2019નું ઈન્ટરિમ બજેટ: ખુલ જા સિમ સિમ!
બજેટ 2019
પહેલી ફેબ્રુઆરી નજીક આવતાં શિયાળાની મૌસમ પુરબહારમાં ખીલતાં ઠંડકને કારણે હવામાનમાં તો ચોક્કસપણે પલટો આવ્યો છે; પણ તાપણાંઓની ગરમી કે હૂંફ હજી બજારમાં ગરમી લાવવામાં નિષ્ફળ રહી છે ત્યારે આવી ઠંડી પડેલી બજારોને કારણે શિથિલ અર્થતંત્રમાં જો કોઈ પ્રાણ ફૂંકનારી ઘટનાની રાહ જોવાઈ રહી હોય તો એ છે કેન્દ્રીય બજેટ!
આમ તો બજેટ એટલે સરકારી ખર્ચપત્ર અને આવકનો વાર્ષિક અંદાજ ખોટો પણ પડી શકે! અને કુદરત મહેરબાન રહે તો યથાયોગ્ય પણ રહે.
ADVERTISEMENT
રૂપિયો ક્યાંથી આવશે અને ક્યાં જશે? એનું આકલન અને અંદાજપત્ર એટલે રાષ્ટ્રનું બજેટ.
બજેટ અને પીયૂષ ગોયલ
હવે આવી પરિસ્થિતિમાં હાલના રેલપ્રધાન પીયૂષ ગોયલ (આમ તો મુંબઈના) લોકસભામાં બજેટ રજૂ કરશે, કારણ વિત્તમંત્રાલયનો કારભાર અરુણ જેટલી બીમાર હોવાને કારણે વિદેશમાં સારવાર કરાવી રહ્યા હોવાથી પીયૂષ ગોયલને સોંપવામાં આવ્યો છે.
મૂળ મારવાડી અને મુંબઈમાં ગુજરાતીઓ વચ્ચે રહેલા ચાર્ટર્ડ અકાઉન્ટન્સીનો અભ્યાસ કરી ચૂકેલા પીયૂષભાઈ રૂપિયાની કેવી માવજત કરી શકે છે એ તો આવનારું બજેટ જ કહી શકશે.
એક વાત તો ચોક્કસ છે કે પાવર અને રેલમંત્રાલાયમાં સફળ ઇનિંગ્સ રમ્યા બાદ ભારતીય જનતા પાર્ટી હાલની એની મિનિસ્ટ્રીમાં અર્થતંત્ર સમજી શકે એવા જો કોઈ નેતા હોય તો એ પીયૂષ ગોયલ છે.
સો, ધિસ ઇઝ ધ ફસ્ર્ટ ચાન્સ ફૉર પીયૂષ ગોયેલ ટુ પ્રૂવ હિઝ મેટલ! (હોપ ઇટ ડઝન્ટ ટર્ન આઉટ ટુ બી હિઝ લાસ્ટ ચાન્સ!)
ખુલ જા સિમ-સિમ!
આ પહેલી ફેબ્રુઆરી પર રજૂ થનારું બજેટ અરેબિયન નાઇટ્સની અલી બાબા અને ચાલીસ ચોરની વાર્તામાં ખજાના ભરેલી ગુફાનાં દ્વાર ખુલ જા સિમ સિમ કહેતાં ખૂલી જતાં અને ખજાનો જોઈને દરવાજો ખોલનારી વ્યક્તિ ચોંકી જતી એવી પરિસ્થિતિ સર્જાવાની સંપૂર્ણ સંભાવનાઓ આ અંદાજપત્રમાં રહેલી છે.
કારણ કે ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણીઓ અને હાલમાં કૃષિલક્ષી રાજકારણને મળેલા પ્રોત્સાહનને કારણે ભારતીય જનતા પાર્ટીનાં ત્રણ ગઢસમાં રાજ્યો રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છતીસગઢમાં થયેલી હારને કારણે મોટા ભાગના લોકોનું માનવું છે કે આ બજેટ રાહતોથી ભરપૂર હશે!
