ગુરુવારે સાંજે પૂરા થયેલા ૨૪ કલાકના સમયગાળામાં તમામ મુખ્ય ક્રિપ્ટોકરન્સીના ભાવમાં નોંધનીય ઘટાડો થયો હતો
પ્રતીકાત્મક તસવીર
અમેરિકન ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં કરેલા ઘટાડાની અસર ઇક્વિટી માર્કેટની સાથે-સાથે ક્રિપ્ટોકરન્સી માર્કેટ પર પણ થઈ છે. ગુરુવારે સાંજે પૂરા થયેલા ૨૪ કલાકના સમયગાળામાં તમામ મુખ્ય ક્રિપ્ટોકરન્સીના ભાવમાં નોંધનીય ઘટાડો થયો હતો. હાલમાં સતત વધી રહેલા એક્સઆરપીમાં આશરે ૮ ટકા ઘટાડો થઈને ભાવ ૨.૨૮ ડૉલર પર પહોંચ્યો હતો. બિટકૉઇનમાં ૩.૬૮ ટકાના ઘટાડા સાથે ભાવ ૧,૦૦,૧૩૮ ડૉલર અને ઇથેરિયમમાં ૭.૦૩ ટકાના ઘટાડા સાથે ૩૫૮૬ ડૉલરનો ભાવ નોંધાયો હતો. બીએનબીમાં ૩.૯૭ ટકા, સોલાનામાં ૬.૭૧, ડોઝકૉઇનમાં ૧૦.૩૦, કાર્ડાનોમાં ૯.૦૭, ટ્રોનમાં ૪.૯૬, ચેઇનલિન્કમાં ૧૧.૪૯, શિબા ઇનુમાં ૯.૫૯ અને ટોનકૉઇનમાં ૮.૦૫ ટકા તથા અવાલાંશમાં ૧૧.૨૪ ટકા ઘટાડો થયો હતો.
દરમ્યાન એક અહેવાલ મુજબ ઉત્તર કોરિયા સાથે સંબંધ ધરાવતા હૅકર્સે ૨૦૨૪માં અત્યાર સુધીના સૌથી મોટા પ્રમાણમાં ક્રિપ્ટોકરન્સી પ્લૅટફૉર્મ પરથી ક્રિપ્ટો ગાયબ કર્યા છે. વર્ષ દરમ્યાન ૨.૨ અબજ ડૉલર મૂલ્યના ક્રિપ્ટોકરન્સી કૉઇનની ચોરી થઈ હતી, જેમાંથી અડધા કરતાં વધારેની ચોરી ઉત્તર કોરિયાના હૅકર્સે કરી છે.