ભારત સહિત સમગ્ર વિશ્વમાં ચાંદીનો કૂદકે ને ભૂસકે વધતો વપરાશ ઃ ચાંદીમાં ૨૦૨૪ના પાંચ મહિનામાં ૨૬ ટકા અને મે મહિનામાં ૧૫ ટકાની તેજી થઈ
કૉમોડિટી વૉચ
પ્રતીકાત્મક તસવીર
ચાંદીના ભાવ હાલ રૉકેટ ગતિએ વધી રહ્યા છે. ૨૦૨૪ના આરંભથી ચાંદીમાં તેજીનો તડાકો બોલી ગયો છે. ૨૦૨૩ના અંતે ચાંદીના ભાવ ભારતમાં કિલોનો ૭૩,૩૯૫ રૂપિયા હતો એ વધીને હાલ ૯૨,૪૪૯ રૂપિયા થયો છે. ૨૦૨૪ના આરંભથી શરૂ થયેલી ચાંદીની તેજીએ મે મહિનામાં ચોથા ગિયરમાં સ્પીડ વધારી છે. માત્ર મે મહિનામાં ચાંદીના ભાવ ૮૦,૦૫૦ રૂપિયાથી વધીને ૯૨,૪૪૯ રૂપિયાએ પહોંચ્યા હતા એટલે કે માત્ર એક મહિનામાં ૧૫.૪૮ ટકાનો ઉછાળો જોવા મળ્યો હોવાથી હવે ચાંદીના ભાવ દિવાળીએ એક લાખ રૂપિયાની સપાટીને કુદાવી જશે કે કેમ એ રસપ્રદ વિષય બન્યો છે, પણ મોટા ભાગના નિષ્ણાતો છાતી ઠોકીને કહે છે કે કોઈ શંકા જ નથી, ચાંદીનો ભાવ એક લાખ રૂપિયાની સપાટીને વટાવીને દિવાળીએ ઘણો ઉપર હશે. આવી વાતો હવામાં નહીં, પણ વન-ટુ-ટેન કારણો બતાવીને થઈ રહી છે.
ચાંદીની તેજીનાં મુખ્ય બે પરિબળો
ADVERTISEMENT
ચાંદીની તેજી માટે સોલર-પૅનલ અને ઇલેક્ટ્રિકલ વેહિકલમાં વધી રહેલો વપરાશ, આ બે પરિબળો મહત્ત્વનાં છે. સમગ્ર વિશ્વમાં હાલ રિન્યુએબલ એનર્જીનો જુવાળ ફાટ્યો છે. દરેક દેશ હવે સોલર એનર્જી માટે પ્રયત્નશીલ છે. સોલર-પૅનલમાં ચાંદી મુખ્ય કૅટાલિસ્ટ હોવાથી એનો વપરાશ વધી રહ્યો છે. સોલર-પૅનલમાં ફોટોવૉલેટિક સેલ ચાંદીની બને છે. ભારતનું ક્રૂડ તેલનું આયાત બિલ બોજારૂપ બની રહ્યું હોવાથી સરકાર ઇલેક્ટ્રિકલ વેહિકલને પ્રમોટ કરવા ભરપૂર પ્રયાસ કરી રહી છે. ચાંદીમાં સૌથી સારી ઇલેક્ટ્રિક કન્ડક્ટિવિટી હોવાથી ઑટોમૅટિક બ્રેકિંગ, પાવર સ્ટિયરિંગ અને નેવિગેશન સિસ્ટમમાં ચાંદીનો વપરાશ વધી રહ્યો છે. ગોલ્ડ-સિલ્વર રેશિયોનો સંકેત
જ્યારે ગોલ્ડ-સિલ્વર રેશિયો નીચે આવે ત્યારે ચાંદીમાં તેજીના સંકેત મળે છે. હાલ ગોલ્ડ-સિલ્વર રેશિયો ૭૩ના લેવલે છે જે એપ્રિલના અંતે ૮૭ના લેવલે હતો. ગોલ્ડ-સિલ્વર રેશિયોનો ઘટાડો શરૂ થતો કે તુરંત જ ચાંદીમાં તેજીનો આરંભ થયો હતો. ઍનલિસ્ટોના મતે આગામી દિવસોમાં ગોલ્ડ-સિલ્વર રેશિયો ઘટીને ૭૦ થશે ત્યારે ચાંદીનો ભાવ વિશ્વબજારમાં ૩૫ ડૉલરની સપાટીને પાર કરશે જે હાલ પ્રતિ ઔંસ ૩૧ ડૉલરની આસપાસ છે. ચાંદીના ભાવ ૨૬ ડૉલરથી વધીને તાજેતરમાં ૧૧ વર્ષની ઊંચાઈએ ૩૨.૫૦ ડૉલર થયા હતા.