કૃષિક્ષેત્ર
શું રાહતો આ બજેટમાં હોઈ શકે છે? એવા પ્રfનના સવાલનો જવાબ આપતાં નિર્મલ બંગ સિક્યૉરિટીઝનાં ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર રાહુલ અરોરા કહે છે, ‘અમે એવું દૃઢપણે માનીએ છીએ કે આ બજેટમાં સરકાર ખેતીલક્ષી યોજનાઓની લહાણી કરશે અને અંદાજિત ૮૦,૦૦૦ કરોડથી લઈ ૧ લાખ કરોડ સુધીની કૃષિલક્ષી યોજનાઓ આ બજેટમાં જાહેર થવાની સંભાવનાઓ રહેલી છે.’
સરકારે આ બજેટમાં કૃષિલક્ષી યોજનાઓને ઝોક આપવો પડશે એવું રાહુલ અરોરા એટલે માની રહ્યા છે, કારણ કે મોંઘવારીનો દર નીચે જતાં અને વચેટિયાઓને કૃષિબજારમાંથી દૂર કરાયા હોવાથી કૃષિપેદાશો સીધેસીધી બજારોમાં ઠલવાઈ રહી છે.
ખેતપેદાશો પેરિશેબલ (બહુ જલદી ખરાબ થઈ જતી) હોવાથી અને આવી પેરિશેબલ ખેતપેદાશોના સંગ્રહ માટે યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર (માળખાકીય સુવિધા) ન હોવાને કારણે આજે ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા.
એવી પરિસ્થિતિમાં કૃષિલક્ષી રાજકારણે વેગ પકડતાં ખેડૂતો માટે આ ઇન્ટરિમ બજેટમાં કૃષિલક્ષી યોજનાઓ અને લહાણીઓની જાહેરાતો આ બજેટમાં થઈ શકે છે એવી સંભાવનાઓ રાહુલ અરોરા નકારતા નથી.
ભારત દેશનું અર્થતંત્ર કૃષિ આધારિત હોય આ દિશામાં સરકાર સત્તા પર ટકી રહેવા માટે કૃષિલક્ષી રાજકારણને બજેટના માધ્યમથી સ્પર્શશે એવી તમામ સંભાવનાઓ આર્થિક નિષ્ણાતો જોઈ રહ્યા છે.
તો ઉત્પાદન અને સેવાક્ષેત્રે શું?
ભારત દેશના ૩ ટ્રિલ્યન ડૉલર (૩ લાખ કરોડ ૩૦,૦૦૦ અબજ રૂપિયા)સમા અર્થતંત્રમાં કૃષિ (ઍિગ્રકલ્ચર સેક્ટર) ક્ષેત્રનો હિસ્સો ૧૭ ટકા, જ્યારે ઉત્પાદન (મૅન્યુફૅક્ચરિંગ) ક્ષેત્રનો હિસ્સો ૨૯ ટકા ટકા અને સેવાઓ (સર્વિસ સેક્ટર) ક્ષેત્રનો હિસ્સો ૫૪ ટકા છે, એમ છતાં આ દેશનાં અર્થતંત્રને કૃષિ આધારિત અર્થતંત્ર શું કામ કહેવામાં આવે છે?
કારણ કે કૃષિક્ષેત્ર ૫૦ ટકા રોજગારી આપે છે (જે મોટે ભાગે ગ્રામીણ પ્રજા છે), જ્યારે ઉત્પાદનક્ષેત્ર ૨૨ ટકા રોજગારી આપે છે અને સર્વિસક્ષેત્ર ૩૧ ટકા રોજગારી આપે છે!
બૅન્કિંગક્ષેત્રે નૉન-પર્ફોર્મિંગ ઍસેટ્સ (NPA)ની સમસ્યાને કારણે ધિરાણ મેળવવામાં ઊભી થતી મુશ્કેલીઓએ સૌથી મોટી અસર જો કોઈ ક્ષેત્રને કરી હોય તો એ છે ઉત્પાદનક્ષેત્ર, જે શહેરી અને ગ્રામીણ મતવિસ્તારોને જોડતું ક્ષેત્ર છે.
