૫૦ વર્ષની ઉંમરે માર્શલ આર્ટ્સ શીખવાની શરૂઆત કરીને નાનપણની ઇચ્છા પૂરી કરનારા કિશોરભાઈને લાગે છે કે આ પ્રવૃત્તિને લીધે તેમની ઉંમર ઘટી રહી છે
માર્શલ આર્ટ્સના એક પ્રકાર કહેવાતા કલરીપાયટ્ટુની તાલીમ ખાસ કેરલા જઈને મેળવી હતી.
મુલુંડમાં રહેતા પ્રોફેશનલ હેરડ્રેસર કિશોર ચુડાસમા કામમાંથી આંશિક નિવૃત્તિ લઈને પૅશનને ફૉલો કરી રહ્યા છે. ૫૦ વર્ષની ઉંમરે માર્શલ આર્ટ્સ શીખવાની શરૂઆત કરીને નાનપણની ઇચ્છા પૂરી કરનારા કિશોરભાઈને લાગે છે કે આ પ્રવૃત્તિને લીધે તેમની ઉંમર ઘટી રહી છે. માર્શલ આર્ટ્સને લીધે બ્લડ-પ્રેશર અને ડાયાબિટીઝે પણ પાછીપાની કરી લીધી છે
પ્રોફેશનલ અને પર્સનલ લાઇફમાં આવતા પડકારોને પાર કર્યા બાદ જાત માટે સમય ફાળવવો અને પોતાના પૅશનને ફૉલો કરવું એ ટફ ટાસ્ક હોય છે, પણ લાઇફ એક વાર મળી છે તો જીવી લેવી જોઈએ એવું પણ ઘણા લોકો માનતા હોય છે. મુલુંડમાં રહેતા પ્રોફેશનલ હેરડ્રેસર અને મેકઅપ આર્ટિસ્ટ કિશોર ચુડાસમા આ ફિલોસૉફીને માને છે અને એનો અમલ પણ કરે છે. નાનપણથી જ પરિવારને આર્થિક રીતે સપોર્ટ કરીને આગળ આવેલા ૫૬ વર્ષના કિશોરભાઈ અત્યારે બધી જ ચિંતાઓને પડતી મૂકીને પોતાના ફિટનેસ પ્રત્યેના પૅશનને ફૉલો કરી રહ્યા છે. કિકબૉક્સિંગ અને માર્શલઆર્ટ્સ શીખીને શારીરિક અને માનસિક રીતે આવતા પડકારો સામે લડીને પોતાની જાત માટે સમય ફાળવવાનું શીખવી રહ્યા છે.
ADVERTISEMENT
પ્રોફેશનલ લાઇફની જર્ની
સફળતા ત્યારે જ મળે જ્યારે સ્ટ્રગલની સાથે ડેડિકેશન અને પ્રામાણિકતા પણ હોય એવું માનનારા કિશોરભાઈ તેમના સંઘર્ષકાળને યાદ કરીને કહે છે, ‘હું બહુ જ નાની ઉંમરમાં કામે લાગી ગયો હતો. સાતમા ધોરણમાં હતો ત્યાં પપ્પાની દુકાનમાં હેલ્પર તરીકે કામ કરતો. મારા પપ્પા અને દાદા વાળંદ હતા અને મનેય એમાં જ આગળ વધવું હતું, પણ એ સમયે સમાજમાં વાળંદનું સ્થાન બહુ જ નીચું ગણાતું. ઓછું ભણે એ લોકોને એમ કહેતા કે ભણીશ નહીં તો શું હજામત કરીશ? આ કહેવત મને ખૂંચતી અને એ અહેસાસ અપાવતી હતી કે શું સમાજમાં અમારું આ જ સ્થાન છે? આ એવો પ્રોફેશન છે કે એની જરૂર તો પડે જ અને આ કામ માટે શરમાવાની કોઈ જરૂર નથી. મેં મારી કરીઅરની શરૂઆતમાં ઘણાં મહેણાં સાંભળ્યાં છે, પણ મને એવું હતું કે મારે હેરડ્રેસર બનવું જ છે. સાતમા ધોરણમાં આવ્યો ત્યારે મારી ઉંમર ૧૩ વર્ષની હતી. એ સમયે હું પપ્પા અને ભાઈ સાથે સલૂનમાં હેલ્પર તરીકે જોડાયો, પણ મારું એમાં કંઈ વળ્યું નહીં. એક વાર મને ખબર પડી કે મુલુંડમાં ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે તો મને એ જોવાની ઘેલછા થઈ. કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર હું સાઇકલ લઈને નીકળી પડ્યો. પછી તો હું ગોરેગામ ફિલ્મસિટીમાં પણ એ જોવા જતો અને જોતો કે કામ કેવી રીતે થાય છે. એક દિવસ મેં હિમ્મત કરીને અસિસ્ટન્ટ ડિરેક્ટર પાસેથી