પ્રશ્ન : મારી દીકરીના નામે એક પૉલિસી લીધેલી છે. આવતા મહિને તેનાં લગ્ન છે. તેણે લગ્ન પછી પિયરનું નામ અને અટક રાખવાનો નિર્ણય લીધો છે. શું અમારે તેની પૉલિસીની વિગતોમાં કોઈ ફેરફાર કરાવવાની જરૂર છે ખરી?
વીમાની વાત
પ્રતિકાત્મક ફાઇલ તસ્વીર
ભારતમાં લોકો કરવેરાનો લાભ મળે એ માટે વીમો લેવાનું પસંદ કરે છે એ વાત નવી નથી. દર વર્ષે બજેટમાં પણ કરવેરાની રાહતો મળે એની લોકો કાગડોળે રાહ જોઈને બેઠા હોય છે. ગઈ પહેલી ફેબ્રુઆરીએ રજૂ કરાયેલા કેન્દ્રીય બજેટમાં કરાયેલી કેટલીક જાહેરાતો વિશે સ્પષ્ટતા કરવા જેવી લાગી હોવાથી આજે એની રજૂઆત કરી રહી છું...
સૌથી પહેલાં એ જણાવવાનું કે ૩૧ માર્ચ, ૨૦૨૩ પહેલાં જેમણે વીમા પૉલિસીઓ લઈ લીધેલી છે એમને બજેટની જાહેરાતોની અસર નહીં થાય. તમને કદાચ યાદ હશે કે જ્યારે જીએસટી લાગુ કરવામાં આવ્યો ત્યારે એના અમલની તારીખ પહેલાંની પૉલિસીઓને જીએસટી લાગુ થયો નહોતો. ત્યાર બાદની બધી પૉલિસીઓમાં હવે જીએસટી ઉમેરવામાં આવે છે. આ જ વાત બજેટમાં હાલ કરાયેલી જાહેરાતો માટે સાચી છે.
ADVERTISEMENT
મારા ધ્યાનમાં આવ્યું છે કે ઘણા લોકોને પ્રવર્તમાન જીવન વીમા પૉલિસીઓ સરેન્ડર કરીને બીજાં સાધનોમાં રોકાણ કરવા માટેની ખોટી સલાહ આપવામાં આવી છે. આથી જ એ મુદ્દો કે બજેટની જાહેરાતો જૂની પૉલિસીઓને લાગુ નહીં પડે એની સૌને જાણ કરવી જરૂરી છે.
બીજો મુદ્દો વાર્ષિક પાંચ લાખ રૂપિયા કરતાં ઓછું પ્રીમિયમ ધરાવનારી નવી પૉલિસીઓનો છે. ૧ એપ્રિલ ૨૦૨૩ પછી વાર્ષિક પાંચ લાખ રૂપિયા કરતાં ઓછા પ્રીમિયમની પૉલિસીઓ પર કરવેરાની કોઈ અસર નહીં થાય. અત્યાર સુધી જીવન વીમા પૉલિસીઓની પાકતી રકમ આવકવેરા ધારાની કલમ ૧૦(૧૦)ડી હેઠળ કરમુક્ત હતી, પરંતુ હવે એટલે કે ૧ એપ્રિલ ૨૦૨૩ પછી આ જોગવાઈ ફક્ત વાર્ષિક પાંચ લાખ રૂપિયા કરતાં ઓછા પ્રીમિયમની પૉલિસીઓને જ લાગુ થશે.
ત્રીજો મુદ્દો વાર્ષિક પાંચ લાખ રૂપિયા કરતાં વધુ પ્રીમિયમની પૉલિસીઓનો છે.
૧ એપ્રિલ ૨૦૨૩ પછી વાર્ષિક પાંચ લાખ રૂપિયા કરતાં વધુ પ્રીમિયમની પૉલિસીઓ પર બજેટની અસર થશે. આમ, ઉપર જણાવ્યા મુજબ પાંચ લાખ રૂપિયા કરતાં વધુ પ્રીમિયમની પૉલિસીઓની પાકતી રકમને કરવેરો લાગુ થશે. જોકે અહીં એક સ્પષ્ટતા કરી દેવી જરૂરી છે કે ઘણા પૉલિસીધારકોએ એવું ધારી લીધું કે કલમ ૮૦સી હેઠળ વીમાના પ્રીમિયમનું જે ડિડક્શન મળે છે એ નહીં મળે. હકીકતમાં આ ડિડક્શન પર કોઈ અસર થવાની નથી. બજેટમાં કરાયેલી જાહેરાત પ્રીમિયમ માટે નહીં, પણ પાકતી રકમ માટે છે. ધારો કે જો ૩૫ વર્ષનો કોઈ યુવાન વર્ષે પાંચ લાખ રૂપિયા કરતાં વધુ પ્રીમિયમની પૉલિસી ખરીદે છે અને એની મુદત ૨૫ વર્ષની છે. તો આ યુવાનને ઉંમરના ૬૦મા વર્ષે જે પાકતી રકમ મળશે એ કરપાત્ર હશે.
અહીં ફરી એક વાર કહેવાનું કે જીવન વીમા પૉલિસી કરવેરો બચાવવાની દૃષ્ટિએ લેવાની જરૂર નથી. દરેકની હ્યુમન લાઇફ વૅલ્યુના આધારે પૉલિસી લેવી જોઈએ.
સવાલ તમારા…
પ્રશ્ન : મારી દીકરીના નામે એક પૉલિસી લીધેલી છે. આવતા મહિને તેનાં લગ્ન છે. તેણે લગ્ન પછી પિયરનું નામ અને અટક રાખવાનો નિર્ણય લીધો છે. શું અમારે તેની પૉલિસીની વિગતોમાં કોઈ ફેરફાર કરાવવાની જરૂર છે ખરી?
ઉત્તર : નામમાં ભલે ફેરફાર ન હોય, તેનાં લગ્ન થવાના હોવાથી મેરિટલ સ્ટેટસમાં ફેરફાર થશે. આથી સંબંધિત શાખામાં મૅરેજ સર્ટિફિકેટ સુપરત કરીને એ ફેરફાર કરાવી લેવો. લગ્ન પછી સરનામું તથા અન્ય વિગતોમાં પણ ફેરફાર થઈ શકે છે. જો તમારાં દીકરી નૉમિનીમાં ફેરફાર કરાવવા માગતાં હોય તો એ પણ કરાવી લેવો જોઈએ. શક્ય છે કે નૉમિનીમાં હવે માતા-પિતાને બદલે જીવનસાથીનું નામ રાખવાનો વિચાર હોય. આમ, ભલે નામમાં ફરક ન હોય, બીજા ઘણા ફેરફારો કરાવવાની જરૂર પડી શકે છે.