ચાંદીની આયાતમાં જંગી ઉછાળો
ભારતમાં ૨૦૨૪ના આરંભથી ચાંદીના ભાવ કૂદકે ને ભૂસકે વધી રહ્યા હોવાથી ચાંદીના સટોડિયાઓ અને વપરાશકારોનો ખરીદી માટે તડાકો બોલ્યો છે જેને કારણે ચાંદીની ડિમાન્ડ પણ ઝડપથી વધી રહી છે. ચાંદીનો વપરાશ વધતાં ૨૦૨૪ના આરંભના ચાર મહિના એટલે કે જાન્યુઆરીથી એપ્રિલ સુધીમાં ચાંદીની આયાત ગયા આખા વર્ષની આયાતને પાર કરી ગઈ હતી તેમ જ ગયા વર્ષના જાન્યુઆરી-એપ્રિલની સરખામણીમાં ઑલમોસ્ટ નવ ગણી આયાત વધી હતી. ભારતની ચાંદીની આયાત ૨૦૨૪ના પ્રથમ ચાર મહિનામાં ૪૧૭૨ ટનની થઈ હતી જે ગયા વર્ષે ચાર મહિનામાં ૪૫૫ ટનની થઈ હતી અને એનાથી વધુ નવાઈની વાત એ છે કે ૨૦૨૩ના બાર મહિનામાં ચાંદીની આયાત ૩૬૨૫ ટન થઈ હતી એના કરતાં ચાંદીની આયાત ૨૦૨૪ના ચાર મહિનામાં વધુ થઈ છે. ભારત સરકારે તાજેતરમાં ચાંદીની આયાત પર ૧૫ ટકા ડ્યુટી લાદી છે, પણ ભારત અને યુનાઇટેડ આરબ અમીરાત વચ્ચે કૉમ્પ્રિહેન્સિવ ઇકૉનૉમિક પાર્ટનરશિપના કરાર થયા હોવાથી યુનાઇટેડ આરબ અમીરાતથી ચાંદીની આયાત ૯ ટકા ડ્યુટી અને ત્રણ ટકા વૅલ્યુ ઍડેડ ટૅક્સ સાથે થઈ શકે છે. આ રૂટ પર ચાંદીની આયાત હાલ મોટા પ્રમાણમાં વધી રહી છે.
