મેં ૩૧ માર્ચ ૨૦૨૩ પહેલાં રોકાણ કરી લીધું છે. શું મને નવા સુધારાની અસર થશે?
ટેક્સ રામાયણ
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં સોનું બધા જ ઍસેટ ક્લાસમાં સૌથી સારી કામગીરી ધરાવતું હતું. એમાં વાર્ષિક ૧૩.૬ ટકાના દરે વળતર છૂટ્યું હતું. આજે આપણે સોના સંબંધે કરવામાં આવેલી નવી જોગવાઈની અસર વિશે જાણીશું.
અહીં જણાવવું રહ્યું કે ૩૧ માર્ચ ૨૦૨૩ સુધી ફિઝિકલ ગોલ્ડ અને ગોલ્ડ મ્યુચ્યુઅલ ફન્ડને એના હોલ્ડિંગ પિરિયડ અનુસાર કરવેરો લાગુ થતો હતો. જો ત્રણ વર્ષ કરતાં ઓછો હોલ્ડિંગ પિરિયડ હોય તો શૉર્ટ ટર્મના આધારે દરેક કરદાતાને લાગુ પડતા કરવેરાના સ્લૅબ અનુસાર કરવેરો લાગુ થતો. ત્રણ વર્ષ કરતાં વધુ હોલ્ડિંગ પિરિયડ હોય તો ઇન્ડેક્સેશનના લાભ સાથે ૨૦ ટકાના દરે કરવેરો લાગુ થતો હતો. ગોલ્ડ મ્યુચ્યુઅલ ફન્ડ બાબતે સોનાની શુદ્ધતાની ચિંતા કરવાની રહેતી હોતી નથી. વળી એના ખરીદભાવ અને વેચાણભાવ પર પારદર્શક રીતે નક્કી થતા હોય છે.
ADVERTISEMENT
બજેટમાં કરવામાં આવેલા ફેરફાર મુજબ જો ત્રણ વર્ષ કરતાં વધુનો હોલ્ડિંગ પિરિયડ હશે તો પણ ગોલ્ડ મ્યુચ્યુઅલ ફન્ડ પર હવે ઇન્ડેક્સેશનનો લાભ નહીં મળે અને કરદાતાના સ્લૅબ અનુસાર કરવેરો લાગુ થશે.
ઉક્ત ફેરફારને પગલે હવે ગોલ્ડ મ્યુચ્યુઅલ ફન્ડની તુલનાએ ફિઝિકલ ગોલ્ડ વધુ લાભદાયક ઠરશે. અહીં આપણે એક ઉદાહરણ દ્વારા આ મુદ્દાનો અભ્યાસ કરીએ. ધારો કે ધારા અને તારાએ ફિઝિકલ ગોલ્ડમાં બે-બે લાખ રૂપિયાનું રોકાણ કર્યું. ધર્મેશ અને તન્મયે ગોલ્ડ મ્યુચ્યુઅલ ફન્ડમાં બે-બે લાખ રૂપિયા રોક્યા.
આપણે જાણીએ છીએ કે હવે ન્યુ ટૅક્સ રેજિમ મુજબ ૩થી ૬ લાખ રૂપિયાની આવક પર પાંચ ટકા, ૬થી ૯ લાખ પર દસ ટકા, ૯થી ૧૨ લાખ પર ૧૫ ટકા અને ૧૨થી ૧૫ લાખ પર વીસ ટકા તથા ૧૫ લાખથી ઉપરની આવક પર ૩૦ ટકાના દરે કરવેરો લાગુ પડે છે. ધારો કે ધારા અને ધર્મેશ ૩૦ ટકાના સ્લૅબમાં છે અને તારા તથા તન્મય પાંચ ટકાના સ્લૅબમાં છે.
બજેટમાં ફિઝિકલ ગોલ્ડના કરવેરા સંબંધે કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જો હોલ્ડિંગ પિરિયડ ત્રણ વર્ષ કરતાં ઓછો હોય તો શૉર્ટ ટર્મ ટૅક્સ લાગુ પડે, જે સ્લૅબ પ્રમાણે હોય અને હોલ્ડિંગ પિરિયડ ત્રણ વર્ષ કરતાં વધુ હોય તો ઇન્ડેક્સેશનના લાભ સાથે ૨૦ ટકાના દરે કરવેરો લાગુ પડે છે.
ધારો કે ઉપર જેમની વાત થઈ એ ચારે વ્યક્તિઓમાંથી દરેકને ચાર વર્ષ રોકાણ રહેવા દીધા બાદ વેચાણમાં ૩ લાખ રૂપિયા મળ્યા.
