રિઝર્વ બૅન્ક હવે વધારશે બૅન્કોના ઑડિટર્સની જવાબદારી
આરબીઆઈ
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા હવે બૅન્કોના ઑડિટર્સ પર નજર બારીક કરવા જઈ રહી છે, જેના ભાગરૂપે ઑડિટર્સની ભૂમિકા વધુ જવાબદાર બનશે. રિઝર્વ બૅન્ક બૅન્કોના ઑડિટર્સ સાથે પહેલી એપ્રિલથી દર ત્રિમાસિક ગાળામાં મીટિંગ કરશે. આ સાથે ઑડિટર્સ રિઝર્વ બૅન્કના સખત નિયમન હેઠળ આવી જશે. તેઓ મર્યાદિત પ્રમાણમાં પોતાની માત્ર આંકડાકીય જવાબદારી છે એવો દાવો કરી છટકી જઈ શકશે નહીં. રિઝર્વ બૅન્ક આ મીટિંગમાં મુખ્યત્વે નૉન-પર્ફોર્મિંગ ઍસેટસ (NPA), કૌભાંડ અને ગવર્નન્સ જેવા મુદ્દા આવરી લેશે.
આ મીટિંગમાં વ્યક્તિગત બૅન્કોની રિઝર્વ બૅન્કની ઇન્ચાર્જ સુપરવાઇઝરી ઑથોરિટી અધ્યક્ષપદે રહેશે. બૅન્ક-અધિકારીઓ આમાં હાજર રહી શકશે નહીં. હવે પછી એક એવું માળખું કે ફૉર્મેટ તૈયાર થશે જે હેઠળ રિઝર્વ બૅન્કને ઑડિટર્સ તરફથી બૅન્કોનાં મુખ્ય પરિબળો વિશે રિયલ ટાઇમ માહિતી કે સંકેત મળતાં થશે.
ADVERTISEMENT
અત્યાર સુધી રિઝર્વ બૅન્ક ઑડિટર્સ સાથે વરસમાં એક મીટિંગ કરે છે અથવા જરૂરિયાતના આધારે મીટિંગ કરે છે, જેમાં માહિતીની આપ-લેનું કોઈ ચોક્કસ માળખું નથી, જ્યારે કે હવે પછી ક્વૉર્ટરલી મીટિંગમાં ચોક્કસ માળખું હશે, જેના આધારે માહિતી મગાશે અને અપાશે.
રિઝર્વ બૅન્ક તરફથી પ્રવાહિતા માટે ઑફર
વર્તમાન નાણાકીય વરસના અંત સુધીમાં બૅન્કોને પ્રવાહિતાની સુવિધા પૂરી પાડવા રિઝર્વ બૅન્કે બૅન્કોને પાંચ અબજ ડૉલરની સ્વૉપ ફૅસિલિટી ઑફર કરી છે. આ સુવિધા માટેનું ઑક્શન ૨૬ માર્ચે થશે અને ૨૮ માર્ચ, ૨૦૨૨ સુધી સ્વૉપનું બાય-સેલ ચાલશે. આમ ત્રણ વરસનો સમયગાળો બૅન્કોને સ્વૉપ ફૅસિલિટી માટે મળી રહેશે.
RBIએ ટ્રેડ ક્રેડિટનાં ધોરણો હળવાં કર્યાં, ઑટોમૅટિક રૂટ હેઠળની મર્યાદા વધારીને ૧૫ કરોડ ડૉલરની કરી
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)એ બુધવારે ઑટોમૅટિક રૂટ હેઠળ ટ્રેડ ક્રેડિટની મર્યાદા વધારીને ૧૫ કરોડ ડૉલર કરીને કૅપિટલ અને નૉન-કૅપિટલ ગુડ્સની આયાત માટેનાં ધોરણોને હળવાં કર્યાં હતાં.
જોકે ટ્રેડ ક્રેડિટ પૉલિસી માટેના સુધારેલા માળખાની જાહેરાત કરતાં RBIએ દરિયાપારની બધી લોન્સનો સર્વસમાવિષ્ટ દર બેન્ચમાર્ક રેટ વત્તા ૩.૫૦ ટકાથી ઘટાડીને ૨.૫૦ ટકા કર્યો છે.
દરિયાપારના સપ્લાયર, બૅન્ક, નાણાકીય સંસ્થા અને અન્ય મંજૂરીપાત્ર ધિરાણકર્તાઓ કૅપિટલ અને નૉન-કૅપિટલ ગુડ્સની આયાત માટે જે મુદતી ધિરાણ પૂરું પાડે છે એને ટ્રેડ ક્રેડિટ કહેવામાં આવે છે.
સુધારેલા માળખા પ્રમાણે ઑઇલ ઍન્ડ ગૅસ રિફાઇનિંગ અને માર્કેટિંગ, ઍરલાઇન અને શિપિંગ કંપનીઓ ઑટોમૅટિક રૂટ હેઠળ ૧૫ કરોડ ડૉલરનું ધિરાણ ટ્રેડ ક્રેડિટ મારફત મેળવી શકે છે.
અન્યો માટે આ મર્યાદા પાંચ કરોડ ડૉલરની કે એની સમકક્ષ મૂલ્યના આયાત સોદાની છે.
અગાઉ ઑટોમૅટિક રૂટ મારફત બૅન્કોને બે કરોડ ડૉલરની ટ્રેડ ક્રેડિટ મંજૂર કરવાની છૂટ હતી અને એનાથી અધિક રકમની ક્રેડિટ માટે RBIની મંજૂરી આવશ્યક હતી.
RBIએ કહ્યું છે કે સુધારેલું માળખું તત્કાળ અમલી બન્યું છે. સર્વસમાવિક્ટ ખર્ચ (ઑલ-ઇન-કૉસ્ટ)માં વ્યાજદર, અન્ય ફીઝ, ખર્ચ, ચાર્જિસ અને ગૅરન્ટી ફીઝનો સમાવેશ થાય છે. ભારતીય ચલણમાં ચૂકવાતા વિથ હોલ્ડિંગ ટૅક્સનો સમાવેશ ઑલ-ઇન-કૉસ્ટમાં થતો નથી.