તદુપરાંત, વન નેશન, વન ટૅક્સના નેજા હેઠળ ગુડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સના (GST) અમલીકરણમાં છાશવારે થતા ફેરફારોને કારણે ઉત્પાદનક્ષેત્રે એક પ્રકારે શિથિલતાનું વાતાવરણ સર્જાઈ ગયું છે.
આ બધી પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે ઉત્પાદનક્ષેત્રે ખાસ કરીને મધ્યમ અને લઘુ મધ્યમ ઉદ્યોગો (SME અને MSME) માટે પણ આ બજેટ ફૂલગુલાબી સાબિત થશે એવાં એંધાણો અર્થશાસ્ત્રીઓ નકારી નથી શકતા.
સેવાક્ષેત્ર અને શહેરી તથા માધ્યમવર્ગીય મતદારો માટે શું?
સેવાક્ષેત્રની જો વાત કરીએ તો નોકરીઓ જે હતી એ પણ આ મંદીના માહોલમાં રહી નહીં એવી પરિસ્થિતિમાં શું આ બજેટ નોકરિયાત અને મધ્યમ વર્ગ માટે શુકનિયાળ સાબિત થશે કે નહીં એના વિશે ઘણી આશંકાઓ છે.
હાલ મુંબઈમાં સ્થાયી થયેલા અને કોજેન્સિસ ઇન્ફર્મેશન સર્વિસ લિમિટેડ (બિઝનેસ ન્યુઝ વાયર સર્વિસના એક સમયે એડિટર તેમ જ મહિન્દ્રા જૂથ (કેશુબ મહિન્દ્રા - આનંદ મહિન્દ્રા) સાથે અર્થશાસ્ત્રી તરીકે કામગીરી બજાવી ચૂકેલા અભિજિતભાઈ દોશીનું કહેવું છે, રોજગારી એ ભારત દેશની એવી એક સમસ્યા છે જેને કોઈ રાજકીય પક્ષે વ્યવસ્થિત રીતે સંબોધવાનો પ્રયત્ન કે પ્રયાસ કરેલ નથી!
વધુ રોજગારીઓ ઉપલબ્ધ કરાવી શકાય એ દિશામાં આગામી બજેટ પર સરકારે ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. સત્તામાં ચાહે સરકાર કોઈ પણ પક્ષની આવે, પરંતુ રોજગારીની સમસ્યા પર જો હવે ધ્યાન કેન્દ્રિત ન કરવામાં આવ્યું તો એ અર્થતંત્ર માટે બહુ ખતરારૂપ સાબિત થવાની પૂરેપૂરી સંભાવના છે એવું દોશી જણાવે છે.
સેવાક્ષેત્ર એ મોટા ભાગે શહેરી મતદારોને સ્પર્શતું ક્ષેત્ર હોવાથી શું શહેરી મતદારો અને માધ્યમવર્ગીય મતદારો જે ભારતીય જનતા પાર્ટીની મોટી વોટબૅન્ક છે, તેમના માટે આ બજેટમાં કોઈ જોગવાઈઓ હશે?
એ પ્રfનના જવાબમાં રાહુલ અરોરા કહે છે, ‘કૉન્ગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીની સરખામણીએ શહેરી અને માધ્યમવર્ગીય મતદાતાઓ ચોક્કસપણે રાહુલ ગાંધીના મુકાબલે નરેન્દ્ર મોદીને દેશનું નેતૃત્વનું સુકાન સોંપવા ઇચ્છે છે, એટલે એ પરિસ્થિતિમાં આવા માધ્યમવર્ગીય અને શહેરી મતદારો માટે ઇન્કમ-ટૅક્સના દરમાં રાહતની સંભાવના અમે આ બજેટમાં જોઈ રહ્યા છીએ.’
રાહતો આપવી શક્ય છે?
પ્રવર્તમાન આર્થિક પરિસ્થિતિઓને નજરમાં રાખતાં મલેશિયાસ્થિત મેય બૅન્કની ઇક્વિટી શાખા કિમ એંગ સિક્યૉરિટીઝના ભારતના બજેટલક્ષી તૈયાર કરાયેલા એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે આગામી ઇન્ટરિમ બજેટમાં જો કૃષિ અને ઉત્પાદન ક્ષેત્રે કોઈ મોટી યોજનાઓ અને નાણાકીય જોગવાઈઓની જાહેરાત કરવામાં આવશે તો એવી જોગવાઈઓ કે યોજનાની અમલવારી કરવી સરકાર માટે મુશ્કેલ બનશે.
