જોકે આવતા વર્ષે લોકસભાની ચૂંટણીઓ આવવાની હોવાથી સરકાર લોકોને ખુશ કરનારું બજેટ લાવે અને અપેક્ષાઓ પૂરી થાય તો સારું, એવું કહેવામાં આવી રહ્યું છે
ફાઇનૅન્સ પ્લાન
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
દર વર્ષે બજેટ જાહેર થવા પહેલાં લોકો એની પાસેથી ઘણી અપેક્ષાઓ રાખે છે. આ વખતે પણ એવું જ થશે. જોકે આવતા વર્ષે લોકસભાની ચૂંટણીઓ આવવાની હોવાથી સરકાર લોકોને ખુશ કરનારું બજેટ લાવે અને અપેક્ષાઓ પૂરી થાય તો સારું, એવું કહેવામાં આવી રહ્યું છે. ચાલો, આપણે કરવેરાને લગતી જોગવાઈઓ બાબતેની અપેક્ષાઓ વિશે વાત કરીએ...
આવકવેરો : આજની તારીખે નાગરિકોને જૂની અને નવી એમ બે કરવેરા પદ્ધતિમાંથી પસંદગી કરવાની તક મળે છે. જૂનીમાં અનેક ડિડક્શન્સ અને એક્ઝૅમ્પ્શન્સ મળે છે, જે નવીમાં નથી મળતાં. પગારદાર કરદાતાઓ ઇચ્છે છે કે સરકાર ૨.૫ લાખ રૂપિયા સુધીની કરમુક્ત મર્યાદાને વધારીને પાંચ લાખ રૂપિયા કરી દે.
ADVERTISEMENT
કૅપિટલ ગેઇન્સ ટૅક્સ : હાલ અલગ-અલગ કૅપિટલ ઍસેટ્સને કૅપિટલ ગેઇન્સ ટૅક્સ લાગુ કરવા માટે અલગ-અલગ સમયગાળા રાખવામાં આવ્યા છે. આ સ્થિતિને સરળ બનાવવી જરૂરી છે. ડેટ ફન્ડનાં યુનિટ અને સોનું ઓછામાં ઓછું ત્રણ વર્ષ રાખવામાં આવે ત્યારે એ લૉન્ગ ટર્મ કૅપિટલ ઍસેટ બને છે, જ્યારે ઇક્વિટી ફન્ડનાં યુનિટ અને લિસ્ટેડ ઇક્વિટી શૅર માટે હોલ્ડિંગનો આ સમયગાળો એક વર્ષનો છે. રિયલ એસ્ટેટ અને અનલિસ્ટેડ શૅર બે વર્ષ રાખ્યા બાદ એને લૉન્ગ ટર્મ કૅપિટલ ઍસેટ કહેવાય છે. ઇક્વિટી લૉન્ગ ટર્મ ઍસેટ કહેવાય છે, પરંતુ એક વર્ષના હોલ્ડિંગ પછી એમાં જે કૅપિટલ ગેઇન મળે એ લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન બને છે અને એને ૧૦ ટકાના દરે લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન્સ ટૅક્સ લાગુ પડે છે. આથી ઘણા લોકો એક વર્ષ પૂરું થયે પ્રૉફિટ બુક કરી લેતા હોય છે. ખરી રીતે ઇક્વિટીમાં લાંબા ગાળા માટે રોકાણ થાય એ જરૂરી છે. એને પ્રોત્સાહન આપવા માટે સરકારે પગલાં ભરવાની જરૂર છે. લિસ્ટેડ સ્ટૉક્સ, અનલિસ્ટેડ સ્ટૉક્સ કે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફન્ડ પર ઓછામાં ઓછાં ૧૦ વર્ષ સુધી કૅપિટલ ગેઇન્સ ટૅક્સ લાગુ થવો જોઈએ નહીં.
શૅરના બાયબૅક પરનો કરવેરો : કંપનીઓ શૅરનું બાયબૅક કરી શકે છે. એમાં ટેન્ડર ઑફર અને ઓપન માર્કેટ ઑફર એમ બે પ્રકાર હોય છે. ટેન્ડર ઑફરમાં કંપનીએ ૨૦ ટકા વત્તા સરચાર્જ વત્તા સેસ મળીને કુલ ૨૩.૩ ટકા કરવેરો ભરવો પડે છે. શૅરધારકોએ એમાં કૅપિટલ ગેઇન પર કોઈ કરવેરો ભરવો પડતો નથી. ઓપન માર્કેટ ઑફરમાં કંપની એક્સચેન્જ પર વેચાણકર્તાઓ પાસેથી બાયબૅક કરે છે. આ સ્થિતિમાં કંપનીએ ૨૩.૩ ટકા લેખે કરવેરો ચૂકવવો પડે છે અને શૅરધારકે પણ કૅપિટલ ગેઇન્સ ટૅક્સ ભરવો પડે છે. આમ, આ એક જ પ્રકારના વ્યવહાર પર બે વખત કરવેરો લાગુ પડે છે. સરકારે ડિવિડન્ડ પર જે રીતે કરવેરો લાગુ થાય છે એ જ રીતે લાગુ કરવો જોઈએ. ડિવિડન્ડ શૅરધારકના હાથમાં આવે ત્યારે કરપાત્ર બને છે, કંપનીને કોઈ કરવેરો લાગુ પડતો નથી.
