ઇન્સ્ટાગ્રામ પર દોઢ લાખ ફૉલોઅર્સ ધરાવતો મનવીર રાજગોર માત્ર ૬ વર્ષની ઉંમરે સેલિબ્રિટી બની ગયો છે
શિવાજીના ગેટ-અપમાં મનવીર.
બોરીવલીમાં રહેતો છ વર્ષનો ટેણિયો મનવીર રાજગોર સેલિબ્રિટી છે એવું કહીએ તો એમાં જરાય અતિશયોક્તિ નથી. આ છોકરાના ઇન્સ્ટાગ્રામ પર અધધધ કહી શકાય એટલા દોઢ લાખ ફૉલોઅર્સ છે. ગયા વર્ષે ૨૨ જાન્યુઆરીએ જ્યારે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થઈ ત્યારે તેના નામના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તેના પેરન્ટ્સે તેની ભગવાન રામના ગેટઅપ સાથે એક રીલ અપલોડ કરી હતી. એ રીલને ૬૨+ લાખ લાઇક્સ મળી છે. બીજીને ૨૫ લાખ લાઇક્સ મળી છે. મનવીર ઇન્સ્ટાગ્રામ પર પૉપ્યુલર છે. તેના દરેક વિડિયો પર હજારો લાઇક્સ આવે છે. એ ઇન્ફ્લુઅન્સર છે, મૉડલિંગ કરે છે અને હમણાં LGની એક ઍડમાં પણ ચમક્યો છે.
ADVERTISEMENT
અમે મનવીરનાં મમ્મી ભાવનાબહેન સાથે વાત કરી. પોતાના દીકરાની જર્નીની વાત કરતાં આ પ્રાઉડ મમ્મી કહે છે, ‘તે બે-અઢી વર્ષનો હતો ત્યારે ફોનના કૅમેરાથી અમે ફોટો પાડીએ તો તે ખૂબ સરસ પોઝ આપતો. એ ફોટો અમે અમારા ફૅમિલી ગ્રુપમાં કે સ્ટેટસમાં મૂકતા ત્યારે લોકો વખાણ કરતા. એવું અનેક વખત બન્યું છે. અજાણ્યા લોકોએ પણ તેના ફોટો પોતાના સ્ટેટસમાં રાખ્યા હોય એવા દાખલા છે. પછી તો અમે તેના નાના-નાના વિડિયોઝ બનાવવા લાગ્યા અને શૅર કરવા લાગ્યા. ઇન્સ્ટાગ્રામ પર અકાઉન્ટ બનાવ્યું. અમારા અપાર આશ્ચર્ય વચ્ચે અમુક વિડિયો ખૂબ વાઇરલ થયા. ધીમે-ધીમે તેના ફૉલોઅર્સ વધી રહ્યા હતા. ગયા વર્ષે ભગવાન રામના ગેટઅપવાળી રીલ અપલોડ કરી પછી તો તે સેલિબ્રિટી બની ગયો. તેની એ રીલ પર ૭.૮ કરોડ વ્યુઝ છે. હજારો અજાણ્યા લોકોએ તેની આ રીલ પ્રાણપ્રતિષ્ઠાના દિવસે શૅર કરેલી. એક રીલમાં તેને શિવાજી મહારાજ બનાવેલો એ પણ ઘણી જ વાઇરલ થયેલી. મેં નોંધ્યું છે કે નૉર્મલ ગેટઅપમાં રીલ બનાવતા હોઈએ એના કરતાં આવી કોઈક સ્પેશ્યલ રીલ બનાવતા હોઈએ ત્યારે એનું એનર્જી લેવલ અલગ જ હોય છે. તેના બોલવા-ચાલવામાં જાણે એ પાત્ર પ્રવેશી જાય છે. ભગવાન રામનો અને છત્રપતિ શિવાજી મહારજનો ગેટઅપ કરવાનો હતો ત્યારે અમે દિવસો અગાઉથી તેમની વાતો તેને કરતા રહ્યા. તેમના વિશેની ઝીણી-ઝીણી બાબત તેની સાથે શૅર કરી. નેટ પરથી ફોટો અને વિડિયો શોધીને બતાવ્યા. પછી જ્યારે તેણે જાતે કહ્યું કે મને પણ આવા ડ્રેસ પહેરવા છે ત્યારે જ અમે એ રીલ શૂટ કરી. તે રાજીખુશીથી કરે છે. ઘણી વખત ટ્રેનમાં જતા હોઈએ અને કોઈ પૅસેન્જર કહે કે ઇસકો હમને કહીં દેખા હૈ તો તે જાતે જ કહે, મૈં મનવીર રાજગોર હૂં. ઇન્સ્ટા પે ID ફૉલો કર લેના.’
