Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > રોજના છ લાખ નવા કેસ સાથે વિશ્વ ફરી એક વાર મહામારીમાં સપડાવાના આરે આવીને ઊભું છે

રોજના છ લાખ નવા કેસ સાથે વિશ્વ ફરી એક વાર મહામારીમાં સપડાવાના આરે આવીને ઊભું છે

Published : 26 December, 2022 04:15 PM | IST | New Delhi
Jitendra Sanghvi

ચીનની હાલત બદતર તો ભારતની પરિસ્થિતિ સારી : ભારત સામેના પડકારોમાં એકનો વધારો

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

આર્થિક પ્રવાહ

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)


બારેક મહિનાના વિરામ પછી વિશ્વમાં ફરી એક વાર કોરોનાનો પ્રકોપ શરૂ થયો છે. આ કોરોના ૨.૦માં જેટ સ્પીડે વધી રહેલ નવા કેસ સાથે આર્થિક બાબતોમાં અગ્રેસર રહેતા ચીને મહામારીના ફેલાવા બાબતે પણ લીડ લીધી છે. જપાન, રિપબ્લિક ઑફ કોરિયા, અમેરિકા, બ્રાઝિલ, ફ્રાન્સ અને જર્મનીમાં પણ કેસ ઝડપથી વધી રહ્યા છે. આ બધા કેસ ઓમાઇક્રોન વેરિઅન્ટના છે. 


કોરોનાનો પ્રકોપ જાણે ઓછો હોય એમ કૅનેડા અને અમેરિકા બરફનાં તોફાનમાં ફસાયા છે.



સરખામણીએ ભારતની પરિસ્થિતિ આજની તારીખે ઘણી સારી છે. એટલું જ નહીં, નિષ્ણાતોના મતે કોવિડ ૨.૦ની લહેરથી ભારત સંક્રમિત થવાની સંભાવના નહીંવત્ છે. વિશ્વની મહામારીની વર્તમાન પરિસ્થિતિથી ડર્યા વિના કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને સાવચેતીનાં પગલાં લેવાની સૂચના આપી છે. ૨૦૨૩ની પૂર્વ સંધ્યાએ ક્રિસમસ અને ડિસેમ્બર ૩૧ની ઉજવણીના મૂડમાં લોકસમૂહ  ભેગો થાય એટલે આપણને ગાફેલ રહેવું જરા પણ પરવડે એમ નથી.


હમણાં સુધી અર્થતંત્ર, ભાવવધારા, વ્યાજના દરના વધારા, મંદી અને સ્લોડાઉન પરનું વિશ્વનું ફોકસ બદલાઈને મહામારી ફેલાતી અટકાવવા પર કેન્દ્રિત થયું છે.

આ મહામારીનો કડવો અનુભવ કરી ચૂકેલ હોવાથી વિશ્વ હાલની લહેરથી આર્થિક રીતે કેટલું પાછળ ધકેલાઈ જાય એ વિચાર માત્ર આપણને ધ્રુજાવી દે એમ છે. એકબીજા પર ભારે માત્રામાં અવલંબિત વિશ્વમાં આપણા અર્થતંત્રને પણ મોટો ફટકો લાગે જ. અમેરિકાનાં બજારોને પગલે આપણાં સ્ટૉક માર્કેટ પણ ઝડપથી પટકાયાં છે. વિદેશી પોર્ટફોલિયો મૂડીનો આઉટફ્લો ચાલુ થયો છે અને છેલ્લાં પાંચ અઠવાડિયાંથી સતત વધી રહેલ વિદેશી હૂંડિયામણમાં ગયે અઠવાડિયે (ડિસેમ્બર ૧૬) ઘટાડો થયો છે. 


ભારતમાં ઓમાઇક્રોન વેરિઅન્ટના માત્ર ચાર કેસ નોંધાયા છે. તો પણ માર્ચ ૨૦૨૦માં શરૂઆતના ગણતરીના કેસોમાંથી જે ઝડપે દેશમાં મહામારી ફેલાઈ અને એને લીધે જે આર્થિક નુકસાન અને જાનહાનિ થઈ એ યાદ આવે એટલે આપોઆપ સતર્ક બની જવાય. આજની ધીમી શરૂઆત એવો ખતરનાક વળાંક ન લે એ માટેની બધી સાવધાની અનિવાર્ય ગણાય. 

