Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > સિંગલ પેરન્ટે શા માટે લાઇફ ઇન્શ્યૉરન્સમાં રોકાણ કરવાનું નજરઅંદાજ ન કરવું જોઈએ?

સિંગલ પેરન્ટે શા માટે લાઇફ ઇન્શ્યૉરન્સમાં રોકાણ કરવાનું નજરઅંદાજ ન કરવું જોઈએ?

Published : 13 September, 2023 02:15 PM | IST | Mumbai
Priyanka Acharya

આજે આપણે જોઈશું કે જો સિંગલ પેરન્ટની હયાતી ન રહે ત્યારે લાઇફ ઇન્શ્યૉરન્સ કેવી રીતે તમારા બાળક માટે એક નોંધપાત્ર ‘કુટુંબનું સભ્ય’ બની જાય છે.

પ્રતીકાત્મક તસવીર

વીમાની વાત

પ્રતીકાત્મક તસવીર


એવી પરિસ્થિતિઓ અનેકવાર નિર્માણ થતી હોય છે જ્યારે એક સ્ત્રી/પુરુષ એક સિંગલ માતા/પિતા તરીકે હોય છે. જીવનના વિવિધ તબક્કાઓ પર લાઇફ ઇન્શ્યૉરન્સ કેવી રીતે પરિવારને ટેકો આપે છે એ વિશે આપણે મારા ગયા લેખમાં જોઈ ગયા. આજે આપણે જોઈશું કે જો સિંગલ પેરન્ટની હયાતી ન રહે ત્યારે લાઇફ ઇન્શ્યૉરન્સ કેવી રીતે તમારા બાળક માટે એક નોંધપાત્ર ‘કુટુંબનું સભ્ય’ બની જાય છે.


૧. મુશ્કેલ સમય દરમ્યાનનો સાથી : કોઈ પણ બાળક માટે તેનાં માતા કે પિતાને ગુમાવવા એ ભાવનાત્મક રીતે ખૂબ પડકારજનક હોય છે. લાઇફ ઇન્શ્યૉરન્સ પૉલિસીમાંથી મળતી રકમ આવા સમયે તેમના ભારને થોડોક ઓછો કરવામાં સહાયરૂપ બને છે અને તેમને એ વખતે જરૂરી સ્થિરતા પ્રદાન કરે છે, કેમ કે એ દરમ્યાન આવા અઘરા સમયમાં તેઓ જીવનમાં ઍડ્જસ્ટ કરવાની કોશિશ કરતાં હોય છે. ગયા વખતના લેખમાં આપણે એક કિસ્સો જોયો હતો, જેમાં ગીતાએ ચાર વર્ષની તનુજાને દત્તક લીધી હતી. તનુજાએ તેનાં માતા-પિતાને એક અકસ્માતમાં ગુમાવ્યાં હતાં. હકીકતમાં જ્યારે તનુજાને દત્તક લેવામાં આવી ત્યારે ગીતાને એ પણ જાણ થઈ હતી કે જ્યારે પણ લાઇફ ઇન્શ્યૉરન્સ એજન્ટ તનુજાનાં માતા-પિતાને પૉલિસી ખરીદવા સમજાવતો હતો ત્યારે તેઓ લાઇફ ઇન્શ્યૉરન્સ પૉલિસી લેવાનું હંમેશાં ટાળતાં રહ્યાં હતાં. જો ગીતાએ તનુજાને દત્તક લીધી ન હોત તો તનુજાની જિંદગી ખૂબ જ દયનીય બની ગઈ હોત.



૨. નાણાકીય સુરક્ષા : એક સિંગલ પેરન્ટ તરીકે તમારી આવક તમારા બાળકની જરૂરિયાતોને પૂરી કરવા માટે મહત્ત્વપૂર્ણ છે. જો તમારું અણધાર્યું મૃત્યુ થઈ જાય તો તમારા બાળકને તમારી આવક વિના ગંભીર આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડશે. તમારી આવક બંધ થઈ જાય તો પણ લાઇફ ઇન્શ્યૉરન્સ પૉલિસીમાંથી મળનારી રકમ તમારા બાળકના જીવન જરૂરિયાતના ખર્ચ, ભણતરનો ખર્ચ અને અન્ય આવશ્યકતાઓને પૂરી પાડી શકે છે. આમ લાઇફ ઇન્શ્યૉરન્સ પૉલિસી તમારા બાળકને આર્થિક સુરક્ષિતતા પ્રદાન કરીને એનું ભવિષ્ય અંધકારમય થતું બચાવી શકે છે.