દેશની પ્રવર્તમાન નાણાકીય પરિસ્થિતિને જોતાં એમાં પણ ખાસ કરીને ફિસ્કલ ડેફિસિટ (રાજકોષીય ખાધ) નાણાકીય વર્ષ ૨૦૧૮-૨૦૧૯નાં આઠ મહિનાના અંતે અનુમાનિત અથવા બજેટેડ આંકડાઓ કરતાં ૧૧૫ ટકાએ પહોંચી ગઈ છે.
GST સંદર્ભે વાર્ષિક ૫૦૦ અબજ રૂપિયાની ખાધ તથા ભારત સરકારનો મંદ ગતિએ કાર્યરત ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ (ભારત દેશના જાહેર એકમો પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ્સમાંથી હિસ્સેદારી કાઢીને ભારતીય મૂડીબજારમાં એ હિસ્સો વેચવા કાઢવો) - જેનો અંદાજિત આંકડો આવી હિસ્સેદારીઓ વેચીને અંદાજે ૮૦૦ અબજ રૂપિયા ભેગા કરવાનો હતો, જેની સામે સરકાર ડિસેમ્બર-૨૦૧૮ના અંત સુધીમાં માત્ર ૨૦૦ અબજ રૂપિયાની હિસ્સેદારીઓ જ મૂડીબજારમાં વેચાણ માટે લાવી શકી હતી.
ઉપરોક્ત અને પ્રવર્તમાન પરિસ્થિતિઓને કારણે ફિસ્કલ ડેફિસિટની વિકટ થયેલી સમસ્યાઓ સામે ટકી રહેવા માટે રિઝર્વ બૅન્ક ઍફ ઇન્ડિયાએ સરકારની વહારે આવવું પડશે, જેને કારણે દેશના સૉવરિન રેટિંગ્સમાં એની સીધી અસર દેખાશે અને એની આડઅસરોરૂપે વિદેશી મૂડીરોકાણ અને દેશના સ્ટૉકમાર્કેટમાં વિદેશી નિવેશકોને આકર્ષવું અઘરું બની જશે.
પાંચ વર્ષના શાસનકાળ દરમ્યાન નૅશનલ ડેમોક્રેટિક અલાયન્સ સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રેલવેક્ષેત્રે મૂડીખર્ચ (કૅપિટલ એક્સ્પેન્ડિચર) દસગણું અને પાંચગણું કર્યું છે, આવી પરિસ્થિતિમાં જો કૃષિ અને ઉત્પાદનક્ષેત્રે બહુ મોટી જોગવાઈઓ અને જાહેરાતો કરવામાં આવે તો આ વચગાળાના બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે કોઈ બહુ મોટી જાહેરાતો શક્ય નથી.
તો બીજી તરફ કરદાતાઓ માટે કરરાહતોની જો વાત કરવામાં આવે તો ઇન્કમ-ટૅક્સ કે અન્ય કોઈ કરમાં છૂટછાટોની શક્યતા એટલા માટે નજીવી છે કે ઉપરોક્ત દર્શાવેલી વૉટરટાઇટ કમ્પાર્ટમેન્ટ જેવી નાણાકીય પરિસ્થિતિને પહોંચી વળવા અને નાણાકીય અનુશાસન જાળવવા આ દિશામાં આવી કોઈ જાહેરાતો જો કરવામાં આવે તો એની સીધી અસર દેશની ફિસ્કલ ડેફિસિટ પર દેખાશે, જે અંતે દેશના નાણાકીય સ્વાસ્થ્યસમા સૉવરિન રેટિંગ્સને અસર કરશે અર્થાત્ દેશનાં અર્થતંત્રને ડંખશે!