કામ માગ્યું. તેમણે મને પૂછ્યું કે તને શું આવડે છે, પણ મારી પાસે જવાબ નહોતો. મેં એટલું કહ્યું કે મને આવડતું કંઈ નથી, પણ મને શીખવાની તક આપશો તો હું બધું જ શીખી જઈશ. પછી મેં ત્યાં હેરસ્ટાઇલિંગ શીખ્યું અને મેકઅપ પણ જોઈ-જોઈને શીખી ગયો. એ સમયે એવા કોઈ પ્રોફેશનલ કોર્સ હતા નહીં, તેથી બધું જ હું પોતાની જાતે જ શીખ્યો. એ સમયે મારી ઉંમર ૧૫ વર્ષની હતી. ૧૯૮૬થી હિન્દી ફિલ્મોમાં પ્રોફેશનલ હેરસ્ટાઇલિસ્ટ અને મેકઅપ આર્ટિસ્ટ તરીકેની મારી જર્ની શરૂ થઈ હતી. ૩૬ વર્ષની મારી જર્નીમાં અઢળક કલાકારો સાથે કામ કર્યું છે. એવું નથી કે ફિલ્મોના જ કલાકારો સાથે કામ કર્યું છે, નાટક અને સિરિયલના પણ કોઈ કલાકાર પાસેથી કામ મળે તો મેં ક્યારેય ના નથી પાડી. મેં ગોવિંદા અને સોનુ નિગમ સાથે બહુ કામ કર્યું છે. ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલના મેકઅપ આર્ટિસ્ટ આનંદભાઈ મારા ખાસ મિત્ર હતા. તેમની સાથે પણ મેં બહુ કામ કર્યું છે. આ સાથે હું મારું પોતાનો સૅલોં પણ ચલાવતો. મહેનત અને ઈમાનદારીથી મેં કામ કર્યું છે એટલે જ કદાચ આજે હું આર્થિક અને માનસિક રીતે સુખી છું.’
દુનિયાની સૌથી મોટી ૨૨ ઇંચ લાંબી કાતર અને ૧૫ ઇંચ મોટા દાંતિયાથી હેરકટ કરીને કિશોરભાઈએ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો હતો.
પત્નીનો મળ્યો સાથ
પુરુષની સફળતા પાછળ સ્ત્રીનો પણ ફાળો હોય છે એવું કહેવાય છે અને કિશોરભાઈનાં પત્નીએ આ વાતને સાબિત પણ કરી છે. ૧૯૯૦માં કિશોરભાઈનાં લગ્ન કિરણબહેન સાથે થયાં અને ૧૯૯૨થી તેઓ કિશોરભાઈ સાથે કામ પર જતાં. કરીઅરને સફળ બનાવવા પાછળ પત્નીના મળેલા સાથ વિશે વાત કરતાં કિશોરભાઈ જણાવે છે, ‘મારી પત્નીએ મને બહુ જ સાથ આપ્યો છે. મને જ્યારે પણ કોઈ કામ મળે ત્યારે મારી પત્ની મારી સાથે જ આવે. અમે બન્ને સાથે જ વેન્યુ પર પહોંચીએ. હું મારું હેરસ્ટાઇલિંગ અને મેકઅપનું કામ કરું અને તે સાડી ડ્રેપિંગ અને બીજાં નાનાં-મોટાં કામ કરે. એ હોય એટલે મને જરાય ટેન્શન ન હોય કે હું કેવી રીતે કરી શકીશ. તે પ્રેગ્નન્ટ હતી ત્યારે પણ તે મારી સાથે કામ પર આવતી હતી. ગમે તે સીઝન હોય, ગમે એવી તકલીફ હોય તે મારી સાથે કામ પર તો આવે જ. જીવનના દરેક તબક્કે મારા પડખે તે અડીખમ ઊભી રહી છે અને આજે હું જે પણ મુકામે પહોંચ્યો છું એ તેના વગર તો શક્ય નહોતું જ.’
કિશોરભાઈ તેમનાં ધર્મપત્ની કિરણ ચુડાસમા સાથે.
કિશોરભાઈના બન્ને દીકરા પણ તેમના વારસાને આગળ વધારી રહ્યા છે. નાનો દીકરો પૅરિસથી અને મોટો દીકરો હૉન્ગકૉન્ગથી પ્રોફેશનલ ટ્રેઇનિંગ લઈને નવી અને ટ્રેન્ડી હેરસ્ટાઇલ અને હેરડ્રેસિંગ કરી રહ્યા છે. બન્ને દીકરાની વાઇફ પણ આ જ ફીલ્ડની હોવાથી તેમનો આખો પરિવાર કિશોરભાઈએ શરૂ કરેલા સૅલોંના બિઝનેસને એક્સપાન્ડ કરી રહ્યો છે. તેમની એક દીકરી પણ છે, તે સુરતમાં પરણી છે.
