ટર્મ પ્લાન લેવાનું મહત્ત્વ શું છે?
ટર્મ પ્લાન (PC : YourStory)
જીવનમાં જીવન વીમાનું સ્થાન અગત્યનું છે એ વાત જાણ્યા પછી આપણે હવે એ બાબત જાણી લેવી જોઈએ કે વીમામાં ટર્મ પ્લાનનું શું મહત્ત્વ છે. પરંપરાગત રીતે વીમાના જે પ્લાન મળતા આવ્યા છે એના કરતાં ઘણા ઓછા પ્રીમિયમે ટર્મ પ્લાન મળતા હોય છે. લોકો વીમાને રોકાણનું સાધન ગણતા આવ્યા છે, પરંતુ હવે ધીમે-ધીમે જાગરૂકતા આવી રહી છે અને ટર્મ પ્લાનની પસંદગી વધવા લાગી છે. વીમાધારકના અવસાન વખતે મોટી રકમ પરિવારજનોના હાથમાં આવે અને તેમને આર્થિક મુસીબત ન નડે એ માટે વીમો લેવાનો હોય છે અને એ ઉદ્દેશને ટર્મ પ્લાન સાર્થક કરે છે.
એન્ડોવમેન્ટ પ્લાન અને ટર્મ પ્લાન વચ્ચે પ્રીમિયમની રકમનો તફાવત ઘણો મોટો હોય છે અને એનું શું પરિણામ આવે છે એ જાણવા માટે એક ઉદાહરણ જોઈ લઈએ... ધારો કે એક મહિલાની ઉંમર ૩૫ વર્ષ છે. તેમને આવતાં ૨૫ વર્ષ માટે ૫૦ લાખ રૂપિયાનું રિસ્ક કવર જોઈએ છે (પ્રીમિયમ અને વળતરના આંકડા અનુમાનિત છે).
એન્ડોવમેન્ટ પૉલિસી હેઠળ :
વાર્ષિક પ્રીમિયમ: ૨,૦૦,૦૦૦
વળતર: ૫૦ લાખ રૂપિયા + જો કોઈ બોનસ જાહેર થાય તો એ (પૉલિસી પાકે ત્યારે અથવા પૉલિસીના સમયગાળા દરમ્યાન વીમાધારકનું અવસાન થાય ત્યારે) અપેક્ષિત રકમ ૧.૧૦ કરોડ રૂપિયા થાય. વળતરનો દર લગભગ ૫થી ૬ ટકા થાય.
ટર્મ પૉલિસી હેઠળ:
વાર્ષિક પ્રીમિયમ: ૨૦,૦૦૦ રૂપિયા
વળતર: વીમાધારક જીવે ત્યાં સુધી ઝીરો. જો વીમાધારકનું અવસાન થાય તો જ ૫૦ લાખ રૂપિયા મળે.
મુખ્ય મુદ્દો: એન્ડોવમેન્ટ પૉલિસી અને ટર્મ પ્લાનના પ્રીમિયમ વચ્ચેનો તફાવત ૧.૮ લાખ રૂપિયા થાય. જો દર વર્ષે ૧.૮ લાખ રૂપિયાનું ૨૫ વર્ષ સુધી રોકાણ કરવામાં આવે તો સરેરાશ ૧૦ ટકા જેટલું વળતર છૂટી શકે. ૧૦ ટકા વળતરના આધારે કુલ ૧.૯૪ કરોડ રૂપિયા જેટલી રકમ ભેગી થઈ જાય.
ઉપરોક્ત ઉદાહરણ પરથી આપણે જોઈ શકીએ છીએ કે ટર્મ પ્લાન લેવાથી વીમો પણ એટલી જ રકમનો મળે છે અને એમાં બચેલી રકમનું રોકાણ કરીને એન્ડોવમેન્ટ પૉલિસી કરતાં વધુ વળતર પ્રાપ્ત થઈ શકે છે. એક ટર્મ પ્લાન લઈ લીધો હોય તો એ આજીવન પૂરતો થઈ રહે છે. વીમાધારકે ઘણી બધી પૉલિસી લેવાની જરૂર રહેતી નથી. પ્રીમિયમના તફાવતની રકમનું રોકાણ કરીને વધુ વળતર કમાવાની શક્યતા રહે છે. આ રીતે પરિવારને વધુ આર્થિક રક્ષણ આપી શકાય છે. આ મુદ્દાના આધારે કહી શકાય કે જીવનમાં પૈસા કમાવા જેટલું જ મહત્ત્વ નાણાંનું વ્યવસ્થાપન કરવાનું છે.