ડેટ ફન્ડ્સ અને બૅલૅન્સ્ડ ઍડ્વાન્ટેજ ફન્ડ્સમાં ચોક્કસ ફરક હોય છે, આ ફરક સમજવો જરૂરી છે, જેથી એના વધારાના લાભને સમજી શકાય
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
નાણાં ખરડો લોકસભામાં રજૂ થાય એ પૂર્વે એક આશ્ચર્યજનક પગલારૂપે એક સુધારો આમેજ કરાતાં મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગને ભારે ઝટકો લાગ્યો છે. અમુક શ્રેણીનાં મ્યુચ્યુઅલ ફન્ડ્સમાં ટૂંકા ગાળાના મૂડીલાભ (શૉર્ટ ટર્મ્સ કૅપિટલ ગેઇન્સ) અને લાંબા ગાળાના મૂડીલાભ (લૉન્ગ ટર્મ્સ કૅપિટલ ગેઇન્સ) વચ્ચેનો તફાવત દૂર કરવામાં આવતાં અણધારી ઘટનાએ આકાર લીધો છે.
જેવું આ અણધાર્યું પગલું છે એવો જ અણધાર્યો પ્રતિસાદ પણ અમુક વર્ગ તરફથી પ્રાપ્ત થયો છે. તેઓ માને છે કે બૅલૅન્સ્ડ ઍડ્વાન્ટેજ ફન્ડ્સ રોકાણનો ગાળો ખાસ કરીને લાંબો હોય તો એ ડેટ ફન્ડ્સનો વિકલ્પ બની શકે છે. જોકે આ બાબતે એ જાણવું જરૂરી છે કે મોટા ભાગના રોકાણકારો માટે આ પગલું ઉચિત નથી, કારણ કે બન્ને પ્રકારની શ્રેણીનાં ફન્ડ્સમાં જોખમની રૂપરેખા એકદમ ભિન્ન-ભિન્ન છે.
ADVERTISEMENT
હવે બૅલૅન્સ્ડ ઍડ્વાન્ટેજ ફન્ડ્સ શું છે એ જાણીએ
ડેટ ફન્ડ્સ મૂડીરોકાણ માત્ર ડેબ્ટ સિક્યૉરિટીઝમાં જ કરે છે, જ્યારે બૅલૅન્સ્ડ ઍડ્વાન્ટેજ ફન્ડ્સ ઇક્વિટી અને ડેબ્ટ બન્ને પ્રકારનાં સાધનોમાં રોકાણ કરે છે. આ ફન્ડ્સનો હેતુ ભાવ વધ-ઘટના જોખમને ઘટાડીને સ્થિર વળતર પૂરું પાડવાનો હોય છે. અહીં ઇક્વિટી અને ડેટ સાધનો વચ્ચે વિવિધ માપદંડોના આધારે અસ્ક્યામતોની ફાળવણી ગતિશીલ ફેરફાર સાથે હાથ ધરવામાં આવતી હોય છે.
બૅલૅન્સ્ડ ઍડ્વાન્ટેજ ફન્ડ્સ ફક્ત ઇક્વિટીમાં જ રોકાણ કરતાં ફન્ડ્સથી ઓછા જોખમે અને પરંપરાગત ડેબ્ટ ફન્ડ્સની સરખામણીમાં સંભવિત ઊંચું વળતર પૂરું પાડે છે. આ કામગીરી ફન્ડના સક્રિય પ્રબંધન મારફત હાંસલ કરાય છે. આમાં, ફન્ડ મૅનેજરોને નાણાંની સમાયોજિત ફાળવણી કરવાની અનુકૂળતા હોય છે. જોકે, આમાં એ નોંધવું પણ મહત્ત્વનું છે કે બૅલૅન્સ્ડ ઍડ્વાન્ટેજ ફન્ડ્સ ઇક્વિટી ફન્ડ્સની સરખામણીમાં નીચું વળતર આપી શકે છે અને ડેબ્ટ ફન્ડની તુલનામાં વધુ જોખમી પણ છે.
આ પણ વાંચો: શું તમે સારા રોકાણકાર છો?
લાંબા ગાળાનું રોકાણ કરવા ઇચ્છતા રોકાણકારો ઇક્વિટી ફન્ડ્સના વિકલ્પરૂપે બૅલૅન્સ્ડ ઍડ્વાન્ટેજ ફન્ડ્સ પર પસંદગી ઉતારી શકે છે. ફન્ડ્સની સમાયોજિત ફાળવણીની વ્યૂહનીતિ રોકાણકારને બજારના વિવિધ તબક્કાઓમાં રોકાણ જાળવી રાખવામાં મદદરૂપ બને છે અને આ રીતે, લાંબા ગાળા માટે સ્થિર વળતર પ્રાપ્ત થઈ શકે છે. જોકે, આ લાભ ડેટ ફન્ડ્સના રોકાણમાં મળતો નથી, કારણ કે ડેબ્ટ ફન્ડ્સની તુલનામાં બૅલૅન્સ્ડ ઍડ્વાન્ટેજ ફન્ડ્સ ચંચળ હોય છે.
બૅલૅન્સ્ડ ઍડ્વાન્ટેજ ફન્ડ્સ ચોક્કસપણે કરવેરાની દૃષ્ટિએ ડેટ ફન્ડ્સથી વધુ કાર્યક્ષમ છે, કારણ કે કરવેરાના હેતુસર બૅલૅન્સ્ડ ઍડ્વાન્ટેજ ફન્ડ્સને ઇક્વિટીલક્ષી ફન્ડ્સ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યાં છે. રોકાણ એક વર્ષથી વધુ સમયગાળા સુધી જાળવવામાં આવે તો ડેટ ફન્ડ્સની સરખામણીમાં ઇક્વિટી ફન્ડ્સમાં કૅપિટલ ગેઇન્સ ટૅક્સ નીચો રહે છે. બૅલૅન્સ્ડ ઍડ્વાન્ટેજ ફન્ડ્સમાં ઇક્વિટી અને ડેટ સાધનો બન્નેમાં રોકાણ થતું હોવાથી એ રોકાણકાર વર્ગને કરવેરા સંબંધી કાર્યક્ષમતા પૂરી પાડે છે.
ટૂંકમાં, ઇક્વિટી ફન્ડ્સની સરખામણીમાં ઓછા જોખમ સાથે સ્થિર વળતર અપાવી શકતા અને સમતોલ રોકાણનો વિકલ્પ ઇચ્છતા રોકાણકારો માટે બૅલૅન્સ્ડ ઍડ્વાન્ટેજ ફન્ડ્સ શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. જોકે આ ફન્ડ્સને ડેટ ફન્ડ્સના નહીં, પરંતુ ઇક્વિટી ફન્ડ્સના વિકલ્પ તરીકે જોવાં જોઈએ.

