આવી ગઈ હોવા છતાં સરકારે હજી સર્કિટ હાઉસમાં જૂના તાળાંવાળી રૂમમાં કોઈ ચેન્જ નહોતો કર્યો. જો ઑટોડોર ક્લોઝર લૉક મુકાઈ ગયાં હોત તો લમણાઝીંક જુદી હોત, પણ નકૂચાવાળા દરવાજાનો નકૂચો ખુલ્લો હોવાથી સોમચંદ માટે થોડી સરળતા થઈ ગઈ.
રૂમ પાસે ઊભા રહીને સોમચંદે દરવાજે નોક કર્યું અને અંદરથી દબાયેલો અવાજ આવ્યો.
‘ડોન્ટ વરી, મારો માણસ હશે... ખોલ દરવાજો...’
સોમચંદ બૅકફુટ થઈને દીવાલની આડશમાં ઊભા રહી ગયા, જેથી દરવાજો ખોલતાં જ તે નજર સામે આવે નહીં.
ખટાક...
અંદરથી દરવાજો ખૂલતો હોવાનો અવાજ આવ્યો અને દરવાજાનાં બન્ને પડખાં ખૂલ્યાં કે તરત પરસાળમાં રૂમનો પ્રકાશ પથરાયો. પ્રકાશને કારણે ઊપસેલા પડછાયાની કાયા અને એ કાયા પર રહેલો ઉભાર જોઈને સોમચંદ સમજી ગયા કે કોઈ યુવતી દરવાજે આવી છે.
સોમચંદે ત્રાંસી આંખે દરવાજા તરફ નજર કરવાની કોશિશ કરી અને એ જ સમયે દરવાજો ખોલનાર વ્યક્તિએ પણ સોમચંદની દિશામાં નજર કરી.
બન્ને નજર એક થઈ અને બન્નેનાં એક્સપ્રેશન પણ ઑલમોસ્ટ એક થયાં.
સોમચંદ અંજલિને જોઈને અને અંજલિ સોમચંદને જોઈને અવાક્.
‘તમે?!’
સોમચંદના ચહેરા પર સ્માઇલ આવ્યું અને તેઓ ભીંતની આડશ છોડીને બહાર આવ્યા. હવે તેની આંખ સામે આખી રૂમ હતી. રૂમના બેડ પર શર્ટલેસ અવસ્થામાં કેશવ બેઠો હતો અને બેડની વિખેરાયેલી ચાદર પર અંજલિનાં અન્ડરગાર્મેન્ટ્સ પડ્યાં હતાં.
અંજલિ ઝાટકા સાથે એક સ્ટેપ પાછળ ગઈ અને તેણે રૂમનો દરવાજો બંધ કરવાની કોશિશ કરી. સોમચંદ માટે આ અનપેક્ષિત હતું, પણ અગાઉ આ પ્રકારના અનુભવો થયા હોવાથી ચપળતા સાથે તેમણે દરવાજાની વચ્ચે હાથ મૂક્યો. અંજલિનું જોર સ્વાભાવિક રીતે સોમચંદની તાકાત સામે ઓછું પડ્યું અને સોમચંદે અડધો બંધ થયેલો દરવાજો ઝાટકા સાથે ખોલી નાખ્યો.
‘સ્વાગત નહીં કરોગે હમારા?’ કેશવનો ચહેરો સફેદ પૂણી જેવો થઈ ગયો હતો, ‘ક્યાંથી કરો, પૅન્ટ પણ નહીં પહેર્યું હોય...’
સોમચંદનું અનુમાન સાચું હતું. કેશવે ઉપરનાં જ નહીં, નીચેનાં કપડાં પણ નહોતાં પહેર્યાં.
‘મિસ્ટર કેશવ મહાજન, તમે અને તમારાં આ અંજલિ વૈદ્યની હું અરેસ્ટ કરું છું... તમે કપડાં પૂરાં પહેરી લો...’ સોમચંદે અંજલિ સામે જોયું, ‘અને તમે, અંદરનાં પૂરાં કપડાં પહેરી લો એટલે આપણે જઈએ.’
સોમચંદ સભ્યતા સાથે રૂમની બહાર નીકળ્યા. જોકે તેમણે સાવચેતીના ભાગરૂપે દરવાજાની વચ્ચે જ ઊભા રહેવાનું પસંદ કર્યું. સૌથી પહેલાં કેશવ ઊભો થયો અને બ્લેન્કેટની આડશ સાથે પોતાનાં કપડાં લઈને તે બાથરૂમ તરફ ગયો.
અંજલિ ત્યાં જ ઊભી રહીને કેશવની આવવાની રાહ જોતી રહી.
‘અંજલિ વૈદ્ય, તમે ધાર્યું હોત તો સહેલાઈથી ડિવૉર્સ લઈ શકતાં હતાં, પણ એવું કરવાને બદલે તમે મર્ડર સુધી કેમ ગયાં?’
‘માય મૉમ વૉઝન્ટ રેડી... તે કહેતી હતી કે ડિવૉર્સ તો નથી જ લેવાના.’
‘ઓહ, એટલે તમે મર્ડર કર્યું!’
ધડામ...
બાથરૂમમાંથી અવાજ આવ્યો અને એ અવાજને સોમચંદ પારખી ગયો.
એ રિવૉલ્વરનું ફાયરિંગ હતું.
અંજલિના મનમાં શંકા અને સોમચંદના મનમાં ગભરાટ હતો.
કેશવે બાથરૂમમાં સુસાઇડ કરી લીધું હતું.
lll
‘અંજલિએ ગુનો કબૂલી લીધો છે, પણ તે શોકમાં છે. જેને પામવા તેણે આટલું મોટું રિસ્ક લીધું એ જ માણસ હવે તેની સાથે નથી, પણ સર... એનું નામ જ નિયતિને...’ સોમચંદ ઊભા થયા, ‘બાય ધ વે, કહ્યું હતું એમ, નવ મહિના અને પંદર દિવસમાં કેસ સૉલ્વ કરી લીધો છે... પહેલી વાર મળ્યા એ ડેટ ચેક કરી લો.’
‘નવ મહિના અને પંદર દિવસ જ શું કામ માગ્યા હતા?’
‘બાળકના જન્મમાં એટલો સમય જોઈએ... આપણે પણ સત્યને જન્મ આપવાનો હતો અને મારે કેસ ગર્ભમાં સાચવી રાખવાનો હતો.’
(સંપૂર્ણ)