કોરોનાના વધુ ઝડપે ફેલાતા વાઇરસને કારણે આઇએમએફએ ફિસ્કલ ૨૪ માટે ભારતના આર્થિક વિકાસનો દર (ફિસ્કલ ૨૩ના અંદાજિત ૬.૮ ટકામાંથી ૬.૧ ટકા) ઘટાડ્યો છે. જરૂર મુજબ વ્યાજના દર વધારાય ત્યારે પણ ભાવવધારા અને આર્થિક વિકાસના દર વચ્ચેની સમતુલા જળવાઈ રહે એનું ધ્યાન રાખવાનો પણ રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે. 

દરમ્યાન ભારત  સરકારે ‘મફત અનાજ’ માટેની યોજનાનો અમલ એક વરસ માટે લંબાવ્યો છે. લગભગ ૮૧ કરોડ લોકો (કુલ વસ્તીના ૬૦ ટકા)ને રાહત આપતી આ સ્કીમ પાછળ સરકાર બે લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. 

નિર્ધારિત સમય કરતાં વહેલી પૂરી કરાયેલી પાર્લમેન્ટની શિયાળુ બેઠકમાં સાત બિલ પસાર કરાયાં છે.

ચીનમાં એક દિવસમાં કોરોનાના ૩.૭ કરોડ નવા કેસ : અત્યાર સુધીનો વિશ્વનો રેકૉર્ડ તૂટ્યો

ચીનના કોઈ પણ આંકડા વિશ્વસનીય હોતા નથી, પછી એ કોરોનાની મહામારીના હોય, આર્થિક વિકાસના દરના હોય કે કોઈ પણ મેક્રો-ઇકૉનૉમિક પૅરામીટર્સના હોય. એ વાતને લક્ષમાં રાખીએ તો પણ ચીનના નૅશનલ હેલ્થ કમિશને બહાર પાડેલ આંકડા ધ્રુજાવી દે એવા છે, એને હળવાશથી  લઈ શકાય નહીં. આ અંદાજ મુજબ ગયે અઠવાડિયે એક દિવસમાં (ડિસેમ્બર ૨૦) ૩.૭ કરોડ લોકો આ મહામારીથી સંક્રમિત થયા છે, જેણે અગાઉનો દક્ષિણ આફ્રિકાનો ૪૦ લાખ કેસનો (જાન્યુઆરી ૨૦૨૨)નો રેકૉર્ડ તોડ્યો છે. આ સાથે ચાલુ મહિનાના પ્રથમ ૨૦ દિવસમાં ચીનમાં ૨૫ કરોડ લોકો (વસ્તીના ૧૮ ટકા, દર ૧૦૦માંથી ૧૮ લોકો)ને કોરોનાનો ચેપ લાગ્યો છે. 

ચીનની ઝીરો કોવિડ પૉલિસીને લગતા અંકુશો ઉઠાવી લેતાં ઓછી રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુનિટી) વાળા લોકો ઝડપાયા છે. એક અંદાજ પ્રમાણે મિડ ડિસેમ્બર અને જાન્યુઆરીની આખર પહેલાં કોરોનાની ચાલુ લહેર એની ટોચ પર પહોંચશે. ઘરે કરાતી રૅપિડ એન્ટિજન ટેસ્ટના રિપોર્ટનો ઉપરના આંકડામાં સમાવેશ થતો નથી. એટલે કોરોના પૉઝિટિવના સાચા આંકડા પ્રસિદ્ધ કરાયેલ આંકડા કરતાં મોટા પણ હોઈ શકે. 

ચીનની સરકારના રિપોર્ટ પ્રમાણે ડિસેમ્બરનો નવા કેસનો આંકડો માત્ર ૩૦૦૦ આસપાસનો છે. હાસ્યાસ્પદ લાગેને? બે કથિત આંકડા (૩.૭ કરોડ અને ૩૦૦૦) વચ્ચે સત્ય શું એનો અંદાજ લગાવવો લગભગ અશક્ય છે. 

કોરોનાથી સંક્રમિત થઈ રહેલા અન્ય દેશો ભણી એક નજર : વિશ્વમાં રોજના છ લાખ નવા કેસ 

ગયા અઠવાડિયે (૧૫થી ૨૧ ડિસેમ્બર) વિશ્વમાં કોરોનાના ૪૦ લાખ નવા કેસ નોંધાયા છે. દક્ષિણ કોરિયામાં સૌથી વધુ (૪.૭ લાખ). આ રિપોર્ટ પ્રમાણે ચીનનો આંક ૧.૫ લાખનો છે. ચીનમાં હૉસ્પિટલો તથા સ્વાસ્થ્યને લગતી અન્ય માળખાકીય સવલતો પરનું દબાણ અને સ્મશાનો પર લાગતી લાંબી લાઇનોને ધ્યાનમાં લઈએ તો આ આંકડા હકીકતમાં સાચી પરિસ્થિતિને નજરઅંદાજ કરતા હોય એવા (અન્ડરએસ્ટિમેટ) છે. 

