Budget 2019: વચગાળા બજેટથી ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીને શું છે અપેક્ષાઓ?
ફાઇલ ફોટો
આમ તો મોદી સરકાર મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે દેશના ઓટોમોબાઈલ સેક્ટરને ગ્લોબલ હબ બનાવવાની કોશિશમાં લાગેલી છે, પરંતુ ગયા વર્ષના સામાન્ય બજેટમાં ઓટો ઇન્ડસ્ટ્રી માટે કોઈ મોટી જાહેરાતો નથી કરવામાં આવી. જોકે આ વખતના ઇન્ટરિમ બજેટથી ઓટો ઇન્ડસ્ટ્રીને થોડીઘણી અપેક્ષાઓ છે. ઓટો ઇન્ડસ્ટ્રીના દિગ્ગજોને અપેક્ષા છે કે આ વખતે બજેટમાં કારોના 28 ટકા જીએસટી સ્લેબમાં ઘટાડો કરવામાં આવશે. જ્યારે ટેક્સ છૂટ તરીકે વન ટાઇમ ઇન્સેન્ટિવની માંગ પણ કરવામાં આવી રહી છે.
મારૂતિ સુઝુકી ઇન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર કેનિચી આયુકાવાએ કહ્યું કે ભારતમાં વાહનો પર ટેક્સનો દર ઘણા અન્ય દેશો કરતા ખાસો ઊંચો છે. ડિમાન્ડ વધારવા અને ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ માટે તેને નીચે લાવવાની જરૂર છે. આયુકાવાએ કહ્યું કે ઇન્ટરિમ બજેટ ઘણું અનિશ્ચિત હશે પરંતુ સામાન્ય ચૂંટણી પછી આવનારું બજેટ મહત્વપૂર્ણ હશે. જોકે અમે ટેક્સ દરોમાં ઘટાડા માટે સતત સરકારના સંપર્કમાં છીએ. અમે જાણીએ છીએ કે એમ કરવું સરળ નહીં હોય. તેમણે આગળ કહ્યું કે ડિમાન્ડ વધારવા માટે સૌથી સારી રીત ટેક્સ ઘટાડવાની છે.
ADVERTISEMENT
વાહનના વેચાણમાં થયો છે ઘટાડો
હાલ વાહનો હાઈ જીએસટી સ્લેબ 28 ટકા હેઠળ આવે છે. આ ઉપરાંત, લંબાઈ, એન્જિનનો આકાર અને પ્રકારના હિસાબે 1થી 15 ટકા સુધીનો સેસ પણ લાગે છે. હકીકતમાં ગત કેટલાક સમયથી ડોમેસ્ટિક પેસેન્જર વેહિકલ્સના વેચાણમાં પણ ઘટાડો થયો છે. સિયામના આંકડાઓ પ્રમાણે છેલ્લા 6 મહિનાઓમાંથી 5 મહિના વાહનોનું વેચાણ ઘટ્યું છે. ડિસેમ્બર 2018માં પણ વાહનોના વેચાણમાં ઘટાડો થયો છે. ઉલ્લેખનીય છે કે વર્તમાનમાં દુનિયાની ચોથી સૌથી મોટી ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી ભારત છે. જ્યારે ઓટો કંપનીઓનું ભારતની જીડીપીમાં 2.3 ટકાનું યોગદાન છે અને હાલના વર્ષોમાં આ સેક્ટર 18.3 ટકાના દરે વધ્યું છે.
બજેટ 2018માં શું હતું ખાસ
બજેટ 2018માં ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીના ડાયરેક્ટ બૂસ્ટ માટે કોઇ ખાસ જાહેરાતો નહોતી થઈ. જોકે એગ્રીકલ્ચર સેક્ટર પર મોદી સરકારનું ફોકસ હોવાને કારણે ઓટોમોબાઈલ સેક્ટરને ફાયદો જરૂર મળ્યો છે. વર્કિંગ ક્લાસની સંખ્યામાં વધારો થવાને કારણે પણ ટુ-વ્હીલર્સ અને નાની કારોના સેગમેન્ટના સેલ્સમાં વધારો થયો છે.
આ પણ વાંચો: રવનીત સિંહ ગિલ બન્યા YES બેંકના નવા CEO, શેર્સમાં આવ્યો ભારે ઉછાળો
ઉલ્લેખનીય છે કે ઇન્ટરિમ બજેટ 1 ફેબ્રુઆરીના રોજ રજૂ થવાનું છે. આ બજેટ નાણામંત્રીનો કાર્યભાર સંભાળી રહેલા રેલમંત્રી પિયુષ ગોયલ ગૃહમાં બજેટ મૂકશે. વિદેશમાં ઇલાજ કરાવી રહેલા અરૂણ જેટલીની જગ્યાએ બજેટ પહેલા પિયુષ ગોયલને નાણા મંત્રાલયનો વધારાનો કાર્યભાર આપવામાં આવ્યો છે.