શાકભાજી-તેલીબિયાં સહિતની ખાદ્ય ચીજોના ભાવ ઘટતાં મોંઘવારી ઘટી
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
દેશમાં મોંઘવારી ઘટી છે અને જથ્થાબંધ ભાવ આધારિત ફુગાવો ડિસેમ્બર ૨૦૨૨માં ઘટીને ૪.૯૫ ટકાના ૨૨ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો જેનું મુખ્ય કારણ ખાદ્ય ચીજો, ખાસ કરીને શાકભાજી અને તેલીબિયાંના ભાવમાં ઘટાડો છે.
જથ્થાબંધ ભાવ સૂચકાંક આધારિત ફુગાવો નવેમ્બર ૨૦૨૨માં ૫.૮૫ ટકા અને ડિસેમ્બર ૨૦૨૧માં ૧૪.૨૭ ટકા હતો. ગયા મહિને શાકભાજી અને ડુંગળીના ઘટતા ભાવે ખાદ્ય ચીજોના ફુગાવાના દરમાં ૧.૨૫ ટકાનો ઘટાડો થયો હતો. જોકે દૂધ જેવી પ્રોટીન સમૃદ્ધ વસ્તુઓની સાથે ઘઉં, કઠોળ અને બટાટા મોંઘાં થયાં હતાં. શાકભાજીમાં જથ્થાબંધ ફુગાવો ૩૫.૯૫ ટકા અને ડુંગળીમાં ૨૫.૯૭ ટકા ઘટ્યો છે.
ADVERTISEMENT
બિન-ખાદ્ય ચીજોમાં, તેલીબિયાં અને ખનીજોમાં પણ ફુગાવામાં અનુક્રમે ૪.૮૧ ટકા અને ૨.૯૩ ટકાનો ઘટાડો નોંધાયો હતો. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ડિસેમ્બર ૨૦૨૨માં ફુગાવાના દરમાં ઘટાડો એ મુખ્યત્વે ખાદ્ય ચીજવસ્તુઓ, ખનીજ તેલ, ક્રૂડ પેટ્રોલિયમ અને કુદરતી ગૅસ, ખાદ્ય ઉત્પાદનો, કાપડ અને રસાયણો તેમ જ રાસાયણિક ઉત્પાદનોના ભાવમાં ઘટાડાને કારણે છે.
હોલસેલ ફુગાવાનો છેલ્લો નીચો સ્તર ફેબ્રુઆરી ૨૦૨૧માં ૪.૮૩ ટકા નોંધાયો હતો. આમ આ સમયગાળા બાદ પહેલીવાર ફુગાવો પાંચ ટકાની અંદર આવ્યો છે. ડબ્લ્યુપીઆઇમાં મંદી ગયા અઠવાડિયે જારી કરાયેલા છૂટક ફુગાવાના ડેટાને અનુરૂપ છે જે દર્શાવે છે કે ડિસેમ્બરમાં સીપીઆઇ ફુગાવો ઘટીને ૫.૭૨ ટકા થયો છે.