દિવાળીએ ચાંદી ૧.૧૫ લાખ રૂપિયા થશે : સુરેન્દ્ર મહેતા
ઇન્ડિયન જ્વેલર્સ ઍન્ડ બુલિયન અસોસીએશનના નૅશનલ સેક્રેટરી સુરેન્દ્ર મહેતાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ચાંદીમાં તેજી થવાનાં એક કરતાં અનેક કારણો મોજૂદ છે. ખાસ કરીને ભારતમાં ચાંદીનો વપરાશ અકલ્પનીય રીતે વધી રહ્યો છે. આ ઉપરાંત વૈશ્વિક બજારમાં હાલ ટેક્નિકલ કારણો અને ફન્ડામેન્ટ્સ ચાંદીમાં મોટી તેજીના સ્પષ્ટ સંકેત આપે છે. ૨૦૧૧માં વિશ્વ બજારમાં સોનાનો ભાવ વધીને ૧૯૦૦ ડૉલર થયો હતો ત્યારે ચાંદીના ભાવ વધીને ૪૮ ડૉલર થયા હતા. ૨૦૨૪માં સોનું વધીને ૨૪૫૦ ડૉલર થયું છે, પણ ચાંદીના ભાવ ૩૨.૫૦ ડૉલરથી વધી શક્યા નથી જેને કારણે ચાંદીમાં હજી તેજી થવા માટે મોટી જગ્યા છે. ગોલ્ડ-સિલ્વર રેશિયો પણ સોના કરતાં ચાંદીમાં મોટી તેજીનો સંકેત આપે છે. ટેક્નિકલ દૃષ્ટિએ ચાંદીના ભાવ ક્રમાનુસાર દરેક લેવલ વટાવીને સતત ઊંચે જઈ રહ્યા છે. વિશ્વ બજારમાં ચાંદીના ભાવ પ્રથમ ૨૬ ડૉલરે સેટ થયા ત્યાર બાદ ૨૯ ડૉલરે સેટ થયા અને તાજેતરમાં ૩૨.૫૦ ડૉલર સુધી વધ્યા બાદ ૩૦-૩૧ ડૉલરના લેવલે ભાવ સેટ થઈ રહ્યા છે. દરેક લેવલે ચાંદીના ભાવ સેટ થયા બાદ નવું લેવલ જોવા મળે છે. ટેક્નિકલ દૃષ્ટિએ ચાંદીમાં ૩૯ ડૉલરની ઝડપી તેજી જોવા મળી રહી છે જે દિવાળી પહેલાં આવી જતાં ભારતમાં ચાંદીનો ભાવ ૧.૧૫ લાખ રૂપિયાની સપાટીએ પહોંચશે. વિશ્વ બજારમાં ચાંદીનો વપરાશ ઝડપથી વધી રહ્યો હોવાથી શૉર્ટેજ ઊભી થઈ રહી છે જેની તેજી ૨૦૨૪ના આરંભથી દેખાઈ રહી છે અને હજી આ તેજી ઘણી મોટી રહેશે.
ભારતમાં ચાંદીનો વપરાશ પણ ઝડપથી વધી રહ્યો છે. સોલર-પૅનલમાં ચાંદીનો વપરાશ મુખ્ય હોવાથી ભારતમાં સોલર ઇલેક્ટ્રિસિટીનો વ્યાપ ઝડપથી વધી રહ્યો હોવાથી ચાંદીનો વપરાશ પણ વધશે. ભારત સરકારે ગયા બજેટમાં ૩૫૦ યુનિટ સોલર ઇલેક્ટ્રિસિટી ફ્રી આપવાની જાહેરાત કરી હતી અને એના માટે બજેટમાં ૧૦ હજાર કરોડ રૂપિયા પણ ફાળવાયા હતા. ભારતમાં હવે મંદિરોમાં મૂર્તિથી માંડીને આખું મંદિર ચાંદીનું બનાવવાનો ક્રેઝ ઊભો થયો છે. એક મંદિર બનાવવામાં ૫૦થી ૬૦ કિલો ચાંદી વપરાઈ રહી છે. આ ઉપરાંત હવે ઇલેક્ટ્રિકલ વેહિકલનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. ઇલેક્ટ્રિકલ વેહિકલ અને ચાર્જિંગ ઇક્વિપમેન્ટમાં ચાંદીનો ભરપૂર વપરાશ થઈ રહ્યો છે. ભારતીય ધનાઢ્યોમાં ચાંદીની જ્વેલરી ઉપરાંત ચાંદીનાં ફર્નિચર, વાસણો, મૂર્તિઓ બનાવવાનો ક્રેઝ પણ ઝડપથી વધી રહ્યો છે. આ ક્રેઝને કારણે ભારતમાં ચાંદીની આયાત જંગીમાત્રામાં વધી રહી છે. ચાંદીના વપરાશ વધવાના ક્રેઝનું સૌથી મોટું ઉદાહરણ હૈદરાબાદમાં જોવા મળ્યું છે. હૈદરાબાદમાં તાજેતરમાં માત્ર ચાંદી અને ચાંદીની બનાવટો વેચવાનો છ માળનો એક શો-રૂમ ઊભો થયો છે. ભારતનાં અનેક શહેરોમાં હવે આવા ચાંદીના મેગા શો-રૂમો ઊભા થઈ રહ્યા છે.