ઉક્ત ઉદાહરણ પરથી સ્પષ્ટ થાય છે કે જે કરદાતા ઉપરના ટૅક્સ સ્લૅબમાં આવતા હોય તેમના માટે કરવેરાની દૃષ્ટિએ ફિઝિકલ ગોલ્ડ વધારે લાભદાયક ઠરે છે. જોકે ફિઝિકલ સોનું ખરીદતી વખતે સિક્કા અથવા ચોસલાની ખરીદી કરવી, જેથી ઘડામણનો ખર્ચ ઓછો લાગે. જે કરદાતાઓ નીચલા ટૅક્સ સ્લૅબમાં હોય તેમના માટે ગોલ્ડ મ્યુચ્યુઅલ ફન્ડ યોગ્ય છે.
અહીં ખાસ જણાવવું રહ્યું કે ગોલ્ડ મ્યુચ્યુઅલ ફન્ડ બાબતની જોગવાઈ બજેટમાં સામેલ નહોતી. એની જાહેરાત ફાઇનૅન્સ બિલના સુધારા તરીકે ૨૩મી માર્ચે કરવામાં આવી હતી. એ લાગુ થવાની તારીખ ૧ એપ્રિલ ૨૦૨૩ છે.
આ પણ વાંચો : જૂના અને નવા ટૅક્સ રેજીમમાંથી પસંદગી વેળાસર કરી લેવાનું મહત્ત્વ
પ્રશ્નઃ મેં ૩૧ માર્ચ ૨૦૨૩ પહેલાં રોકાણ કરી લીધું છે. શું મને નવા સુધારાની અસર થશે?
ઉત્તરઃ ના, નવી જોગવાઈ ૧ એપ્રિલ ૨૦૨૩થી અમલમાં આવી છે. ૩૧ માર્ચ ૨૦૨૩ સુધીમાં કરાયેલા રોકાણને લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન સંબંધે ઇન્ડેક્સેશનના લાભ સાથે વીસ ટકાના દરે કરવેરો લાગુ થશે.
પ્રશ્નઃ શું સોવરિન ગોલ્ડ બૉન્ડ પર આ ફેરફારની અસર થઈ છે?
ઉત્તરઃ ના, કોઈ અસર થઈ નથી. જે રોકાણકારો સોવરિન ગોલ્ડ બૉન્ડમાં આઠ વર્ષની મુદત એટલે કે પાકતી મુદત સુધી રોકાણ રાખી મૂકવા તૈયાર હોય તેમના માટે એ સૌથી સારું રોકાણ છે, કારણ કે એમાં મળનારી પાકતી રકમ કરમુક્ત હશે. વળી આ બૉન્ડમાં વર્ષે ૨.૫ ટકાના દરે વ્યાજ મળે છે અને સોનાના મૂલ્યમાં થતા વધારાનો લાભ પણ મળે છે. એમાં મળનારું વ્યાજ અન્ય સ્રોતમાંથી મળતી આવક તરીકે કરપાત્ર બને છે.
ધારા | ધર્મેશ | તારા | તન્મય | |
રોકાણનો પ્રકાર | ફિઝિકલ ગોલ્ડ | ગોલ્ડ મ્યુચ્યુઅલ ફન્ડ | ફિઝિકલ ગોલ્ડ | ગોલ્ડ મ્યુચ્યુઅલ ફન્ડ |
રોકાણની રકમ | ૨,૦૦,૦૦૦ | ૨,૦૦,૦૦૦ | ૨,૦૦,૦૦૦ | ૨,૦૦,૦૦૦ |
વેચાણની રકમ | ૩,૦૦,૦૦૦ | ૩,૦૦,૦૦૦ | ૩,૦૦,૦૦૦ | ૩,૦૦,૦૦૦ |
ચાર વર્ષ બાદ ઇન્ડેક્સેશનની ગણતરીના આધારે ખરીદભાવ | ૨,૩૩,૦૦૦ | લાગુ નથી | ૨,૩૩,૦૦૦ | લાગુ નથી |
કૅપિટલ ગેઇન્સ | ૬૭,૦૦૦ | ૧,૦૦,૦૦૦ | ૬૭,૦૦૦ | ૧,૦૦,૦૦૦ |
કરવેરો | ૨૦ ટકા | સ્લૅબ રેટ પ્રમાણે ૩૦ ટકા | ૨૦ ટકા | સ્લૅબ રેટના આધારે પાંચ ટકા |
કુલ કર (સેસ સહિત) | ૧૩,૯૩૬ | ૩૧,૨૦૦ | ૧૩,૯૩૬ | ૫,૨૦૦ |