મનવીરની રામ ભગવાનના લુકવાળી આ રીલને તો લાખો લાઇક્સ મળી છે.
આ શાર્પનેસ દાદી તરફથી મળી છે
ઇન્સ્ટાગ્રામ પર મનવીરની નૉર્મલ રીલ્સ પણ છે. ભાવનાબહેન કહે છે, ‘મૂળ તો તેને આપણા આરાધ્ય અને આપણી સંસ્કૃતિનો પરિચય કરાવવાનો આશય હતો. ભગવાન રામે કઈ રીતે રાવણને માર્યો એ સાંભળવામાં તેને ખૂબ રસ પડ્યો. છત્રપતિ શિવાજી મહારાજ મુગલો સામે કેવી રીતે લડેલા એ અમે કહેતા ત્યારે રસપૂર્વક સાંભળતો. તેની આ રીલને જોઈને પાંચ-દસ છોકરાઓએ પણ પોતાના પેરન્ટ્સને આ વિશે પ્રશ્નો પૂછ્યા હશે તો અમારી મહેનત સફળ થઈ એમ અમે માનીએ છીએ. એટલે જ અમે ખાસ ૨૨ જાન્યુઆરીએ પ્રાણપ્રતિષ્ઠા હતી એના લગભગ દસેક દિવસ પહેલાં રીલ શૅર કરેલી. તેને આ બધી વાતોમાં રસ પડે છે એમાં મોટો ફાળો મારાં સાસુનો પણ છે. હું વર્કિંગ વુમન છું. હું બહાર જાઉં ત્યારે મારાં સાસુ શાંતિબહેન તેનું ધ્યાન રાખતાં. તે એટલોબધો શાર્પ છે કે તમે તેને ગાયનું અને ભેંસનું દૂધ અલગ-અલગ આપો તો એ ટેસ્ટ કરીને કહી દે કે કયું દૂધ ગાયનું છે અને કયું ભેંસનું. આ શાર્પનેસ તેને મારાં સાસુ તરફથી મળી છે.’
બધું જ એક્સ્પ્લોર કરવું છે
મનવીરને ગરબા રમવાનો પણ ઘણો જ શોખ છે. ભાવનાબહેન કહે છે, ‘હમણાં તેણે ક્યાંક સ્વામી વિવેકાનંદનો ફોટો જોયો હશે તો તેમના વિશે સવાલો પૂછ્યા કરે છે. અમે આગળ સ્વામી વિવેકાનંદ સાથે સુભાષચંદ્ર બોઝ અને ભગવાન કૃષ્ણ પર રીલ બનાવવાનું વિચારી રહ્યા છીએ. એ માટેની તૈયારીઓ ચાલુ કરી છે. તેને બધું જ એક્સ્પ્લોર કરવું છે. તે ગેમ્સ રમે છે, ફોન પણ ચલાવે છે. મજાની વાત એ છે કે તેને કશું શીખવાડવા માટે અમારે વધારે એફર્ટ્સ નથી કરવા પડતા. મેં તેને ક્યારેય મોબાઇલ હાથમાં થમાવીને કોળિયા નથી ભરાવ્યા. ઘરમાં રસોઈ બની હોય અને એમાંથી તેને કશું ન ભાવે ને ખાવામાં નખરાં કરે તો હું તેની સાથે કૉમ્પિટિશન લગાવું કે એક મિનિટમાં કોણ વધુ કોળિયા ભરે છે ને કોણ જીતે છે એ જોઈએ. અને તે થોડીક ઓછી ભાવતી વાનગી પણ સારી રીતે ખાઈ લે છે.’