ક્રૂડનો ટૅક્સ ૪૯૦૦ રૂપિયાથી ઘટાડીને ૧૭૦૦ રૂપિયા પ્રતિ ટન કર્યો
પ્રતીકાત્મક તસવીર
સત્તાવાર આદેશ અનુસાર વૈશ્વિક સ્તરે તેલના ભાવમાં થયેલા ઘટાડાને પગલે સરકારે સ્થાનિક સ્તરે ઉત્પાદિત ક્રૂડ ઑઇલ તેમ જ ડીઝલ અને એટીએફની નિકાસ પર લાદવામાં આવતા વિન્ડફોલ પ્રૉફિટ ટૅક્સમાં ઘટાડો કર્યો છે.
ઑઇલ ઍન્ડ નૅચરલ ગૅસ કૉર્પોરેશન જેવી કંપનીઓ દ્વારા ઉત્પાદિત ક્રૂડ ઑઇલ પરની વસૂલાત ૪૯૦૦ રૂપિયાથી ઘટીને ૧૭૦૦ રૂપિયા પ્રતિ ટન કરવામાં આવી છે, એમ ૧૫ ડિસેમ્બરના આદેશમાં જણાવાયું હતું.
ADVERTISEMENT
જમીનમાંથી અને સમુદ્રતળની નીચેથી પમ્પ કરવામાં આવેલું ક્રૂડ ઑઇલ શુદ્ધ કરવામાં આવે છે અને પેટ્રોલ, ડીઝલ તથા એવિયેશન ટર્બાઇન ફ્યુઅલ (એટીએફ) જેવાં ઈંધણમાં રૂપાંતરિત થાય છે.
સરકારે ડીઝલની નિકાસ પરનો ટૅક્સ ૮ રૂપિયાથી ઘટાડીને પાંચ રૂપિયા પ્રતિ લિટર અને એટીએફના વિદેશી શિપમેન્ટ પરનો ટૅક્સ પાંચ રૂપિયાથી ઘટાડીને ૧.૫ રૂપિયા પ્રતિ લિટર કર્યો છે. નવા ટૅક્સનો દર ૧૬ ડિસેમ્બરથી લાગુ થયો છે.
નવેમ્બરથી વૈશ્વિક ક્રૂડ ઑઇલના ભાવમાં ૧૪ ટકાના ઘટાડા બાદ ટૅક્સના દરમાં ઘટાડો થયો છે.
ભારતે સૌપ્રથમ પહેલી જુલાઈએ વિન્ડફોલ પ્રૉફિટ ટૅક્સ લાદ્યો હતો, જેનાથી કંપનીઓના નફા પર કાપ આવ્યો હતો.