ડિસેમ્બર ૨૦૨૦માં અમેરિકન સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ કમિશને એક્સઆરપી વિરુદ્ધ ખટલો માંડ્યા બાદ રિપલનું માર્કેટ કૅપિટલાઇઝેશન ઘટી ગયું હતું.
ક્રિપ્ટોકરન્સી
રિપલ લૅબ્સની ક્રિપ્ટોકરન્સી–એક્સઆરપી ફરી એક વાર માર્કેટ કૅપિટલાઇઝેશનની દૃષ્ટિએ ત્રીજા ક્રમાંકની ક્રિપ્ટોકરન્સી બની ગઈ છે. ડિસેમ્બર ૨૦૨૦માં અમેરિકન સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ કમિશને એક્સઆરપી વિરુદ્ધ ખટલો માંડ્યા બાદ રિપલનું માર્કેટ કૅપિટલાઇઝેશન ઘટી ગયું હતું. રિપલે રજિસ્ટર કરાવ્યા વગરની ડિજિટલ ઍસેટ ઑફર કરી એ બદલ એની સામે કેસ કરવામાં આવ્યો હતો. હવે આ કેસમાં નિકાલ આવવાનો સમય નજીક આવી ગયો છે, કારણ કે રિપલને વર્ષ ૨૦૨૪માં અનેક બાબતોમાં કાનૂની વિજય મળ્યો છે. ડોનલ્ડ ટ્રમ્પ પ્રમુખપદની ચૂંટણીમાં વિજયી નીવડ્યા બાદ એક્સઆરપીનો ભાવ કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે. ડિસેમ્બર ૨૦૨૦માં એનો ભાવ ૦.૫૦ ડૉલરથી ઘટીને ૦.૧૭ ડૉલર થઈ ગયો હતો અને માર્કેટકૅપ ૧૫ બિલ્યન ડૉલર ઘટી ગયું હતું. હવે આ લખાઈ રહ્યું છે ત્યારે સોમવારે સાંજે ૨૪ કલાકના ગાળામાં એક્સઆરપીનો ભાવ ૩૮.૩૧ ટકા વધીને ૨.૬૫ ડૉલર થઈ ગયો છે અને માર્કેટકૅપ ૧૫૦.૨૫ બિલ્યન ડૉલર થઈ ગયું છે. અત્યાર સુધીનાં ચાર વર્ષ દરમ્યાન એક્સઆરપી માર્કેટ કૅપની દૃષ્ટિએ સાતમા ક્રમાંકની ક્રિપ્ટોકરન્સી હતી.
દરમ્યાન બિટકૉઇનનો ભાવ ૨૪ કલાકના ગાળામાં આશરે એક ટકો ઘટીને ૯૬,૩૮૭ ડૉલર થઈ ગયો છે. ઇથેરિયમ ૧.૬૯ ટકાના ઘટાડા સાથે ૩૬૪૯ ડૉલર ટ્રેડ થઈ રહ્યો છે. સોલાના ૪.૮૭ ટકા, બીએનબી ૨.૭૫ ટકા, ડોઝકૉઇન ૦.૬૦ ટકા અને શિબા ઇનુ ૮.૫૪ ટકા ઘટી ગયા છે.