જો ૧.૮૫નો સપોર્ટ તૂટશે તો ભાવ ઝડપથી ૧.૫૦ ડૉલર અને પછી ૧.૨૫ ડૉલર અને પછી એક ડૉલર કરતાં નીચેના સ્તર સુધી ઘટી શકે છે.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
રિપલ લૅબ્સની ક્રિપ્ટોકરન્સી–એક્સઆરપીના વૉલ્યુમમાં ગયા થોડા સમયમાં ૭૫ ટકા સુધીનો ઘટાડો થઈ ગયો હોવાથી વિશ્લેષકો એક્સઆરપીના ભાવમાં ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરી રહ્યા છે. તેમના મતાનુસાર ટૂંકા ગાળામાં એક્સઆરપીનો ભાવ એક ડૉલરથી પણ ઓછો થઈ જવાની શક્યતા છે. તેમનું કહેવું છે કે ટ્રેડરો વધુ ઉપયોગિતા અને ભાવવૃદ્ધિની સંભાવના ધરાવતા અન્ય કૉઇન તરફ વળી રહ્યા છે અને ભાવવધારો થાય એવું કોઈ પરિબળ હાલ દેખાઈ રહ્યું નથી. હાલ એક્સઆરપીના સપોર્ટનું સ્તર ૧.૮૫ ડૉલરનું છે અને આ લખાઈ રહ્યું છે ત્યારે ભાવ ૨૪ કલાકના ગાળામાં ૦.૫૯ ટકા વધીને ૨.૧૧ ડૉલર થઈ ગયો છે. નોંધનીય છે કે છેલ્લા સાત દિવસોમાં એના ભાવમાં ૧૩.૩૧ ટકાનો ઘટાડો નોંધાયો છે. જો ૧.૮૫નો સપોર્ટ તૂટશે તો ભાવ ઝડપથી ૧.૫૦ ડૉલર અને પછી ૧.૨૫ ડૉલર અને પછી એક ડૉલર કરતાં નીચેના સ્તર સુધી ઘટી શકે છે.
અમેરિકન સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ કમિશન સાથેનો કેસ પડતો મુકાવાને પગલે એક્સઆરપીનો ભાવ વધ્યો હતો, પરંતુ હવે ભાવમાં વધારો થાય એવું કોઈ પરિબળ દેખાતું નથી.
ADVERTISEMENT
દરમ્યાન વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ૨૪ કલાકના ગાળામાં વૉલેટિલિટી વધારે રહી છે અને આ લખાઈ રહ્યું છે ત્યારે માર્કેટ કૅપિટલાઇઝેશન ૨.૬૮ ટ્રિલ્યન ડૉલરના લગભગ સમાન સ્તરે રહ્યું છે. બિટકૉઇનમાં પણ આ જ સ્થિતિ છે. ભાવમાં ફક્ત ૦.૦૨ ટકા વૃદ્ધિ સાથે ભાવ ૮૨,૮૯૫ ડૉલર થઈ ગયો છે. ઇથેરિયમમાં ૧.૭૨ ટકા અને બીએનબીમાં ૨.૩૭ ટકા વધારો થયો છે. સોલાનામાં ૦.૩૭ ટકા અને ટ્રોનમાં ૦.૪૧ ટકા ઘટાડો નોંધાયો છે. ટોચના વધેલા કૉઇનમાં ૩.૧૩ ટકા સાથે ડોઝકૉઇન અને ૩.૪૯ ટકા સાથે કાર્ડાનો સામેલ છે.

