સાામાન્ય વર્ષ જાન્યુઆરીથી ડિસેમ્બરનું ગણાતું હોય તો ફાઇનૅન્શિયલ યર જુદું કરવા પાછળ ભારતની વૈવિધ્યસભર સંસ્કૃતિ, ઍગ્રિકલ્ચરલ પેદાશનું ચક્ર અને બ્રિટિશરોએ બનાવેલી ‘આગુ સે ચલી આતી હૈ’ જેવી સિસ્ટમ જવાબદાર છે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
આજે ૩૧ માર્ચ. ૨૦૨૩ની પહેલી એપ્રિલે શરૂ થયેલા નાણાકીય વર્ષનો આખરી દિવસ. ધંધાની આવકજાવકથી લઈને નફા-નુકસાનની ગણતરી કરી લઈને સરવૈયું કાઢી લેવાનો દિવસ. પગારદાર માણસો માટે ટૅક્સની ગણતરી અને ટૅક્સ ડિડક્ટેડ ઍટ સોર્સ (TDS) કપાયા પછીની વર્ષની છેલ્લી સૅલેરીનો દિવસ. જોકે દર વર્ષે આવતા આ ૩૧ માર્ચના દિવસને જ આપણે નાણાકીય વર્ષના છેલ્લા દિવસ તરીકે કેમ સ્વીકાર્યો? કૅલેન્ડર પ્રમાણે તો ડિસેમ્બર છેલ્લો મહિનો અને ૩૧ ડિસેમ્બર છેલ્લો દિવસ છે અને જાન્યુઆરી નવું વર્ષ તો પછી નાણાકીય ગણતરીઓ માટે માર્ચ અને એપ્રિલવાળી સાઇકલ શું કામ?