જાન્યુઆરીની શરૂઆતમાં ઘઉંનો સ્ટૉક ૧૬૯.૩ લાખ ટને પહોંચ્યો : ચોખાનો સ્ટૉક પણ ઘટીને આઠ વર્ષના તળિયે પહોંચ્યો
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
સરકારી ગોડાઉનમાં ઘઉંનો સ્ટૉક સતત ઘટી રહ્યો છે. જાન્યુઆરીમાં કેન્દ્ર સરકાર હસ્તકનાં સરકારી ગોડાઉનમાં ઘઉંનો સ્ટૉક ઘટીને છ વર્ષની નીચી સપાટીએ પહોંચી ગયો છે. જોકે તે ફરજિયાત બફરનાં ધોરણોથી થોડો વધારે છે. ચોખાનો સ્ટૉક પણ આઠ વર્ષના તળિયે ૧૨૩ લાખ ટન થયો છે. જાન્યુઆરીની શરૂઆતમાં ફૂડ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા સાથે સરકારનો ઘઉંનો સ્ટૉક ૧૬૯.૩ લાખ ટન હતો, જે ગયા વર્ષની તુલનાએ ૪૮.૭૦ ટકા ઓછો છે અને સરકારના ૧૩૮ લાખ ટનના બફર સ્ટૉકના નિયમ કરતાં થોડો વધારો છે એમ એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું.
ખાદ્ય મંત્રાલયના એક અધિકારીના જણાવ્યા અનુસાર સરકારી ગોડાઉનમાં ઘઉંનો જથ્થો ખુલ્લા બજારમાં આવે એ જરૂરી છે, જેનાથી ભાવ નીચા આવી શકે છે. ફૂડ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા જાન્યુઆરી-માર્ચ મહિના માટે ઘઉંનો કુલ ૨૦ લાખ ટનનો જથ્થો વેચાણ કરે એવી સંભાવના છે.
ADVERTISEMENT
જ્યાં સુધી સરકાર હસ્તક્ષેપ ન કરે અને નવી સીઝનનો પાક ન આવે ત્યાં સુધી દેશમાં ઘઉંના ભાવ ઊંચા રહેવાની ધારણા છે, એમ બજારના સહભાગીઓએ જણાવ્યું હતું. ઉત્તર ભારતમાં ભાવ હાલમાં ૨૯૦૦ રૂપિયા પ્રતિ ૧૦૦ કિલો છે, જે વર્તમાન સીઝન માટે સરકારના ૨૦૧૫ રૂપિયાના લઘુત્તમ ટેકાના ભાવથી વધુ છે. એપ્રિલથી ઘઉંના ભાવમાં ૩૧ ટકાનો વધારો થયો છે.
ઉત્પાદનનો સારો દેખાવ અને સાનુકૂળ હવામાન આગામી દિવસોમાં કિંમતો પર ભાર મૂકે એવી અપેક્ષા છે. દેશમાં ઘઉંનો એકંદર વિસ્તાર આશરે ૩૩૨ લાખ હેક્ટર છે, જે એક વર્ષ અગાઉ કરતાં એક ટકા વધુ છે, કૃષિ મંત્રાલયના ડેટા દર્શાવે છે.
દેશમાં અનાજનો કુલ સ્ટૉક વાર્ષિક ધોરણે ૪૬.૮ ટકા અને મહિનામાં ચાર ઘટીને ૨૯૩.૪ લાખ ટન હતો. ફૂડ કૉર્પ ઑફ ઇન્ડિયા દ્વારા સંચાલિત ગોડાઉનમાં ચોખાનો સ્ટૉક ૧૨૩.૧ લાખ ટનની આઠ વર્ષની નીચી સપાટીએ હતો.