૩. બાકી ઉધારીને ચૂકવી શકાય છે : ઘણાં એકલાં માતા અથવા પિતાના માથા ઉપર લોન, અથવા ક્રેડિટ કાર્ડનાં બિલોની બાકી ચુકવણી અથવા બિઝનેસ માટે લીધેલી ઉધારી વગેરે હોઈ શકે છે. તમારી ગેરહાજરીમાં તમારા બાળક માટે આ બધાની ચુકવણી એક બોજ બની શકે છે. લાઇફ ઇન્શ્યૉરન્સનો  ઉપયોગ આ દેવાની ચુકવણી કરવા માટે થઈ શકે છે. એનાથી તમારા બાળકના ખભા પર આ આર્થિક બોજો ન આવે.

૪. કસ્ટોડિયલ કૅર : જો તમને કંઈ થઈ જાય તો તમારા બાળકની સંભાળ કોણ લેશે? લાઇફ ઇન્શ્યૉરન્સ પૉલિસી ‘કસ્ટોડિયલ કૅર’ માટે પૂરતુ ભંડોળ ઉપલબ્ધ કરાવવામાં મદદ કરી શકે છે. તે બાળકની સંભાળ રાખનાર વ્યક્તિને રોકી શકાય એ માટે અથવા જ્યાં સુધી


બાળક પુખ્ત વયે ન પહોંચે ત્યાં સુધી બાળકના વાલીને (ગાર્ડિયન) તમારા બાળકની જરૂરિયાતોને પહોંચી વળવા માટે થનારા ખર્ચને આવરીને મદદરૂપ થઈ શકે છે.

૫. સંપત્તિનું રક્ષણ : લાઇફ ઇન્શ્યૉરન્સ તમારી સંપત્તિને સુરક્ષિત કરવામાં મદદરૂપ થઈ શકે છે. નાણાકીય જવાબદારીઓને પહોંચી વળવા માટે તમારા બાદ તમારા બાળકને કીમતી સંપત્તિ, જેમ કે ઘર અથવા અન્ય રોકાણોને વેચ્યા વગર અને તેના પોતાના જીવનને વિક્ષેપિત કર્યા વગર પૉલિસીમાંથી મળેલી રકમનો ઉપયોગ આવા ખર્ચને પહોંચી વળવા માટે થઈ શકે છે.

લાઇફ ઇન્શ્યૉરન્સ પૉલિસી ખરીદવી એ માત્ર એક નાણાકીય નિર્ણય નથી, પરંતુ એ તમારા બાળકના ભાવિ માટે એના તરફના પ્રેમ અને અને તમારા બાદ પણ તેના માટે હૂંફની અભિવ્યક્તિ છે, આ પૉલિસી તેમને જીવનમાં સમૃદ્ધ અને સફળ થવા માટે જરૂરી ટેકો પૂરો પાડે છે. વીમાના અમુક પ્રકારો જે ખાસ કરીને એકલાં માતા કે પિતા માટે ખૂબ મહત્ત્વના છે એ છે ટર્મ ઇન્શ્યૉરન્સ, ચાઇલ્ડ પ્લાન્સ, ડેફર્ડ ઍન્યુઇટી પેન્શન પ્લાન્સ અને હોલ લાઇફ પ્રકારના એન્ડોવમેન્ટ પ્લાન્સ, જે આજીવન માટે પ્રીમિયમ અવધિ સમાપ્ત થયા પછી વાર્ષિક કરમુક્ત આવક પૂરી પાડે છે. પૉલિસી બાબતના આવા નિર્ણયો લેતાં પહેલાં એક લાઇફ ઇન્શ્યૉરન્સ નિષ્ણાત સાથે વિગતવાર ચર્ચા કરવી હંમેશાં શ્રેષ્ઠ બની રહે છે. એક સિંગલ પેરન્ટ તરીકે તમારા બાળક સાથે દસ્તાવેજો બાબત, ઇન્શ્યૉરન્સની બારીકીઓ વિશ, નૉમિનીએ કરવી પડતી ક્લેઇમની પ્રક્રિયા વિશે ચર્ચા કરવી ખૂબ મહત્ત્વની છે. જેવી રીતે એક સિંગલ પેરન્ટરૂપે તમે બાળકને તમામ પ્રેમ આપ્યો છે, બાળકને તમારી ચિંતાઓ અને મૂલ્યોનો ભાગ બનાવ્યું છે – એવી જ રીતે બાળક નિર્ભય રીતે વિશ્વનો સામનો કરવા યોગ્ય બની શકે એ માટે બાળકમાં આર્થિક સ્વતંત્રતા પણ આત્મસાત થાય એ પણ એટલું જ મહત્ત્વપૂર્ણ છે.

Whatsapp-channel Whatsapp-channel

13 September, 2023 02:15 PM IST | Mumbai | Priyanka Acharya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK