બિઝનેસ પોતાના ઑર્ગેનાઇઝેશનમાંના મુખ્ય કર્મચારી અથવા પોતાના બિઝનેસ માટે ખૂબ જ મહત્ત્વની હોય એવી વ્યક્તિ માટે કી મૅન લાઇફ ઇન્સ્યૉરન્સ, જેને કી પર્સન ઇન્સ્યૉરન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે તે ખરીદે છે.
પ્રતીકાત્મક તસવીર
બિઝનેસ પોતાના ઑર્ગેનાઇઝેશનમાંના મુખ્ય કર્મચારી અથવા પોતાના બિઝનેસ માટે ખૂબ જ મહત્ત્વની હોય એવી વ્યક્તિ માટે કી મૅન લાઇફ ઇન્સ્યૉરન્સ, જેને કી પર્સન ઇન્સ્યૉરન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે તે ખરીદે છે. આ પણ લાઇફ ઇન્સ્યૉરન્સ પૉલિસીનો જ એક પ્રકાર છે. આવી મહત્ત્વની વ્યક્તિના મૃત્યુ અથવા પંગુતાના કિસ્સામાં કંપનીને આવી વ્યક્તિ ગુમાવવાથી જે સંભવિત આર્થિક નુકસાન થઈ શકે એની અસર ઓછી કરવા માટે કંપની જ આ પૉલિસી ખરીદે છે જેમાં બેનિફિશયરી કંપની પોતે જ હોય છે.
આજે સ્ટાર્ટ-અપ્સ અને નવા ઊભરતા વ્યવસાયોની દુનિયામાં, હું દરેક વ્યવસાયના માલિકને આ લેખ કાળજીપૂર્વક વાંચવા અને પોતાના સ્ટાર્ટ-અપ્સ/એસએમઈ/એમએસએમઈમાં આ મુદ્દા ઉપર વિચાર કરવા માટે વિનંતી કરું છું!
કી મૅન લાઇફ ઇન્સ્યૉરન્સ કેવી રીતે કાર્ય કરે છે અને તે કેમ મહત્ત્વપૂર્ણ છે?
૧. કી (મહત્ત્વની) વ્યક્તિઓની ઓળખ : એક કંપનીની સફળતામાં નિર્ણાયક ભૂમિકા ભજવનારી વ્યક્તિઓને કંપની ઓળખે છે. આવી વ્યક્તિઓમાં ટોચના અધિકારીઓ, કંપનીના સ્થાપકો, મુખ્ય સેલ્સ-પર્સનસ, ટેક્નિકલ નિષ્ણાતો અથવા એવી અન્ય કોઈ પણ વ્યક્તિ જેની કુશળતા, જ્ઞાન અથવા યોગદાન કંપનીની કામગીરી અને નફાકારકતા માટે આવશ્યક છે.
૨. પૉલિસીની ખરીદી : કંપની/બિઝનેસ આવી કી વ્યક્તિના જીવન માટે લાઇફ ઇન્સ્યૉરન્સ પૉલિસી ખરીદે છે. આ પૉલિસી કંપનીની માલિકીની હોય છે, કંપની જ તેનું પ્રીમિયમ પણ ચૂકવે છે.
૩. પૉલિસીના લાભો : આવી મહત્ત્વની વ્યક્તિના મૃત્યુ અથવા અપંગતાના કિસ્સામાં લાઇફ ઇન્સ્યૉરન્સ કંપની (લાભકર્તા)ને ડેથ બેનિફિટ (મૃત્યુ લાભ) અથવા (ડિઝેબિલિટી બેનિફિટ) અપંગતાનો લાભ આપે છે.
૪. મળેલી રકમનો ઉપયોગ : આવી રીતે પૉલિસીના બેનિફિટ પેઠે મળેલી રકમનો ઉપયોગ કંપની દ્વારા વિવિધ હેતુઓ માટે કરી શકાય છે, જેમ કે :
ગુમાવાયેલી આવકને સરભર કરવા માટે : આવી મહત્ત્વની વ્યક્તિની ગેરહાજરીને કારણે કંપનીની આવકમાં થયેલી નુકસાનની ભરપાઈ કરવા માટે કંપની આ રકમનો ઉપયોગ કરી શકે છે.
નવી વ્યક્તિની ભરતી તેમ જ તાલીમ માટે : આવી મહત્ત્વની વ્યક્તિની જગ્યાએ બીજી નવી યોગ્ય વ્યક્તિની ભરતી કરવા તેમ જ તેને તાલીમ આપવા પાછળ આ રકમ વાપરી શકાય છે.
દેવાની ચુકવણી કરવા માટે : કંપની માટે અમુક દેવું લેતી વખતે આવા કી પર્સને જો ગૅરન્ટી આપી હોય તો તેવા દેવાને ચૂકવવા માટે આ રકમનો ઉપયોગ કરી શકાય છે.
બિઝનેસનું સાતત્ય જાળવી રાખવા માટે : આવા બદલાવના સમય દરમ્યાન બિઝનેસની સ્થિરતા માટે તેની કાર્યવાહી યોગ્ય રીતે ચલાવવી બહુ જ મહત્ત્વની હોય છે. આ માટે કંપની પાસે નાણાંનો સ્રોત હોવો જરૂરી હોય છે. આવા સમયે આ રકમનો ઉપયોગ થઈ શકે છે.
૫. કરલાભો : ઘણા કિસ્સાઓમાં, કી મૅન લાઇફ ઇન્સ્યૉરન્સ માટે ચૂકવવામાં આવતા પ્રીમિયમ બિઝનેસના ખર્ચ તરીકે કર-કપાતપાત્ર હોઈ શકે છે અને ડેથ બેનિફિટ તો સામાન્ય રીતે કરમુક્ત હોય છે. જોકે ટૅક્સના કાયદાઓ દેશ અને ક્ષેત્ર પ્રમાણે અલગ હોઈ શકે છે તેથી માર્ગદર્શન માટે ટૅક્સ કન્સલ્ટન્ટ અથવા ઇન્સ્યૉરન્સ બાબતોના નિષ્ણાત સાથે સલાહ લેવી મહત્ત્વપૂર્ણ છે.
કી મૅન લાઇફ ઇન્સ્યૉરન્સના ફાયદાઓ
૧. જોખમમાં ઘટાડો કરી શકાય છે : કી મૅન લાઇફ ઇન્સ્યૉરન્સને કારણે કંપની માટે આવી મહત્ત્વની વ્યક્તિના ન રહેવાથી કંપનીને આર્થિક નુકસાનીનું જે જોખમ ઉઠાવવું પડે છે એ જોખમને ઓછું કરી શકાય છે. આવા પડકારદાયક સમયમાં કંપની પોતાના બિઝનેસને સરળતાથી ચલાવી શકે એવી સુરક્ષિતતા આ પૉલિસી આપે છે.
૨. બિઝનેસનું સાતત્ય જળવાય છે: બિઝનેસમાં જે મહત્ત્વની વ્યક્તિ હોય તેને ગુમાવવાથી કંપનીની કાર્યવાહી ઉપર તેમ જ આવક ઉપર નકારાત્મક અસર પડે છે. કી મૅન ઇન્સ્યૉરન્સ પૉલિસીમાંથી મળતી રકમની મદદથી કંપની તેનું કામકાજ સરળતાથી ચાલુ રાખી શકે છે, બીજી યોગ્ય વ્યક્તિની ભરતી કરી શકે છે તેમ જ બીજા હાજર કર્મચારીઓને પણ સાચવી શકે છે.
૩. હિસ્સેદારોમાં વિશ્વસનીયતા: કંપનની મુખ્ય વ્યક્તિની અણધારી ગેરહાજરીના કિસ્સામાં કંપની પાસે એવી પરિસ્થિતિથી નીપટવાની યોજના છે એવી માહિતીથી કંપનીના રોકાણકારો, લેણદારો તેમ જ ભાગીદારોમાં કંપનીની વિશ્વસનીયતા બાબતે વધારો થઈ શકે છે.
૪. રોકાણકારો અથવા ખરીદદારોને આકર્ષિત કરવા : કી મૅન ઇન્સ્યૉરન્સ પૉલિસી કોઈ કી વ્યક્તિની ગેરહાજરી સાથે સંકળાયેલ માનવામાં આવતા જોખમને ઘટાડે છે. આથી જો કંપની રોકાણકારો અથવા સંભવિત ખરીદદારોની શોધ કરી રહી હોય તો આ પૉલિસી વ્યવસાયને વધુ આકર્ષક બનાવવામાં ઉપયોગી નીવડે છે.
૫. અન્ય કર્મચારીઓનું મનોબળ : કંપનીએ કી કર્મચારીની ખોટ સામે રક્ષણ મેળવવા માટે પગલાં લીધાં છે તે જાણીને કંપનીના અન્ય કર્મચારીઓના મનોબળ અને આત્મવિશ્વાસને વેગ મળે છે, કારણ કે તેઓને તેમની નોકરીની સુરક્ષા અને ભાવિ સ્થિરતા પ્રત્યેની કંપનીની પ્રતિબદ્ધતાની ખાતરી થાય છે.
કી મૅન લાઇફ ઇન્સ્યૉરન્સ એવા વ્યવસાયો માટે એક મહત્ત્વપૂર્ણ રિસ્ક મૅનેજમેન્ટનું સાધન છે જે કંપનીઓ તેમની સફળતા માટે ચોક્કસ વ્યક્તિઓ પર ખૂબ આધાર રાખે છે. આ પૉલિસી અનિશ્ચિતતાના સમય દરમ્યાન નાણાકીય સુરક્ષા અને સ્થિરતા પ્રદાન કરે છે અને મુખ્ય વ્યક્તિની ગેરહાજરીમાં પણ બિઝનેસનો ગ્રોથ થતો રહેશે એની ખાતરી આપે છે.