હિંડનબર્ગ-અદાણી-SEBI પ્રકરણ માર્કેટમાં પૅનિક લાવશે?
સ્ટૉક ટ્રેન્ડ
પ્રતીકાત્મક તસવીર
શનિવાર સાંજથી આખો રવિવાર રોકાણકાર તેમ જ કૉર્પોરેટ વર્ગ અને ફાઇનૅન્શિયલ જગતમાં એક ચર્ચા જોરશોરમાં હતી કે સોમવારે બજારમાં શું થશે? કડાકા-ધડાકા? ક્રૅશ? કયા સ્ટૉક્સ કેટલા તૂટશે? અદાણી ગ્રુપ કે અન્ય ગ્રુપના સ્ટૉક્સનું શું થશે? કે આખું માર્કેટ જ? ફરી વાર કુખ્યાત વિદેશી રિસર્ચ-બ્રોકિંગ કંપની હિંડનબર્ગનું ભૂત ભારતીય માર્કેટ પર ધૂણવા લાગ્યું છે. આ વખતે તો એણે અદાણી ગ્રુપ જ નહીં, નિયમન સંસ્થા SEBIના ચૅરપર્સન પર ગંભીર આક્ષેપ કર્યો છે જેને SEBI દ્વારા રદિયો આપી દેવાયો છે, પરંતુ માર્કેટનો માહોલ ડહોળાવાની શક્યતા વધી છે. માર્કેટ-મૂડ અને સેન્ટિમેન્ટ બગડવા સાથે ગભરાટ અને અનિશ્ચિતતા વધી શકે. જોકે બજારના અનુભવીઓ આ સંભવિત અસરને ટૂંકા ગાળાની અસર તરીકે જોશે એવું કહેવાય છે. બાકી તો સોમવારે બજાર પર પડનારી વાસ્તવિક અસર ઘણા સંકેત આપશે
આમ તો વીતેલા સપ્તાહમાં માર્કેટમાં કરેક્શન અને રિકવરીની જોરદાર રમત ચાલી. કરેક્શનમાં જાણે એવું લાગતું કે હવે માર્કેટ તૂટ્યા જ કરશે, ત્યાં તો રિકવરી આવી જાય. કારણોના કેન્દ્રમાં ગ્લોબલ પરિબળો આવી ગયાં હતાં, જેમાં દુકાળમાં અધિક માસ ઉમેરાય એમ હિંડનબર્ગ નામની વિદેશી રિસર્ચ અને બ્રોકિંગ કંપનીએ અદાણી ગ્રુપ પર આ વખતે નવેસરથી અને નવા દાવ સાથે આક્રમણ કર્યું છે. એણે સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI)નાં ચૅરપર્સન માધબી બુચ અને અદાણી ગ્રુપ વચ્ચે મિલીભગત હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે, જેણે સમગ્ર મૂડીબજાર અને ફાઇનૅન્શિયલ માર્કેટને અચંબા-આઘાતમાં મૂકી દીધાં છે. માધબી બુચ અને તેમના પતિ પર પણ અદાણી પાસેથી લાભ લેવાના સિરિયસ આક્ષેપ થયા છે. એને SEBI-ચૅરપર્સને રદિયો આપી આ આક્ષેપોને તદ્દન પાયાવિહોણા ગણાવ્યા છે, પરંતુ સ્થાનિક અને ગ્લોબલ સ્થાપિત હિતોને તો મેલી રમત રમવી હોય તો એ કોઈ પણ હદે જઈ શકે છે એવું બજારનો બહોળો વર્ગ માને છે. હજી થોડો વખત પહેલાં જ હિંડનબર્ગે અદાણી ગ્રુપ પર આક્ષેપો કરેલા એની વાત હજી તાજી છે અને એના પરિણામે અદાણી સ્ટૉક્સની, બજારની શું દશા થઈ હતી, સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલ્યો હતો અને SEBIએ-સુપ્રીમે અદાણી ગ્રુપને ક્લીન ચિટ આપી દેતાં અદાણીના સ્ટૉક્સ કેવા સુધરીને પુનઃ ઊછળ્યા હતા એ પણ સૌની નજર સામે છે. જોકે આ વખતે આક્ષેપ વધુ ગંભીર બનીને આવ્યો છે, જેમાં ભારતના નિયમનકાર સામે જ સવાલ-શંકા ઊભાં થયાં. અલબત્ત, આ મામલો સરકાર માટે પણ એટલો જ સિરિયસ હોવાથી સરકાર પણ આનો જવાબ આપશે. હવે આજે (સોમવારે) બજાર કેવો રિસ્પૉન્સ આપે છે એના પર સૌની મીટ છે.
