સરકારના પ્રાથમિક અંદાજ મુજબ પાકમાં ઘટાડાનો અંદાજ : પંજાબ, હરિયાણા-રાજસ્થાનના પાકમાં ૨૫થી ૫૦ ટકા સુધીનો ઘટાડો થશે
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
દેશમાં છેલ્લા એક મહિના દરમ્યાન સતત વરસાદ-માવઠું, આંધી અને કરા પડવાને કારણે ઘઉંનાં પાકમાં મોટું નુકસાન પહોંચ્યું છે અને સરકાર દ્વારા પ્રાથમિક અંદાજ મુજબ ૧૦ લાખ ટન ઘઉંના પાકનો અંદાજ ઘટે એવી ધારણા મુકાઈ રહી છે. જોકે સરકારે સત્તાવાર ઘટાડેલો અંદાજ હજી મૂક્યો નથી. કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિએ લણણીના તબક્કે પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના વિસ્તારમાં ઘઉંના પાકને નોંધપાત્ર નુકસાન પહોંચાડ્યું છે, જેના પરિણામે લગભગ આ વિસ્તારમાં ૨૫થી ૫૦ ટકા નુકસાન થયું છે. વધુમાં, હવામાન બ્યુરોએ ૨૯ માર્ચથી ઉત્તર-પશ્ચિમમાં વરસાદ અને અતિવૃષ્ટિની આગાહી કરી છે, જે અગાઉના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી બચવામાં સફળ રહેલા પાકને વધુ નુકસાન પહોંચાડી શકે છે.
કૃષિ મંત્રાલય રાજ્યો સાથે પાકના નુકસાનનું પ્રાથમિક મૂલ્યાંકન કરે એવી શક્યતા છે. પંજાબ અને હરિયાણા સરકારે પહેલેથી જ ખાસ સર્વેનો આદેશ આપ્યો છે અને અસરગ્રસ્ત ખેડૂતોને વળતર આપવાનું વચન આપ્યું છે.
ADVERTISEMENT
ઘઉંનો નિકાસ પ્રતિબંધ ચાલુ જ રહેશે : એફસીઆઇ
ફૂડ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયાના ચીફ અશોક કે. મીણાએ ઘઉંનો નિકાસ પ્રતિબંધ ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી ભારતના ઘરેલુ પુરવઠામાં અનુકૂળતા આવશે નહીં. એટલે સરકારી ગોડાઉનમાં ઘઉંનો સ્ટૉક પૂરતો નહીં થાય ત્યાં સુધી નિકાસ પ્રતિબંધ ચાલુ રહેશે.
આ પણ વાંચો: એફસીઆઇ દ્વારા ખુલ્લા બજારમાં ઘઉંનું વેચાણ બંધ
તાજેતરના વરસાદને કારણે ઘઉંના ઉત્પાદનને અસર થશે નહીં, ઉત્પાદન લક્ષ્ય હાંસલ કરવાનો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. જોકે ક્વૉલિટીને અસર થઈ શકે છે. સમગ્ર દેશમાં ઘઉંની ખરીદી શરૂ થઈ ગઈ છે અને મધ્ય પ્રદેશમાં અત્યાર સુધીમાં ૧૦,૭૨૭ ટન ઘઉંની ખરીદી કરવામાં આવી છે, એમ મીણાએ જણાવ્યું હતું.
ઘઉંની ટેકાના ભાવથી ખરીદી હવે વિલંબમાં પડશે
દેશમાં ઘઉંના પાકમાં નુકસાન અને લસ્ટરલોસ ક્વૉલિટી વધારે થઈ ગઈ હોવાથી ઘઉંની ટેકાના ભાવથી ખરીદી વિલંબમાં પડી શકે છે. સામાન્ય રીતે એપ્રિલની શરૂઆતમાં ખરીદી શરૂ થઈ જતી હોય છે.
સેન્ટ્રલ પૂલ માટે ઘઉંની ખરીદીમાં પખવાડિયા સુધી વિલંબ થવાની સંભાવના છે, કારણ કે ખેડૂતો લણણી કરેલ અનાજ સૂકાઈ જવાની રાહ જુએ છે, કારણ કે કમોસમી વરસાદને કારણે ભેજનું પ્રમાણ વધ્યું છે.
એફસીઆઇના અધિકારીઓએ જણાવ્યું હતું કે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં પ્રાપ્તિ કેન્દ્રો પહેલેથી જ ખોલવામાં આવ્યાં છે, જ્યાં આવક વહેલી શરૂ થાય છે અને પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં પહેલી એપ્રિલ સુધીમાં તૈયાર થઈ જશે. જોકે જ્યાં ખરીદી ચાલુ થઈ છે ત્યાં પણ અત્યાર સુધીમાં કોઈ મોટી ખરીદી થઈ નથી.