મિડલ ક્લાસને પારિવારિક ટૅક્સ ભરવાની છૂટ આપો
બજેટ બાબતમાં સરકાર પાસેથી અપેક્ષા એ છે કે મિડલ ક્લાસને પણ ધ્યાનમાં રાખવામાં આવે. એક અમાઉન્ટ સુધી ઇન્કમ-ટૅક્સ ફાઇલ કરવામાં પારિવારિક છૂટ આપવી જોઈએ. જેમ કે પારિવારિક છૂટ સમજો આઠ લાખ રૂપિયા સુધી આપી. આઠ લાખથી દસ લાખ રૂપિયા પર પાંચ ટકા ટૅક્સ. એક ફાઇલમાં આખો પરિવાર આવી જાય. જેનાથી પત્નીના નામ પર ખોટી ઇન્કમ ફાઇલ કરવાનું બંધ થઈ જશે. દસ લાખ રૂપિયા પછી અલગ-અલગ ફાઇલો ઇન્કમ-ટૅક્સનાં માળખાંઓ. બજેટની નીતિ આજની વાસ્તવિકતા અને રૂપિયાની વૅલ્યુ અનુસાર નક્કી કરવામાં આવે. એવી જ રીતે એક ઇન્કમ સુધીના મિડલ ક્લાસને માટે ઞ્લ્વ્ને હજી વધુ સરળ કરવામાં આવે. અત્યારે ઞ્લ્વ્નાં રિટર્ન ભરવામાં એટલીબધી આંટીઘૂંટીઓ છે કે સામાન્ય માણસને પણ રિટર્ન ભરવા માટે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટને મોટી ફી ચૂકવવી પડે છે. કૅપિટલ ગેઇન કે એને લગતા ટૅક્સ પર સરકારે સરસ મિડલ ક્લાસ ફ્રેન્ડ્લી નિયમો બનાવવા જોઈએ. સિનિયર સિટિઝનો માટે વિશેષ ફાયદા જરૂરી છે.
- પ્રકાશ બારોટ, ડિરેક્ટર ઑફ ફોટોગ્રાફી, મુલુંડ (વેસ્ટ)
નોકરિયાતોને ફાયદાકારક બજેટ બનાવો
નવા બજેટમાં પગારદાર કર્મચારીઓ માટે કરવેરા બચાવવાના વધુ વિકલ્પો હોવા જોઈએ. જેમ કે ૮૦-C અને ૮૦-Dની મર્યાદા વધારવાની જરૂર છે. દસ હજાર રૂપિયાથી વધુના રોકડ વ્યવહારો પર બંધી લાવવી જોઈએ. એના માટે ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પર લાગી રહેલા બૅન્ક-ચાર્જિસ દૂર કરવા જોઈએ. છેલ્લાં કેટલાંય વષોર્થી વધી રહેલા ફુગાવાને ધ્યાનમાં રાખીને ઇન્કમ-ટૅક્સના સ્લૅબના વિકલ્પો પર ગંભીરપણે ફેરવિચારણા કરીને પરિવર્તન કરવાની જરૂર છે.
- જિગર અવલાણી, એડલવાઇસના ડેપ્યુટી વાઇસ-પ્રેસિડન્ટ
વિકાસલક્ષી બજેટ હોવું જરૂરી
આ પણ વાંચો: બજેટમાં વેપારીઓ માટે સુવિધાઓનું પૅકૅજ જાહેર કરો: CAIT
સરકાર સારી યોજનાઓ જાહેર કરે જેમાં રોટી, કપડાં અને મકાન સમસ્ત જનતાને માટે ઉપલબ્ધ થઈ શકે. રેલ, જળ અને પ્લેન સર્વિસમાં જડમૂળથી બદલાવ આવવો ખૂબ જ જરૂરી છે. પ્રત્યેક યાત્રીને યાત્રા દરમ્યાન વીમો અને સુરક્ષા મળવાં જોઈએ. નાના ઉદ્યોગોને તેમ જ ખેડૂતોને ટેકાના ભાવ મળવા જ જોઈએ. આયાત-નિકાસ દેશની પ્રગતિની સાથે જોડાયેલી હોવી જોઈએ. ઇન્કમ-ટૅક્સની મર્યાદા સાડાચાર લાખ રૂપિયા સુધી કરવી જોઈએ.
- ગિરીશ ડી. ધોકિયા, ઇન્કમ-ટૅક્સ સલાહકાર, કલ્યાણ