ADVERTISEMENT
ગ્લોબલ અસરોવાળો અમંગળ સોમવાર
હજી ગયો સોમવાર અમંગળ પુરવાર થયો અને આ બીજો સોમવાર અતિ નેગેટિવ આશંકા લઈને આવ્યો છે. અમેરિકા રિસેશન તરફ જઈ રહ્યું છે, જપાનમાં આર્થિક સમસ્યા તીવ્ર બનતાં વ્યાજદરમાં વધારો કરાયો, જેની અસર એની કરન્સી પર પણ થઈ છે, ઈરાન-ઇઝરાયલ તેમ જ રશિયા-યુક્રેન વચ્ચે તનાવ ચાલી રહ્યો છે અને લેટેસ્ટમાં બંગલાદેશમાં રાજકીય ક્રાઇસિસ ઊભી થઈ છે. આવાં નેગેટિવ સમાચારોનાં વાદળો ફેલાઈ રહ્યાં છે જેને પરિણામે ભારતીય સ્ટૉકમાર્કેટ ગયા સોમવારે જોરદાર કડાકા સાથે તૂટ્યું; જોકે બીજા જ દિવસે માર્કેટે રિકવરી પણ દર્શાવી. આવું બાકીના દિવસોમાં પણ ચાલુ રહ્યું. ઇન શૉર્ટ, અત્યારે તો ભારતીય અર્થતંત્ર સાબૂત અને વિકાસતરફી દિશામાં છે ત્યાં સુધી પૅનિક થવાની જરૂર રહેશે નહીં.
ગયો સોમવાર અમંગળ રહેતાં સેન્સેક્સમાં ૨૨૨૨ પૉઇન્ટથી અને નિફ્ટીમાં ૬૬૦ પૉઇન્ટથી વધુનું ગાબડું પડી ગયું હતું, બજાર ખૂલતાંની સાથે જ નેગેટિવ ગ્લોબલ ઘટનાઓ પોતાની અસરો દેખાડવા લાગી હતી. આમ તો આગલા શુક્રવારે જે ૮૮૫ પૉઇન્ટનો કડાકો આવ્યો હતો એમાં આવી જ અસર હતી જે સોમવારે વધુ જોરપૂર્વક તૂટી પડી હતી. આમ પણ માર્કેટમાં કરેક્શન ક્યારનું પાકી ગયું હતું. એને ટેકો આપતાં એકસાથે ઘણાં કારણો ભેગાં થઈ ગયાં હતાં.
બજાર વધુ તૂટતાં અટક્યું
મહત્ત્વની વાત એ છે કે ગ્લોબલ સ્તરે જે માહોલ અને સમસ્યાઓ ચાલી રહી છે એવી સમસ્યાઓથી આપણો દેશ મહદંશે મુક્ત રહ્યો છે એટલે અત્યારનું કરેક્શન લાંબું ચાલે એવું લાગતું નથી. ઘટાડામાં ખરીદી પણ જોરથી આવતી રહે તો નવાઈ નહીં. ઘણાં ફન્ડ્સ કરેક્શનની રાહમાં ઊભા હોવાનું કહેવાય છે. આ જ બાબત મંગળવારે માર્કેટ ખૂલતાંની સાથે જોવા મળી હતી. સેન્સેક્સ ૧૦૦૦ પૉઇન્ટ આસપાસ રિકવર થયો, પરંતુ બજાર બંધ થવા સુધીમાં વધઘટ થતી રહી અને આખરે સેન્સેક્સ ૧૬૬ પૉઇન્ટ અને નિફ્ટી ૨૧ પૉઇન્ટ માઇનસ બંધ રહ્યા. નોંધનીય એ હતું કે બીજા જ દિવસે બજાર વધુ તૂટતાં અટકી ગયું. બુધવારે માર્કેટે નેટ રિકવરી નોંધાવી, સેન્સેક્સ ૮૭૫ પૉઇન્ટ અને નિફ્ટી ૩૦૫ પૉઇન્ટના સુધારા સાથે બંધ રહ્યા હતા. આ સાથે સ્મૉલ-મિડકેપમાં પણ ઉછાળો નોંધાયો હતો. માર્કેટે બહુ ઝડપથી બાઉન્સબૅક કર્યું હતું.
ફુગાવાની ચિંતા અકબંધ
ગુરુવારે રિઝર્વ બૅન્કની જાહેર થયેલી નાણાનીતિમાં વર્ષ ૨૦૨૪-’૨૫ માટે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) ગ્રોથ-રેટ ૭.૨ ટકા જાળવી રખાયો હતો અને વ્યાજદરમાં જૈસે થેની સ્થિતિ પણ જાળવી રખાઈ હતી. રિઝર્વ બૅન્કને હજી પણ ફૂડ ઇન્ફ્લેશનની ચિંતા સતાવી રહી છે, જેને કારણે એ વ્યાજદરમાં ઘટાડો ટાળી રહી છે. ગ્લોબલ સ્તરે સિચુએશનને ધ્યાનમાં રાખી રિઝર્વ બૅન્ક વધુ સાવેચતીનો અભિગમ રાખી રહી છે. સેન્સેક્સ ૫૮૨ પૉઇન્ટ અને નિફ્ટી ૧૮૦ પૉઇન્ટ માઇનસ બંધ રહ્યા હતા.