બનાવ્યો વર્લ્ડ રેકૉર્ડ
કિશોરભાઈએ ૨૦૦૨માં દુનિયાની સૌથી મોટી કાતર અને દાંતિયાથી હેરડ્રેસિંગ કરવાનો અનોખો રેકૉર્ડ પોતાના નામે કર્યો હતો. તેમણે બાવીસ ઇંચ લાંબી કાતર અને ૧૫ ઇંચનો દાંતિયો વાપરીને હેરકટ કરવાનો રેકૉર્ડ કરીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં પોતાનું નામ નોંધાવ્યું હતું. આ જ કૅટેગરીમાં ૨૦૧૬માં એશિયા બુક ઑફ રેકૉર્ડ્સમાં અને ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડ્સમાં સ્થાન મેળવીને તેમણે અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. આ વિશે વાત કરતાં કિશોરભાઈ કહે છે, ‘મને હેરડ્રેસિંગ કરવામાં બહુ જ આનંદ આવે છે. હું એ કામને એન્જૉય કરતો હોઉં ત્યારે એમાં મને નવા-નવા અખતરા કરવા ગમે છે. સૌથી લાંબી કાતર અને દાંતિયો વાપરીને વર્લ્ડ રેકૉર્ડ બનાવવાની મને તો બહુ મજા આવી. મને હેરકટિંગ અને હેરસ્ટાઇલિંગમાં અખતરા કરવા બહુ જ ગમે છે. આપણા દેશમાં ક્રિકેટનો તો ગાંડો ક્રેઝ છે તો મેં હેરકટિંગ માટે આવતા લોકોને પાછળ વર્લ્ડ કપનો આકાર દેખાય એ રીતે વાળ ટ્રિમ કરી દીધા. અલગ-અલગ રીતે હેરસ્ટાઇલિંગ અને હેરડ્રેસિંગ કરીને પુરુષોના લુકને એન્હૅન્સ કઈ રીતે કરી શકાય એ માટે મારું દિમાગ આજેય સતત દોડતું રહે છે.’
કિશોરભાઈ તેમના પરિવાર સાથે.
૫૦ વર્ષની ઉંમરે માર્શલ આર્ટ્સ
નાનપણથી જ માર્શલ આર્ટ્સ શીખવાની ઇચ્છા તો હતી પણ ઘરની જવાબદારીને ધ્યાનમાં રાખતાં બે ટંકનો રોટલો કમાવવો વધુ જરૂરી હતો એમ વિચારીને કિશોરભાઈએ પોતાની ઇચ્છાને વર્ષો સુધી દબાવી રાખી હતી. કારકિર્દી સફળ થઈ અને બન્ને દીકરાઓએ તેમના વારસાને આગળ વધારવાનો નિર્ણય લીધા બાદ આંશિક રિટાયરમેન્ટ લઈને કિશોરભાઈએ ૫૦ વર્ષની ઉંમરે માર્શલ આર્ટ્સ શીખવાની ઇચ્છાને પૂરી કરી. જીવનના આ નવા તબક્કા દરમિયાનના અનુભવો શૅર કરતાં કિશોરભાઈ કહે છે, ‘હું નાનો હતો ત્યારે ઘણા લોકોને માર્શલ આર્ટ્સ શીખતા જોયા હતા તો મારી પણ એ શીખવાની ઇચ્છા હતી, પણ જવાબદારીઓ નાનપણથી જ માથે આવી ગઈ હોવાથી એ ઇચ્છા અધૂરી રહી ગઈ. જ્યારે હું ૫૦ વર્ષનો થયો ત્યારે મારાં સંતાનોએ મને માર્શલ આર્ટ્સ શીખવા પ્રેરિત કર્યો. આખું જીવન સફળ બનવા માટે સ્ટ્રગલ કર્યા બાદ હવે પોતાના માટે સમય ફાળવવો હતો તેથી હેરડ્રેસિંગ બાદ મારી મનગમતી પ્રવૃત્તિ માર્શલ આર્ટ્સ હતી. હું માર્શલ આર્ટ્સમાં કરાટે શીખ્યો અને કિકબૉક્સિંગ પણ શીખ્યો. આ ઉપરાંત કેરલામાં માર્શલ આર્ટ્સમાં શીખવવામાં આવતા કલરીપાયટ્ટુમાં ડિપ્લોમા કર્યો. આ કોર્સ શીખવા હું ખાસ કેરલા ગયો હતો. ગયા વર્ષે તો મુંબઈ લેવલ પર યોજાતી કિકબૉક્સિંગની સ્પર્ધામાં મને ગોલ્ડ મેડલ મળ્યો હતો. છ વર્ષથી હું માર્શલ આર્ટ્સને એન્જૉય કરું છું અને હું એવું માનું છું કે એને કારણે મારી એજ રિવર્સ થઈ રહી છે એટલું જ નહીં, મને અંદરથી ફ્રેશનેસ પણ ફીલ થાય છે. પહેલાં મને બ્લડ-પ્રેશરની તકલીફ હતી અને ડાયાબિટીઝ પણ બૉર્ડરલાઇન પર હતું, પણ જ્યારથી મેં માર્શલ આર્ટ્સ શીખવાનું શરૂ કર્યું છે ત્યારથી આ બીમારીઓ મારાથી દૂર ભાગી ગઈ છે.’