ભારતમાં મહામારી સંપૂર્ણપણે અંકુશમાં : તો પણ સાવચેતીના સંકેતો અને પગલાંની શરૂઆત

ભારતમાં રોજના નવા ૧૦૦-૨૦૦ કેસ અને ઘટતા જતા ઍક્ટિવ કેસ સાથે પરિસ્થિતિ કાબૂમાં છે. નિષ્ણાતોના મતે ભારતમાં કોવિડ ૨.૦ની નવી લહેરની સંભાવના બહુ ઓછી છે, કારણ શું? 

૧. આપણે ત્યાં પુખ્ત વયના લગભગ બધા લોકોએ વૅક્સિનના પહેલા બે ડોઝ લઈ લીધા છે. ૧૨ વરસથી ઉપરની વસ્તીમાં પણ આ પ્રમાણ ૯૫ ટકા છે. 

૨. વરિષ્ઠ નાગરિકોમાંના ૫૦ ટકાએ બૂસ્ટર ડોઝ પણ લીધો છે.

૩. ૨૦૨૦ની જેમ આ મહામારીને ટ્રીટ કરવા માટે આજે આપણે નવા નિશાળિયા જેવા નથી. 

૪. ૨૦૨૦-૨૧ની સરખામણીએ આપણી સ્વાસ્થ્ય વિશેની માળખાકીય સવલતો અનેક ગણી વધી છે.

૫. ચીન અને અન્ય દેશોની પરિસ્થિતિ બગડતાની સાથે આપણી સરકાર સાબદી બની ગઈ છે. રાજ્ય સરકારોને જરૂરી આદેશો અપાવા માંડ્યા છે. કેટલીક રાજ્ય સરકારોએ જાહેર સ્થળોએ/જાહેર મીટિંગો માટે (જ્યાં વધુ પબ્લિક ભાગ લેવાની હોય) માસ્કનો વપરાશ ફરજિયાત કર્યો છે. ડિસેમ્બરની ૨૭મીથી કોવિડ-19ના ફેલાવાને અસરકારક રીતે તાત્કાલિક ધોરણે અટકાવવાની આપણી તૈયારીઓની તપાસ માટે રાષ્ટ્ર વ્યાપી ડ્રીલ શરૂ કરાઈ રહી છે. વિદેશોથી અહીં આવતા મુસાફરોના બે ટકા માટે કોરોનાની ટેસ્ટ માટેનો આદેશ અપાયો છે. 

ચીન અને અન્ય દેશોમાં જોવા મળતો ઓમાઇક્રોનનો વેરિઅન્ટ નવો નથી, એ ભારતમાં પણ છે જ. ઓમાઇક્રોનના આ નવા વેરિઅન્ટ ઝડપથી પ્રસરે છે એટલે કેસમાં ઝડપી વધારો થાય છે, પણ એ ડેલ્ટા જેટલા ઘાતક નથી.

દેશમાં આ અઠવાડિયે મોટા પાયે ડિસેમ્બર ૩૧ની ઉજવણી થવાની છે એટલે આ અઠવાડિયાની વિમાનની ટિકિટના સરેરાશ દરનો ૩૦થી ૪૦ ટકાનો વધારો લોકોએ કેટલા મોટા પાયે આ ઉજવણી માટે મુસાફરીના પ્લાન બનાવ્યા છે એનો અણસાર આપે છે. એ ઉજવણીની આડઅસરરૂપે દેશમાં ફરી ૨૦૨૦-૨૧ની પરિસ્થિતિનું પુનરાવર્તન તો નહીં થાયને? એ આપણી મોટી ચિંતા છે.

