કુલ રવી વાવેતર વિસ્તાર ગયા વર્ષની તુલનાએ ૪.૩૭ ટકા વધ્યો
પ્રતીકાત્મક તસવીર
દેશમાં રવી પાકોનું વાવેતર સરેરાશ ગયા વર્ષની તુલનાએ ચાર ટકા જેવું વધ્યું છે. સૌથી વધુ વવાતા પાક એવાઘઉંના વાવેતર માં ત્રણ ટકાનો વધારો થઈને વાવેતર વિસ્તાર ૩૧૨ લાખ હેક્ટરે પહોંચી ગયો છે. ઘઉંનું વાવેતર આ વર્ષે ૩૧૫થી ૩૨૦ લાખ હેક્ટર વચ્ચે થાય એવી ધારણા છે. કેન્દ્રીય કૃષિ મંત્રાલયના તાજા આંકડાઓ મુજબ દેશમાં ૨૩ ડિસેમ્બર સુધીમાં કુલ વાવેતર વિસ્તાર ૬૨૦ લાખ હેક્ટરે પહોંચ્યો છે, જે ગયા વર્ષની તુલનાએ ૪.૩૭ ટકાનો વધારો બતાવે છે.
દેશમાં કઠોળ પાકોના વાવેતરમાં ચણાનું વાવેતર સરેરાશ સ્ટૅબલ રહીને ૧૦૩ લાખ હેક્ટરમાં થયું છે, જે ગત વર્ષે ૧૦૨ લાખ હેક્ટરમાં થયું હતું. વટાણાનું વાવેતર આ વર્ષે દેશમાં ઘટ્યું છે.
ADVERTISEMENT
તેલીબિયાં પાકોમાં રાયડાનું વાવેતર ૮.૫૮ ટકા વધીને ૯૨.૬૭ લાખ હેક્ટરમાં થયું છે, જે ગત વર્ષે ૮૫.૩૫ લાખ હેક્ટરમાં થયું હતું, જ્યારે કુલ તેલીબિયાં પાકોનું વાવેતર ૧૦૧.૪૭ લાખ હેક્ટરમાં થયું છે. શિયાળુ મગફળીનું વાવેતર ૧૫ ટકા વધીને ૩.૯૬ લાખ હેક્ટરમાં થયું છે.
ધાન્ય પાકોમાં બાજરી-જુવારનાં વાવેતર ઘટ્યાં છે. બાજરીના વાવેતર તો બહુ જૂજ થાય છે, જ્યારે જુવારના વાવેતર ૨૦.૬૫ લાખ હેક્ટરમાં થયા છે.