આવી અઢળક ચૅલેન્જ
માર્શલ આર્ટ્સ શીખતી વખતે આવેલા શારીરિક અને માનસિક પડકારો વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘માર્શલ આર્ટ્સ શીખવાનું શરૂ કરતાં પહેલાં મને ખબર હતી કે આમાં ફિઝિકલ સ્ટ્રેન્ગ્થ વધુ જોઈશે, પણ આ ઉંમરમાં હું એને કેટલો ન્યાય આપી શકીશ એનો અંદાજ મને આવી રહ્યો નહોતો. જ્યારે મેં શરૂ કર્યું ત્યારે મને ફિઝિકલી બહુ જ ચૅલેન્જિસ આવી. થોડી પ્રૅક્ટિસ કરો ત્યાં થાક લાગી જાય, મસલ્સ અને હાડકાંમાં તકલીફ થાય. જ્યારે શારીરિક તકલીફ આવે ત્યારે માનસિક રીતે પણ નબળા પડી જવાય. એક પૉઇન્ટ પર એવું લાગે કે જવા દે, મૂકી દઈએ; પણ મારા દીકરાઓ કહે કે ના પપ્પા, શરૂઆતમાં થોડી મુશ્કેલી આવશે, પણ પછી વાંધો નહીં આવે એમ કહીને મને પુશ કરતા હતા. મારા ટ્રેઇનરે પણ આ જર્નીમાં બહુ મદદ કરી. હું શીખવા જતો ત્યાં બધા યંગસ્ટર્સ આવતા હતા ત્યારે મને એમ થતું કે ટ્રેઇનર મારા તરફ કેવી રીતે ધ્યાન આપશે? મારી તો એજ પણ મોટી છે અને તેમને મારા પાસેથી કોઈ અપેક્ષાઓ પણ નહીં હોય, પણ એવું ન બનતાં તેમણે મારા પર પણ ઇક્વલી ધ્યાન આપ્યું. ટ્રેઇનિંગ સેશન બાદ મારા હાર્ટ-રેટ અને પ્રેશર નૉર્મલ છે કે નહીં એની ટેસ્ટ થતી. માર્શલ આર્ટ્સે મને શારીરિક રીતે તો મજબૂત બનાવ્યો જ અને માનસિક રીતે પણ ઘણો ફિટ બનાવી દીધો. શરીરની અંદર એક અલગ પ્રકારનાં પૉઝિટિવ વાઇબ્રેશન્સ ફીલ થાય છે. ૫૬ વર્ષે ૧૬ વર્ષના યુવાન જેટલો જુસ્સો અનુભવાય છે. લાઇફને જીવવાનો દૃષ્ટિકોણ બદલાઈ જાય છે. હજી ઘણા ગોલ્સ અચીવ કરવાની તમન્ના જાગે છે. લોકો કહેતા હોય છે કે ઉંમર મોટી થઈ ગઈ, નિવૃત્ત થઈ ગયા, હવે શું કરી શકાય, ભગવાનનું નામ લઈને જીવન વિતાવી લેવાય... આવી ટિપિકલ વિચારધારાને હું નથી માનતો. ભગવાનનું નામ તો આજીવન લેવાય, પણ સાથે એક પૉઇન્ટ પર જાત માટે સમય કાઢવો જરૂરી છે. સમય મળતો નથી, એને કાઢવો પડે છે. મનગમતી પ્રવૃત્તિઓ કરતા રહેવું જોઈએ. એ માટે ઉંમર બાધારૂપ થતી જ નથી. બસ, મનોબળ મક્કમ હોવું જોઈએ અને એ કરવાનું સાહસ હોવું જોઈએ.’