ભારતની નાકથી લેવાતી પ્રથમ વૅક્સિનને મંજૂરી : મહામારીના જંગ સામે મોટું કદમ

ભારત સરકારે ભારત બાયોટેક ઇન્ટરનૅશનલની નાકથી લેવાતી વૅક્સિનને પુખ્ત વયના લોકો માટેના પ્રાથમિક અને બૂસ્ટર ડોઝ તરીકે મંજૂરી આપી છે. કોઈક કારણસર અન્ય દેશમાં વકરી રહેલ મહામારી ભારતમાં ઉગ્ર બને તો ઇન્જેક્શન રૂપે નહીં, પણ નાકમા સ્પ્રે દ્વારા લઈ શકાય એવી આ રસી હાથવગી બનશે. આ પ્રક્રિયા પીડારહિત હશે. ઉપરાંત એ ઇન્જેક્શન વાટે લેવાતી અન્ય વૅક્સિન કરતાં વધુ અસરકારક પણ હશે, કારણ કે કોરોના વાઇરસ શરીરમાં પ્રવેશે છે નાક દ્વારા. આ રસી કોરોના વાઇરસના શરીરમાંના પ્રવેશદ્વાર (નાક)ને સુરક્ષા કવચ પૂરું પાડશે. 
પીડા વગરની આ વૅક્સિન અન્ય દેશોમાં મહામારી વાયુવેગે પ્રસરી રહી છે ત્યારે ભારતમાં બૂસ્ટર ડોઝ લેવા માટે લોકોને માનસિક રીતે ઝડપથી તૈયાર કરશે જે કોરોના સામેની લડતમાં આપણું મોટું હથિયાર સાબિત થઈ શકે એમ છે.

વૅક્સિનને કારણે અને કુદરતી રીતે લાગેલ ઇન્ફેક્શન (કોવિડ-19 પૉઝિટિવ થનાર)ને કારણે ડેવલપ થયેલ રોગપ્રતિકારક શક્તિ ક્યાં સુધી ટકી રહે છે એનો કોઈ ચોક્કસ જવાબ આજે આપણી પાસે નથી. આ સંદર્ભમાં આ નવી રસીનો ઉપયોગ આપણા બાકીના સાત કરોડ સિનિયર સિટિઝન્સના બૂસ્ટર ડોઝ માટે કરાવવા વિશેની ઝુંબેશને વેગ આપવો પડશે. 

વ્યાજના દર બાબતે જપાન ગિયર બદલે છે

વિશ્વના મુખ્ય વિકસિત દેશો અને અન્ય ઊભરતા દેશો ચાલુ વરસે સતત વ્યાજના દર વધારતા રહ્યા હતા એ દરમ્યાન નીચા વ્યાજના દર યથાવત્‌ જાળવી રાખનાર વિશ્વનો એક માત્ર દેશ જપાન હતો. ગયે અઠવાડિયે જપાને એના ૧૦ વરસના બૉન્ડના યીલ્ડ પરની મર્યાદા ૦.૨૫ ટકામાંથી વધારીને ૦.૫૦ ટકાની કરી છે. આના ઘેરા પ્રત્યાઘાત અમેરિકાના સ્ટૉક ઇન્ડેક્સ ફ્યુચરથી લઈને ઑસ્ટ્રેલિયન ડૉલર સુધી પડ્યા છે. 

જપાન વિશ્વનો સૌથી મોટો ક્રેડિટર (બીજા દેશોમાં નાણાં રોકનાર) દેશ છે. એ ગિયર ચેન્જ કરીને વ્યાજના દર વધારવાની શરૂઆત કરે એટલે જપાનના અન્ય દેશોમાંનાં રોકાણનો ઊલટો પ્રવાહ ચાલુ થાય. આની સીધી અસરરૂપે રોકાણ માટેનાં સાધનો (ઍસેટ્સ)ના ભાવ ઘટે અને લિક્વિડિટી ઘટતાં અન્ય દેશોમાં દેવા પરના વ્યાજના દર વધે. જપાનમાં ૪૦ વરસની ઊંચી સપાટીએ પહોંચેલ ભાવવધારો અંકુશમાં લાવવા માટે આ પગલું જરૂરી હતું. 

ભારતના ઘણા પ્રોજેક્ટ જપાનની લોનની મદદથી આગળ ગતિ કરી રહ્યા છે. અમેરિકા અને અન્ય દેશોમાં વધી રહેલ વ્યાજના દરની અસરરૂપે ભારતમાંથી વિદેશી મૂડીનો આઉટફ્લો થઈ રહ્યો હોય ત્યારે જપાનના આ નીતિવિષયક મોટા ફેરફારના ભારતના એના મૂડીરોકાણ પર ગંભીર પ્રત્યાઘાતો પડે જ. મૂડીરોકાણના આ ફેરફારની નાની-મોટી અસર આપણા આર્થિક વિકાસના દર પર પડે. રશિયા-યુક્રેન વૉર અને કોરોનાના વધતા જતા પ્રકોપના જોખમથી પીડાતા વિશ્વમાં ભારતના અર્થતંત્ર માટે કપરાં ચઢાણનાં એંધાણ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યાં છે. 

Whatsapp-channel Whatsapp-channel

26 December, 2022 04:15 PM IST | New Delhi | Jitendra Sanghvi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK