આપણે પૈસાનાં વિવિધ સ્વરૂપોના તથા નાણાંના પ્રવાહના સ્રોતના આધારે પૈસા પ્રત્યે અલગ-અલગ દૃષ્ટિકોણ ધરાવીએ છીએ
ફન્ડના ફન્ડા
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
નાની ઉંમરે ગીતા ફોગાટે એક પછી એક ‘દંગલ’ જીતવાનું શરૂ કર્યું અને ઇનામની સારી એવી રકમ મળવા માંડી. રકમ નાની હતી, પણ એનું મૂલ્ય ઘણું મોટું હતું. ઇનામની રકમ એટલી મૂલ્યવાન હતી કે તેના પિતા મહાવીર સિંહ ફોગાટ એ પૈસા અલગથી સાચવીને રાખતા હતા. ફિલ્મ ‘દંગલ’માં આ બાબત ખાસ દર્શાવવામાં આવી છે. મહાવીર સિંહ પટિયાલામાં સ્પોર્ટ્સ ઍકૅડેમી ખાતે પોતાની દીકરીની આ સિદ્ધિનો ખજાનો અધિકારીઓને ગર્વપૂર્વક બતાવે છે. મહાવીર સિંહ ફોગાટનું આ વર્તન સમજી શકાય એવું છે. જોકે આ વાતને તર્કસંગત રીતે જોઈએ તો આશ્ચર્ય થાય છે અને સવાલ થાય છે કે મહાવીર સિંહે પૈસા ફાઇલોમાં પૈસા કેમ રાખ્યા, ખર્ચ્યા કેમ નહીં? તેમને પોતાની પુત્રીની તાલીમ માટે ઘણી મોટી રકમની જરૂર હતી, છતાં તેમણે પુત્રીના પૈસાને હાથ પણ લગાવ્યો નહોતો.
આપણે પૈસાનાં વિવિધ સ્વરૂપોના તથા નાણાંના પ્રવાહના સ્રોતના આધારે પૈસા પ્રત્યે અલગ-અલગ દૃષ્ટિકોણ ધરાવીએ છીએ. ઉપરોક્ત કિસ્સામાં, પુત્રીના ઇનામની રકમ હોવાથી એ ઘણી જ મૂલ્યવાન હતી. બીજી બાજુ, લૉટરીમાં જીતેલા પૈસા ઘણી વાર ખૂબ સરળતાથી વેડફી નાખવામાં આવે છે. ઘણા લોકો આવકવેરાનું રીફન્ડ મળે ત્યારે એનો ખર્ચ કરી નાખે છે, જાણે કે એ નાણાં મફત મળ્યાં હોય.
ADVERTISEMENT
આ વલણને ‘માનસિક અકાઉન્ટિંગ’ તરીકે ઓળખવામાં આવે છે. આપણે પોતાનાં નાણાં આવકના સ્રોતના આધારે અથવા અલગ-અલગ હેતુઓ માટે મગજના ‘હિસાબના ચોપડા’માં અલગ-અલગ ખાતામાં વહેંચી દઈએ એના જેવી આ વાત છે.
અહીંની ચર્ચાનો ઉદ્દેશ મહાવીર સિંહ ફોગાટે શું કર્યું અથવા અન્ય ઘણાં માતા-પિતા પોતાનાં બાળકોના પૈસા સાથે શું કરે છે એની ટીકા કરવાનો નથી, પરંતુ આવા પ્રકારનો પૂર્વગ્રહ હોય છે એ દર્શાવવાનો છે. આ વલણ સારું છે કે ખરાબ એ જે-તે પરિસ્થિતિ પરથી નક્કી થાય છે.
આ પૂર્વગ્રહ ક્યારેક માણસના પોતાના લાભમાં હોય છે અને ક્યારેક નુકસાનકારક હોય છે. ચાલો આપણે કેટલાંક ઉદાહરણો પરથી આ વાત સમજીએ...
ક્યાંકથી અણધાર્યા પૈસા મળી જાય તો એને ‘મોજશોખ અથવા મનોરંજન માટેનાં નાણાં’ નામના માનસિક ખાનામાં ગોઠવી દેવાય છે. જ્યારે લૉટરી લાગે ત્યારે મળતી રકમને ‘ઓચિંતા મળેલા પૈસા’ના ખાનામાં ગોઠવવામાં આવે છે. લૉટરી તો ભાગ્યે જ લાગતી હોય છે, પણ લોકો પગારવધારો, બોનસ કે પ્રૉપર્ટી વેચીને મળતી રકમને પણ ઘણી વાર આ જ માનસિક ખાનામાં મૂકે છે. કેટલીક વાર આવકવેરા ખાતા પાસેથી મળેલા રીફન્ડની પણ એ જ રીતે ગણતરી થાય છે. ખરી રીતે તો આપણા જ અગાઉ કપાઈ ગયેલા પૈસા રીફન્ડ તરીકે પાછા મળતા હોય છે. એમાં અણધાર્યું કે ઓચિંતું કંઈ જ થતું નથી. પગારવધારો પણ દર વર્ષે અપેક્ષિત હોય છે અને મહેનતનું ફળ હોય છે. એને રાબેતા મુજબની જ આવક ગણવી જોઈએ.
બીજું ઉદાહરણ બજારમાં ઉપલબ્ધ રોકાણ અને વીમાને લગતી કેટલીક પ્રોડક્ટ્સનું છે. દા.ત. ચિલ્ડ્રન્સ પ્લાન. ઘણી વાર રોકાણકારો આવી પ્રોડક્ટ્સના નામને કારણે લાગણીમાં આવી જઈને એની ખરીદી કરી લેતા હોય છે. આમાં મુખ્ય મુદ્દો એ છે કે આવી યોજનાઓમાંથી ઘણી યોજનાઓમાં લાંબો લૉક ઇન પિરિયડ હોય છે. એને લીધે તમારી નાણાંની પ્રવાહિતા ઘટી જાય છે. જ્યારે આવી પ્રોડક્ટમાં ધારણા કરતાં ઓછું વળતર મળે ત્યારે લોકોને ભૂલ સમજાય છે.
બાળકો પોતે કમાતાં નથી અને તેમના પર કોઈ નિર્ભર હોતું નથી તો પછી તેમને માટે જીવન વીમો લેવાની જરૂર જ ક્યાં છે! આવી બિનજરૂરી પ્રોડક્ટ્સ લેવાઈ જાય નહીં એ માટે નાણાકીય સલાહકારો ક્લાયન્ટ્સને પોતપોતાનાં નાણાકીય લક્ષ્યોના આધારે રોકાણ કરવાની સલાહ આપતા હોય છે. આમ, તમારું મગજ અલગ-અલગ લક્ષ્યોને ધ્યાનમાં રાખીને ચાલવા માંડે છે. આમાં પણ મેન્ટલ અકાઉન્ટિંગ લાગુ પડે છે, પરંતુ એ પરિવારના હિતમાં હોય છે. લક્ષ્ય આધારિત રોકાણમાં સફળતા મળવાની શક્યતા વધારે હોય છે.
પગારવધારાની બાબતે લાગુ થતા મેન્ટલ અકાઉન્ટિંગને કેવી રીતે સંભાળી લેવું એની વાત કરીએ. એક, તમે પગારવધારામાં મળતી વધારાની રકમનો ઉપયોગ મ્યુચ્યુઅલ ફન્ડની એસઆઇપીમાં ટૉપ-અપ કરાવવા માટે કરી શકો છો. બે, તમે અંદાજિત પગારવધારાની ટકાવારીને ધ્યાનમાં રાખીને મ્યુચ્યુઅલ ફન્ડ હાઉસને પહેલેથી જ કહીને રાખી શકો છો કે દર વર્ષે એસઆઇપીની રકમમાં એટલા ટકાનો ઉમેરો કરી દેવો. બીજો રસ્તો પગાર વધે ત્યારે નાણાકીય સલાહકાર સાથે મીટિંગ ગોઠવી દેવી, જેથી તેઓ યોગ્ય સલાહ આપી શકે.
ઉક્ત ચર્ચા પરથી કહી શકાય કે ઘણા પૂર્વગ્રહોને તમે પોતાના લાભમાં ઉપયોગમાં લઈ શકો છો. તમને આ કામમાં ઉપયોગી થાય એવી અનેક પ્રોડક્ટ્સ અને સુવિધાઓ મ્યુચ્યુઅલ ફન્ડમાં છે.