એમ્પ્લૉઇઝ પ્રોવિડન્ટ ફન્ડ (ઈપીએફ) પરનું વ્યાજ : ઈપીએફમાં ૨.૫ લાખ રૂપિયા કરતાં વધુ કૉન્ટ્રિબ્યુશન કરવામાં આવે તો એમાં મળતું વ્યાજ કરપાત્ર બને છે. સરકારે એ સ્પષ્ટતા કરી નથી કે ઉપાડ વખતે એને એક્રુઅલ આધારે કરવેરો લાગુ કરવો જોઈએ. સરકાર પાસેથી એવી અપેક્ષા છે કે એ ઉપાડ વખતે વ્યાજની આવક પર કરવેરો લાગુ કરે.
આ પણ વાંચો : શું તમે પોતાના ‘નાણાકીય બંધારણ’નો અમલ કર્યો છે?
એચઆરએના ડિડક્શનનો લાભ : પગારદાર કર્મચારીઓની અપેક્ષા છે કે એચઆરએ (હાઉસ રેન્ટ અલાવન્સ)ની ગણતરી કરવા માટે મેટ્રો શહેરોની વ્યાખ્યામાં ફેરફાર કરવામાં આવે. હાલ ફક્ત દિલ્હી, મુંબઈ, કલકત્તા અને ચેન્નઈને મેટ્રો શહેર ગણવામાં આવે છે. આથી ફક્ત આ શહેરોના કર્મચારીઓને એચઆરએનો લાભ મળે છે. વાસ્તવમાં હવે બૅન્ગલોર અને પુણે જેવાં શહેરોમાં પણ ભાડાના રહેણાંકનો ખર્ચ વધી ગયો છે. આ શહેરોમાં પણ બહારગામથી કર્મચારીઓ નોકરી કરવા આવે છે. આથી આવાં શહેરો માટે પણ એચઆરએનો લાભ આપવાની શરૂઆત કરવી જોઈએ.
ઘર ખરીદનારાઓ માટે કરવેરામાંથી મુક્તિ : પગારદાર લોકો જ્યારે ઘર ખરીદે છે ત્યારે એમને હોમ લોન પર મળતી રિબેટ ઘણી રાહત આપે છે. આ વખતે સરકાર કલમ ૨૪બી હેઠળ મળતું હોમ લોનના વ્યાજ માટેનું ડિડક્શન બે લાખ રૂપિયાથી વધારીને પાંચ લાખ રૂપિયા કરે એવી અપેક્ષા છે. આ જ રીતે કલમ ૮૦સી હેઠળ લોનની મુદ્દલની ચુકવણી માટેની ૧.૫ લાખ રૂપિયાની મર્યાદા વધારીને ત્રણ લાખ રૂપિયા કરવામાં આવે એવી અપેક્ષા છે.
અન્ય ડિડક્શન : સરકારે ૫૦,૦૦૦ રૂપિયાના એકરકમી સ્ટાન્ડર્ડ ડિડક્શનના સ્થાને પગારની ટકાવારી તરીકે આ ડિડક્શન આપવું જોઈએ. સરકારે કલમ ૮૦સી હેઠળ મળતા ડિડક્શનની મર્યાદા ૧.૫ લાખથી વધારવી જોઈએ. આ જ રીતે કલમ ૮૦ડી હેઠળ આરોગ્ય વીમાના પ્રીમિયમ માટેનું ડિડક્શન પણ વધારી દેવું જોઈએ, કારણ કે કોવિડ પછી આરોગ્ય વીમા કંપનીઓએ પ્રીમિયમમાં વધારો કર્યો છે. લઘુતમ રિસ્ક કવર પણ વધારી દેવામાં આવ્યું છે.
પર્સનલ લોન પરનું એક્ઝૅમ્પ્શન : હાલ દેશમાં થતા કુલ ધિરાણમાં ૩૫ ટકા હિસ્સો શૈક્ષણિક લોન અને પર્સનલ લોનનો છે. આવકવેરા ધારાની કલમ ૮૦ઈ હેઠળ ફક્ત શૈક્ષણિક લોન પરના વ્યાજને એક્ઝૅમ્પ્શન મળે છે. પર્સનલ લોન પર નથી મળતું. સરકારે એમાં પણ હવે એક્ઝૅમ્પ્શન આપવું જોઈએ.
આપણે અપેક્ષાઓ તો માફકસરની અને વાજબી જ વ્યક્ત કરી છે. જોઈએ કે સરકારના મનમાં શું વસ્યું છે.