લાંબા ગાળાનાં લક્ષ્યોમાં નિવૃત્તિ માટેનું ભંડોળ ભેગું કરવાનો સમાવેશ થાય છે.
ફાઇનૅન્સ પ્લાન
પ્રતીકાત્મક તસવીર
રોકાણકારોએ પોતાનાં નાણાકીય લક્ષ્યોને ધ્યાનમાં રાખીને રોકાણ કરવાનું હોય છે. અમુક લક્ષ્યો ટૂંકા ગાળાનાં હોય છે, જેમ કે કાર ખરીદવી કે વિદેશમાં ફરવા જવું. લાંબા ગાળાનાં લક્ષ્યોમાં નિવૃત્તિ માટેનું ભંડોળ ભેગું કરવાનો સમાવેશ થાય છે. જોકે કેટલાક રોકાણકારો ફક્ત કરવેરો ચૂકવવો ન પડે એટલા માટે રોકાણ કરતા હોય છે.
અહીં જણાવવું ઘટે કે જો તમે નાણાકીય આયોજન કર્યું ન હોય તો કોઈ પણ લક્ષ્ય સુધી પહોંચવાનું મુશ્કેલ બની જાય છે.
ADVERTISEMENT
દરેક વ્યક્તિએ પોતાનાં નાણાંનું વ્યવસ્થાપન કરવા માટે અને રોકાણના યોગ્ય નિર્ણયો લેવા માટે નાણાકીય આયોજન કરવું જરૂરી છે. નાણાકીય આયોજન, કરવેરાનું આયોજન અને નાણાંનું વ્યવસ્થાપન એ ત્રણે એકસાથે ચાલતી પ્રક્રિયા હોય છે.
આજકાલ બજારમાં રોકાણ માટેની એટલી બધી યોજનાઓ છે કે રોકાણકારો ગૂંચવાઈ જાય છે. તમે નાણાકીય આયોજન કરેલું હોય અને પોતાનાં લાંબા તથા ટૂંકા ગાળાનાં લક્ષ્યો નક્કી કરી રાખેલાં હોય તો યોગ્ય યોજના સહેલાઈથી પસંદ કરી શકાય છે.
લક્ષ્યો નક્કી કર્યા બાદનું કામ જોખમ ખમવાની પોતાની ક્ષમતા નક્કી કરવાનું હોય છે. બજારમાં એકસરખી દેખાતી અનેક યોજના હોય છે, પરંતુ એમાંથી દરેકનું સ્વરૂપ અલગ-અલગ હોય છે અને એમાં રહેલાં જોખમો પણ અલગ-અલગ હોય છે. આથી જ્યાં સુધી જોખમ સહન કરવાની પોતાની શક્તિનો અંદાજ કાઢવામાં આવે નહીં ત્યાં સુધી એમાં રોકાણ કરવામાં જોખમ હોય છે.
જે રોકાણકારો કોઈ જ જોખમ લેવા ઇચ્છતા નથી અથવા તો જેમની જોખમ ખમવાની ક્ષમતા ઓછી હોય તેઓ નિશ્ચિત વ્યાજ આપનારી યોજનાઓમાં રોકાણ કરવાનું પસંદ કરતા હોય છે. અહીં એ પણ જણાવવું રહ્યું કે જોખમ વગરનું કોઈ જ રોકાણ હોતું નથી. નિશ્ચિત વળતરની યોજનાઓને પણ અમુક જોખમો લાગુ પડતાં હોય છે. જેઓ નિશ્ચિત વળતરની યોજનાઓને પસંદ કરતા નથી એમના માટે મ્યુચ્યુઅલ ફન્ડ મારફતે રોકાણ કરવાનું ઉચિત બની રહે છે.
મ્યુચ્યુઅલ ફન્ડમાં રોકાણ કરવાનું હવે સામાન્ય બની ગયું છે. એમાં રોકાણકારોને ડાઇવર્સિફિકેશનનો અને જોખમ વ્યવસ્થાપનનો એમ બન્ને લાભ મળે છે. સેબીએ જોખમ ખમવાની ક્ષમતા, રોકાણનો ઉદ્દેશ, યોજનાના સ્વરૂપ, રોકાણના વ્યૂહ, ઍસેટ એલોકેશન વગેરે બાબતોને ધ્યાનમાં રાખીને મ્યુચ્યુઅલ ફન્ડની શ્રેણીઓ નક્કી કરી છે.
આ પણ વાંચો : કેન્દ્રીય બજેટ પાસેથી પગારદાર વર્ગની અપેક્ષાઓ
એક શ્રેણીનું નામ કોન્ટ્રા ફન્ડ છે. અન્ય મ્યુચ્યુઅલ ફન્ડ સ્કીમની તુલનાએ કોન્ટ્રા ફન્ડ સાવ અલગ રીતે કામ કરે છે. કોન્ટ્રા ફન્ડ એવા ઍસેટ ક્લાસમાં રોકાણ કરે છે, જેમાં નજીકના ભવિષ્યમાં સુધારો જોવા મળવાની શક્યતા હોય.
ફન્ડ મૅનેજરો આ ફન્ડ હેઠળ એવી સિક્યૉરિટીઝની ખરીદી કરતા હોય છે, જેનું મૂલ્ય હાલ ઓછું હોય છે અને નજીકના ભવિષ્યમાં એમાં વૃદ્ધિની શક્યતા દેખાતી હોય. આ રોકાણો લાંબા ગાળાના લક્ષ્યને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. આથી ટૂંકા ગાળા માટે રોકાણ કરવા ઇચ્છતા રોકાણકારોએ કોન્ટ્રા ફન્ડમાં રોકાણ કરવું જોઈએ નહીં.
અહીં જણાવવું રહ્યું કે કોન્ટ્રા ફન્ડને બધા રોકાણકારો પસંદ ન પણ કરે, કારણ કે આ ફન્ડ એવી કૉમોડિટીઝ અને સિક્યૉરિટીઝમાં રોકાણ કરે છે, જેનું મૂલ્ય હાલ ઘણું ઘટી ગયું હોય છે. કોઈ પણ ઍસેટ ક્લાસમાં સતત વધારો કે ઘટાડો થતો નથી એ વાત સાચી, પરંતુ કેટલાક રોકાણકારો પ્રવાહથી વિપરીત જઈને રોકાણ કરવામાં માનતા નથી. તમે કોન્ટ્રા ફન્ડમાં રોકાણ કરો કે પછી બીજી કોઈ ઇક્વિટી યોજનામાં, દરેક મ્યુચ્યુઅલ ફન્ડ સ્કીમને બજારની વૉલેટિલિટીની અસર થતી હોય છે અને એમાં મળતાં વળતર પણ નિશ્ચિત હોતાં નથી.
મ્યુચ્યુઅલ ફન્ડમાં રોકાણ કરતાં પહેલાં પૂરતું સંશોધન કરી લેવું જોઈએ અથવા તો નિષ્ણાતની સલાહ લેવી જોઈએ એટલું છેલ્લે કહી દેવું પણ જરૂરી છે.