વધુ ઊંચા-નીચા થયા વગર શૅરબજારના ચકડોળની મજા કેવી રીતે લેવી?
મની-પ્લાન્ટ
રોકાણમાં આપણી સફળતાને અવરોધનારી બે લાગણીઓ ડર અને લોભ છે. આથી રોકાણ માટે હવે બિહેવિયરલ ફાઇનૅન્સ ઍન્ડ ઇકોનૉમિક્સનો વિષય વધારે પ્રચલિત થવા લાગ્યો છે અને વિદ્યાર્થીઓ તેનો અભ્યાસ કરવા આકર્ષાયા છે.
ADVERTISEMENT
છેલ્લા કેટલાક દાયકાઓથી અર્થશાસ્ત્રનું નોબલ પારિતોષિક પણ બિહેવિયરલ ફાઇનૅન્સના જ્ઞાતાઓ જીતી રહ્યા છે.
ઇક્વિટી માર્કેટ્સમાં વૉલેટિલિટી દિવસે ને દિવસે વધી રહી છે. આજની તારીખે અતિશય ધનાઢ્ય વ્યક્તિથી લઈને રીટેલ ઇન્વેસ્ટર સુધી બધાને શૅરબજારના ઉતાર-ચડાવની ચિંતા હોય છે અને પોર્ટફોલિયોનું મૂલ્ય ઘટી જવાનું જોખમ હંમેશાં માથે ભમતું હોય છે.
બજારને કદી વશમાં કરી શકાતું નથી અને છતાં લોકો એમ કરવાનો પ્રયાસ કરતા હોય છે. બજારને વશ કરવાને બદલે સલામતીનો ગાળો રાખીને નાણાકીય નુકસાનથી બચી શકાય છે. ઇક્વિટીમાં રોકાણ કરતી વખતે ક્ષેત્રવાર રોકાણ, સ્ટૉક સ્પેસિફિક રોકાણ, માર્કેટ કૅપ આધારિત રોકાણ અને રોકડ લે-વેચ એ બધા વિકલ્પોનો વિચાર કરવાનો હોય છે.
બજાર ઊંચે જતું હોય એવા સમયે રોકાણ વધારવું જોઈએ નહીં. સ્ટૉક્સ આકર્ષક ભાવે મળવા લાગે ત્યારે રોકાણ વધારવું. બજારમાંથી એકસામટું નીકળી જવાનું કે પ્રવેશવાનું લગભગ અશક્ય હોય છે, કારણ કે બજાર ક્યારે સર્વોચ્ચ સપાટી પર છે અને ક્યારે સૌથી નીચલા સ્તરે છે એ કોઈ કહી શકતું નથી.
રોકાણ કરતી વખતે પોતાના પૂવર્ગ્ર હોને પણ બાજુએ રાખી દેવાના હોય છે. આથી તટસ્થપણે નિર્ણય લેવા માટે કોઈ માર્ગદર્શક મૉડલ હોય એ આવશ્યક છે.
કેટલાંક મ્યુચ્યુઅલ ફન્ડ્સમાં ઇક્વિટીનું પ્રમાણ ૩૦થી ૮૦ ટકા જેટલું અને અમુકમાં ૦થી ૧૦૦ ટકા સુધીનું હોય છે. હું કહીશ કે દરેકમાં ૦થી ૧૦૦ સુધીની રેન્જ હોવી જોઈએ.
ઊંચું વળતર મેળવવા માટે ઇક્વિટી જ મુખ્ય સાધન છે, પરંતુ જો ડેટને પણ યોગ્ય પ્રમાણમાં સ્થાન આપવામાં આવે તો એકંદરે સારું વળતર મેળવવામાં મદદ થાય છે.
પોર્ટફોલિયોમાં ડેટનું પ્રમાણ કેટલું રાખવું એના વિશે માર્ગદર્શન આપી શકે એવું મૉડલ પણ ઘણું ઉપયોગી થઈ શકે છે. આજની તારીખે ઍસેટની ફાળવણી નક્કી કરવા માટે મૉડલોનો ઉપયોગ કરનારાં ફન્ડ્સ પણ છે.
નવા ઉદ્યોગો, નવી સિક્યૉરિટીઝ તથા અન્ય આર્થિક પરિવર્તનોને અનુલક્ષીને ઍસેટની ફાળવણી સક્રિય રીતે કરવાનો અભિગમ અપનાવવાની આજની જરૂરિયાત છે. એને લીધે પોર્ટફોલિયોને વધુપડતી ચંચળતાથી બચાવી શકાય છે તથા અલગ-અલગ પ્રકારની ઍસેટ્સમાંથી વળતર પ્રાપ્ત કરી શકાય છે.
અત્યારે મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગમાં આવી મોટા ભાગની સ્કીમ્સ ફક્ત ઇક્વિટી અને ડેટમાં રોકાણ કરે છે. હવે એક ફન્ડ એવું પણ આવ્યું છે, જે સોનામાં પણ રોકાણ કરે છે.
ઘણી વાર બજારમાં કોઈ દિશા દેખાતી નથી. આવા સમયે અલગ-અલગ ઍસેટ્સમાં ફાળવણી કરીને રોકાણ કરનારાં ફન્ડ્સ (ઍસેટ ઍલોકેશન ફન્ડ્સ) વધુ સારાં કહેવાય.
નોંધનીય છે કે મોટા ભાગના રોકાણકારો ઇક્વિટી અને ડેટમાં ૪૦:૬૦નો ગુણોત્તર ધરાવતા હોય છે. ઍસેટ ઍલોકેશન ફન્ડ્સ પણ આવા જ પ્રકારે રોકાણ કરતાં હોય છે. તેને લીધે કરબચતની દૃષ્ટિએ એ વધુ સારાં કહેવાય. આ સાથે જ એ પણ જણાવવું રહ્યું કે મોટા ભાગના રોકાણકારો મધ્યમ પ્રમાણમાં જ જોખમ લેવા તૈયાર હોય છે. ઍસેટસ ઍલોકેશન ફન્ડ્સ પણ આવું જ વલણ અપનાવતાં હોવાથી મધ્યમ જોખમ લેવા તૈયાર હોય એવા રોકાણકારો માટે યોગ્ય કહેવાય.
આ પણ વાંચો : ઈ-કૉમર્સ બિઝનેસ માટે રિલાયન્સ ટ્રેંડનો વિસ્તાર કરશે RIL, 5 વર્ષમાં ખોલશે 2, 500 સ્ટોર
આવાં ફન્ડ્સમાં એક વખત રોકાણ કરીને પછી ભૂલી જવાનું હોય છે, કારણ કે તે લાંબા ગાળે સારું વળતર આપી શકે છે. એને લીધે વધુ જોખમ લીધા વગર જ ઉચિત વળતર મેળવવાનું શક્ય બને છે.
આવાં ફન્ડ્સ એકાદ વર્ષમાં સારું વળતર આપી દેશે એવી ધારણા રાખવી જોઈએ નહીં. ત્રણથી પાંચ વર્ષ માટે રાહ જોવી જોઈએ. ઍસેટ ઍલોકેશન ફન્ડ્સમાં રોકાણ કરીને વધુ ઊંચા-નીચા થયા વગર શૅરબજારના ચકડોળની મજા લો.