અમેરિકાની પૉઝિટિવ અસરોનો ઉછાળો
શુક્રવારે બજારે ગુરુવારના કરેક્શનને ધોઈ નાખી ફરી ઉછાળાનાં દર્શન કરાવ્યાં હતાં. સેન્સેક્સ ૮૨૦ પૉઇન્ટ અને નિફ્ટી ૨૫૦ પૉઇન્ટની રિકવરી સાથે બંધ રહ્યા હતા. આ વખતે અમેરિકા જૉબ ડેટા પૉઝિટિવ જાહેર થવાની અસર હતી, જેણે રિસેશનની શક્યતાના ભયને દૂર કર્યો હતો. આ ઉપરાંત અમેરિકામાં સપ્ટેમ્બરમાં બે વાર રેટ-કટ આવવાના સંકેત આવતાં વૉલસ્ટ્રીટે પણ સક્રિય સુધારો દર્શાવ્યો હતો. આમ અમેરિકન માર્કેટ-ઇકૉનૉમીની અસરે ભારતીય માર્કેટની ચાલને પુનઃ પૉઝિટિવ બનાવી હતી. આમ સપ્તાહના પ્રથમ દિવસે તૂટેલું બજાર સપ્તાહના અંતિમ દિવસે ઊછળીને બંધ રહ્યું હતું. રોકાણકારોએ આવી બાબતોથી એક ખાસ શીખ એ લેવી જોઈએ કે કોઈ પણ સમાચારોના આધારે તરત ગભરાટમાં આવી જવું નહીં તેમ જ ઘેલમાં પણ આવી જવું નહીં, અપવાદરૂપ ઘટના સિવાય આવી અસરો ટૂંકા ગાળાની હોય છે. રોકાણકારો નિરીક્ષણ કરશે તો ખ્યાલ આવશે કે માર્કેટનાં કરેક્શન-રિકવરીનાં પરિબળ સતત બદલાયા કરે છે. હાલના દિવસોમાં એકધારી રિકવરી અને ઊંચાઈનો સમય ગયો, હવે ગ્લોબલ પરિબળો વધુ હાવી રહેશે એમ જણાય છે, જેના પુરાવારૂપે બજેટનું ટ્રિગર પત્યા બાદ જોઈએ તો માર્કેટ એક-બે દિવસ તૂટે કે ઘટે અને એક-બે દિવસ ઊછળે કે વધે છે. માર્કેટની સાતત્યપૂર્ણ ચાલનો અંદાજ બાંધવો મુશ્કેલ છે.
પડકારો સામે તક
જોકે હજી ઊંચા વૅલ્યુએશનની ચિંતા પણ કરવી રહી, બજાર પાસે વધુપડતી આશા રાખવી નહીં, સિલેક્ટેડ સ્ટૉક્સ અને એ પણ લાંબા ગાળા માટે રાખવા. નબળા ફન્ડામેન્ટલ્સવાળા સ્ટૉક્સની પાછળ તણાઈ જવું નહીં. જો હાલ એ માર્કેટમાં ચાલતા હોય-વધતા હોય તો પણ એનાથી લલચાશો નહીં. હવે નજર ગ્લોબલ ઘટનાઓ પર વધુ રાખવી જોઈશે. આ બધા સંજોગો વચ્ચે પ્રવેશેલું હિંડબર્ગના રિપોર્ટનું પ્રકરણ બજારમાં હેવી કરેક્શન લાવશે તો પણ એ લાંબુ ચાલશે નહીં એવું અનુભવી-જાણકારો માને છે, સક્ષમ રોકાણકારો આ પડકારરૂપ સમયને તક પણ બનાવી શકે.
બજાર તૂટે તો શું કરવું?
જો આજે બજાર બહુ મોટે પાયે તૂટે તો રોકાણકારોએ પૅનિકમાં ન આવવું અને વેચવાલીમાં ઊતરી જવું નહીં, બલકે વેઇટ ઍન્ડ વૉચ કરવું. જો બજાર રિપોર્ટની સદંતર ઉપેક્ષા કરી મોટે પાયે ઊંચકાય તો પ્રૉફિટ બુક કરવો અથવા ન્યુટ્રલ રહેવું. SEBI અને અદાણીએ હિંડનબર્ગના આક્ષેપોને પાયાહીન ગણાવ્યા હોવાથી આ રિપોર્ટનું સુરસુરિયું પણ થઈશકે. યાદ રહે હિંડનબર્ગની પોતાની વિશ્વસનીયતા સામે પણ સવાલો છે.
વિશેષ ટિપ
ગભરાટના સમયમાં જ્યારે લોકો શૅર્સ વેચી નીકળવા માંડે ત્યારે સ્માર્ટ રોકાણકારો સમય અને સ્ટૉક્સ જોઈ ખરીદી શરૂ કરી દે છે. લોકો પૅનિકમાં હોય ત્યારે પર્ચેઝનો ઉત્તમ સમય ગણાય.